Motherhood in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | માતૃત્વ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

માતૃત્વ

" ગુંજન આવતીકાલે તારી મમ્મીની પૂણ્યતિથિ છે એ તને યાદ તો છે ને ? " જયંતભાઈએ સવારમાં ચા પીતા પીતા જ દીકરાની વહુને પૂછ્યું.

" અરે પપ્પા.... મમ્મીને થોડી ભૂલી જવાય ? મેં ઋષિકેશભાઈ ને જમવાનું પણ કહી દીધું છે. તિથિ ના દિવસે બ્રાહ્મણ તો જમાડવો પડે ને ? "

" એ બહુ સારું કર્યું બેટા. બ્રાહ્મણને જમાડવાનો શોખ કામિનીને પણ બહુ જ હતો. કંઈ પણ પ્રસંગ હોય ઋષિકેશ ભાઈ ને આમંત્રણ હોય જ. "

" દાદા કાલે જમવાનું શું બનશે ? " નાનકડી રિવા એ ટહુકો કર્યો.

" તિથિમાં તો દૂધપાક પુરી જ હોય બેટા !! તને કંઇ ખાવાની ઈચ્છા હોય તો ગુંજન ને કહી દેજે... બનાવી દેશે" જયંતભાઈ એ છ વર્ષની પૌત્રીને કહ્યું.

" પપ્પા આજકાલ કરતા એક વર્ષ પૂરું થયું પણ મમ્મી ભુલાતા જ નથી. મને તો હજુ પણ ઘરમાં હરતાં ફરતાં જ લાગે છે. માને તો મેં જોઈ જ નહોતી. સાસુ એ જ મને માના તમામ લાડ પુરા કર્યા. " ગુંજન બોલી.

" તે કરે જ ને ? તને અમે વહુ માની જ નથી બેટા. તારા જન્મ પછી છ મહિનામાં તારી મમ્મી ગુજરી ગઈ. તારા પપ્પા શરદભાઈએ મા બનીને તને ઉછેરી. ત્રણ વર્ષની થયા પછી તો તું અમારા ઘરમાં જ મોટી થઈ છે . તું અને પલ્લવ ભેગા જ રમતા "

" તને યાદ છે ગુંજન ? તું જ્યારે પાંચ છ વર્ષની હતી અને કામિનીનો જન્મદિવસ આવતો હતો એટલે આગલા દિવસે તે તારા હાથે પલ્લવની નોટબુક નો કાગળ ફાડી એમાં રંગીન પેન્સિલથી એક ફૂલ દોરેલું અને તારા ગડબડીયા અક્ષરોથી ' હેપી બર્થ ડે મમ્મી ' લખીને એ કાર્ડ મને છુપાવી દેવા આપેલું !!! બીજા દિવસે સવારે જન્મદિવસે એ કાર્ડ મમ્મી ને આપીને તે બર્થ ડે વિશ કરેલો. કામિનીની આંખમાં ત્યારે પાણી આવી ગયેલા. "

" હા પપ્પા મને તો યાદ છે. ગુંજન ને કલર પેન્સિલ મેં જ આપેલી. " પલ્લવ બોલ્યો.

" મમ્મીએ તે દિવસે સ્પેશિયલ મારા માટે કેક પણ બનાવેલી. " ગુંજને કહ્યું.

લગભગ 30 વર્ષ પહેલાંની વાત !! 1970 માં જયંતભાઈ છાયાની ટ્રાન્સફર એ.સી.સી સિમેન્ટ ફેક્ટરી પોરબંદર થઈ. એ સમયે દ્વારકા સેવાલિયા અને પોરબંદરમાં અંદરો અંદર ટ્રાન્સફર થતી. ત્યાં હાજર થતાં જ જયંતભાઈ ને સિમેન્ટ કોલોનીમાં ક્વાર્ટર પણ મળી ગયું.

જયંતભાઈ બક્ષી નાગર હતા. એમના ક્વાર્ટર થી ચોથું ક્વાર્ટર શરદભાઈ વૉરા નું હતું જે પણ નાગર હતા. એક જ ઓફીસ અને પાછા પાડોશી !! થોડા દિવસોમાં જ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. શરદભાઈ કેશિયર હતા તો જયંતભાઈ વહીવટી શાખામાં હતા.

