Madhurajni - 16 in Gujarati Moral Stories by Girish Bhatt books and stories PDF | મધુરજની - 16

Featured Books
Categories
Share

મધુરજની - 16

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧૬

અઢાર વરસની શ્વેતા અસમજણી કે નાદાન તો ન જ ગણાય. ભાઈનાં આગમનથી તે ખુશ હતી કારણ કે ભાઈ કાંઈ એકલો આવ્યો નહોતો, સાથે રૂપાળી ભાભીને પણ લાવ્યો હતો. તે ઇગ્નુ સાથે જોડાઈને આગળ અભ્યાસ કરી રહી હતી. ભણતરનું ભાન્તેર અને સાથે ઘરમાં જ રહેવાનું. તેને ઘરમાં રહેવાનું પસંદ હતું. સખીઓ બહુ પાછળ પડે તો તેને જવું પડતું. અને એ પણ થોડા કલાકો માટે જ. એ માટે તેને ઘરકૂકડીનું વિશેષણ પણ સાંભળવું પડતું હતું.

તેનું એક ખાસ સ્થાન હતું જ્યાં તે પહોંચી જતી હતી, કલાકો સુધી અડીગો લગાવીને બેસી જતી. વાચતી, લખતી અને વિચારતી પણ ખરી. અમુક વય પછી વ્યક્તિ અલાયદી બની જતી હોય છે. તેની એક અંગત દુનિયા રચાતી હોય છે. એક અંગત સ્થાન, એક અંગત દુનિયા.

એક ધૂન સવાર થઈ હસી. બસ...ભણવું, ભાઈ જેટલું જ. તેનું કામ સરળ તો નહોતું જ. તે મેધની માફક ઘર છોડીને મોટાં શહેરમાં જઈ શકે તેમ નહોતી. એ લોકો તેને મોકલે પણ નહીં. ‘મેધની વાત અલગ છે. એ તો...પુરુષ છે...’ લત્તાબેને કહેલું વાક્ય તેને બરાબર યાદ હતું. તેણે કશી તકરાર કરી નહોતી. કશું બોલી પણ નહોતી. માત્ર સાંભળી રહી હતી.

આ વાક્યમાં લાચારી હતી. એ તેની સમજમાં આવ્યું હતું. તે રોજ અખબાર વાચતી હતી, આસપાસ બનતી ઘટનાઓ વિશે સાંભળતી પણ હતી.

આગમાં હાથ ન નખાય, એનાથી દૂર જ રહેવાય-એ સમજ આપોઆપ વિકસી હતી.

હા, ભાઈ પુરુષ હતો અને એજ કારણે તે સલામત હતો પરંતુ એ સ્થિતિ તેની તો નહોતી જ. કિસ્સાઓ વાચતી અને તે કમકમી જતી હતી. શું ગુનો હતો સ્ત્રી જાતિનો? ઈશ્વરની વ્યવસ્થાનો યોગ્ય જ હશે કદાચ પણ આ અવ્યવસ્થા કોણે કરી? અને સર્જન પર નિયંત્રણ ન રાખી શકનાર સર્જક પણ કેવો ગણાય? તે ખુદ ઈશ્વર સામે પણ વિદ્રોહ કરી બેસતી, આટલો અન્યાય- કેવળ સ્ત્રી હોવાથી જ ભોગવવાનો?

લત્તાબેન પુત્રીને બરાબર ઓળખતાં હતાં. અને એ પણ જણાતા હતાં કે શ્વેતા મહદ અંશે સાચી હતી.

‘બેટા...કાંઈ આગમાં હાથ ન નખાય- જાણી કરીને. અરે, દૂર જ રહેવાય એનાથી. જાતને જાળવવી જ જોઈએ. કશું બને છે ત્યારે આ સનાતન નિયમનો ભંગ થયો જ હોય છે. તું વિચારજે...શ્વેતુ..’

તે દલીલ તો નહોતા કરતા, જીદ પણ નહોતા કરતાં પરંતુ પુત્રીને જિંદગીની સમજ આપતાં હતાં.

‘ડાઘ લાગશે તો વાસણને, એની સાથે રમત કરનારને નહીં. શ્વેતા...દરેક સ્ત્રીએ જાતને જાળવવી જ પડે.’ તે કહેતા. અને તરત જ શ્વેતા ઉગ્ર બની જતી. તે કટાક્ષમાં કહેતી પણ ખરી. ‘હા, અગ્નિપરીક્ષા તો જાનકીએ જ આપવી પડે, એ આપણો સમાજ!’

