Laxmi Bomb (Review) in Gujarati Film Reviews by Abhishek Dafda books and stories PDF | Laxmi Bomb (Review)

Featured Books
Categories
Share

Laxmi Bomb (Review)

લક્ષ્મી બૉમ્બ (લક્ષ્મી) અક્ષય કુમારની આ વર્ષની સૌથી વિવાદાસ્પદ અને બહુચર્ચિત ફિલ્મ કે જે ભારે બોયકોટની માંગ વચ્ચે 9 નવેમ્બરનાં રોજ ડિઝની હોટસ્ટાર પર સાંજે 7 વાગે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ એક તો તેનાં નામને લીધે કે જે આપણા માતા લક્ષ્મીનાં નામની પાછળ બૉમ્બ જેવા શબ્દો લગાવાના કારણે વિવાદનું કેન્દ્ર બની છે અને બીજું કે ફિલ્મમાં મુખ્ય પાત્રનું નામ આસિફ (અક્ષયકુમાર) અને તેની પત્ની રશ્મિ (કિયારા અડવાણી) બતાવવામાં આવ્યું છે કે લવ જેહાદને સપોર્ટ કરવા માટે જાણી જોઈને રાખવામાં આવ્યું છે તેવો કેટલાક હિન્દૂ લોકોનો આક્ષેપ હતો. અને ત્રીજું કે શુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ પહેલેથી જ બોલિવૂડને બોયકોટ કરવાની માંગ હતી. આ ત્રણ ફેક્ટર આ ફિલ્મ પર મોટી નેગેટિવ અસર કરી શકે છે.

વાત કરીએ ફિલ્મની સ્ટોરીની તો આ ફિલ્મ 2011 માં આવેલી સુપરહિટ સાઉથની ફિલ્મ કંચનાની રિમેક છે જે થોડાઘણા નજીવા ફેરફાર સાથે બનાવવામાં આવી છે. આ ફિલ્મનાં ડાયરેક્ટર છે રાઘવ લોરેન્સ કે જેણે ઓરિજિનલ કંચના મૂવી બનાવી હતી અને તેઓ પોતે કંચના મૂવીમાં લીડ એક્ટર પણ હતા. એટલે જો તમે ઓલરેડી કંચના મૂવી જોઈ ચુક્યા છો તો એટલી ખાસ મજા નહિ આવે. કારણ કે તમને ઓલરેડી આ ફિલ્મની સ્ટોરી ખબર હશે.

આ એક કોમેડી હોરર ફિલ્મ છે. કૉમેડીનાં નામે એ જ જૂની પુરાની જોઈ ચૂકેલા કોમેડી છે જે એટલી ખાસ નથી. અક્ષયની મૂવીમાં જે કૉમેડીથી ભરપૂર હોય છે તેટલી આમાં કોમેડી નથી અને હોરર પણ એવું નથી કે તમે ખિસ્સામાં હનુમાન ચાલીસા લઈને જોવું પડે. એક નાનું બાળક પણ આસાનીથી આ મૂવી જોઈ શકે એ સ્તરનું હોરર છે.

આ ફિલ્મમાં દમણની એક સોસાયટીમાં બંગલા ન.6 ભૂતિયા છે. આ બંગલામાં કોઈ જવાની હિંમત નથી કરતું. આસિફ અને તેની પત્ની રશ્મિ ઇન્ટર કાસ્ટ મેરેજને કારણે રશ્મિનાં ઘરવાળા તેનાથી નારાજ છે પણ થોડાં વર્ષો પછી રશ્મિની માંનું દિલ બદલાય છે અને રશ્મિ અને આસિફને પોતાનાં ઘરે બોલાવે છે કે જે તે ભૂતિયા બંગલાની આસપાસ છે. આસિફ અને રશ્મિ થોડાં દિવસ ત્યાં રોકાવા જાય છે અને ત્યાંથી જ સ્ટોરી શુરું થાય છે....

આસિફ ભૂતપ્રેતમાં નથી માનતો અને બાળકોને લઈને એ જ ભૂતિયા બંગલા નં.6 માં ક્રિકેટ રમવા જાય છે અને ત્યાંથી જ તેનામાં આત્મા ઘુસી જાય છે. ત્યારબાદ આસિફ જ્યાં રોકાયો છે તેવા તેના સાસરીમાં ભૂતપ્રેતનાં અનુભવ શુરૂ થાય છે. એકદમ આસિફનાં બોલચાલ બદલાઈ જાય છે અને તે સ્ત્રીઓ જેવી હરકતો કરવા માંડે છે. પછી એ જ જે મોટા ભાગની હોરર મૂવીમાં હોય છે એમ તાંત્રિક અને ફકીરને બોલાવવામાં આવે છે અને ભૂતપ્રેત ભગાવાના પ્રયાસો શુરું થાય છે. આસિફની અંદર રહેલી આત્મા તેનું રાજ ખોલે છે કે તે એક કિન્નરની આત્મા છે અને તેનો બદલો લેવા માટે આવી છે અને લાસ્ટમાં તેનો બદલો લેય છે. જે કંચનામાં તમે જોયું હશે.

કિયારા અડવાણીને ખાસ કરીને ગીતો (ગ્લેમર) માટે આ ફિલ્મમાં લેવામાં આવી છે. તેના ભાગે એવો કોઈ સીન નથી જે યાદ રહી જાય. રોલમાં પણ ખાસ દમ નથી.

રાજેશ શર્મા અને મનુ ઋષિ કિયારાનાં પિતા અને ભાઈનાં રોલમાં છે જેઓનાં કેરેક્ટર સારા છે અને અભિનય પણ સારો છે.

કિયારાની મમ્મીનો રોલ આયેશા રઝા મિશ્રાએ કર્યો છે જેઓની કોમેડી લાજવાબ છે.