જયંતભાઈ ના વાઈફ કામિનીબેન એક સજ્જન ગૃહિણી હતા. એમને જ્યારે ખબર પડી કે શરદભાઈ ના વાઈફ ગુજરી ગયેલા છે અને એમને ત્રણ વર્ષની બેબી છે તો એમણે તરત જ એમના પતિ જયંતભાઈ ને કહેલું કે - 'બેબી ભલે આપણા ઘરે જ રહેતી. એ પણ નાગર કન્યા જ છે ને ? બાળકોને મોટા કરવાનું કામ શરદભાઈ નું નથી. '

શરદભાઈ એ શરૂઆતમાં તો આનાકાની કરી પણ પછી દીકરીના હિતમાં એ માની ગયા. જયંતભાઈ ને પાંચ વર્ષનો દીકરો પલ્લવ પણ હતો એટલે એને પણ એક કંપની મળી. આમ ગુંજન દસ વર્ષ ની થઈ ત્યાં સુધી જયંતભાઈ ના ઘર માં જ મોટી થઈ.

1977 માં અચાનક એક દિવસ શરદભાઈની બદલી દ્વારકા થઈ ગઈ. કામિનીબેને ઘણો આગ્રહ કર્યો કે ગુંજન ભલે અમારા ઘરે જ રહેતી પણ શરદભાઈને એકની એક દીકરીને મૂકીને જતાં જીવ નહોતો ચાલતો. એટલે ગુંજન છૂટી પડી ગઈ.

1984/85 માં સિમેન્ટ ફેક્ટરીની હાલત કથળવા માંડી એટલે અમુક સ્ટાફ ને વી.આર.એસ. સ્કીમ હેઠળ છૂટો કર્યો. જયંતભાઈ જે મળી એ રકમ લઈને પોતાના વતન અમદાવાદ આવી ગયા.

દ્વારકા ફેક્ટરી પણ બંધ થઈ જતા શરદભાઈ પણ પોતાના વતન જુનાગઢ જતા રહ્યા. બંને મિત્રો વચ્ચે વર્ષો સુધી પત્ર વ્યવહાર ચાલ્યા કર્યો. જયંતભાઈએ અમદાવાદ આવીને જે પણ મૂડી મળી હતી એમાંથી એક પ્રોવિઝન સ્ટોર ચાલુ કર્યો જે ધીમે ધીમે ખૂબ સારો જામી ગયો. એમણે એક નવો ફ્લેટ પણ લીધો.

આ બાજુ શરદભાઈ જૂનાગઢ આવીને કંઈ કરી શક્યા નહીં. બે વર્ષ માટે એક પ્રાઇવેટ જોબ મળેલી પણ એમાં એમને બિલકુલ મજા ન આવી. શરદભાઈ ની આર્થિક હાલત દિવસે દિવસે કથળવા લાગી. બાર વર્ષ પછી અચાનક એક દિવસ શરદભાઈ નું બ્રેઈન હેમરેજથી અવસાન થઈ ગયું. ગુંજન સાવ એકલી પડી ગઈ. એના કાકા કાકી જુનાગઢમાં જ રહેતા હતા પણ એમની સાથે શરદભાઈ ને સારા સંબંધો નહોતા. લોકલાજે કાકા કાકી ગુંજન ને એમના ઘરે લઈ ગયા.

અવસાનના સમાચાર મળ્યા ત્યારે જયંતભાઈ અને કામિનીબેન તરત જ જૂનાગઢ પહોંચી ગયા. પલ્લવ પણ સાથે ગયેલો. ગુંજનને થોડીક આર્થિક મદદ પણ કરી. ગુંજન ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી એટલું જ નહીં 22 વર્ષની ગુંજન નું સૌંદર્ય પણ પૂરબહાર માં ખીલી ઉઠ્યું હતું . એ અદ્ભુત દેખાતી હતી. પલ્લવ તો એને જોઈને પાગલ જ થઈ ગયો.

પ્રસંગ એવો હતો એટલે એ વખતે તો બીજી કોઈ ચર્ચા ત્યાં ન થઈ પણ ઘરે આવીને ગુંજન ના સૌંદર્યની ચર્ચા ઘરમાં જરૂર ચાલી.

