Laalni raninu aadharcard - 13 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | લાલની રાણીનું આધારકાર્ડ - 13

Featured Books
Categories
Share

લાલની રાણીનું આધારકાર્ડ - 13

પ્રકરણ- તેરમુ/૧૩

‘એ’ય ને મર્ડરના ચાર્જમાં રણદીપની ધરપકડ થઇ છે.’
ઊંઘના કારણે લાલસિંગની આંખ ઉઘડતી નહ’તી તેના બદલે એક જ સેકન્ડમાં એવું થઇ ગયું જાણે કે લાલસિંગના ડોળા ફાટીને હમણાં બહાર આવી જશે.

‘હેં...... અલ્યા શું વાત કરે છે, ભૂપત ? મર્ડર, રણદીપે કર્યું ? કોનું ?

‘એ તો ખબર નથી કારણ કે, લાશની હાલત એટલી વિકૃત છે કે, ખ્યાલ નથી આવતો કે લાશ સ્ત્રીની છે કે પુરુષની.’

ભુપતના એક વાક્યથી તો વહેલી પરોઢમાં એ.સી. ચાલુ હોવા છતાં લાલસિંગ પરસેવે રેબઝેબ થઇ ગયો. નેપકીનથી મોઢું લુંછતા લાલસિંગ બોલ્યા,

‘ક્યાં, કેવી રીતે અને કેટલાં વાગ્યે ? રણદીપ ક્યાં છે ? બેડરૂમમાંથી ઝડપભેર ચાલતાં ડ્રોઈંગરૂમ તરફ આવતાં આવતાં લાલસિંગે પૂછ્યુ,

બાજુમાં સુતેલી કુસુમ જાગી જતાં તેને એમ થયું કે, આટલી વહેલી સવારમાં લાલ ક્યાં ઉપડ્યા ?

તરુણાએ પાળેળો અને પઢાવેલો વિઠ્ઠલનો ભાડુતી પોપટ ભૂપત, તરુણાએ આપેલી સ્ક્રિપ્ટનું રટણ કરતાં બોલ્યો,

‘સાહેબ, ઈ કંઈ ખબર નથી પણ, મને તો હમણાં એવાં ઉડતાં સમાચાર મળ્યા કે, રાત રંગીન કરવાની રમતમાં રણદીપની પત્તર રગડાઈ છે, પણ હા,વાત છે સો ટકા સાચી. હવે આગળ તમારા છેડા અડાડો તો ખબર પડે કે, રણદીપે રાસલીલા ક્યાં અને કોની સાથે રમી.’

ભૂપતે બે ચાર ટકોરા મારીને લાલસિંગની મુંડીને કુંડી મારી દીધી.
‘ભૂપત, તું ઝટ હમણાં નીકળ અને બંગલે આવી જા ફટાફટ, હાલ’ લાલસિંગે પૂછ્યું,

ભૂપતને હતું જ કે, હમણાં આ ડોસો અનારકલીને નાચવાનું કહેશે જ એ પહેલાં જ
પગે પાટો બાંધી લેતા ભૂપત બોલ્યો,

‘પણ સાહેબ હમણાં તો નહીં અવાય. કેમ કે મારા પડોશમાં એક સાવ એકલાં રહેતા, માજી ગુજરી ગયા છે રાતના બે વાગ્યે. તે એને લઈને હમણાં સ્મશાન નીકળવાની તૈયારી ચાલે છે. પણ, ચિંતા ન કરો, હું કલાકમાં આવી જઈશ હોં,’
પલંગ પર આરામથી લંબાવતા ભુપતે લાલસિંગ મોઢામાં ગળીચટ્ટ ટોફી ચગળવા આપી દીધી.
‘આ બધાને... ઠીક છે તું આવ જલ્દી હાલ.’
પછી મનોમન બોલ્યો, આ બધાંને અટાણે જ મરવાનું સુજે છે’

સમય થયો સવારના છ વાગ્યાનો. કુસુમ ફ્રેશ થઈને ડ્રોઈંગ રૂમમાં આવતાં બોલી.
‘લાલ, તમને હમણાં ચા આપું, કે... ?’
કુસુમની સામે જોઇને મનોમન ધૂંધવાયેલા લાલસિંગ બોલ્યા,

‘એક કામ કર, કડવો કડીયાતો ઉકાળો બનાવ એટલે ગટકાવી જાઉં.’

કુસુમ સમજી ગઈ કે, અત્યારે અહિયાં ઉભાં રહેવામાં સલામતી નથી એટલે કિચન તરફ જતાં જતાં ધીમેકથી હસતાં બોલી,
‘તો તો પહેલાં બ્રશ કરી લ્યો, નહીં તો કડવા મોઢામાં કડવાસનો સ્વાદ નહીં આવે.’

