શ્યામલીની મહેંદીની રસમની વાત આપણે જાણી એક રમણી રાધા એના શ્યામને મળવા આતુર છે એ શ્યામલીની તડપ બતાવી ગઈ હવે આગળ..
આજ વીરસંગનો માંડવો રોપાવાની તૈયારીઓ થઈ રહી છે. વીરસંગ સવારે ઊઠી દૈનિક ક્રિયાઓ પતાવીને નવા વસ્ત્રો ધારણ કરે છે કે તબડક તબડક કરતી એક કાળા ઘોડાવાળી બગી એ ધજાપતાકા, આસોપાલવના તોરણ અને ફૂલોથી મઢેલી હવેલીના આંગણે ઊભી રહે છે.. હાં, એમાં રૂકમણીબાઈ આવી હતી.વીરસંગ તો એની માતાને જોઈ ગદગદ થઈને પગે પડી ગયો. એ આશ્વર્યચકિત થઈ ગયો કારણ એની માતાને લેવા જનાર ખુદ જુવાનસંગ પોતે હતો..
આજ વીરસંગને એના કાકા પ્રત્યે કંઈક વધારે જ લગાવ થયો. દુનિયાને મોઢે તાળું મારવા જમીનદાર પોતે એની ભાભીમાને લાવવા ગયો હતો એટલે એનો એક ઉપકાર ફરી એકવાર વીરસંગને માથે સરતાજ થયો. આવો સરસ વિચાર આપવાવાળો ચતુર દાઢી જ હતો. સવારના સૂરજ ઊગ્યા પહેલા મમતાળી માતાને નિહાળતો વીરસંગ આજ હવે સાતમા આસમાને પહોંચેલો સૂરજ જ હતો..
રૂકમણીબાઈને પણ નવા વસ્ત્રો પહેરવા આપવામાં આવે છે. જે સંપૂર્ણ શ્યામ રંગના જ હોય છે. એની દેરાણીઓ સોનાના ઘરેણાથી લદાયેલી હોય છે. ફૂલોની વેણી, હાથમાં મહેંદી અને સોળે જાતના શણગાર જમીનદારનો વૈભવ જ પ્રકટ કરતો હતો.
રૂકમણીબાઈને માનભેર એક મોટી ગાદલી ઢાળેલી ખુરશીમાં બેસાડી બધાની આગતા સ્વાગતાની જવાબદારી સોંપી દેવામાં આવે છે. એ બિચારી તો બે હાથ જોડી બધાને ' આવો આવો ' એવો ભાવ દેખાડે છે સાથે ભગવાનને પ્રાર્થના કરે છે કે આખો પ્રસંગ નિર્વિધ્ને પૂર્ણ થાય. મોંઘેરા મહેમાન અને ભાવભર્યા ભોજન અને મનના ઉમંગથી મંડપ વિધી સાથે પીઠી પણ ચોળવામાં આવે છે. આખો દિવસ આમ જ ઉત્સાહમાં પસાર થાય છે..
આ બાજુ શ્યામલીના આંગણે પણ મંડપ રોપાવાનાં છે તો આખું ગામ હિલોળે ચડ્યું છે. બધા શ્યામલીના માતા-પિતાને વધાઈ આપવા આવે છે. શ્યામલી માટે સુંદર સુંદર ભેટ સોગાદો પણ લાવે છે. આજ શ્યામલી એક નવલા જીવનને વધાવવાના પહેલા પગથિયે પહોંચી છે. આજ એ ગંભીરતા સાથે સજેધજે છે. મોગરા-ગુલાબની વેણી, લીલી પીળી ઓઢણી અને લાલ કંચુકી સાથે ઘમ્મર ઘાધરીયે એ રૂપસુંદરી આજ ભલભલાને આંજી દે એવી દેવી સ્વરૂપ લાગે છે.
ગોરમહારાજ પૂજાની સામગ્રી સાથે પહોંચે છે. ચંદા પોતે પણ જરીવાળું ઓઢણું પહેરી એની લાડકીને ચોખલિયે વધાવે છે. ઓવારણા પણ લે છે. ગામની સધવાઓ પણ કુમકુમ કેરા તિલકથી શ્યામલીના નવા જીવનમાં સૌભાગ્યનો રંગ પૂરે છે.
કાળુભા અને ચંદા બેય આંગણે આવેલ તમામ મહેમાનો, ગામના ગરાસિયાઓ, ચારણ , ભરવાડ તમામ નાના મોટા વ્યક્તિઓને માનભેર આવકારી મીઠા કંસાર જમાડે છે એની લાડળીના હરખનાં.. બધા દિલથી આશિષ આપે છે કે શ્યામલીના હર કોઈ સપનાં સાકાર થાય અને એ સાસરીયે સુખી સુખી જીવન વ્યતિત કરે..
સંધ્યા સમયે મામેરા,પીઠીની વિધી કરવામાં આવે છે અને અંતે ગણેશજીના ગીતો આવા માંગલિક પ્રસંગોને ખૂબ ખૂબ શુભ બનાવે છે..
આજ શ્યામલીની આ છેલ્લી રાત છે માવતરના આંગણે કુંવારી કન્યાની દ્રષ્ટિએ. હવે એ વીરસંગની નવવધૂ બનીને આવનારી સ્ત્રી હશે...આજ એની સખીઓ સાથે કાલના દિવસ માટે શુભકામનાઓ માંગે છે જગદંબા સમક્ષ..
બધી સખીઓ સાથે પોતાના હાથ નિહાળતા નિહાળતા શ્યામલી ગણગણે છે મનમાં જ
રંગીન હાથ
કેસરીયાને નામ
સુંદર શોભે
મિંઢોળ બાંધી
મહેંદી જોવે આજ
પિયુશમણા
લીલી મહેંદી
ખીલે હથેળી રાતી
મીઠી મહેંકે
જાનેરી જાન
લાવશે કેસરીયો
હૈયે તડપ
ફરશું ફેરા
સાત જન્મ સાથ
પકડી હાથ
દેશું વચન
સાથ સહવાસના
હસતા હોઠે
આમ જ, એ રાતનો ચાંદો ઊગ્યો છે અને કોકની આંખે ઊંધ નથી એ વ્યક્તિ છે વીરસંગ..એ પણ અધીરો એની પ્રિયતમાને પામવા અને લાવવા ઉત્સુક છે. મનને મનાવે છે કે આજ એક જ રાત એકલતાની છે કાલ તો જીવનસંગિની સાથે જ હશે.. એ પણ શ્યામલીને યાદ કરતા કરતા દિલને ( શ્યામલીને) ફરિયાદ કરે છે.
તું ન સમજે
વેદના નો ભંડાર
પહેલો પ્રેમ
કાશ હું તડપુ
ઔષધ સમ વરસે
પહેલો પ્રેમ
કાશ હું છલકુ
હથેળીઓમાં ઝીલે
પહેલો પ્રેમ
કાશ હું ભટકું
નયનોમાં ટપકે
પહેલો પ્રેમ
કાશ હું ચમકું
આકાશે એ નિરખે
પહેલો પ્રેમ.....
આમ જ , આંખોમાં ઊંધ નથી અને સવારની રાહ છે...આવતા ભાગમાં બેયનું મિલન થશે એ માટે નવા ભાગની રાહ જોઈએ...
------------ ( ક્રમશઃ) -----------
લેખક : શિતલ માલાણી
૧૦-૧૦-૨૦૨૦
શનિવાર