Operation Chakravyuh - 1 - 17 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 17

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 17

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-17

રાવલપિંડી, પાકિસ્તાન

"શાયદ મને સમજાઈ ગયું છે કે બલવિંદરે લખેલા કોરડીનેટ્સ આખરે કઈ તરફ ઈશારો કરી રહ્યાં હતાં.!" નગમાના આ શબ્દોની જાદુઈ અસર હેઠળ દિલાવર અને માધવ તુરંત ઊંઘમાંથી બેઠાં થઈ ગયાં.

"શું કહ્યું?" માધવે અચંબિત સ્વરે કહ્યું. "તને સમજાઈ ગયો કોરડીનેટ્સનો અર્થ? શું એ ત્રિમૂર્તિ ભવન તરફ ઈશારો નથી કરી રહ્યાં?"

"ગુજરાતમાં આતંકવાદી હુમલો થવાનો છે એ વાત બલવિંદરે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જ કહી હતી." નગમા બોલી. "મતલબ કે હુમલો થવાનો છે એ સ્થળ ગુજરાતનું જ હોવું જોઈએ, નહીં કે ન્યુ દિલ્હીનું ત્રિમૂર્તિ ભવન."

"આ ત્રિમૂર્તિ ભવન સાથે જે ઈતિહાસ જોડાયેલો છે એમાં ડોકિયું કરીએ તો બલવિંદર શું જણાવવા માંગતો હતો એ સમજાઈ જશે."

"ત્રિમૂર્તિ ભવન નામકરણ ત્રિમૂર્તિ સ્મારક પરથી થયું છે." નગમાએ ત્રિમૂર્તિ સ્મારક સાથે જોડાયેલ ભૂતકાળ અંગે જણાવવાનું શરૂ કર્યું. "પ્રથમ વિશ્વયુદ્ધનો સમય હતો, એ અમયે ઇઝરાયેલ દેશ અસ્તિત્વમાં નહોતો આવ્યો. ઇઝરાયેલનું એક શહેર છે હૈફા. આ શહેરમાં ઇ.સ 1918 આવતા જર્મની અને તુર્કીના સંયુક્ત લશ્કરે કબજો જમાવી લીધો. રાજનૈતિક દ્રષ્ટિકોણ અને અન્ય પ્રદેશો સાથેનાં જોડાણને લીધે હૈફા ખૂબ અગત્યનું શહેર હતું. હૈફા શહેરની ભૌગોલિક રચના એવી હતી કે સશસ્ત્ર તુર્કીશ અને જર્મન સેનાનો મુકાબલો કરવો અશક્ય હતો."

"એ સમયે હૈફાને સ્વતંત્ર કરવા હેતુ ભારતીય સેના બ્રિટિશ ધ્વજ નીચે હૈફા પહોંચી, દિવસ હતો 23 સપ્ટેમ્બર 1918. આ સૈન્યમાં મૈસુર, જોધપુર અને હૈદરાબાદનાં સૈનિકોનો સમાવેશ થતો હતો. ભાલા અને અશ્વોની મદદથી ભારતીય સૈનિકોએ હૈફામાં અપ્રિતમ શૌર્ય અને અભૂતપૂર્વ પરાક્રમનો પરચો બતાવી શક્તિશાળી તુર્કીશ ઓટોમન સેના અને જર્મન સેનાનાં અદ્યતન હથિયારોથી લેશ સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધાં."

"હૈફાને આઝાદ કરવાની મુહિમમાં શહીદ થયેલા યોદ્ધાઓ અને અશ્વોની યાદમાં ઈ.સ 1922માં ન્યુ દિલ્હી ખાતે ત્રિમૂર્તિ સ્મારક બનાવાયું હતું અને એની સામે જે ભવન બન્યું એ ત્રિમૂર્તિ ભવન તરીકે ઓળખાયું."

