Last deal in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | છેલ્લો સોદો

Featured Books
Categories
Share

છેલ્લો સોદો

દુબઈ એરપોર્ટ ઉતરી સૌથી પહેલા મેં કરન્સી એક્સચેંજ કરાવી અને જરૂર પૂરતા દીરહામ લઈ લીધા. એરપોર્ટ થી ટૅક્સી કરી સીધો હું ડેરા વિસ્તારમાં આવેલી સીટી સ્ટાર હોટલમાં પહોંચી ગયો.

હોટેલના રિસેપ્શનમાં જઈને મેં રૂમ લઈ લીધો. દુબઈમાં વર્ષોથી રહેતા સુભાષ અંકલે મારું રિઝર્વેશન કરાવેલું એટલે રૂમ ખાલી જ હતો. 306 નંબરના રૂમ નું કાર્ડ મને આપ્યું. કાર્ડથી જ દરવાજો ખુલતો હતો !! મારો મોબાઈલ સાડા સાત નો ટાઈમ બતાવતો હતો પણ દુબઈના ટાઇમ પ્રમાણે તો હજુ સાંજના છ જ વાગ્યા હતા.

હું સુભાષ અંકલનો મહેમાન હતો. તેઓ મારા પપ્પાના ખાસ મિત્ર હતા. પપ્પા ગુજરી ગયા પછી મારું એ ખાસ ધ્યાન રાખતા હતા. હંમેશા મને હોટલમાં ઉતરવાનું જ કહેતા. સુભાષ અંકલ ની પોતાની વિલા હતી એટલે કે બંગલો હતો પણ એ પ્રાઈવસી માં બહુ જ માનતા.

દુબઈ પહેલી વાર આવ્યો ત્યારે આ હોટેલ એમણે મારા માટે બુક કરાવેલી. મને એ ફાવી ગઈ હતી એટલે દરેક વખતે હું સીધો આ હોટલમાં જ આવી જતો. દુબઈની મારી આ ચોથી ટ્રીપ હતી. હોટલ નું ભાડું સુભાષ અંકલ ચૂકવી દેતા ! દુબઈના એ એક શ્રીમંત વ્યક્તિ હતા !!

સુભાષ અંકલ સવારે મને લેવા આવવાના હતા. અત્યારે તો મારે આરામ જ કરવાનો હતો. હોટલમાં જ નીચે રેસ્ટોરન્ટમાં ડિનર ની વ્યવસ્થા હતી. આઠ વાગ્યા એટલે હું જમવા માટે રેસ્ટોરન્ટ માં ગયો.

જમતા જમતા મારી બાજુના ડાઈનીંગ ટેબલ ઉપર અચાનક મારું ધ્યાન ખેંચાયું. ત્રણ જણા એ ટેબલ ઉપર જમવા બેઠેલા. એક પ્રૌઢ ઉંમરના સરદારજી હતા. એક યુવાન સાઉથ ઇન્ડિયન હતો. જ્યારે એક ખૂબસૂરત યુવાન છોકરી હતી. જમવાનો આનંદ માણવાના બદલે એ છોકરી ખુબ ગભરાયેલી હતી અને આમતેમ નજર દોડાવતી હતી. એણે મારી સામે પણ જોયું. એ કંઇક બોલવા માગતી હતી એવું લાગ્યું.

" ખાના ખાનેમેં ધ્યાન દો. તૈયાર હોકે નાઈટ ક્લબ મેં જાના હૈ " પેલા સરદારજીએ એને ધમકાવી. સરદારજી નો ચહેરો કરડાકી વાળો હતો.

નાઇટ ક્લબ ની વાત સાંભળીને મને પણ અહીં ની નાઈટ ક્લબ જોવાની ઈચ્છા થઈ. સુભાષ અંકલે મને ઘણી વાર કહેલું કે તમારી હોટલ ની આજુબાજુ ઘણી નાઈટ ક્લબ છે. ત્યાં બેલે ડાન્સ સારા થાય છે. પણ મને આવું બધું જોવામાં કોઈ રસ નહોતો.

