" સમર્પણ " પ્રકરણ-9
આપણે પ્રકરણ-8 માં જોયું કે અનિષના કાકાનો દિકરો સંજય અવાર-નવાર અનિષના ઘરે આવતો અને નમ્રતા તેમજ સંજય સારા એવા મિત્ર પણ હતા એટલે નમ્રતા અનિષની ગેરહાજરીમાં સંજય સાથે હસી-મજાક પણ કરી લેતી જે તેની જેઠાણી નીમાને બિલકુલ ખમાતુ નહિ એટલે તેણે બંનેની ખોટી વાત પણ ઉડાડી હતી પણ અનિષ પોતાની નમ્રતાને સારી રીતે ઓળખતો હતો તેથી તેણે નીમાની વાતને જડમૂળથી વખોડી કાઢી અને ફરીથી કોઈપણ દિવસ પોતાની પત્ની ઉપર કોઈએ આવો આરોપ લગાવવો નહિ કે આવી કોઈ વાત પણ ઉડાડવી નહિ તેમ પણ કહી દીધું. હવે આગળ....
અનિષ પોતાના ધંધામાં ખૂબજ આગળ વધી રહ્યો હતો અને સારા એવા પૈસા પણ કમાઈ રહ્યો હતો. સમય પસાર થયે જતો હતો નમ્રતા ભારે પગે હતી ઘરમાં ખૂબજ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
નીમાના લગ્નને પાંચેક વર્ષ થયા હતા,નીમાએ અને તેના પતિ આનંદે સંતાનપ્રાપ્તિ માટે પથ્થર એટલા દેવ કર્યા હતા અને લેટેસ્ટ ટ્રીટમેન્ટ પણ કરાવી હતી અને પૈસા ખર્ચ કરવામાં જરા પણ પાછીપાની કરી ન હતી પણ તેનું કંઈ રિઝલ્ટ મળતું ન હતું. પણ નમ્રતાને પગલે પગલે નીમા પણ લગ્નના પાંચેક વર્ષ પછી ભારે પગે હતી. તેથી ઘરમાં બધાની ખુશી બમણી થઈ ગઈ હતી. હવે તો ઈલાબેન અને જીવણશેઠના ઘરમાં એકસાથે બે પારણાં બંધાવાના હતા.
નીમાને ઘણાં વર્ષો પછી દિવસો રહ્યા હતા એટલે ડૉક્ટરે પણ તેને પોતાની તબિયત ખૂબ સાચવવા કહ્યું હતું. તેથી તે ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે જ હતી. નિલમ અને નમ્રતા નીમાની ખૂબ કાળજી રાખતા હતા. અને ઘરના દરેક સભ્યો પણ નીમાની ખૂબ કાળજી રાખતા હતા. આટલા બધા વર્ષો પછી પોતે માતા બનવાની છે તે વિચારે નીમા અને આનંદની ખુશીનો કોઈ પાર ન હતો અને નીમા આવનાર બાળક માટે તૈયારી કરી રહી હતી. ઘણાંબધા પ્રશ્નો તેને મૂંઝવી રહ્યા હતા, વિચારી રહી હતી કે પોતાની કૂખે દિકરો અવતરશે કે દીકરી અને પછી બાળકના સ્વપ્નમાં ખોવાઈ જતી હતી કે દિકરો આવશે તો હું તેનું આ નામ રાખીશ અને દીકરી આવશે તો હું તેનું આ નામ રાખીશ.
નમ્રતા અને અનિષ પણ પોતાના દિકરાના સ્વપ્ન જોઈ રહ્યા હતા. અને તેના માટે ઘણું બધું વિચારી રહ્યા હતા. નમ્રતાને દિકરો જોઈતો હતો અને અનિષને નાની લાડકવાઇ મીઠી-મધુરી દીકરી જોઈતી હતી. બંનેએ દિકરા-દીકરીનું નામ પણ વિચારી રાખ્યું હતું અને દિકરો આવશે કે દીકરી તે વાત ઉપર બંને ઝઘડો પણ કરી રહ્યા હતા. બંનેના પ્રેમના પરિણામરૂપ જો દિકરો આવે તો ' પ્રેમ ' અને દીકરી આવે તો ' ખુશી ' નામ પાડવું તેમ નક્કી પણ કરીને રાખ્યું હતું. હવે બસ, આતુરતાથી તે દિવસની રાહ જોવાઈ રહી હતી.
જીવરામશેઠના ઘરમાં જે મંદિર હતું ત્યાં રોજ સવાર-સાંજની આરતી નમ્રતા કરતી અને આખાય ઘરનું વાતાવરણ નમ્રતાની ભાવપૂર્વકની આરતીથી ગુંજી ઉઠતું હતું. રોજ રાત્રે જમ્યા બાદ ઘરના બધાજ સભ્યો ચોકમાં ભેગા થતા અને નમ્રતા રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથનું પઠન કરતી અને ઘરના બધાજ સભ્યો શાંતિ થી અને પ્રેમથી તેનું શ્રવણ કરતાં. આમ સુખના દિવસો ખૂબજ ઝડપથી પસાર થઈ રહ્યા હતા. અને બંનેના ખોળો ભરતનો દિવસ પણ આવી ગયો હતો. ધામધૂમથી બંનેના ખોળો ભરતની વિધિ કરવામાં આવી અને આખાય ઘરના સભ્યોએ પ્રભુને પ્રાર્થના કરી કે બંનેની તબિયત હેમખેમ રહે અને બંને વહુઓ સુંદર બાળકને જન્મ આપી, માતા બનવાની અધિકારી બને.
નીમા અને નમ્રતા બંનેએ પહેલી વખતની ડીલીવરી માટે પોતાને પિયર જ જવાનો આગ્રહ રાખ્યો તેથી ઈલાબેન, જીવરામશેઠ તેમજ ઘરના તમામ સભ્યોએ આશીર્વાદ આપી બંને વહુઓને સુખરૂપ વિદાય આપી.
વધુ આગળના પ્રકરણમાં.....