"પોતાના શહેરને અત્યાચારી ઓટોમન સામ્રાજ્યની ચુંગાલમાંથી છોડવનારા ભારતીય સૈનિકોને આજે પણ દરેક હૈફાવાસી યાદ કરે છે અને પોતાની જાતને એ સૈનિકોનાં ઋણી સમજે છે."

"આ ઘટનાને બલવિંદર દ્વારા લખવામાં આવેલી કોરડીનેટ્સ સાથે સંબંધ ખરો..પણ એનાથી બલવિંદર શું કહેવા માંગતો હતો એ હજુપણ મારી સમજ બહાર છે." જેવો નગમાએ હૈફાની સ્વતંત્રતા અને ત્રિમૂર્તિ સ્મારક વચ્ચેનો સંબંધ ઉજાગર કર્યો એ સાથે જ માથું ખંજવાળતા માધવે કહ્યું.

"જ્યારે શેખાવત સરે મને બલવિંદર વિશેની વિગતો જણાવી હતી ત્યારે એમને મને મોસાદના એક જાસૂસ અંગેની વાત કરી હતી જે હૈફાનો નિવાસી હતો." રહયોદ્ધાટન કરતા નગમા બોલી. "એનું નામ નાથન હતું, બલવિંદર અને નાથને મળીને ત્રણ-ચાર વખત કામ કર્યું હતું. બલવિંદરના જણાવ્યા મુજબ નાથન હંમેશા ભારતીય યોદ્ધાઓ દ્વારા હૈફામાં બતાવેલા અભૂતપૂર્વ શૌર્યની વાત કરતો રહેતો."

"તો પછી આપણે મોસાદનો એ જાસૂસ અત્યારે ક્યાં છે એની તપાસ કરાવવી જોઈએ..!" દિલાવર ઉત્સાહમાં આવી બોલ્યો. "પોતાની જીંદગી જોખમમાં હોવાનો અંદાજો આવી જતાં રખેને ક્યાંય બલવિંદરે મર્યાં પહેલા એને એ ડાયરી સોંપી હોય."

"પણ આપણે નાથનને શોધીશું કઈ રીતે?" માધવે કહ્યું.

"હમ્મ.." મગજ પર જોર આપતા નગમા બોલી. "આ કામમાં શેખાવત સર શાયદ આપણી મદદ કરી શકે એમ છે. ઇઝરાયેલ હાઈ કમાન્ડ જોડે વાત કરીને એ આપણને નાથન અંગે માહિતી મેળવી આપશે."

"ગુડ આઈડિયા!" માધવે આટલું કહી રૂમની અલમારીની અંદર રાખેલ સેટેલાઇટ ફોનની મદદથી રૉની દિલ્હી ખાતેની મુખ્ય ઓફિસમાં સંપર્ક સાધવાની કોશિશ કરી.

ત્રણ-ચાર પ્રયત્નો બાદ માધવ સંપર્ક સાધવામાં સફળ રહ્યો, લાઈન ઉપર રૉ ચીફ રાજવીર શેખાવત જોડે માધવને ચર્ચા થઈ રહી હતી. જેમાં માધવે દિલાવર સાથેની મુલાકાત, બલવિંદરના ઘરની જડતી, ઘરના લોકરમાંથી મળેલા તાવીજની અંદરથી પ્રાપ્ત થયેલા કોરડીનેટ્સ અંગે રજેરજની માહિતી ફટાફટ જણાવી દીધી.

