' .....મારું અચાનક આવી રીતના જવાનું થશે એ મને પણ નહોતી ખબર .મુંબઈની એ ઝાકઝમાળથી ભરપૂર નવરાત્રીથી કંટાળીને કચ્છનાં નવલાં નોરતાંના કામણગારા ગરબા ગાવાનો લ્હાવો લેવા નીકળી પડી ટ્રેનની બારીમાંથી દેખાતા અસંખ્ય તારલાઓ એવા લબક- ઝબક થતા હતા કે જાણે ગરબાના છિદ્રોમાંથી નીકળતો જ્યોતનો પ્રકાશ ! મારું મન નાચી ઉઠયું . કેટકેટલાય , અવનવા ચળકતા ભાતીગળ મોટી છાપવાળા ડ્રેસ મેં મારી બેગમાં ભરી લીધા હતા . એક નજર મેં મારી બેગ ઉપર કરી અને મનમાં જ મલકાઈ ઉઠી . મારી ટ્રેન મારા ગામ પહોંચાડે તે પહેલાં હું મનોમન મારા ગામમાં પહોંચી ગઇ . એ અવનવા ડ્રેસ પહેરી હું ચોકમાં ગરબે રમતી હઈશ . અને સામે ખૂણેથી મોહન મલકતો હશે . એ ગલી , ચોક , ચોરો , મંદિર ને બધુંજ એ એમનું એમજ હશે કે કેમ ? જોકે મને એ ગામ છોડયાને ચાર વર્ષ જ થયા હતા . કદાચ એમનું એમ જ કરો . છતાં મને મોહને પત્ર દ્વારા જણાવ્યું હતું કે ગામમાં એક લાયબ્રેરી ખોલવામાં આવી છે . તેના સિવાય નવું કંઈ જ નથી . “ મોહન ” મેં મનોમન સુંવાળપ અનુભવી . હજુ છેલ્લો પત્ર મેં વીસ દિવસ પહેલાંજ પોસ્ટ કર્યો હતો . કેવો મેં ઉલ્લુ બનાવ્યો છે ! મારા પર કેવો ગુસ્સે થશે ? મારા લગ્નની ખોટી વાત મેં મજાકમાં લખી હતી કે આવતા મહિને મારા લગ્ન નક્કી થવાના છે હવે બરાબર જેવી જામશે ! શું ચાર વર્ષ પછી તેમનો ચહેરો બદલાઈ ગયો હશે ? ‘ ‘
....... ગરમ ચા , ચા ગરમ ” મારા વિચારોની ઘટમાળ આ શબ્દોએ તોડી નાખી ક્યારે ટ્રેન ઊભી રહી ને આ ચા વાળા રાડો પાડતા હતા તેની ખબર જન ૨ી . પાછી ટ્રેન ઊપડીને હું વિચારોના વમળમાં અટવાઇ ગઈ . મોહન અને મારા પ્રેમની ચર્ચા આમતો બધે જ ફેલાઇ ગઇ હતી . હું અને મોહન વચને બંઘાયાં હતાં , ચોરી છુપીથી અમે બંને એક બીજાને મળતાં . અચાનક પિતાજીને ધંધાર્થે બોમ્બે જવાનું થતાં અમે મારો અભ્યાસ અપૂર્ણ રાખીને જ બોમ્બેની મહાનગરીમાં વિલિન થઇ ગયા . ત્યાર પછી મોહન અને મારા વચ્ચે મળવાનું માધ્યમ માત્ર પત્ર જ હતો . આ પત્ર સેતુ દ્વારા અમે એક બીજાને લાગણીઓ વહેતી મૂકતા . અમે જાણે રૂબરૂ મળતા હોઈએ તેવો અહેસાસ કરી લેતા . મોહનના દરેક પત્રમાં એક વાક્ય અચૂક હોય . મીરાં હું તારા વગર જીવી નહીં શકું ? મારા પક્ષે પણ એવી જ હાલત હતી . પત્ર દ્વારા અમને ચાર વર્ષનો સમય એટલો પીડા દાયક ન લાગ્યો .