પેલા સરદારજીએ પેલી છોકરીને તૈયાર થઈને નાઇટ ક્લબમાં જવાનું કહ્યું એટલે મને રસ જાગ્યો. જમીને એકાદ કલાક પછી નીચે ફોયર માં જઈને એક સોફામાં બેઠો. પેલા લોકો નીકળે એમની પાછળ પાછળ જવાનો ઈરાદો હતો. જોઉં તો ખરો કે એ લોકો શું કરે છે.

લગભગ રાત્રે અગિયાર વાગ્યા ની આજુ-બાજુ એ લોકો લિફ્ટમાં નીચે ઉતર્યા અને નાઇટ ક્લબ તરફ ચાલતા જ ગયા. એમની પાછળ પાછળ હું પણ આગળ વધ્યો. છોકરી લેટેસ્ટ ફૅશન ના કપડાં પહેરીને તૈયાર થઈ હતી.

એમની સાથે સાથે મેં પણ રિસેપ્શન કાઉન્ટર ઉપર પેમેન્ટ કરી ને નાઈટ ક્લબ માં એન્ટ્રી લીધી અને થોડા દૂરના ટેબલ ઉપર બેઠો. એ લોકોએ ડ્રિંક્સ મંગાવ્યું અને ત્રણ પેગ બનાવ્યા. પેલી છોકરીને જબરદસ્તી શરાબ પીવડાવવાની સાઉથ ઇન્ડિયન કોશિશ કરતો હતો અને દરેક વખત છોકરી મોં ફેરવી લીધી હતી. ડાન્સ ચાલતો હતો અને બંને જણા દારૂ પીને ધીમે ધીમે ચકચૂર થતા જતા હતા.

થોડીવાર પછી વોશરૂમ જવાના બહાને છોકરી આંગળી નો ઈશારો કરીને ઉભી થઇ અને બહાર આવી. હું આવા મોકાની શોધમાં જ હતો. ઝડપથી હું પણ બહાર આવ્યો.

એ બહાર આવીને કઈ રીતે ભાગવું એના વિચારોમાં ઉભી હતી ત્યાં હું એની નજીક ગયો.

" ગુજરાતી છો ? દેખાવમાં ગુજરાતી જેવી લાગે છે એટલે પૂછું છું "

" ના સર..... રાજસ્થાની છું પણ ગુજરાતી મને આવડે છે... મને હેલ્પ કરો પ્લીઝ."

" મારી વાત ધ્યાનથી સાંભળ. અહીંથી ભાગવું એટલું સહેલું નથી. આ લોકો બહુ પહોંચેલા હોય. તારો પાસપોર્ટ તારી પાસે છે અત્યારે ? "

"ના... એ તો એ લોકો ની પાસે છે"

" બસ તો ભાગવાની કોશિશ રહેવા દે. અત્યારે તું પાછી અંદર જતી રહે. આજની રાત જાગતી રહેજે. દારૂ પીધો છે એટલે એ લોકો રુમ માં જઈને ઘસઘસાટ ઊંઘી જશે. બંને જણા જ્યારે ઊંઘતા હોય ત્યારે તારો પાસપોર્ટ ગમે તેમ કરીને શોધી કાઢ અને રૂમ નંબર 301 માં આવી જજે. હું દરવાજો લોક નહીં કરું "

એ કંઈ બોલી નહિ અને પાછી જતી રહી. મને ડાન્સ માં કોઈ રસ હતો નહીં એટલે હું હોટલમાં પાછો આવી ગયો. મેં રુમ માં આવીને સુભાષ અંકલને ફોન કર્યો.