‘એ તો લોકલાજ માટે...’ લત્તાબેન તેમની શ્રદ્ધાને બચાવવા મરણિયો પ્રયાસો કરતાં.

‘હું હોય તો...પાછી લંકામાં જ ચાલી જાઉં, બધું જ અગરાજ કરીને...’ તે રોષમાં સળગી જતી.

‘ધીમે ધીમે સમજ પડતી જશે. સમય આવે ત્યારે દરેક છોકડી શાણી બની જતી હોય છે.’ લત્તાબેન મનોમન તાળો મેળવી લેતાં. નરેન્દ્રભાઈ તો ખુશ હતા- પુત્રી પર. તે કશું નવું વિચારતી હતી- નવી રીતે જીવવા કોશિશ કરતી હતી.

પરિવારના આર્થિક પ્રશ્નો એટલાં હતા કે ભાવનાત્મક બાબતો પર સમય આપવાના સંજોગ જ નહોતા. સહુને દૃષ્ટિ પુત્ર મેધ પર હોય એ સહજ હતું. મકાન તો બાપદાદાના સમયનું હતું, જર્જરિત હતું.. જોકે વિશાળ તો હતું જ. નરેન્દ્રભાઈને એનું ભારે ગૌરવ હતું. પણ એ ગૌરવ પણ ઝાંખું થઈ ગયું જ્યારે તેમણે એ મકાન પર જ વ્યાજે પૈસા લીધાં. લત્તાબેન પાસે માંડ પંડ પૂરતા ઘરેણાં હતા, જે તેમણે મેધની આગંતુક વહુ માટે કલ્પીને રાખ્યાં હતાં.

જિંદગી જીવવા માટે ઈચ્છાઓનું હોવું જરૂરી છે. આમ બધી જ ઈચ્છાઓ મેધ તરફ ઢળતી હતી.

‘કાલ સવારે મેધ વેળા વાળી દેશે. એને પૂરો ભણાવવો જ છે. ગમે તે થાય તો પણ...’

પરિવારના કેન્દ્રમાં મેધ હતો જે શહેરમાં રહીને ભણતો હતો. મળતાં ત્યારે એ નાનકડો પરિવાર ખુશીઓનો બગીચો બની જતો હતો. પ્રતીક્ષાઓ તો હતી જ પણ મિલનનો સમય આવતો અને તરત જ વિખરાઈ પણ જતો.

ચિંતા અને આશા વચ્ચે ઝોલાં ખાતો પરિવાર બહુ લાંબુ વિચારી ના શકે, મોટાં આદર્શોની વાતો ના કરી શકે અને બહુ ગતિ પણ ના કરી શકે.

શ્વેતાના ધખારાઓ પણ, મહદ અંશે મનમાં સ્મી જતાં હતાં. અને એ છોકરી અંતર્મુખી હતી. તક મળતી ત્યારે વિચારો વ્યક્ત કરી બેસતી. મનમાં લાવા તો હતો જ પણ અવ્યક્ત હતો. ધૂંધવાયેલો હતો. તેને કુતૂહલ હતું, માનસી માટે. કેવી હશે એ સ્ત્રી? જોઈ હતી અલપઝલપ, લગ્ન દરમિયાન. પણ એટલાથી કોઈ વ્યક્તિ ઓળખાઈ ખરી પણ ભીતરથી જાણી શકાય ખરી? અરે, વર્ષો સુધી સાથે રહેવા છતાં પણ, સ્ત્રી પુરુષ એકબીજાને ઓળખી શકે છે ખરાં? સંબંધો સપાટી પર જ રહી જાય ને દંભ અને સ્વાર્થની ભાષા શરૂ થાય.

તેણે માનસી સાથે ખાસ વાત પણ ક્યાં કરી હતી? એ અવસર ખૂબ જ ઉતાવળે આટોપાયો હતો. નવાં વસ્ત્રો તો પરિધાન કર્યાં જ હતાં, મમ્મીએ આપેલાં બે અલંકારો પર ધારણ કર્યાં હતાં. તેને કાંઈ અલંકારોનો લગાવ નહોતો. તે કહેતી- ‘આ તો આપણી ગુલામી છે. આપણે એ મોહમાં શું શું ગુમાવીએ છીએ? અને એનું આપણને ભાન પણ નથી, એ કેવી મોટી કમનસીબ છે? આપણે સ્ત્રી છીએ એ જ એક સત્ય છે આપણા માટે. એનું આત્મગોરવ...’