.......મોહનનો સામાજિક દરજ્જો અને આર્થિક પાસું જોતાં મારા બાપુજી આ સંબંધનો ઇન્કાર કરી બેઠા હતા . આ વખતે પિતાજીએ મને એકલી મોકલવાનું સાહસ કર્યું તે એક નવાઇની વાત હતી . જોકે એક ઓળખીતા મારા ડબ્બામાં મારી સામેની સીટમાં બેઠા હતા . એને મારી ભલામણ કરવામાં આવી હતી . હું મોહનના વિચારોમાં અટવાયેલી હતી . પવન બારીમાંથી સતત મારા વાળને ખુલ્લા કરી એક એક લટને મારા ગાલ તેમજ હોઠને ચૂમવા મજબૂર કરી રહ્યો હતો . વારંવાર દુપટ્ટાને સરખો કરતી , વાળ ગોઠવતી , પણ એ પ્રયત્નો વ્યર્થ જ જતાં હતા . આમ પવનની ગતિ અને મોહનના વિચારોમાં હું બાવરી બની ગઇ . આ બાજુ પ્રભાત લાલાશ પકડતું હતું . એક પછી એક તારલાઓ અદ્રશ્ય થઇ જતા હતા . પક્ષીઓનાં વૃંદ ઊડી રહ્યાં હતાં . હું આવા સુંદર દ્રશ્ય જોતી હતી . એની જાણે મારી ટ્રેનને આવી અને અચાનક ટ્રેન તીણી ચીસ સાથે હાંફલ હૂંફલ થતી ધીમે ધીમે ઉભી છી . “ ચાલો ઊતરો તમારા પિતાજીની જવાબદારી હવે પૂરી કરઉં છું . " તે સજ્જને મને ભાન કરાવ્યું કે મારું સ્ટેશન આવી ગયું . અગાઉથી કોઇને જાણ ન કરેલી હોવાથી કાકાના કુટુંબીઓમાંથી કોઇ લેવા આવ્યા ન હતા . હું એકલી જ રીક્ષા કરીને ઘેર પહોંચી . ઘરમાં બધાંજ ઔપચારિક રીતે મળ્યા , પણ જોઇએ તેવી ખુશી કોઇએ . જ વ્યક્ત કરી નહીં . જાણે કે મારું આગમન કોઈને ગમ્યું ના હેય . જોકે મેં એની પરવા પણ ન કરી . નાહી - ધોહી ફ્રેશ થઇ કાકીએ જમવાનું કહેતાં જમવા બેઠાં . અચાનક યાદ આવ્યું કે રાત્રે મેં સફર માટે લીધેલી વસ્તુઓમાંથી કાંઇ ખાધું નથી . ફટાફટ થેલો ખોલી તેમાંથી મીઠાઇ - ફરસાણ તેમજ થેપલાં ખોલ્યાં અને જમણમાં સાથે ગોઠવી દીધાં જમીને આરામ કરવાનું કાકી તરફથી સૂચન મળતાં શારિરીક આરામ કર્યો , પણ ઊંઘ આવી નહીં .સાંજે પાંચેક વાગ્યે હું તૈયાર થઇ ગઈ . પીળા રંગનો કચ્છી પ્રીન્ટનો ડ્રેસ મેં પહેરી લીધો . જે રંગ મોહનને ખૂબજ ગમતો . દર્પણ સામે હું ઊભી ઊભી વિચારતી હતી કે મને જોશે એટલે મોહન શું કહેશે . ‘ તું તો મોટી થઈ ગઇ . ” ના ના પહેલાં તો ગુસ્સે થશે . અને કહેશે , “ બીજે લગ્ન કરવાં હતાં તો મારી સાથે પ્રેમ શા માટે કર્યો . ' ' અને પછી હું આ વાત ખોટી છે , મેં તો મજાકમાં લખ્યું હતું . તેમ જણાવીને પછી મનાવી લઇશ . અને પછી બંને ખડખડાટ હસી પડશું . એમ વિચારતી હું દર્પણ સામે ત્રાંસી આંખે જોઇને વાંકું મલકી , દર્પણ સામે ઊભી ઊભી હું કાનનું લટકણીયું સરખું કરવાના બહાને મારા સૌંદર્યનો લ્હાવો હું જ લઇ રહી હતી . બહાર ડેલી ખોલવાનો અવાજ આવતાં હું ચોંકી બહાર