" હું તો કહું છું છ મહિના થઈ જાય એટલે તમે જુનાગઢ જઈ આવો. એના કાકા કાકી ને મળો. ગુંજન નો તો ના પાડવાનો કોઈ સવાલ જ નથી. અને આપણા ઘરમાં શું ખોટ છે ? આવી જાણીતી અને સંસ્કારી દીકરી ઘરમાં આવશે તો આપણા ઘરની શોભા વધશે. એનું રૂપ પણ કેવું ખીલ્યું છે ? અને આપણા પલ્લવ ને પણ એ બહુ ગમી ગઈ છે. હું એની મા છું. એનો ચહેરો જોઈને જ હું સમજી ગઈ હતી. "

ધાર્યા કરતાં વાત ખૂબ સહેલાઇથી પતી ગઈ. લગ્નનો તમામ ખર્ચ જયંતભાઈએ ઉપાડી લેવાની વાત કરી. એનાં કાકા કાકી ને તો છોકરી નો ખર્ચો બચ્યો. એ લોકો તરત સંમત થઈ ગયા અને ધામધૂમથી પલ્લવ અને ગુંજન નાં લગ્ન થઈ ગયાં.

કામિનીબહેને ઘરમાં એને દીકરી નું સ્થાન આપ્યું. મા વગરની દીકરી હતી એટલે સૌ પહેલાં તો તમામ રસોઈ કરતાં શીખવાડ્યું. એકદમ સોફ્ટ ભાખરી કઈ રીતે બનાવવી. ચણાના લોટથી ભરેલા શાક કઈ રીતે બનાવવા. ઢોકળાં કઈ રીતે બનાવવાં. પલ્લવ ની પ્રિય દાળઢોકળી કઈ રીતે બનાવવી. ઘરમાં કચરા-પોતાં કેવી રીતે કરવા. તમામ નાની નાની બાબતો સાથે ઉભા રહીને શીખવાડી.

ગુંજન તમામ કામોમાં એકદમ નિષ્ણાત થઈ ગઈ. કોઈની પણ નજર લાગી જાય એવી સાસુ વહુ ની જોડી હતી. કામિનીબેન ક્યારે પણ એને ઊંચા સાદે બોલ્યા નહોતા. પલ્લવ સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયો હતો અને સારામાં સારા પગારની એની પણ જોબ હતી.

કિલ્લોલ કરતા આ સુખી પરિવારમાં એકવાર એક દુર્ઘટના બની. ગુંજન 3 વર્ષની નાનકડી રિવાને લેવા માટે એકટીવા ઉપર જઈ રહી હતી ત્યારે ચાર રસ્તા ઉપર અચાનક બેફામ ધસી આવતી એક હોન્ડા સીટી કારે ગુંજનને ટક્કર મારી. ગુંજન ઉછળીને 10 ફૂટ દૂર પડી. લોકો ભેગા થઇ ગયા અને તત્કાલ એને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં લઈ ગયા.

ગુંજન બચી તો ગઈ હતી પણ એની કરોડરજ્જુને સારી એવી ઈજા પહોંચી હતી અને નીચેના છેલ્લા ત્રણ મણકા તૂટી ગયા હતા. સ્પાઈન નું ઓપરેશન ત્રણ કલાક ચાલ્યું. ગુંજન હાલીચાલી શકે તેમ નહોતી. ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ હતો. પથારીમાં બેઠા પણ નહીં થવાનું અને પડખું પણ નહીં ફેરવવાનું.

કામિનીબહેને એક નર્સ ની જેમ સંપૂર્ણ જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી. તમામ સેવાઓ એ જાતે કરતા. રોજ બ્રશ કરાવવું, ચા પીવરાવવી , ડાઇપર બદલવા, આખા શરીરે સ્પંજ કરવું, કપડા બદલાવવા. ત્રણ મહિના સુધી એમણે ગુંજન ની સેવા કરી.

ગુંજન સાસુની આવી અદ્ભુત સેવા જોઈ રહી હતી. એ લાચાર હતી. એની આંખોમાં ક્યારેક-ક્યારેક આસું આવી જતા કે આ બધાનો બદલો હું કઈ રીતે વાળીશ !!