" બોસ... એક છોકરીને બચાવવાની છે. ગુંડા જેવા લોકોના હાથમાં સપડાઈ ગઈ છે. એક પુણ્યનું કામ થશે. એક બે કલાક પછી ગાડી લઈને ડેરા આવી જાવ અને હોટલ ની પાસે પાર્ક કરો. મારા ફોનની રાહ જોજો. "

" છોકરી મારા રૂમ ઉપર આવે એટલે તરત હું તમને ફોન કરીશ અને એને નીચે હોટલની બહાર મોકલી દઈશ. જેવી એ બહાર આવે કે તરત તમે ગાડીમાં એને ઘરે લઈ જાવ. રાત્રે હોટલમાં અવરજવર ચાલુ જ હોય છે એટલે કોણ આવે છે કોણ જાય છે એનું અહીં કોઈ ધ્યાન રાખતું નથી. "

" ઓકે મનીષ ... તારું કામ થઈ જશે. મારા ડ્રાઇવર અબ્બાસ ને ફોન કરી દઉં છું. એ ગાડી લઈને હોટલની બહાર ઉભો રહેશે. તું એનો નંબર લખી નાખ. તારો નંબર હું એને આપી દઉં છું " સુભાષ અંકલે એક પણ સવાલ પૂછ્યો નહીં.

લગભગ પરોઢિયે ચાર વાગ્યાની આજુબાજુ છોકરી એ મારા રૂમમાં પ્રવેશ કર્યો. રાહ જોઈ જોઈને મારી આંખ મળી ગઈ હતી એટલે એણે મને ઢંઢોળીને જગાડયો.

" તું આવી ગઈ ? પાસપોર્ટ હવે તારી પાસે જ છે ને ? "

" હા સર.... પાસપોર્ટ શોધવા માટે બહુ મહેનત કરવી પડી. "

મેં તરત અબ્બાસ ને ફોન કર્યો... " અબ્બાસ છોકરી નીકળે છે. તારી ગાડી કઈ બાજુ છે ?"

" હોટલમાંથી બહાર નીકળો એટલે ડાબી સાઈડ ગ્રે કલરની ગાડી ઉભી છે. હું દરવાજો ખોલીને બહાર જ ઉભો છું. "

"ઓકે એને તું સુભાષ અંકલ ના ઘરે મૂકી આવ"

" હવે તું મારી વાત સાંભળ..." મેં એ છોકરીને કહ્યું...." હજુ અત્યારે બધા ઉંઘે જ છે. તું હોટલમાંથી સીધી બહાર નીકળી જા. કોઈ તને કંઈ પણ નહીં પૂછે. તારે અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી. હોટલમાંથી બહાર નીકળે એટલે ડાબી સાઈડે એક ગ્રે કલરની ગાડી ઉભી હશે. ડ્રાઇવર પણ બહાર ઉભો છે. ફટાફટ તું એમાં નીકળી જા આપણે સવારે મળીશું. બાય ધ વે તારું નામ શું ? "

" પ્રાચી મારું નામ છે સર " એણે કહ્યું.

" ઓકે... ઓલ ધ બેસ્ટ "

અને એ સડસડાટ બહાર નીકળી ગઈ. ગાડી ઉપડી ગયા પછી અબ્બાસે મને ફોન પણ કરી દીધો. કોઈ સારું કામ કરવામાં ઈશ્વરે મને આજે નિમિત્ત બનાવ્યો.

રાત્રે ને રાત્રે મેં પ્રાચીને રવાના કરી દીધી એ બહુ ડહાપણ નું કામ કર્યું હતું. કારણકે સવારે તો અહીં બહુ મોટી ધમાલ મચી ગઈ હતી. પ્રાચી પાસપોર્ટ લઈને અજાણ્યા શહેરમાં ભાગી જાય એવું તો એ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય !!

એ લોકો સવારે નવ વાગે ઉઠ્યા ત્યારે પ્રાચી નહોતી. સામાન વેરવિખેર પડેલો હતો. પ્રાચી વોશરૂમ માં પણ નહોતી. એ લોકો દોડતા રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયા. ત્યાં રાતનો રિસેપ્શનિસ્ટ બદલાઈ ગયો હતો અને એક ચાઈનીઝ છોકરી બેઠી હતી.

રિસેપ્શન કાઉન્ટર ઉપર કે સિક્યુરિટી કોઈને પણ પ્રાચી વિશે કોઈ જ માહિતી ન હતી. રાત વાળા સિક્યુરિટીને રિસેપ્શનિસ્ટે ફોન ઉપર પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે સવારે 4 વાગે કોઈ છોકરી ને બહાર જતાં જોઈ હતી. એનાથી વધારે એની પાસે કોઈ માહિતી ન હતી.