આવી જોયું તો કાકી આવી ગયાં હતાં ફટાફટ હું બહાર નીકળવા જતી હતી ત્યાં કાકીએ મને રોકવાનો પ્રયત્ન કરતાં કહ્યું મીરાં દીકરી , ક્યાં હાલી ? આમ તૈયાર થઇને ન જવાય . હજુ તો સમય કેટલો થયો છે . ' એ વાતને આંખ આડા કાન કરી “ આવું છું ’ એમ કહીને ઉતાવળે નીકળી ગઇ . ગલીમાંથી નીકળતી નીકળતી બધું જોતી ગઇ . એ ચોક , ચોરો , મંદિર અને નવી લાયબ્રેરી પણ . રસ્તામાં અનેક લોકો નવા પ્રાણીની જેમ મને જોતા હતા . મેં તેની લેશ માત્ર દરકાર ન કરી . હું વિચારતી હતી કે કઈ ગલીમાં મોહન મળે અથવા તો મને પાછળથી બૂમ પાડશે . ‘ મીરાં , ઓ મીરાં , ક્યારે આવી ' પણ આવું કંઇજ ન બન્યું . હું વધુને વધુ બાવરી બનતી જતી હતી . મારા બાવરાપણાનું લોકોને ભાન થતું જતું હતું . જે ઓળખતા હતા તે લોકો પણ મારાથી કતરાતી નજરે જોતા હતા .
ત્રણ - ત્રણ , ચાર-ચાર સ્ત્રીઓ ટોળે વળી ગુસ - પુસ કરતી હતી હું મંદિર તરફ આગળ વધી . કદાચ મોહન ત્યાં હશે . જ્યાં અમે અગાઉ દરરોજ મળતાં.. ત્યાં પણ ન હતો . હું ઘર તરફ પાછી વળતી હતી . સ્ત્રીઓના એક ટોળામાંથી ગુસપુસ કરતાં અવાજ આવ્યો .."છે કંઈ આને ! લટકા કરી આખું ગામ ફરી આવી . ” ત્યાં બીજી બાઇ બોલી “ એને તો મુંબઇમાં આવા કેટલાય મોહન મળી રહેશે . પણ આપણે તો ગામમાંથી હીરો ખોયો . પાછી મુંબઈથી તમાશો જોવા આવી છે . એતો મોહન ગાંડો હતો કે આ ઠગણ મીરાની પાછળ વખગોળ્યું એને ઠેકાણે હું હોત તો પહેલાં મીરાંડીને ચખાડત ને પછી હું પીત , બીચારો મોહન ....... ! " હું દોડતી ઘેર પહોંચી . કાકીને પૂછયુંઃ “ ગામમાં વાત શું છે ? ' કાકીએ ખુલાસો કરતાં કહ્યું : “ એટલે જ તને કહેતી હતી આમ તૈયાર થઈને ન જવાય . હજુ મોહન હલ્યો તેને ત્રણ દિવસ જ થયા છે . ” કાકીએ માંડીને વાત કરી “ બેટા , આખું ગામ તારા પર નારાજ છે . મોહનના મિત્રનું કહેવું છે મીરાંએ બીજે સગપણ કરી નાખ્યું તેવો પત્ર મીરાંએજ લખ્યો હતો . એ સહન ન થતાં બેટા , મોહને ઝેર પીને આત્મહત્યા કરી . હું ડઘાઇ ગઇ . મારા મગજમાં શૂન્યાવકાશ છવાઈ ગયો . મને કંઈ જ ન સૂઝયું . હું ત્યાંજ બેસી ગઈ . કાકીએ મારો હાથ પકડીને ઘરમાં બેસાડી . હું અપલક નેત્રે તાકી રહી . લાખ પ્રયત્ન છતાં મારું દર્દ આંસુ વાટે બહાર ના નીકળ્યું . મેં શા માટે પત્ર લખી આવી મજાક કરી ? હું મારી જાતને ધીક્કારતી આખી રાત સૂઈ ન શકી . વહેલી સવારે કાકી ઊઠી ગયા હતાં . હું ઊઠી કાકી પાસે જઈ બોલી : “ આજે અત્યારે જ સવારની ટ્રેનમાં પાછી બોમ્બે જઇ રહી છું . ” ઘણી રકઝક પછી કાકીએ સહમતી આપી . કાકાને ઊઠાડયા , ને મને