જોકે તેની વાત અધવચથી કપાઈ જ જતી. તેની સખીઓ કે ખુદ લત્તાબેન- કોઈ પણ વાત ઉડાવી દેતા

એક નરેન્દ્રભાઈ કહેતા-‘એ નવું વિચારી શકે છે. આપણે એને શા માટે રોકવી? તેની વાતમાં તથ્ય હોય પણ ખરું.અને જુઓ...તથ્ય છે પણ ખરું.’ અને માનસી આવી પણ ખરી...ખુશ થઈ ગઈ માનસી ઘર ભર્યું ભર્યું થઈ ગયું.

લત્તાબેને સ્વહસ્તે માનસીને ઘરેણા પહેરાવ્યા.’મારે વહુને શણગારવી તો પડે ને? કેટલી હોંશ હતી-વરસોથી?’ લાત્તાબેનનાંશબ્દોમાં આનંદની સાથોસાથ લાચારી હતી જે માનસી વાંચી શકી. શ્વેતા પાસે જ ઊભી હતી. માનસીને ખ્યાલ આવી ગયો કે એ ઘરેણા લાત્તાબેનના હતાં અને માનસીના અંગ પર ચડાવાઈ રહ્યાં હતાં

તેણે એક ક્ષણ વિચારી લીધું કે તેણે શું કરવું જોઈએ. પછી તરત જ આદર અને નમ્રતાથી બોલી.

‘મમ્મી...મને ઘરેણા પર એવી પ્રીતિ નથી એ તમારા અંગ પર હશે તો મને આનંદ થશે, સુખ તો ઘરમા છે, ઘરેણામાં નહીં લાવો, મમ્મી.હું જ તમને ..પહેરાવું.શ્વેતા પણ મને મદદ કરશે. ખરું ને શ્વેતા?’

તાજૂબ થઈ ગઈ શ્વેતા. અને પારાવાર ખુશી ઉપજી.વાહ! માન્સીભાભી તો ...અદ્દલ મારા વિચારના છે!

શ્વેતાનો ચહેરો ખુશીથી તરબોળ થઈ ગયો. તે ...માનસીને વળગીને પાસે બેસી ગઈ.

‘બેટા...આ તો તારાં છે. તને આપેલી ભેટ છે. જેવી છે તેવી પણ મારા તરફથી....’

લત્તાબેન ભાવવશ બની ગયા હતાં, તેમને લાગ્યું કે માનસીને આ ભેટ કદાચ, તુચ્છ લાગી હશે! ખ્યાલ આવી ગયો હશે કે એ તો જુના છે, જૂના ઘાટના છે. બામે તેમ તોય મોટા ઘરની હતી.

પણ માનસીએ તેમનો બધો જ ભ્રમ ભાંગી નાખ્યો હતો.સૂર્ય તો ક્યારનો ય અસ્ત થઈ ગયો હતો પરંતુ લાત્તાબેનના અંગ પરના, માનસી અને શ્વેતાએ પરાણે પહેરાવેલા ઘરેણા ઝગમગતાં હતાં.અને આંખની કોર પર આવી ગયેલું એક અશ્રુબિંદુ પણ.

કેટલી ડહાપણડાહી વહુ હતી? આટલાં વર્ષોમાં કોઈએ તેમને આવી શાતા આપી નહોતી. તે ભેટી પડ્યાં હતાં, માનસીને. શ્વેતાને લાગ્યું કે હવે....તેનો પક્ષ મજબૂત થયો હતો.સરસ ભાભી મળીહતી.

તે ઝટપટ મેડી પર પહોંચી ગઈ હતી. ખંડના બારણા અંદરથી બંધ કરી દીધાં હતાં. લત્તાબેન સાથે અગાઉથી સંતલસ થઈ જ ગઈ હતી.સામગ્રી પણ પોતે જ ...ખરીદી લાવી હતી.

તે મેડીનો ખંડ સજાવવા લાગી. જો કે એનો પ્રારંભ તો કરી જ નાખ્યો હતો. એ લોકો આવ્યાં એ પહેલાં જ સજાવટ કરી નાખી હતી. હવે તો ...આખરી સ્પર્શો બાકી હતાં.

પથારીમાં ઓછાડ પાથરીને એમાં ફૂલો પણ મુક્યા હતાં. હા...તેને ખ્યાલ હતો જ...

તેને એ વિચાર પણ આવ્યો હતો કે આ રીતે તેના માટે પણ શૈયા તૈયાર થવાની હતી. ક્યારે અને ક્યાં જેવાં પ્રશ્નો તો હોય જ ને?

