DIVORCE-PROBLEM OR SOLUTION - 5 in Gujarati Moral Stories by Tapan Oza books and stories PDF | છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૫

Featured Books
Categories
Share

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૫

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૫

આગળનાં ભાગમાં આપણે છૂટાછેડા થવાનાં થોડાક કારણો જોયા... હવે આગળ...

(૩) દેખાદેખી- દેખાદેખી... એટલે બીજાનાં જીવનની ખુશી, સુખ, શાંતિ, ભપકો જોઇને પોતાનું જીવન પણ એવું જ બનાવવાની ઇચ્છા...! ઘણા વખત એવું સાંભળ્યું હશે કે લોકો બીજાની સુખાકારી જીવનની દેખાદેખી કરતાં હોય છે. પરંતું લૈગ્નિક સંબંધોનાં વિચ્છેદનું એક કારણ અન્ય કપલનો દેખાઇ આવતો પ્રેમ પણ હોઇ શકે...! વિસ્તારથી સમજીએ.

મમતા અને સુરેશનાં લગ્ન બે વર્ષ પહેલાં થયેલા. બંનેનાં લગ્ન એરેન્જ મેરેજ હતાં અને બે વર્ષથી તેઓ પોતાનાં લગ્નૈતિક જીવનથી ખુશ હતાં. મમતા ગૃહિણી હતી અને સુરેશ એક કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નનાં બે વર્ષ બાદ સુરેશની નોકરીમાં બદલી અન્ય શહેરમાં થઇ, એટલે પતિ-પત્નિ અન્ય શહેરમાં રહેવા ગયાં. તેઓ જે સોસાયટીમાં રહેતા હતાં તે સોસાયટીમાં તેમના ઘરની સામે જ એક નવપરિણીત યુગલ પણ રહેતું હતું. એ યુગલમાં પત્નિ પણ ગૃહિણી હતી અને પતિ ધંધો કરતો હતો. બંનેનાં પ્રેમ લગ્ન હતાં અને એકબીજાને ખુબ પ્રેમ કરતાં હતાં. મમતા અને તે ગૃહિણી નામે- સોનલ સાથે મૈત્રિ બંધાઇ. બંને એકબીજાને પોતપોતાના જીવનની વાતો કરતાં. સોનલ જરા નિખાલસ હતી એટલે પતિ-પત્નિનાં અંગત જીવનની અમુક રોમેન્ટિક પળો પણ મમતા સાથે શેર કરતી. એ સાંભળીને મમતાને સોનલની અદેખાઇ આવી. સોનલનો પતિ ધંધાદારી વ્યક્તિ હતો એટલે ગમે ત્યારે ધંધામાંથી સમય કાઢી સોનલને સમય આપી શકતો જ્યારે સુરેશ નોકરિયાત વ્યક્તિ હતો, મમતા માટે છાશવારે સમય કાઢી ન શકતો. મમતા સોનલનાં જીવનને વધુ સારૂ સમજવા લાગી અને સોનલનાં જીવન મુજબનો પતિ પ્રેમની મહેચ્છા સુરેશ પાસેથી રાખવા લાગી. સુરેશ મમતાની તે મહેચ્છા નોકરીનાં ફિક્સ સમયનાં કારણે પુરી કરી ન શકતો. એટલે બંનેની વચ્ચે ઝઘડાઓ થતાં...! અને આ જ ઝઘડાઓ ધીરેધીરે છૂટાછેડા સુધી પરિણમવા લાગ્યા...! મમતા રિસાઇને પોતાના પિયર ચાલી ગઇ.

આવી પણ દેખાદેખીનાં કારણે છૂટાછેડા થઇ શકે છે. મમતાની આ સ્ટોરીમાં પરિવારનાં વડિલે માત્ર મમતાને સુરેશ અને સોનલનાં પતિનાં કામનો પ્રકાર અને સમયની ફાળવણીનો ભેદ સમજાવ્યો. મમતા એ સમજી ગઇ અને ફરીથી સુરેશ સાથે ખુશીથી રહેવા લાગી. આ રીતે પણ આવા નજીવા કારણોને કારણે છૂટા પડતા યુગલોનું વૈવાહિક જીવન બચાવી શકાય.