રેલવે સ્ટેશને મૂકવા આવ્યા . સ્ટેશન પર કાકાએ મારા માથે હાથ ફેરવીને કહ્યું “ “ બેટા , જે થયું તે ભૂલી જજે . ” હું કાકાને વળગી પડી . મારું દબાયેલું દુઃખ ફૂટી પડયું , હું ધ્રુસ કે ધ્રુસકે રડી પડી . કાકાએ મને આશ્વાસન આપ્યું . ત્યાં રેંકડી વાળાએ બૂમ પાડી ‘ ગરમ ભજીયાં ગરમ ભજીયાં . ” આ એજ રેલ્વે સ્ટેશન હતું જ્યાં હું અને મોહન કેટલીએ વાર મળતાં . એકવાર મોહન ભજીયાનું પડીકું લઈ આવ્યો ખોલતાં બોલતાં તેમાંથી લીલાં મરચાંની ઢીલી ચટણી મારા ડ્રેસ પર ઢોળાઈ જતાં મોહનના રૂમાલથી સાફ કરતાં કરતાં અમે બંને ખડખડાટ હસી પડયાં હતાં . “ બેટા , ટ્રેઇન આવી ગઈ . ” કાકાના આ શબ્દોએ મને ચોંકાવી દીધી . હું માનસિક સ્થિરતા કેળવવાની કોશિષ કરતી ટ્રેનમાં યોગ્ય જગ્યા શોધીને બેઠી . ત્યાં છાપાવાળો આવ્યો . લોકલ ન્યુઝ પેપર બારી પાસે ઊંચું કરતાં મારા ખોળામાં પડી ગયું . પાછું આપવાને બદલે મેં પૈસા આપી દીધા . ટ્રેને તીણી ચીસ પાડી . કાકાએ હાથ હલાવીને વિદાય આપી . ધીમી ગતિએ ટ્રેન આગળ નીકળી છાપું ખોલતાં જ હું ચોંકી . ગામના યુવાનોએ શ્રદ્ધાંજલિ ' શીર્ષક હેઠળ મોહનનું ફોટું અને લખાણ આપ્યું હતું . મારો હાથ મોહનના ફોટા પર ફરી વળ્યો . જાણે ફરિયાદ કરતો હોય તેમ જોઈ રહ્યો . નીચે તેના સ્વભાવનું વર્ણન કરેલું હતું – માત્ર બે લીટીમાં . ..!
...........આ એક કોલમ દશ સે.મી.માં મોહન વિશે જાણે બધું જ લખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો . પણ અમે જોયેલાં સ્વપ્નાંઓ સાથે કરેલી મજાક , રીસામણાં – મનામણાં અને સાથે કરેલા વાયદાઓ આ શું એક કોલમ દશ સે.મી.માં સમાઇ શકે ખરું ? હું ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી . મારા આંસુ મોહનના ફોટા પર ટપક ટપક પડી રહ્યા હતા . મને પેલી સ્ત્રીઓના શબ્દો તીરની જેમ ખૂંચતા હતા . એને તો મુંબઇમાં મોહન ઘણાએ મળી રહેશે આપણે તો હીરો ખોયોને ... એને તો મુંબઇમાં ઘણા મોહન ..... .......!!!!!”
.......મારા ડ્રેસ પર પડેલ ચટણીના ડાઘને મોહને પોતાના રૂમાલથી સાફ કર્યા હતા . પરંતુ આ મારા પર લાગેલા કલંકને સાફ કરવા મારી પાસે કોઈ રૂમાલ નહોતું . મનોમન મેં નક્કી કર્યું “ મોહન ! હું પણ એક કોલમ દશ સે.મી.માં શ્રદ્ધાંજલિના શીર્ષક હેઠળ સમાઇ જવા માગું છું ! લપકારા મારતી , ચીસો પાડતી , હવાને ચીરતી ટ્રેન આગળ વધી રહી હતી . તેનાથી બેવડી ગતિએ મારા વિચારો અને મારો નિર્ણય વધુને વધુ દ્રઢ બનતા જતા હતા એક કોલમ દશ સે.મી.માં સમાઈ જવા માટે...!!!!
--------સી. ડી. કરમશીયાણી
.