"નગમાના જણાવ્યા મુજબ આ કોરડીનેટ્સ ઇઝરાયેલ ગુપ્તચર સંસ્થા મોસાદના પિંડી સ્થિત નાથન તરફ ઈશારો કરે છે એ વાત મને પણ યથાયોગ્ય લાગે છે..!" માધવની પૂર્ણ વાત સાંભળ્યા બાદ શેખાવતે કહ્યું. "પણ આપણે નાથનને શોધીશું ક્યાં? કેમકે, મોસાદના જાસૂસ એવા વેશમાં જોવા મળે જેની કલ્પના કરવી પણ અશક્ય છે; મોસાદનો એક જાસૂસ તો છેક અન્ય દેશમાં છૂપા વેશે જઈને ત્યાંના વડાપ્રધાન બનવાની તૈયારીમાં હતો..આ તો અંત ઘડીએ ભાંડો ફૂટી ગયો નહીં તો એ વડાપ્રધાન બની પણ ગયો હોત. મારા કહેવાનો અર્થ છે કે રાવલપિંડી જેવા મોટા શહેરમાં મોસાદના એક જાસૂસને શોધવો રૂનાં ઢગલામાંથી સોય શોધવા જેવું કામ છે."

"એટલે જ તમને કોલ કરવો પડ્યો છે સર.." માધવ જોડેથી સેટેલાઈટ ફોન આંચકી લઈ નગમાએ કહ્યું. "તમારે ગમે તે કરી નાથન ક્યાં છે એની જાણકારી અમને મેળવી આપવી પડશે.. એની સાથેની મુલાકાત પછી જ એ વાત સાબિત થશે કે આખરે આ કોરડીનેટ્સનો સંબંધ એની સાથે છે કે પછી સાચેમાં ત્રિમૂર્તિ ભવન આસપાસ હુમલો થવાનો છે?"

"હમ્મમમ." થોડું વિચાર્યા બાદ રાજવીર શેખાવતે કહ્યું. "સારું, હું નાથન અત્યારે પિંડીમાં ક્યાં છે એના સગડ મેળવીને તમને જણાવું; પણ આ કામમાં થોડો સમય લાગશે કેમેકે મોસાદ જોડેથી યોગ્ય કારણ આપ્યા વિના એમના ગુપ્તચરની ઓળખ વિશે માલૂમાત કરવી અઘરી છે."

"હું સમજી શકું છું સર." નગમાએ કહ્યું. "અમે રાહ જોઈશું, પણ જેમ બને એમ વહેલી તકે નાથનનો પત્તો મેળવી આપવા વિનંતી."

"સારું..નજીકમાં સંપર્ક કરીશ. જય હિંદ!"

"જય હિંદ સર."

આ સાથે જ નગમા અને રાજવીર શેખાવત વચ્ચેનો સંબંધ વિચ્છેદ થઈ ગયો. માધવ, નગમા અને દિલાવરે ત્યાં સુધી ધીરજ ધરીને બેસવાનું હતું જ્યાં સુધી શેખાવત થકી એમને નાથન અંગેની કોઈ લીડ ના મળે.

આ તરફ સવાર થઈ ગઈ હોવા છતાં નગમા, દિલાવર કે માધવ પોતાના રૂમમાંથી બહાર ના નીકળ્યાં હોવાથી એમની ઉપર નજર રાખવા હેતુથી હોટલની બહાર મોજુદ મિર્ઝા અને તાહીર બરાબરના કંટાળ્યા હતાં. મસૂદે સોંપેલા દરેક કાર્યોને કોઈ પ્રશ્ન પૂછ્યા વિના કરવા ટેવાયેલા હોવાથી એ બંને હોટલની બહાર ચોકી પહેરો ભરવાથી ઝાઝું કંઈ કરી શકે એમ પણ નહોતાં!

બપોર સુધી કોઈ બહાર ના આવ્યું એટલે મિર્ઝા તો છેક હોટલમાં જઈને ચેક કરતો આવ્યો કે એ ત્રણેય હોટલરૂમમાં જ હતાં કે પછી કોઈ બીજા રસ્તે બહાર નીકળી આવ્યા હતાં. ખેબર લોજના રૂમ નંબર ત્રણસો પાંચમાં બપોરનું જમવાનું આપવા ગયેલા વેઈટર જોડેથી મિર્ઝા એ માહિતી મેળવવામાં સફળ થયો કે રૂમમાં ત્રણ લોકો ઉપસ્થિત હતાં.