સરદારજી અને સાઉથ ઇન્ડિયને થોડી બૂમાબૂમ કરી પણ એ લોકો પોલીસને બોલાવી શકે તેમ નહોતા. કારણ કે પોલીસ કદાચ છોકરી ને શોધી કાઢે અને છોકરી સાચું બોલી દે તો પોતાને જેલમાં જવાનો વારો આવે. એટલે વાત ત્યાંથી વધુ આગળ વધી નહીં.

સવારે સાડા દસ વાગે સુભાષ અંકલ પોતે ગાડી લઈને મને લેવા આવ્યા. હું હોટલમાં જ ફ્રેશ થઈ ગયો હતો એટલે એમની સાથે સીધો ઓફિસે જ ગયો. જે કામ માટે એમણે મને દુબઈ બોલાવેલો એ બધું સમજાવી દીધું અને કેટલાક સેમ્પલ આપ્યા જે મેં મારી બેગ માં મૂક્યા. જે એજન્સી એમણે દુબઈમાં લીધેલી એનું ઇન્ડિયામાં માર્કેટિંગ મારે કરવાનું હતું.

એ પછી બે ક્લાઈન્ટો સાથે તેમણે મિટિંગ કરી અને સાડા બાર વાગે અમે એમની વિલામાં જવા માટે નીકળ્યા. વિશાળ ગાર્ડન સાથેનો આ બંગલો ખૂબ જ સુંદર હતો.

અમે ઘરે પહોંચ્યા ત્યારે પ્રાચી ડ્રોઈંગ રૂમમાં ગુમસુમ બેઠી હતી.

સૌથી પહેલા અમે બધા એ લંચ પતાવી દીધું. સુભાષ અંકલ ના ઘરમાં અત્યારે એમના વાઈફ અને એમની સોળ વર્ષની નાની દીકરી હતા. મોટી દીકરી લંડન પરણાવી હતી. એક નોકર હતો અને રસોઇ કરવા માટે એક બહેન હતા જે ઇન્ડિયાથી લઈ આવેલા. સુભાષ અંકલ ના વાઈફે આ છોકરી વિશે એક પણ પ્રશ્ન પૂછ્યો ન હતો એ એમની ખાનદાની હતી.

જમ્યા પછી એમના વિશાળ બેડરૂમમાં અમે ત્રણે લોકો બેઠા. એસી ફુલ ઓન હતું એટલે રૂમ એકદમ ચિલ્ડ હતો ! મેં એસી ધીમુ કરાવ્યું. સુભાષ અંકલે જ વાતની શરૂઆત કરી.

" તારું સાચું નામ શું છે ? તારા વિશે જે પણ સાચે સાચું હોય એ બધું મને વિગતવાર કહી દે. તને બચાવવા માટે હું બધા પ્રયત્ન કરીશ. જો મારી આગળ કોઈ સ્ટોરી બનાવી તો અત્યારે ને અત્યારે હોટેલ પાછી મોકલી દઈશ. મને જૂઠ પસંદ નથી. "

" મારું સાચું નામ પ્રાચી જ છે સાહેબ. પ્રાચી જૈન !! જયપુરના ચૌમુ રોડ ઉપર એક ચાલી માં અમારું મકાન હતું. અમે લોકો મારવાડી છીએ. અમે લોકો નાનપણમાં ખૂબ જ ગરીબ હતા. આઠમા ધોરણમાં હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા અને એક વર્ષ પછી મમ્મી પણ. "

" ઓગણીસ વર્ષની ઉંમરે જ મારા કાકાએ પૈસા લઈને સુરત મારા લગન કરી દીધા. એ લગન નહીં પણ એક સોદો જ હતો. મારો વર મોટો સટોડિયો હતો. રોજ ઘરે આવીને દારૂ પણ પીતો હતો. એક વર્ષ પછી એ જુગારમાં લાખો રૂપિયા હારી ગયો. પૈસા માગવા વાળા ઘરે ધક્કા ખાતા. જે માણસ પાંચ લાખ રૂપિયા માગતો હતો એની નજર મારા ઉપર બગડી."