ત્રણ મહિના પછી ધીમે ધીમે ગુંજન હરતીફરતી થઇ ગઇ અને છ મહિનામાં તો એકદમ નોર્મલ થઈ ગઈ.

વધુ પડતા કામના કારણે અને દોડાદોડી ના કારણે કામિનીબેન હવે બ્લડપ્રેશરના પેશન્ટ બની ગયા હતા. ગુંજન એમને હવે મોટેભાગે આરામ કરવાનું જ કહેતી.

તબિયત એકવાર બગડવાનું ચાલુ કરે પછી એ બગડતી જ રહે છે. કામિની બહેન ની ઉંમર 58 તો થઇ જ ગઇ હતી. એમની કિડની નબળી પડતી જતી હતી. ક્રિએટિનાઇન વધતું જતું હતું. નેફ્રોલોજીસ્ટ ને પણ બતાવ્યું પણ કોઈ ખાસ સુધારો ન થયો.

ધીમે ધીમે ડાબી બાજુની કિડની કામ કરતી બંધ થઇ ગઇ અને ડાયાલિસિસની જરૂર પડી. શરૂઆતમાં મહિનામાં એકવાર ડાયાલિસિસ કરાવવું પડતું જે હવે મહિનામાં બે વાર કરાવવું પડતું. વારંવાર ડાયાલિસિસ ના કારણે એમનું શરીર સાવ કૃશ થઈ ગયું. ચાલવામાં પણ તકલીફ પડવા લાગી. હાંફ ચડવા લાગી.

કામિનીબેન ને મનોમન લાગ્યું કે હવે ચાર છ મહિનાથી વધુ આયુષ્ય નથી ત્યારે એક દિવસ એમણે બપોરના સમયે ગુંજન ને પોતાના બેડરૂમમાં બોલાવી. પલ્લવ ત્યારે ઓફિસે હતો.

" જો બેટા મારી જિંદગીનું હવે કંઈ નક્કી નથી. ગમે ત્યારે કંઇ પણ થઇ શકે. મારે તને એક વાત કહેવાની છે...... ઘણા સમયથી હું અસમંજસમાં હતી. વાત કરવાથી કોઈ ફરક પડવાનો નથી પણ વાત ન કરવાથી મને પોતાને ચેન પડતું નથી. એટલે તારા સસરા એ પણ મને કહ્યું કે 'તું એકવાર ગુંજન સાથે આ બાબતની વાત કરી લે એટલે તને શાંતિ થાય.'

" એવી તે કેવી વાત છે મમ્મી ? હું તો ખરેખર ટેન્શનમાં આવી ગઈ છું. " ગુંજન બોલી

" અરે બેટા... તને ટેન્શન થઈ જાય એવી કોઈ વાત જ નથી. મેં તો તને દીકરી માની છે એટલે મારા દિલ નો ભાર હળવો કરવા માગું છું. "

" જો આ વાત હું અને જયંત બે જ જણા જાણીએ છીએ. પલ્લવ ને પણ આજ સુધી ખબર નથી અને એને કહેવાની કોઈ જરૂર પણ નથી. વાત તારે જાણવી જોઈએ એટલે તને કહેવાની મારી ફરજ બને છે. "

" પલ્લવ મારો પોતાનો દીકરો નથી. એ જ્યારે એક વર્ષનો હતો ત્યારે એને અમે બાળકોના અનાથ આશ્રમમાંથી કાયદેસર દત્તક લીધેલો છે. પલ્લવને આ વાતની આજ સુધી કંઈ જ ખબર નથી અને તારે કંઈ કહેવાનું પણ નથી"

" મારા ગર્ભાશયમાં બહુ મોટો પ્રોબ્લેમ હતો. એટલે ચાર વર્ષના દાંપત્ય જીવન પછી પણ સંતાન ન થયું તો મેડિકલ ચેકઅપ કરાવતા આ બાબત સામે આવી. હું મા બની શકું એમ નહોતી. મેં અને જયંતે સાથે જ નિર્ણય લીધો. અમે અમદાવાદ અનાથાશ્રમમાં જઈને એક બાળકને દત્તક લીધું અને પલ્લવ નામ આપ્યું. અમે બંનેએ એને મા-બાપનો ભરપૂર પ્રેમ આપ્યો છે. "