લાલસિંગના વિફરેલાં દિમાગના વિચારોમાં વઘાર જેવો છણકો કરીને કુસુમ જતી રહી લાલસિંગએ તેના તાળવામાં તણાઈ રહેલા ટેન્શનના તંબુની નસોને કંટ્રોલ કરીને
મોબાઈલમાં પોલીસ ડીપાર્ટમેન્ટના કોન્ટેક્ટ લીસ્ટમાં સર્ચ કરતાં હરદેવસિંહને કોલ કર્યો.

લાલસિંગના સદ્દનસીબે હરદેવનસિંહની નાઈટ ડ્યુટી હતી એટલે તેના એરિયાના પોલીસ સ્ટેશનની ઓફિસમાં પુશબેક ચેર પર આંખો મીંચીને ડ્યુટી અવર્સ પુરા થવાની રાહ જોઇને બેઠો હતો.

લાલસિંગની રીંગ જોઇને કોલ ઉપાડતાં બોલ્યો,
‘જય માતાજી,’
‘જય માતાજી, એલા હરદેવ, રણદીપની કઈ ખબર છે ?’
પાંચ સેકન્ડ ચુપ રહીને હરદેવ બોલ્યો,
'ખબર શું ? હવે તેના કબરની જગ્યા શોધી રાખો તો સારું. મને હમણાં કલાક પહેલાં જ મેસેજ મળ્યાં પણ મને થયું કે આટલાં મોટા ન્યુઝ તમને તો મળી જ ગયા હોય ને. અને રણદીપ તો તમારો...’
આગળ મનમાં બોલ્યો.. ઠાકુરનો રામલાલ છે.
‘એલા ભાઈ મને કંઈ જ ખબર નથી. એટલે તો તને કોલ કર્યો, હવે ઝટ રામાયણ કહે તો કોઈ હનુમાનને મોકલું, સંજીવની જડી બુટ્ટી લેવા.’

‘રેવા દયો લાલસિંગ નઈ મેળ પડે. રણદીપને છોડવામાં ક્યાંક તમારાં ટાંટીયા તમારાં ગળામાં ન આવી જાય એનું ધ્યાન રાખજો.’
કોન્ટેબલને ચા લઇ આવવાનો ઈશારો કરતાં હરદેવ બોલ્યો.

‘પણ, હવે તું માંડીને કથા કર તો, ક્યાં કોને કેટલો પ્રસાદ ધરવાનો છે એની વ્યવસ્થા કરીએ એમ.’ આકુળ વ્યાકુળ થતાં લાલસિંગ બોલ્યા.

‘જુઓ લાલસિંગ સાવ સાચું કહું, જો તમારે આ ચુંટણી જીતવી હોત તો રણદીપને ભૂલી જાઓ. રણદીપની હવે જે હાલત થશે, અને તેનો ચેપ જો તમને લાગ્યો’ને તો આખી જિંદગી ખંજવાળતા રહેશો. હવે સાંભળો તમારાં રામલાલની રામાયણ.

‘હોટલ ડ્રીમલેન્ડની રૂમમાં રણદીપ નશાની હાલમાં મળ્યો છે. અને તેના કારમાંથી ડ્રગ્સ, લાઇસન્સ વગરના હથિયાર અને કારની ડીક્કીમાંથી એક વિકૃત લાશ મળી છે.
ટોચ લેવલની ઇન્ફોર્મેશનની ગાઈડ લાઈનને ફોલો કરતાં, હાઈ સીક્યુરીટી સાથે ડી.આઈ.જી.ની ટીમે ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. અને બીજી કંઇક એવી સિક્રેટ ઇન્ફોર્મેશન છે કે, જે હું તમને આપું તો મારી ખુરશી જોખમમાં આવે તેમ છે, હવે એટલામાં સમજી જાઓ તો સારું. ’
થોડીવાર તો લાલસિંગને થયું કે તેના પછવાડામાં કોઈ એ ટાઈમ બોંબ સેટ કરીને તેની આખરી ઈચ્છા પૂછી હોય એવું લાગ્યું.

‘પણ, હવે આનો રસ્તો શું ?
કૂતરું કોસ ગળી ગ્યું હોય એવા ચહેરાના ભાવ સાથે લાલસિંગે પૂછ્યું.