" એણે મારા વર સાથે સોદો કર્યો. પાંચ લાખના બદલામાં મારો સોદો થઈ ગયો સાહેબ !! મારા વરે મને મારી નાખવાની ધમકી આપી. મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતી. સુરતમાં હું કોઈને ઓળખતી પણ ન હતી."

" જે માણસે પાંચ લાખ રૂપિયામાં મારો સોદો કર્યો એ દલાલ હતો. એ મને એક બાઈ પાસે લઈ ગયો. મારું રૂપ મારા માટે શાપ બની ગયું હતું. મને જોતાં જ એ બાઈ એકદમ ખુશ થઈ ગઈ. એણે મને રાખી લીધી. દલાલ સાથે બાઈએ કેટલા માં મારો સોદો કર્યો એ મને ખબર નથી. બાઈ મને સારી રીતે રાખતી હતી. માત્ર પંદર દિવસમાં જ આ સરદારજી બાઈ ના ઘરે મને જોવા આવ્યો. "

" સરદારજીએ ફોન માં કોઈની સાથે વાત કરી. ત્રણ દિવસ પછી એ બાઈ મને પાસપોર્ટ ઓફિસ લઈ ગઈ. પેલો સરદારજી પણ ત્યાં હાજર હતો. એક મહિનામાં અરજન્ટ મારો પાસપોર્ટ નીકળી ગયો "

" અઠવાડિયા પછી આ સરદારજી મને લેવા આવ્યો અને ટ્રેનમાં મને મુંબઈ લઈ ગયો. એક હોટલમાં મને રાખી. ત્યાં સાઉથ ઇન્ડિયન શેટ્ટી પણ હોટલમાં આવ્યો. સરદારજીએ મને શેટ્ટી ના હાથમાં સોંપી દીધી અને જતો રહ્યો. બે દિવસ સુધી શેટ્ટી એ મારા ઉપર અનેકવાર બળાત્કાર કર્યો. હું એટલી બધી ડરી ગઈ હતી અને લાચાર હતી કે એક શબ્દ પણ બોલી શકતી નહોતી. "

" બે દિવસ પછી શેટ્ટી મને એરપોર્ટ લઈ ગયો. ત્યાં પેલો સરદારજી પણ હાજર હતો. હજુ ગઇકાલે બપોરે જ અમે લોકો દુબઈ આવ્યા. એણે અહીંયા કોઈની સાથે મારો સોદો કરી દીધો છે એટલી મને ખબર પડી છે. "

" બસ સાહેબ .... મારી સાથે જે બન્યું તે બધું જ મેં આપને કહી દીધું છે. મને બચાવી લો સાહેબ !! હવે ઇન્ડિયામાં પણ મારું કોઈ નથી જ્યાં હું જઈ શકું. સુરત જઈશ તો મને પકડી લેશે. " કહીને એ રડી પડી. ખુબ જ રડી.

" મનીષ આ છોકરી સાચું બોલે છે. માનવ તસ્કરી નો આ ધંધો ખુબ ચાલે છે. લાખો દીરહામ માં સોદા થાય છે. લોહીનો વેપાર તો સદીઓથી ચાલે છે. હવે આનું બિચારી નું આપણે શું કરીશું ? ક્યાં મોકલીશું ? "

હું કંઈ વિચારું એ પહેલાં જ સુભાષ અંકલને કંઈક યાદ આવ્યું.

" જસ્ટ એ મિનિટ... પહેલા મને પ્રતાપભાઈ ને ફોન કરવા દે. પ્રતાપભાઈ મુંબઈની એક ટ્રસ્ટની હોસ્પિટલના ટ્રસ્ટી છે અને એ હોસ્પિટલમાં તેમણે ઘણું મોટું દાન પણ આપેલું છે. આ છોકરી ને આપણે હોસ્પિટલમાં ગોઠવી દઈએ. ધીમે ધીમે એ હોસ્પિટલમાં જ નર્સિંગનું શીખી જશે."