" શરદભાઈ ના ઘરે તને પહેલી વાર જોઈ ત્યારે મારી મમતા છલકાઈ ઊઠી. તારામાં નાગરનું લોહી હતું. મા વગરની દીકરી ને જોઈને મને તને પણ ઉછેરવાનું મન થયું. મેં તને દીકરીની જેમ મોટી કરી. દીકરો ભલે નાગર નથી પણ અમારી આગળની પેઢીમાં પણ નાગર નું લોહી અને સંસ્કારો આગળ વધે એટલા માટે વહુ તરીકે તારી જ પસંદગી કરી બેટા. "

" હવે આ વાત જાણ્યા પછી તારા મનમાં મારા દીકરા તરફના પ્રેમમાં કોઈ ફરક પડવો ના જોઈએ ગુંજન " કામિનીબેન લાગણીથી બોલ્યા.

" અરે આ શું બોલ્યા મમ્મી ? તમે તો આટલા બધા વર્ષોથી મને જાણો છો !!"

" મને પૂરો વિશ્વાસ છે બેટા પણ હું પણ એક મા છું ને ? "

" ચિંતા નહીં કરો મમ્મી. મારા અને પલ્લવના પ્રેમમાં કોઈ ફરક નહીં પડે. તમે સાચી વાત કરીને તમારું દિલ હલકું કરી દીધું પણ હું આ વાત અત્યારે જ કાયમ માટે ભૂલી જઈશ " ગુંજને હસીને કહ્યું.

" મમ્મી એક વાત કહું ? મેં તમારા જેવી પ્રેમાળ સ્ત્રી દુનિયા માં બીજી કોઈ જોઈ નથી. આખા ય જગતનું માતૃત્વ તમારામાં સમાઈ ગયું છે મમ્મી !!! એક અનાથ બાળકને તમે મા કરતાં પણ અધિક પ્રેમ આપ્યો. મારા જેવી મા વગરની દીકરીને પણ એટલા જ પ્રેમથી ઉછેરી. વહુ બનાવ્યા પછી પણ દીકરીની જેમ મારી સેવા કરી. તમારા માતૃત્વને સલામ કરવાનું મન થાય છે મા !!, "

પણ માતૃત્વની આ મૂર્તિ લાંબો સમય જીવી ના શકી. બીજી કિડની ઉપર પણ લોડ વધવા લાગ્યો અને ચારેક મહિના પછી કામિનીબેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

સગી મા ગુમાવવાનો આઘાત ત્યારે ગુંજન ને લાગ્યો. મા નો મમતાભર્યો હાથ હંમેશના માટે શાંત થઈ ગયો. વાત્સલ્યની મૂર્તિ મમ્મી ડેડબોડી થઈ ગયા હતા !!

ખૂબ જ રડવું હતું ગુંજન ને પણ ગળે ડૂમો ભરાઈ ગયો હતો !! પલ્લવે એના ખભે હાથ મૂક્યો ત્યારે એ મોકળા મને પોક મૂકીને રડી પડી !!

" મમ્મી ચાલી ગઈ પલ્લવ.... આપણી મમ્મી ચાલી ગઈ !!

એક વર્ષ થઈ ગયું એ પ્રસંગને. પૂણ્યતિથિ આવી ગઈ !! સગી મા ની પૂણ્યતિથિ હતી ! ગુંજને કોઈ કસર ના છોડી ! ધામધૂમથી પૂણ્યતિથિ ઉજવી. રિવા ની ફરમાઈશ પણ ગુંજને પૂરી કરી.

ઋષિકેશ મહારાજે વૈદિક મંત્રો બોલી તર્પણ કર્યું ત્યારે અંતરિક્ષમાં રહેલો કામિનીબહેનનો આત્મા પરિવારની આ ભાવના જોઈ અત્યંત પ્રસન્ન થયો !!

" સુખી રહેજે દીકરી....!!!"

અશ્વિન રાવલ (અમદાવાદ)