ચા નો ઘૂંટડો ભરતાં હરદેવ બોલ્યો,

‘તમે રણદીપને ઓળખતા જ નથી એમ સમજી લો, નહીંતર તમને પણ એક ફટકામાં ફીટ કરી દેશે, એ યાદ રાખજો. અત્યારે સમજી લ્યો કે તમારાં ધોતિયામાં આગ લાગી છે એને ઠારો પહેલાં. એમ માની લ્યો કે રણદીપ છે જ નહીં આ દુનિયામાં. અને છેલ્લે સાવ કડવું સત્ય કહું, હવે જો શાંતિથી ખુરશી સાંચવીને જીવવું હોય તો કોઈના પગ પકડવા પડે તો પણ પકડી લે જો. જાહેરમાં નાગા થવા કરતાં બંધ બારણે કોઈનો લાફો ખાઈ લેવો સારો.’

થોડીવાર તો લાલસિંગને એમ થયું કે હમણાં જઈને આ હરામી હરદેવનો ટોટો પીંસી નાખું, પણ.. લાલસિંગની અંતરાત્મામાં સમજણની શ્રિતિજે આત્મજ્ઞાનનો ઉદય થતાં અંતઃકરણના ઉદ્દ્ગારોનો પડઘો પડ્યો ... કંટ્રોલ.. લાલસિંગ.. કંટ્રોલ..કંટ્રોલ.

‘એ ઠીક છે, હું તને પછી કોલ કરું.’ એમ કહીને કોલ કટ કરતાં લાલસિંગે ફોનનો સોફા પર ઘા કર્યો.

હરદેવ હસતાં હસતાં તેની જીપમાં બેસીને ઘર તરફ જતાં ગણગણવા લાગ્યો...
‘કરેલા કરમના બદલા દેવા રે પડે છે....

ગુસ્સો આડો ફંટાઈ જતાં લાલસિંગ બુમ પાડી......
‘કુસુમમમમ... એલી ક્યાં મરી ગઈ...? ચલ, ચા લઇ આવ ઝટ.’

લાલસિંગને થયું કે, ભૂપત આવે ત્યાં સુધીમાં ફ્રેશ થઇ જાઉં પછી ચારે બાજુ ચકરડાં ફેરવીએ.

લાલસિંગને તેના મગજમાં વીંઝાતો વિચારોનો કોરડો એક પળ માટે પણ જપવા નહ’તો દેતો. જો હરદેવની વાતોમાં પચાસ ટકા પણ સત્ય હોય તો સરકારી લોઢાના ચણા ચાવવા દાંત લાવવા ક્યાંથી ?
લાલસિંગ ફ્રેશ થઈને ડાઈનીંગ ટેબલ પર બેસતાં જ કુસુમ ગરમા ગરમ નાસ્તાની સાથે લાલસિંગના ટેસ્ટની મસાલેદાર ચા ટેબલ પર મુકીને ચુપચાપ ચેર પર બેસી ગઈ.

ચા નો ઘૂંટડો ભર્યા પછી જે રીતે લાલસિંગે કુસુમની સામે જોયું. એ જોઇને કુસુમ સમજી ગઈ કે
ચા ના ટેસ્ટથી તે અતિ સંતુષ્ઠ છે પણ...ઘરકી મુર્ગી દાલ બરાબર. ચૂંટણી જીતવા એક એક મત માટે કલાકો ભરતડકે લોકોને હાથ જોડશે પણ.. પત્નીનો પાડ માનવામાં જાણે કે પહાડ ઊંચકવાનો હોય એટલું કષ્ટ પડતું હતું.

‘શું થયું છે લાલ, આટલા ટેન્શનમાં મેં તમને પહેલાં કયારેય નથી જોયા ?’

લાલસિંગે રણદીપની બની ગયેલી ઘટના કહી સંભળાવી.
થોડીવાર ચુપ રહીને કુસુમ માત્ર એટલું બોલી,
‘લાલ, ગુસ્સો ન કરો તો એક વાત કહું ?’
ટી પોટ માંથી ફરી ચા નો કપ ભરતાં લાલસિંગે બોલ્યા,
‘હા, બોલ.’
‘કોઈ જૂની અદાવત કે કોઈની જોડે ઘોર અન્યાય કર્યો હોય....’ કુસુમ બોલી

‘જો કુસુમ આ રાજકારણ છે આમાં તમે તટસ્થ ન્યાય ન કરી શકો. ગમે તેટલું કરો, તો પણ કોઈક ને તો વત્તા ઓછા પ્રમાણમાં મનદુઃખ થવાનું જ. હવે પંદર વર્ષની લાંબી રાજકીય કારકિર્દીમાં તો આવું બધું નાનું મોટું તો ચાલ્યાં કરે કેટલું યાદ રાખવું ? અને ધાર્યું ન થાય તો તો લોકો ઈશ્વરને પણ સંભળાવવા કંઈ બાકી નથી રાખતાં તો મારી શું વિસાત ?’