તાહીર અને મિર્ઝાએ મળીને નક્કી કર્યું કે હવે એ બંને અલગ-અલગ પાલીમાં હોટલ બહાર નજર રાખશે. પોતે રાતે દસ વાગે ત્યાં આવી જશે એવું તાહીરને જણાવી મિર્ઝા ત્યાંથી નીકળી ગયો. રાતે મિર્ઝા પાછો આવ્યો ત્યાં સુધી કોઈ જાતની હલચલ નહોતી થઈ એવું તાહીર પાસેથી એને જાણવા મળ્યું. મિર્ઝાના ત્યાં આવી જતાં હવે તાહીર આરામ કરવા હેતુથી પોતાના નિવાસસ્થાને જવા નીકળી પડ્યો અને મિર્ઝા હોટલની સામે કારમાં જ બેસીને ચોકીદારીમાં લાગી ગયો.

આખો દિવસ એક રૂમમાં ગોંધાઈ રહેવાના લીધે કંટાળેલો દિલાવર રાતે બાર વાગે પોતાની કારની ચાવી નગમા અને માધવને સોંપી, એમની રજા લઈને હોટલમાંથી નીકળી ગયો. દિલાવરે શાહિદને બીજી કાર લઈને હોટલનાં બેઝમેન્ટ પાર્કિંગમાં બોલાવ્યો હતો, અને ત્યાંથી જ એ શાહિદની કારમાં બેસી નીકળી ગયો.

દિલાવર, માધવ અને નગમા સફેદ રંગની ઓલટોમાં હોટલ સુધી આવ્યાં હોવાથી મિર્ઝાએ હોટલમાંથી એની વિરુદ્ધ દિશામાં નીકળેલી સિલ્વર રંગની મારુતિ ઑમ્ની પર ધ્યાન જ ના આપ્યું, અને એની જાણ બહાર દિલાવર હોટલમાંથી નીકળી ગયો. દિલાવરનું હોટલમાંથી નીકળી જવું આગળ જતાં કોને કેટલું ભારે પડવાનું હતું એ તો સમય જ બતાવવાનો હતો.

આખી રાત મિર્ઝા એક પણ ઝોકું લીધા વગર હોટલના ગેટની બહાર નીકળતી દરેક વ્યક્તિ પર નજર રાખીને હોટલની સામે પાર્ક કરેલી પોતાની કારમાં જ બેસી રહ્યો.

સવારે તાહીર નક્કી કરેલા સમયે ત્યાં આવી પહોંચ્યો એટલે મિર્ઝાએ ત્યાંથી વિદાય લીધી..આ દરમિયાન ઈકબાલ મસૂદનો એમની ઉપર કોલ આવ્યો. જેમાં મસૂદે એ બંનેને સાફ શબ્દોમાં જણાવી દીધું કે એ બંનેએ કાલે સવારે નવ વાગ્યા સુધીની રાહ જોવી, જો ત્યાં સુધીમાં એ ત્રણેયમાંથી કોઈ બહાર ના આવે તો બેધડક એમનાં રૂમમાં ઘૂસીને એમનો ખેલ ખતમ કરી નાંખવો.

પોતાના માથે મોત મંડરાઈ રહ્યું છે એ બાબતથી અજાણ માધવ અને નગમા રાજવીર શેખાવતના કોલની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યાં હતાં. એક સેકંડનો વ્યય કરવો પણ એમને પોષાય એમ નહોતો. વીતતી દરેક મિનિટ એમને મોતની વધુ ને વધુ નજીક લાવી રહી હતી એ બાબતથી બેખબર એ બંને હાલ તો પોતાની જાતને રૂમમાં કેદ હોવાનું અનુભવી રહ્યાં હતાં.