(૪) અસમજણ / અધુરૂ જ્ઞાન- આ મુદ્દો આપણે એક ઉદાહરણથી સમજીએ. જીગિશા અને વિવેકનાં લગ્ન આશરે એકાદ વર્ષ પહેલા થયેલા. બંનેનાં લગ્ન એરેન્જ મેરેજ હતા. જીગિશાનાં પિયરની વાત કરીએ તો જીગિશાનાં પિયરમાં તેનાં માતા-પિતાથી લઇને દરેક સગા-વહાલા નોકરિયાત વ્યક્તિઓ હતાં. એટલે કે કામ કરવાનો સમય ફિક્સ અને સલામત આવક ધરાવનારા વ્યક્તિઓનો વર્ગ. નોકરિ કરો અને પગાર મેળવો. જીગિશાએ લગ્ન પહેલા નોકરીનાં લાભ કયા-કયા છે તે જ જાણેલું. અને તેથી જ જીગિશા પણ નોકરીને જ વધુ પ્રાધાન્ય આપતી. જ્યારે વિવેકનાં ઘરનાં મોટા ભાગનાં સભ્યો ડોક્ટર, વકિલ, ધંધાદારી વર્ગનાં....! વિવેકનાં સગા-વહાલામાં ભાગ્યેજ કોઇ વ્યક્તિ નોકરી કરતો હશે. તેની બહેનો પણ ફેશન ડિઝાઇનિંગનું ભણીને પ્રાઇવેટ બુટિક ચલાવતી હતી. આમ, બે અલગ-અલગ વર્કિંગ ફેમિલીમાંથી આવતા વ્યક્તિઓનાં લગ્ન થયાં. વિવેક પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. અને તેનાં એક મિત્ર સાથે ઓફિસ રાખી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતો હતો. તેની પ્રેક્ટિસ માંડ એકાદ વર્ષની થઇ હશે કે પરિવારનાં સભ્યોએ તેના લગ્ન જીગિશા સાથે કરાવી દીધા. એટલે તે પાતાના વ્યવસાયમાં એટલો સધ્ધર થયેલો ન હતો. એટલે ક્યારેક કોઇક મહિનામાં આવક વધુ હોય તો ક્યારેક કોઇક મહિનામાં આવક ઓછી હોય. ક્યારેક તો આવક વગરનાં પણ મહિનાનો સામનો કરવો પડ્યો હોય. જીગિશાને પહેલેથી જ ફિક્સ આવકવાળા પરિવારમાં ઉછરેલ હોવાથી પગાર આવે એટલે અમુક રૂપિયા બચાવીને ખર્ચ કરવાની આદત હતી. અને જીગિશા હાઇફાઇ અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાની શોખિન હતી. જે લગ્ન પછી વિવેક માટે થોડું વધુ કોસ્ટલી થઇ જતું હતું. વિવેક ઘણી વખત જીગિશાને સમજાવતો કે બ્રાન્ડેડ વસ્તુઓ કરતા લોકલ વસ્તુઓ પણ માર્કેટમાં સારી ગુણવત્તા વાળી અને સારી ડિઝાઇનમાં મળે છે. પણ આ વાતને જીગિશા માત્ર નાણાંકિય બચત પુરતી જ સમજતી હતી. એટલે તે વિવેકને હંમેશા નાણાંકિય સધ્ધરતા માટે મહેણાં મારતી અને “જો વ્યવસાયમાં સધ્ધરતા આવતી ન હોય તો નોકરી કરવાનું શરૂ કરી દે...!” તેવું કહીને વિવેકનો મોરલ ડાઉન કરતી. વિવેક પોતાના પ્રોફેશનમાં સારી કુશળતા ધરાવતો હતો. પરંતું ક્લાયન્ટ બેકગ્રાઉન્ડનાં અભાવે વ્યવસાય સધ્ધરતાથી ચાલતો ન હતો. આ વાત જીગિશા ક્યારેય સમજી ન શકતી. જીગિશાને કંઇ પણ ખરીદવું હોય ત્યારે અગર જો વિવેક તેને કરકસર કરવાનું કહે એટલે જીગિશા વિવેકની સામે નોકરીની તલવાર ઉભી કરી દેતી. એટલે વિવેક તેને કંઇપણ કહી ન શકતો. ધીરેધીરે વિવેકની આર્થિક પરિસ્થિતિ નબળી થવા લાગી. જીગિશાએ નોકરી કરવાનું વિચાર્યું. અને નોકરી શરૂ પણ કરી. હવે જીગિશા પોતાનાં મોજશોખનાં નાણાં પોતાની કમાણી માંથી વેડફતી. વિવેક તેને ઘણું સમજાવતો કે આટલો બેકારનો ખર્ચ માત્ર બ્રાન્ડેડ વસ્તુ પાછળ ન કર. પણ જીગિશા સમજવાનું નામ જ લેતી ન હતી. ધીમે-ધીમે બને વચ્ચે મતભેદ, મનભેદ અને ઝઘડાઓ વધતા ગયાં. પરિણામે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ. જીગિશા વિવેકને છોડીને પિયર જતી રહી અને પિયર જઇને છૂટાછેડાની નોટિસ વકિલ મારફતે મોકલાવી દીધી.