‘અને ખરેખર મારાથી કોઈની જોડે અન્યાય થયો હોય તો સત્યનો સ્વીકાર કરીને માફી માંગવામાં મને કોઈ જ છોછ નથી. અને રાજકારણમાં મિત્ર અને શત્રુની વ્યાખ્યા સગવડિયા ધર્મ જેવી છે.’

‘પણ લાલ, શત્રુ માફી માંગવાની તક આપે તો ને ?
‘એટલે ?’ ઉભાં થતાં લાલસિંગ બોલ્યા,
‘એ તમને અત્યારે નહીં સમજાય, જયારે બધાં રાસ્તા બંધ થઇ જાય ત્યારે મને કહેજો હું તમને કહીશ.’ એટલું બોલીને કુસુમ કિચન તરફ ચાલવા લાગી.
ભ્રમર ઉલાળતાં નવાઈના ભાવ સાથે લાલસિંગ ડ્રોઈંગરૂમમાં આવ્યા ત્યાં જ ભૂપત આવ્યો એટલે લાલસિંગ તેને લઈને તેમની ઓફિસમાં ગયા.

બેસતાં પહેલાં લાલસિંગ બોલ્યા,
‘હા, બોલ ભૂપત. બહુ મોડું કર્યું તે આવતાં આવતાં.’

‘અરે મારા સાહેબ આ રણદીપના કાંડની કુંડલી કાઢવાની રખડપટ્ટી કરી એમાં મોડું થઈ ગયું.’
‘બોલ શું છે, લેટેસ્ટ માહિતી ?’ લાલસિંગે પૂછ્યું.
એ પછી ભૂપતે જે વાત કહી સંભળાવી તેમાની મહદ્દઅંશની વાતો હરદેવ પાસેથી મળેલી બાતમીને મળતી આવતી હતી. એટલે લાલસિંગને થયું કે બન્નેની વાતમાં તથ્ય તો છે જ.

‘પણ આ થયું કંઈ રીતે, આ આખો માજરો છે શું, એ કંઈ ખબર પડે ?
લાલસિંગે પૂછ્યું,

‘મને જયાં ત્યાંથી આડી અવળી છુટક માહિતી મળી તેના પરથી એવું બહાર આવ્યું છે કે આ આખા કાંડની મુખ્ય કલાકાર કોઈ છોકરી છે.’ ભુપતે જવાબ આપ્યો.

ટેબલ પર પડેલા પેપર વેઇટને હાથમાં લઈને દાંત કચકચાવીને સામેની દીવાલ પર ગાળ બોલતાં છુટ્ટો ઘા કરતાં લાલસિંગ ક્રોધથી કોપાયમાન થતાં બોલ્યા,
‘એ નગીનાને મેં ચોક્ખી ના પાડી’તી કે ચૂંટણી ન પતે ત્યાં સુધી બાટલી અને બાયુ થી છેટો રેજે. પણ મને લાગે છે આ રંભાના ભાઈની રાશીમાં શુક્ર તેનો સ્વામી નહી પણ સુવર શુક્નો સ્વામી લાગે છે. એક પંદર મીનીટના કામ માટે, મારા પંદર વર્ષના કારકિર્દીમાં કાણાં પાડી દીધા. મારી સામે આવે એટલી વાર છે. એવી હાલત કરીશ કે હીજડા પણ તેની જમાતમાં નહી રાખે. આ હડકાયા કૂતરાને તો પણ બારેમાસ ભાદરવો છે.’ લાલસિંગ તેના ક્રોધાવેશની ચરમસીમા પર આવી ગયા હતાં.

ભૂપત ચુપચાપ સાંભળીને મનોમન બોલ્યો કે, હાથે કરીને સળગાવેલી હૈયા હોળીની જવાળા જેટલી ઊંચે ચડે એમાં જ મજા છે.

‘ભૂપત આનું તળિયું શોધ.. ગમે તે ભોગે. મને લાગે છે આ અજાત શત્રુ એ અદાવતમાં ચાંપેલી આગ મારી કારકિર્દીને ભસ્મીભૂત કરી નાખે એ પહેલાં આ દાવાનળને કોઈપણ ભોગે ડામવો જરૂરી છે.’

ભૂપત ગેમના નેક્સ્ટ સ્ટેપ પર આવતાં, બંધ બાજીના પાના ખોલતા બોલ્યો,
‘સાહેબ આ ઇન્વેસ્ટીગેશનની ટીમના એક અધિકારીની લીંક મળી છે પણ, મને નથી લાગતું કે એ આવડા મોટા સિક્રેટ મિશનની માહિતી મફતમાં આપે.’
મોંઘુ ગાજર લટકાવતાં ભૂપત બોલ્યો.