" આ તો ખરેખર ખુબ જ સરસ આઈડિયા છે અંકલ. તમે પ્રતાપભાઈને પૂછી જ લો." મેં કહ્યું.

સુભાષ અંકલે તરત જ પ્રતાપભાઈ ને ફોન જોડ્યો.

"બોસ... સુભાષ બોલું દુબઈથી.... એક છોકરીને તમારી હોસ્પિટલમાં ગોઠવી દેવાની છે. એને કંઈ જ નથી આવડતું એકદમ ફ્રેશ છે. એકવીસ બાવીસ વર્ષની છે. હોસ્પિટલ વાળા ને કહેજો એને નર્સિંગની થોડી ટ્રેનિંગ આપી દે ."

" સુભાષભાઈ નો હુકમ થાય એટલે મારે કામ કરવું જ પડે. એને મોકલી દેજો સાહેબ " પ્રતાપભાઈએ કહ્યું.

" અને તું મનીષ ... ગાડી લઇ જા અને પ્રાચી માટે બે-ત્રણ ડ્રેસ અને એક બેગ ખરીદી લે. એને પણ સાથે લેતો જા. એને બીજું જે પણ ખરીદવા જેવું લાગે એ ખરીદી લેજે. હું અબ્બાસ ને મોકલું છું. અને તારી સાથે આવતી કાલની એની ટિકિટ પણ કઢાવી લઉં છું "

" અને મનીષ બીજી એક વાત. હોસ્પિટલ થાણા માં આવેલી છે. તું એની સાથે જ જજે. અને ઘાટકોપરમાં તારા ઘરની આજુ બાજુ એક રૂમ રસોડાનું સારું મકાન એને રહેવાલાયક મળતું હોય તો ત્યાંના કોઈ બ્રોકરનો સંપર્ક કરજે. જે પણ પૈસા થાય તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઈશ. "

અને સુભાષ અંકલે પ્રાચી પાસેથી પાસપોર્ટ લઇ લીધો. અબ્બાસ ને ફોન કરી બોલાવી લીધો. મારા હાથમાં 2000 દિરહામ પકડાવી દીધા.

પ્રાચી અમારી તમામ વાતચીત સાંભળી રહી હતી. એણે બિચારીએ તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે એના જીવનમાં ક્યારેક આવો સોનાનો સુરજ ઉગશે !! એ સુભાષ અંકલને મનોમન વંદન કરી રહી !!

દુબઈથી નીકળતી વખતે સુભાષ અંકલે મને સૂચના આપેલી કે 'કદાચ એરપોર્ટ ઉપર કે ફ્લાઈટમાં પેલા માણસો ભટકાઈ જાય તો તરત જ પોલીસને ફોન કરી દેજે. પોલીસ નું નામ દઈશ એટલે તમારા લોકોની સામે પણ નહી જુએ'.

સાંજે મુંબઈ એરપોર્ટ પર ઉતરીને તાત્કાલિક તો મારે પ્રાચીને હોટલમાં જ લઈ જવી પડી. કારણકે એને ઉતરવાની કોઈ જગ્યા નહોતી. અને હોસ્પિટલમાં તો હજુ એને કાલે લઈ જવાની હતી.

પાર્લા માં જ મારી પરિચિત રામકૃષ્ણ હોટલમાં હું એને લઇ ગયો. રજીસ્ટર માં એન્ટ્રી કરીને અમે બંને રૂમમાં ગયા. સામાન મુકીને મેં એની રજા લીધી.

" ચાલો હવે હું જાઉં ... કાલે સવારે તૈયાર થઈ જજે. હું દસ વાગે લેવા આવી જઈશ" મેં કહ્યું.