અને કિયારાની ભાભીનો રોલ અશ્વિની કલસેકર (રોહિત શેટ્ટીની મૂવીની રેગ્યુલર મેમ્બર) નો રોલ પ્રભાવશાળી છે. કયારેય ખબર નહોતી કે તેની કોમેડી ટાઇમિંગ આટલી ગજબ છે. અક્ષયકુમારનાં હોવા છતાં આ ફિલ્મમાં કૉમેડીની સંપૂર્ણ જવાબદારી અશ્વિનીનાં ખભા પર છે. જેમાં તે સફળ પણ રહી છે જોકે કોમેડી કંચનામાં હતી એ જ રીતની છે.

અક્ષયકુમાર.... વાત કરીએ અક્ષયકુમારની તો સામાન્ય રીતે આખી ફિલ્મનો ભાર તેના પર છે. આસિફ (અક્ષયકુમાર) માં એક કિન્નર લક્ષ્મણ/લક્ષ્મી શર્માની આત્મા કબજો જમાવી લે છે. એક સ્ત્રીપાત્ર તરીકે અક્ષયકુમારનો અભિનય ખૂબ જ સરસ છે. તેનું સ્ત્રીની જેમ બોલવું, ચાલવું અને તેના ચહેરા પરનાં હાવભાવ અને એ જ સાથે એક ઉગ્ર સ્વભાવવાળી કિન્નરની આત્મા જે તેની અંદર છે આ બધું એકસાથે કરવું એમાં અક્ષયકુમારે બાજી મારી છે.

શરદ કેલકર... શરદ કેલકરે લક્ષ્મણ/લક્ષ્મી શર્માનો રોલ કર્યો છે. જે એક કિન્નર છે જેને દગો આપીને મારી નાખવામાં આવે છે અને તેની આત્મા બદલો લેવા માટે આસિફનાં શરીર પર કબજો જમાવી લે છે. શરદ કેલકર કિન્નરનાં રોલમાં ખૂબ જ સરસ રોલ કર્યો છે અને લક્ષ્મીનાં રોલમાં પ્રાણ રેડી દીધા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર પછી જો કોઈએ સરસ અભિનય કર્યો હોય તો તે શરદ કેલકરે લક્ષ્મીનાં રોલમાં કર્યો છે.

કંચના કરતા સ્ક્રિપ્ટ થોડી નબળી છે. ખૂબ સારી રીતે બનેલી ફિલ્મ ભૂલભુલૈયામાં જે રીતનું સાયન્સ અને લોજીક હતું એ રીતનું લોજીક પણ નથી અને સ્ત્રી મુવીની જેમ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી નથી.

ઓરીજીનલ સાઉથ મૂવી કંચનાનાં ડાયરેક્ટરે જ આ મૂવી બનાવી હોવાથી ફિલ્મમાં સાઉથની ફિલ્મનો ફ્લેવર આવે છે અને કોઈ સાઉથની ફિલ્મ જોતા હોઈએ એવું જ લાગે છે. જો કોઈ બૉલીવુડ ડાયરેક્ટરે બનાવી હોત તો થોડો ફ્લેવર ચેન્જ થાત અને આ સ્ટોરીને સારી રીતે ન્યાય આપી શક્યા હોત.

મારા મતે બીજો એક મોટો ફેક્ટર આ ફિલ્મનું OTT પ્લેટફોર્મ (હોટસ્ટાર) પર રજૂ થવું પણ છે. થિયેટરમાં જો આ મૂવી આવી હોત તો વધારે મજા આવી હોત. આ રીતની મૂવી તો મોટા પડદા પર જ જોવાની મજા આવે. આ ફિલ્મમાં હોરર આમ પણ ઓછું છે અને ઘરે બેસીને પોતાનાં ટીવી અથવા મોબાઈલમાં જોવામાં હોરર લગભગ ખતમ થઈ જાય છે. આ ફિલ્મને હોરર કહી શકાય પણ ડરામણી નહિ.

અક્ષયકુમારનો એક અલગ પ્રકારનો અભિનય જોવા માટે આ મૂવી જોવી રહી. અક્ષયકુમારનો Fan base સારો હોવાથી આ મૂવીનાં સડક 2 જેવા હાલ થાય એવું લાગતું નથી પણ અગાઉ શરૂઆતમાં આ મૂવી અને બોલિવૂડ સાથે જોડાયેલા જે વિવાદો ગણાવ્યા તેનાથી આ ફિલ્મ પર ખૂબ મોટી માઠી અસર પડશે એ નક્કી છે.

બીજું એ પણ કે આ મૂવી ટેલિગ્રામ જેવા માધ્યમમાં ઉપલબ્ધ હોવાથી (જે ગેરકાનૂની છે અને હું તેની સલાહ પણ નથી આપતો) મૂવીની કમાણી પર ખૂબ મોટી અસર કરશે. લોકો પૈસા ખર્ચીને હોટસ્ટાર પર જોવાને બદલે ટેલિગ્રામ પર ફ્રીમાં જોશે તો ફિલ્મ ઊંધા માથે પડશે એમાં કોઈ શંકા નથી...

જો આ ફિલ્મ ટીવી પર આવશે તો કંચનાની જેમ લોકો વારંવાર જોશે એમાં કોઈ શંકા નથી પણ અત્યારની પરિસ્થિતિ જોતા ફિલ્મ પર નેગેટિવ અસર પડશે.

ઓવરઓલ એકવાર જોવા જેવી ટાઈમપાસ મૂવી છે.
આ ફિલ્મને શરદ કેલકર અને ખાસ કરીને અક્ષયકુમારનાં અભિનયને કારણે 5 માંથી 3.5 સ્ટાર આપું છું....