‘આપ્યા.. એ માંગે એટલા આપ્યા તું મીટીંગ ફિક્સ કરાવ બસ.’
લાલસિંગ જોશમાં આવતાં બોલ્યા.
‘તો મને થોડો સમય આપો તો આજે જ ગોઠવી આપું.’ ભૂપતને લાગ્યું કે હવે લાલસિંગ અને તેનું ખિસ્સું બંને હળવા કરવા ઘરગથ્થું ઈનોની એક પડીકી તેના ગળે ઉતારવી જ પડે તેમ હતી.

‘તો તું તારી રીતે બધું ગોઠવીને મને ઝટ ખબર આપ પછી આ રણદીપને પર્મેનેન્ટલી પાણીચું પકડાવી દઉં એટલે એ છિનાળના ઠેકેદારથી છેવટે છુટકારો મળે.’

ભૂપત ત્યાંથી રવાના થઈને તરુણાને મેસેજ આપ્યો. એટલે તરુણાએ સામો એવો
મેસેજ આપ્યો કે, મારા નેક્સ્ટ આદેશ સુધી વેઇટ કરે.

એ પછી લાલસિંગ તેની એક પછી એક કોન્ફીડેન્સીયલ કોન્ટેક્ટથી શક્ય એટલી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની કસરત કરી પણ ક્યાંયથી કોઈ ઠોસ ઉકેલ કે શત્રુના સચોટ ષડ્યંત્રની કોઈ મહત્વની કડી ન જડી.

તેનું એક જ કારણ હતું, લાલસિંગ અને તેનાથી ચાર ચાસણી ચડિયાતા રણદીપે ભૂતકાળમાં તેમણે ભયના ભસ્માસ્ત્ર થકી ફેલાવેલા અત્યાચાર અને આતંકનો ભોગ બનીને પ્રતિશોધની પ્રતીક્ષામાં બેસેલાં લોકોનો સણસણતા પત્થરના પ્રહાર જેવો આ મૂંગો પ્રત્યુતર હતો.

બન્ને દોઢ દાયકાથી ડરનો ડેરો નાખીને માત્ર ધાક, ધમકીની દંડભીતિ અને દહેશતથી રાજનીતિ કરતાં રહ્યા હતા. જે આતંકવાદના ઐરાવત પર અહંકારની અંબાડી સાથે લાલસિંગને પાપભીરુતાની પાઘડી પહેરાવીને મહાવતની જેમ મોટાભા થઈને રણદીપે લાલસિંગને ભયના સામ્રાજ્યની સેર કરાવી હતી, આજે એ જ આતંકનો ઐરાવત નિરંકુશ થઇ જતાં નિર્દય બનીને બંનેને તેના પગ તળે કચડવા ગાંડોતુર થયો હતો.

ચોતરફથી આવતાં પ્રાણઘાતક પુરના પ્રવાહની પ્રચંડતા અને ઘુઘવાટ જોઇને હવે લાલસિંગ રઘવાયો થઇ ગયો હતો. રણદીપે તરખાટ અને ત્રાસના ખાબોચિયા જેવા પાણીમાં તરતું મુકેલું વિશાળ અને આભાસી ટાઈટેનિક હવે ડૂબવાની અણી પર હતું. અંતે તેણે વિચાર્યું કે તેની પાસે લાઈફ જેકેટ જેવું એક જ શરણ હતું. અને તે હતું વનરાજ.

હવે પછીની માત માટે ક્યા પ્યાદાને ક્યાં, ક્યારે અને કેમ આગળ કરવાનો છે તે ચાલની ગણતરી કરીને તરુણાએ ભૂપતની સાથે સાથે રણદીપ કાંડમાં ઊભા કરેલા મુખ્ય પાત્રને તેની હવે પછીની રણનીતિના સમય અને સ્થળ સમજાવી દીધા બાદ ફોન મારફતે તરુણાએ ભૂપતને લીલી ઝંડી આપી એટલે ભૂપત આવ્યો લાલસિંગના બંગલે સાંજના સાત વાગ્યે.