આ હતી જીગિશાની અસમજણ અથવા અધૂરૂ જ્ઞાન પણ કહી શકાય. કે જીગિશા નોકરી-વ્યવસાયનો ભેદ સમજી ન શકી. જીગિશાની વાત આગળ વધારીએ. વિવેકને જીગિશાની છૂટાછેડાની નોટિસ મળી. વિવેક તો જીગિશાને ખુબ જ પ્રેમ કરતો હતો અને કોઇપણ હિસાબે જીગિશાને છૂટાછેડા આપવા માંગતો ન હતો પણ જીગિશાને સમજાવવી કેવી રીતે.? એટલે વિવેકે તેનાં એક એડવોકેટ મિત્રની સલાહ લીધી. એડવોકેટ મિત્રએ બહુ સરસ ઉપાય બતાવ્યો. એડવોકેટ મિત્રનાં ઉપાય મુજબ વિવેકે જીગિશાને છૂટાછેડાની નોટિસનો વળતો જવાબ આપવા એક સ્વલિખિત પત્ર લખ્યો. જેમાં તેણે નોકરી-વ્યવસાયનો ભેદ, લાભ, ગેરલાભ, બ્રાન્ડેડ વસ્તુ અને લોકલ વસ્તુનો ભેદ, લાભ, ગેરલાભ, પોતાનું ભવિષ્યનું નાણાંકિય પ્લાનિંગ, વિગેરે જેવી બાબતો કે જે વિવેકે ક્યારેય જીગિશાને સમજાવવા આજદિન સુધી કહી ન હતી તે લખીને મોકલાવી. અને આખરે લખ્યુ, કે... “જો આટલું જાણવા છતાં પણ જો તું મને છૂટાછેડા આપવા ઇચ્છે છે તો..... તો પણ હું તને નહીં આપું, કારણ કે જો હું તને છૂટાછેડા આપવા તૈયાર થઇ જાઉં તો હું મારા પ્રેમમાં નિષ્ફળ સાબિત થયો કહેવાઉં અને આપણું પ્રેમભર્યું લગ્નજીવન બચાવવામાં હું નિષ્ફળ રહ્યો ગણાઉં. અને હું નિષ્ફળ થયા વગર તારી દરેક ઇચ્છાઓ પુરી કરવા ઇચ્છું છું એટલે હવે તું જ મને કહે, હું શું કરૂ...!”

વિવેકનો આ પત્ર વાંચીને જીગિશા રડી પડી. અને વિવેક પાસે દોડી ગઇ. આમ, આ રીતે તેમનું લગ્ન જીવન તુટતું બચી ગયું. પરંતું, લગ્ન જીવન તુટતુ ત્યારે જ બચી શકે જ્યારે સમયસર તેનો સચોટ ઉપાય મળી શકે. હંમેશા યાદ રાખવું, આગમાં ઘી રેડવાથી આગ વધુ લાગે એટલે ઘી નહી સમયસર પાણી રેડવાનું.

આ તો વાત કરી છૂટાછેડાનાં કારણોની...! હવે ધારી લઇએ કે કોઇ સંજોગોવશાત છૂટાછેડા લેવા પડ્યા અથવા લઇ લીધા...! એ પછી શું?

મોટા ભાગે પતિ-પત્નિ ઘરસંસારમાં થતાં ઝઘડાઓ અને કંકાસનું સમાધાન મેળવવા છૂટાછેડાનો રસ્તો અપનાવે છે. પરંતું છૂટાછેડા લીધા બાદ પતિ-પત્નિનાં જીવન કેવા હોય છે એ કોઇએ વિચાર્યું છે....? આગળનાં ભાગમાં આ વિશે ચર્ચા સાથે ફરી મળીશું.