બીજા દિવસે પણ શેખાવતનો કોલ ના આવતાં એ બંને અકળાઈ ગયાં. દિલાવર પોતાની રીતે નાથનને શોધવાની કોશિશ કરી રહ્યો હતો, અને સતત એ માધવ તથા નગમા સાથે સંપર્કમાં હતો.

ત્રીજા દિવસની સવાર માધવ અને નગમાની જીંદગી અને મિશન ચક્રવ્યૂહની સફળતા માટે ખૂબ જ નિર્ણાયક બની જવાની હતી. કેમકે, જ્યાં સુધી શેખાવત એમને નાથન વિશે માહિતી ના આપે ત્યાં સુધી કામ વગર એ બંને હોટલની બહાર આવવાના નહોતાં, અને જો નવ વાગ્યા સુધી એ બંને બહાર ના આવે તો મિર્ઝા અને તાહીર મોતના દૂત બની એમને યમરાજા સુધી મોકલી દેવાના હતાં.

"નગમા, સેટેલાઇટ ફોનમાં અવાજ આવ્યો..!" સવારે સાડા આઠ વાગે અલમારીમાં છુપાવેલા સેટેલાઇટ ફોનમાં બીપનો તીણો અવાજ સાંભળી માધવ ઉત્સાહિત સ્વરે બોલ્યો.

હકારમાં ગરદન હલાવી નગમા ફટાફટ અલમારીની તરફ અગ્રેસર થઈ. એને પોતાની બેગમાં, પોતાના અંડર ગારમેન્ટ્સની વચ્ચે છુપાવેલો સેટેલાઇટ ફોન નીકાળી કોલ રિસીવ કર્યો.

"હમે તુમસે પ્યાર કિતના.." સામેથી ફિલ્મી ગીતની લાઈન નગમાના કાને પડી.

"દિલમેં હૈ હિન્દુસ્તાન જીતના.."

"આઈન્સ્ટાઈન કે સ્ટીફન હોકિંગ..?"

"એ.પી.જે અબ્દુલ કલામ."

"ઓફિસર, શેખાવત હીયર..!" નગમા દ્વારા કોડવર્ડ સાચા જણાવાતા શેખાવતે કહ્યું.

"નાથન વિશે કોઈ જાણકારી મળી કે નહીં?" નગમાએ સમય વ્યય કર્યાં વિના સીધો સવાલ કર્યો.

"સોરી, નાથન રાવલપિંડીમાં ક્યાં રહે છે એ અંગે અમને ઇઝરાયેલ દૂતાવાસ તરફથી કોઈ માહિતી મળી નથી.." શેખાવતે નગમાને ભારે આંચકો આપતા કહ્યું. "મોસાદ પર રાજનૈતિક દબાણ લાવીને એમની જોડેથી એમનાં અન્ય દેશમાં ગુપ્તવેશ ધારણ કરી રહેતા ગુપ્તચરની માહિતી મેળવવી અશક્ય છે."

શેખાવતની વાત સાંભળી નગમાને પોતાનું મિશન હવે અંધારામાં હોવાનું લાગી રહ્યું હતું.

"તો હવે..?" મહાપરાણે એ આટલું જ બોલી શકી.

"આમ છતાં હું મારી રીતે નાથન અંગે થોડી ઘણી માહિતી મેળવવામાં સફળ રહ્યો છે પણ એ કારગર નીવડશે કે નહીં એ બાબતે હું ચોક્કસ નથી." શેખાવતે કહ્યું.

"સર, તમે એક ટકા જેટલાં ચોક્કસ હોવ તો પણ હું મિશનને આગળ ધપાવવા તૈયાર છું." હતાશા ખંખેરી જુસ્સાભેર નગમા બોલી.

"ધેટ્સ ધ સ્પિરિટ..!" આટલું કહી રાજવીર શેખાવતે પોતાને નાથન અંગે જે માહિતી પ્રાપ્ત થઈ હતી એ વિશે નગમાને જણાવવાનું શરૂ કર્યું.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)