બન્ને ડ્રોઈંગરૂમમાં બેસતાં લાલસિંગે પૂછ્યું
‘શું થયું ?
લાલસિંગની સામે જોઈને ભૂપત બોલ્યો,
‘પણ, સાહેબ બહુ મોટું મોઢું ખોલે છે. શું કરીશું ?
‘કેટલાં ?’
‘માત્ર માહિતી આપવાના પચ્ચીસ લાખ.’
‘કયારે આપવાના છે ? લાલસિંગે પૂછ્યું
‘માહિતી જોઈએ ત્યારે.’
‘કલાકમાં મળી જશે બોલ, પણ એ છે કોણ ? અને તેણે આપેલી ઇન્ફોર્મેશન પર ભરોસો કેટલો ? લાલસિંગે પૂછ્યું
‘તેની ઇન્ફોર્મેશન રણદીપના સ્ટેટમેન્ટ સાથે મેચ ન થાય તો પૈસા પરત. એ
પોલીસ ડીપાર્ટમેન્ટનો ખાસ ખબરી છે. એ નામ નહીં આપે. અને આપશે તો પણ સાચું નહીં આપે. અને આ મેટર એટલી ગંભીર છે કે તેનો જીવ પણ જોખમમાં છે.’

‘એક કામ કર તું તેની પાસે સમય માંગી લે. હમણાં હું પંદર મીનીટમાં પેમેન્ટની વ્યવસ્થા કરાવડાવું છું.’ સ્હેજ ઉત્સાહમાં આવતાં લાલસિંગ બોલ્યા.
ભૂપતએ ઈનફોર્મરને કોલ કર્યો પણ ન લાગ્યો. બે થી ત્રણ વાર ટ્રાય કરી પણ નેટવર્ક ઈશ્યુના કારણે નિષ્ફળ. એટલે ઊભો થઈને ગાર્ડન તરફ જતાં બોલ્યો,
‘હેલ્લો... હેલ્લો... હેલ્લો...
‘બસ.. હવે ઓવર એક્ટિંગ બંધ કર ડાહ્યા, સંભળાય છે મને..’ પ્રિપ્લાન મુજબ ભૂપતે વાત કરતાં સામા છેડેથી જવાબ આવ્યો .
‘હા..હા.. એ હા... વાત થઇ ગઈ.. જી.. જી.. જી ઠીક છે ઓ.કે. હા. ડન.’
એટલું બોલીને ભુપતે કોલ કટ કરીને ડ્રોઈંગરૂમમાં આવતાં બોલ્યો.
‘આઠ વાગ્યે આપણે શહેર થી પંદર કિલોમીટર દુર હાઇવે પર એક ઢાબા પાસે ઊભા રહેવાનું છે. ત્યાંથી આગળ તેની કાર આપણે મૂળ મુલાકાતની જગ્યાએ લઇ જશે.’

‘એલા ભૂપત આટલું પ્લાનિંગ તો અમેરિકાના નાઈન ઈલેવન મિશનમાં ઓલા આંતકવાદીઓ એ પણ નહીં કર્યું હોય. આ શહેરના બાપ લાલસિંગે આવાં દીવસો જોવાના ? ટીપોઈ પરથી પાણીનો ગ્લાસ ઉઠાવતાં લાલસિંગ બોલ્યા.

મોકો જોઇને ભૂપતને થયું કે હવે ઉંટ બરાબર પહાડ નીચે આવ્યો છે તો હું પણ એક ચોક્કો મારી જ લઉં.
‘સાહેબ જેમણે તમને આ શહેરના બાપ બનાવ્યા તેમની મહેરબાનીથી જ તમે આ દિવસો જોઈ રહ્યા છો ને.’

ભૂપતની કડવીવાણી સાંભળીને લાલસિંગ મનોમન બોલ્યો,
હાલ તો તું પણ હાલાતનો લાભ લઈને હાથ સાફ કરીલે બેટા.

ફૂલપ્રૂફ પ્લાનિંગ મુજબ નક્કી કરેલા સમય અને સ્થળ પર લાલસિંગ અને ભૂપત આવી પહોચ્યાં. હાઇવેના મેઈન રોડથી અંદરની તરફ એક ખુલ્લાં ખેતરમાં એક બ્લેક સ્કોર્પિયો પાસે બન્નેને લઇ આવેલી કાર થોભતાં બન્ને કારમાંથી ઉતરીને સ્કોર્પિયો તરફ જતાં પાછળનો દરવાજો ખુલતાં બન્ને ગોઠવાઈ ગયા.
ડ્રાઈવીંગ સીટ પર અને તેની બાજુમાં બેસેલી વ્યક્તિ બન્નેએ તેના ચહેરા રૂમાલ બાંધીને કવર કરેલા હતા ફક્ત આંખો જ દેખાતી હતી. ડ્રાઈવીંગ સીટ પર બેસેલી મુખ્ય વ્યક્તિનું પેટ જોઇને લાલસિંગને પહેલાં તો એમ લાગ્યું કે સ્પેર વ્હીલ અહીં સીટ પર કેમ રાખ્યું હશે ?