પણ તેણે ઘણી ઘણી કલ્પનાઓ કરી લીધી હતી. તેની ચોપડીઓ અને બીજી અંગત ચીજો તો ક્યારનીય અન્ય સ્થાને મૂકી આવી હતી. કોઈએ કહ્યું પણ નહોતું.

‘હવે આ મેડી મેધભાઈની અને માનસીભાભીની.’ તે આનંદથી બોલી હતી.

તે ધીમેથી સરકી આવી નીચે. અને સંકેત કર્યો માનસીને, મેડી પર જવાનો. મેધ થાક્યો હોય તેમ ખાટ પર બેઠો હતો. હજી પણ થોડાં નિકટના માણસો ઘરમાં જ હતાં. વાતો પણ વહુની જ થતી હતી. ‘લત્તાબેન......અમારી તો આંખો ઠરી. વહુ સરસ લાવ્યો, મેધ.’ એ તો બારણામાંથી પરખાય. સાક્ષાત લક્ષ્મી છે, લત્તા. બસ, હવે સુખ-શાંતિ ભોગવો. વેળા વળે છે ત્યારે.....’

ભીડ ગઈ, કોલાહલો શમ્યાં. માનસી...મેડી પર ગઈ. ‘ભાભી, સાચવીને. અજાણ્યાં પગથિયાં ખરાંને ? તેમે ટેવાઈ જશો પછી તો....’ શ્વેતા બોલી, હસી પણ ખરી.

અને પછી તેણે, ભાઈને પણ સંકેત કર્યો. મેધને ઊભા થવું જ પડ્યું. લત્તાબેન....પતિનું બિછાનું ઠીકઠાક કરી રહ્યાં હતાં. અલબત એક આંખ આ દિશામાં પણ હતી.

મેધ પણ પરિચિત પગથિયાં ગડમથલ વચ્ચે ચડી ગયો હતો. બસ, નીચે ક્રમશઃ શાંતિ પથરાઈ ગઈ હતી, પરિતોષની શાંતિ.....

માનસી સ્થિર ઊભી હતી, બારી પાસે. એક નવા સ્થાનની રાત્રિ હતી. પાત્રો એ જ હતાં, તે અને મેધ.

ગાઢ મૌન વ્યાપી ગયું. શ્વેતાએ સજાવેલી શૈયા સામે જ હતી. પુષ્પોમાંથી સુગંધ વિખરાઈ રહી હતી.

અચાનક માનસી બોલી- આવો મેધ, અહીં આવો મારી પાસે.’ તેના સ્વરમાં ભીનાશ હતી.

‘આવ ને, મેધ...’ તેના સ્વરમાં તરસ ભળી. પણ એ પુરુષ ચલિત ન થયો. બસ, ઊભો રહ્યો નતમસ્તક. માનસી તેની પાસે આવી, શ્વાસોશ્વાસ સાંભળી શકાય એટલી નીકટ.

ત્યાં જ મેધ બોલ્યો, ‘માનસી...રહેવા દે. તારી ચીસ સાંભળીને લોકો ભડકી જશે. નાઉ, નો મોર.’

‘મેધ, પ્લીઝ...એવું ના પણ બને. મારો વિશ્વાસ કર. લેટ મી ટ્રાય..’ તે આજીજી કરતી બોલી.

પણ એ પુરુષ તો મક્કમ જ રહ્યો. થોડી ક્ષણો, વજનદાર મૌનની રહી. અંતે મેધ ફરસ પર ચટાઈ પાથરીને સૂઈ ગયો. અને માનસી...પડી રહી ફરસ પર જ. તે રડી ન શકી. તેનાં આંસુઓ જાણે કે ખૂટી ગયાં હતાં.

સવારે શ્વેતા ટોવવશ મેડી પર આવી. મેધ અને માનસી તો ક્યારના ઊઠી ગયા હતા, પ્રાત:વિધિમાં લાગી ગયા હતા.

‘અરે તું કેમ ઊઠી?’ આરામ કર્યો હોત તો? પ્રવાસનો... થાક તો હોય જ ને?’ લત્તાબેને માનસીને પ્રેમથી કહ્યું હતું. શ્વેતાએ જોયું તો શૈયાના ઓછાડની કરચલી પણ વળી નહોતી અને ફૂલો યથાવત જ ગોઠવણી મુજબ જ પડ્યા હતા. ટૂંકમાં...શ્વેતાને વ્હેમ પડ્યો જ.