" અરે પણ સાહેબ બેસો તો ખરા ! આમ ભાગો છો કેમ ? મારો ડર લાગે છે ? મારી જિંદગી ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે તો તમે છો કોણ ? તમે તમારા વિશે તો કંઈક કહો !! મેં તો મારો ઇતિહાસ કહ્યો પણ તમારા વિશે તો હું કંઈ જાણતી જ નથી"

હું સામે ખુરશી ઉપર બેઠો. " મારે છેક ઘાટકોપર જવાનું છે. "

" હજુ તો સાંજના સાત વાગ્યા છે. મારે ખાતર તમે આજની રાત રોકાઈ જાઓ પ્લીઝ. તમારા વાઈફને તમે ફોન કરીને કહી દો કે હું સવારે આવીશ. "

" મારે કોઈને કંઈ કહેવાનું નથી. મારા લગ્ન હજુ થયા જ નથી. હજુ તો મને ૨૭ વર્ષ થયા છે. ઘરમાં મમ્મી એકલી જ છે. માર્કેટિંગના બિઝનેસમાં છું અને મોટાભાગે સુભાષ અંકલનું કામ જ સંભાળું છું. "

" સર... મારી જિંદગી તો બરબાદ થઈ જ ગઈ છે એટલે બીજું તો હું કંઈ વિચારી જ નથી શકતી..... પણ મને તમારી સેવા કરવાનો મોકો આપો.... હું મમ્મીની સેવા કરીશ.... બે ટાઈમ રસોઈ કરીને તમને જમાડીશ... ઘરનું બધું જ કામકાજ હું કરીશ... તમે મારા પર જે ઉપકાર કર્યો છે એનો બદલો ચૂકવવાની એક તક મને આપો પ્લીઝ. "

" મને તું સર સર ના કહીશ.... બહુ ભારેખમ લાગે છે. તારાથી પાંચ-છ વર્ષ મોટો છું. ખાલી મનીષ કહીશ તો મને ગમશે. " મેં હસીને કહ્યું.

પ્રાચીની વાત માં એની લાગણી ટપકતી હતી. અને મને પણ કોઈની જરૂર હતી. ઘરમાં કોઈ હોય તો મમ્મીનું ધ્યાન રાખી શકે. થોડા દિવસ પહેલા પણ મમ્મી ઘરમાં ને ઘરમાં પડી ગયેલા. લગન નું તો કોઈ ઠેકાણું પડતું જ નહોતું. પ્રાચી ભલેને મારી સાથે જ રહેતી !!

પ્રાચીએ લગ્ન કરીને શું મેળવ્યું હતું ? એક વર્ષના એના લગ્નજીવનમાં એણે તો માત્ર ત્રાસ જ વેઠ્યો હતો ને !!

નાનપણમાં મા-બાપ મરી ગયા. કાકાએ એને રૂપિયા લઈને સુરત વેચી દીધી. એના વરે એને દલાલને વેચી દીધી. દલાલે એને કોઠામાં વેચી દીધી અને કોઠાવાળી બાઈએ દુબઈમાં વેચી દીધી. એની જિંદગીમાં બસ એના સોદા જ થતા ગયા.

ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે તો મારે હવે એનો હાથ પકડી લેવો જોઈએ નહીં તો મારું આ કાર્ય અધૂરું જ ગણાશે. મારી જ હોટલમાં એનું ઉતરવું અને મારી બાજુના જ ટેબલ ઉપર જમવા બેસવું. એની પાછળ પણ ઈશ્વરનો જ કોઈ પ્લાન હશે ને ? મારું મન વિચારી રહ્યું હતું.

" એક શરતે હું તને મારા ફ્લેટ પર લઈ જાઉં અને મારી સાથે રાખું પ્રાચી "

" મનીષ મને તમારી કોઈપણ શરત મંજૂર છે. તમે જે કહો તે કરવા હું તૈયાર છું. તમે તો મારા જીવનમાં સાક્ષાત ભગવાન બની ને આવ્યા છો. મારા માટે તમે મારા માલિક છો મનીષ !!"

" તારી સાથે અત્યાર સુધીમાં ચાર સોદા થઈ ચૂક્યા છે તો મારે હવે તારી સાથે એક છેલ્લો સોદો કરવો છે !! "

" પૂરો હક છે તમારો... મારી જિંદગી ઉપર !! કરી લો સોદો !! "

" તારો છેલ્લો સોદો હું મારી સાથે જ કરવા માગુ છું પ્રાચી.... તું મારી સાથે લગ્ન કરીશ ? "

અશ્વિન રાવલ (અમદાવાદ)