‘તમારા બંનેના મોબાઈલ આપો.’ જાડિયો બોલ્યો.
‘ કેમ ?’ લાલસિંગએ પૂછ્યું.
‘એક ના ડબલ કરવા છે એટલે. આપો એટલે બતાવું.’
હસતાં હસતાં જાડિયાએ જવાબ આપ્યો.
ભૂપત અને લાલસિંગ તેમના મોબાઈલ આપતાં બન્નેના મોબાઈલ સ્વીચ ઓફ કરતાં જાડિયો બોલ્યો.
‘લ્યો હવે કાઢ્યા એમ પાછા ઘાલી દયો, ગજવામાં. તમને એમ થતું હશે કે શહેરથી છેક પંદર કિલોમીટર દુર, ઘોર અંધારામાં અહીં આ ખેતરમાં બોલાવાનું શું કારણ ? એનું કારણ એ કે, અહીં કોઈ સી.સી.ટીવી..કેમેરા મુકવાનું ભૂલી ગયા છે એટલે. અને આ જગનની સ્ટાઈલ છે. જગન નામ છે મારું. હરી પત્તી લાવ્યાં છો ને ?
જગને પૂછ્યું.

રોકડા પચ્ચીસ લાખની બેગ ખોલીને લાલસિંગે જગનને બતાવતા જગન બોલ્યો,
‘બસ બસ.. આ હરી પત્તીની સુગંધ મારી કમજોરી છે.. જેમ કુત્તાની આગળ હડ્ડી.’

‘બોલો શું જાણવું છે ? એ કહો એટલે ત્યાંથી રણદીપની રંગીન રાતની ફિલ્મનું રીલ ચડાવું.’
‘પચ્ચીસ લાખમાં તો આખી ફિલ્મ ઉતરી જાય.’ લાલસિંગે કહ્યું.
‘બે કરોડ... પુરા બે કરોડનો ખર્ચ કર્યો છે તમારાં રણદીપને નાગો કરવા પાછળ સાહેબ, બે કરોડ.’ મુઠ્ઠી વાળીને, પહેલી બે આંગળી લાલસિંગને બતાવતા જગન બોલ્યો.

‘કોણે કર્યો ? લાલસિંગે પૂછ્યું
‘તમને લાગે છે કે, આ રંડીબાજ રણદીપના કપડાં ઉતારવા માટે જેણે ચપટી વગાડતા બે કરોડ જેવી રકમ પાન ખાઈને પીચકારી મારે એમ ઉડાડી દીધી હોય તેનું નામ જાણવું સહેલું છે ?
જગને બીડી સળગાવીને વિન્ડો ગ્લાસ ઉતારતા પૂછ્યું.

‘હવે પચ્ચીસ લાખમાં તું દેખાડે એટલા એપિસોડ જોઇને ઉતરી જઈશું બીજું શું, બોલ હવે.’ લાલસિંગ બોલ્યા.

‘રણદીપની વેઢા જેવડી કમજોરીનો વહાણ જેવડો ફાયદો ઉઠાવીને કાયદાનો ફંદો તેના ગળામાં ઘાલવામાં આવ્યો છે. કોઈપણ હિસાબે રણદીપની લાળ પાડવા રણદીપની ચોઈસ મુજબનું એક નવું રમકડું સ્પેશિયલી આયાત કરવામાં આવ્યું હતું. અને ચતુરની ચાલ મુજબ તે અજગરનું બચ્ચું રણદીપનો કોળીયો કરીને જતું રહ્યું. સદી પૂરી કરવાની કામોતેજનામાં આડેધડ બેટિંગ કરતાં રણદીપ રન આઉટ થઈ ગયા પછી....
હવે સાંભળો, દિલ્હીના અધિકારીના આદેશ મુજબ દુ:શાશન કરતાં પણ બે રહેમીથી કરેલા તમારાં રણદીપના ચીરહરણની અસલી કથા.
‘જે રૂમમાં કાળી રાત્રે બ્લ્યુ ફિલ્મ ઉતરી એ ડ્રીમલેન્ડ હોટલનો રૂમ રણદીપના નામે બોલે છે. અત્યારે તો એ નાઈટ મેચની ફૂલ એચ.ડી. ક્વોલીટીની ક્લીપનો લાભ ફક્ત રણદીપને જ મળ્યો છે. હવે જો રણદીપે તેનું માથું સહી સલામત રાખવું હશે તો સામે બીજું માથું આપવું પડે તેમ છે.’ બીડીનો આખરી કસ ખેંચતા જગન બોલ્યો.

‘એટલે, હું કંઈ સમજ્યો નહીં.’ લાલસિંગે પૂછ્યું.

‘તમને હું એક વાર્તા કહું તો સમજાઈ જશે. અને... હું આ સ્ટેજ પર કઈ રીતે પહોચ્યો એ પણ સમજાઈ જશે.’

એક વાર હું અડધી રાત્રે ચાલતો ચાલતો ઘરે જતો હતો. રસ્તામાં એક ખુલ્લી જીપમાં ચારથી પાંચ લોકોની ગુંડા ટોળી બેઠી હતી. તેમને મને સીટી મારીને બોલાવ્યો. હું બાજુમાં ગયો એટલે મારી સામે એક ડબલું ધર્યું જે વાળેલી ચિટ્ઠીઓથી ભરેલું હતું. એટલે મને નવાઈ લાગતાં પૂછ્યું,
‘કે આ શું છે ?’
તેમાનો એક દાઢીધારી કાણીયો બોલ્યો,
‘કોઈ એક ચિટ્ઠી ઉઠાવી લે. પછી કહું શું છે એ.’
મને એમ થયું કે ચિટ્ઠી જ ઉપાડવાની છે ને તેમાં શું ? એટલે મેં ડાબલા માંથી એક ચિટ્ઠી ઉઠાવીને તેમને આપી.
‘તે ચિટ્ઠીમાં એક નામ લખેલું હતું. ‘સેઠ ઘનશ્યામ દાસ’ એટલે બીજો એક જણ બોલ્યો,
‘તારે આ સેઠ ઘનશ્યામ દાસનું મર્ડર કરવાનું છે.’
આટલું સાંભળતાં માંડ કન્ટ્રોલ કરી મારું જીન્સનું પેન્ટ ભીનું થતાં બચાવીને મેં કહ્યું.
‘હું.. હું.. આવું ન... કરી શકું.’
‘ફરી પેલા કાણીયાએ પૂછ્યું,
‘તારું નામ ?’
‘બીતાં બીતાં મેં કહ્યું, જ....જગન. જગન મહેતા,’
‘એટલે એક જણા એક કોરી ચિટ્ઠીમાં જગન મહેતા લખી, ચિટ્ઠી વાળી અને પેલા ચિટ્ઠીવાળા ડાબલામાં નાખતાં બોલ્યો.

‘જા બચ્ચા ઘરે જા. સુ સુ કરીને સુઈ જજે હો જા.’ એ પછી સૌ અટ્ટહાસ્ય કરતાં હસવાં લાગ્યા, અને એ પછીનો જગન આ બેઠો તમારી સામે. હવે સમજાયું કે...’ જગને પૂછ્યું.

‘એટલે તારું કહેવાનું એમ થાય છે કે શિકારીની ચાલ મુજબ રણદીપે તેના ખંભા પર બંદુક રાખીને શિકારી માટે શિકાર મારવાની વ્યવસ્થા કરવાની છે એમ.’ લાલસિંગે અંદાજો લગાવતાં પૂછ્યું
‘રણદીપની હાલત એવી છે કે...પેલી કલીપ તેને જીવવા નહીં દયે, અને પોલીસ તેને મારવા નહીં દયે. હવે જેણે આ બે કરોડ હવામાં ઉડાડ્યા છે તેના ઈશારે રણદીપે કોઈકને તો ઉડાડવો જ પડશે.’ જગન બોલ્યો.

‘પણ કોના ઇશારાથી, કોને મારવાનો છે ?
‘એ નામ તમારું પણ હોઈ શકે.’
આટલું બોલીને જગન ખડખડાટ હસવાં લાગ્યો.
એ પછી..

જગને ભૂપતને કહ્યું,
‘ભાઈ પેલી કારમાં બીડીની ઝૂડી પડી છે એ જરા ગોતીને લઇ આવે ને. તો પછી કંઇક ટેકો આવે.’

‘એ લાવ્યો.’ એમ કહીને થોડે દુર પડેલી કાર તરફ ભૂપત જવા લગતા જગને લાલસિંગને પૂછ્યું,

‘એ ડ્રીમલેન્ડ હોટલ કોની છે ખબર છે ?
‘નહીં, કોની છે ? લાલસિંગે અધીરાઈથી પૂછ્યું
ખિસ્સા માંથી બીડીની ઝૂડી કાઢી, બીડી સળગાવીને દાંત વચ્ચે દબાવતાં જગન બોલ્યો

‘વિઠ્ઠલ રાણીંગાની.
એ પછી હસતાં હસતાં બોલ્યો
‘ઓલો, રોલો માથું ખંજવાળશે પણ એને બીડીની ઝૂડી નહીં મળે.’


-વધુ આવતાં અંકે.


© વિજય રાવલ

'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484