" સમર્પણ " પ્રકરણ-7
આપણે પ્રકરણ-6 માં જોયું કે નિલમ અને નીમા પરાગભાઈને ઘરે આવ્યા અને પરાગભાઈ તેમજ રૂપાબેનને સમજાવ્યા કે અમારે ખાલી કંકુ અને કન્યા જ જોઈએ છે માટે તમે કરિયાવરની જરા પણ ચિંતા કરશો નહિ. આ વાત સાંભળીને પરાગભાઈ અને રૂપાબેને નમ્રતાના સગપણ માટે " હા " પાડી દીધી અને આખુંય વાતાવરણ જાણે ખુશીથી મહેંકી ઉઠયું હવે આગળ....
નિલમે અને નીમાએ ઘરે આવીને આ સમાચાર આપ્યા એટલે જીવરામશેઠના ઘરમાં પણ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું અને અનિષ તો જાણે ખુશીથી પાગલ થઈ ગયો હતો. જીવરામશેઠે ઘરમાં બધાને લગ્નની તૈયારી કરવા માટે પણ કહી દીધું.
હવે અનિષને તો બસ નમ્રતાને મળવું હતું અને તેને મનભરીને જોવી હતી અને તેની સાથે ઘણીબધી વાતો કરવી હતી. આ બાજુ નમ્રતાની હાલત પણ કંઇક એવી જ હતી તેને પણ અનિષ સાથે ઘણીબધી વાતો કરવી હતી. પણ મળવું કઇરીતે તેમ તે વિચારી રહી હતી.
બીજે દિવસે અનિષે નમ્રતાને ગામથી થોડે દૂર ટેકરી ઉપર એક સુંદર મંદિર હતું ત્યાં મળવા માટે બોલાવી.
સુંદર સંધ્યા ખીલેલી હતી, વરસાદી મોસમ હતી... આકાશમાં મેઘધનુષની રચના થઈ હતી, ધરતી અને આકાશ જાણે એકબીજાને ભેટી રહ્યા હતા, મંદ મંદ ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. પક્ષીઓ પણ પોતાના માળા ભણી પાછા વળી રહ્યા હતા. અનિષ બેશબ્રીથી નમ્રતાની રાહ જોઈ રહ્યો હતો. અને એટલામાં નમ્રતા આવી એટલે તેને જોઈને અનિષના મુખ ઉપર હાસ્ય છવાઈ ગયું અને નમ્રતા પણ પોતાના વાલમ અનિષને જોતાં જ હરખાઈ ગઈ હતી, વૃક્ષોના પાંદડા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને અનિષ અને નમ્રતાની જોડીને નીરખી રહ્યા હતા. અત્યાર સુધી બંને એકબીજાને મિત્રના રૂપમાં જોનાર હવે એકમેકના પ્રેમી બની પતિ-પત્નીની કલ્પના કરતાં જાણે શરમાઈ રહ્યા હતા, કોયલના મીઠા કલરવ અને પક્ષીઓના ગુંજનથી જ્યારે આખુંય આકાશ ઊભરાઈ રહ્યું હતું ત્યારે બંનેના મુખ પ્રેમથી તરબતર થઈ એકમેકની આંખોમાં ખોવાઈ રહ્યા હતા, શું બોલવું....આજે શબ્દો પણ જડતા ન હતા...અનિષે નમ્રતાને હ્રદયસ્પર્શી ચાંપી લીધી અને ચુંબનનો તેની ઉપર વરસાદ કરી દીધો. નમ્રતા શરમથી લાલઘૂમ થઈ ને પોતાની યુવાનીને જાણે સંકેલી રહી હતી. અનિષે મૌન તોડ્યું અને બોલી ઉઠ્યો કે, " ખૂબજ સુંદર લાગે છે, મારી સ્વીટહાર્ટ " નમ્રતાએ પણ જવાબ આપ્યો કે, " ચલ જૂઠા, ખોટી ખોટી તારીફ નઈ કર "
અનિષ: તારી સોગંદ બસ.
નમ્રતા: ( અનિષની આખોમાં આંખો પરોવીને...) આઈ લવ યુ અનિષ.
અનિષ: આઈ લવ યુ સો મચ, માય ડિઅર. કેટલા સમયથી તને કહેવું હતું, આઈ લવ યુ પણ જીભ ઉપડતી ન હતી. અને તારા પપ્પાએ " ના " પાડી તો મારો તો જીવ જ કપાઈ ગયો હતો.
નમ્રતા: મારી હાલત પણ કંઇક એવીજ હતી પણ પપ્પાને કહેવું કઈ રીતે...?? તે પ્રશ્ન હતો અને એટલામાં નિલમભાભી અને નીમાભાભી મમ્મી-પપ્પાને મળવા માટે આવ્યા અને પપ્પાએ " હા " પાડી પછી મારા જીવમાં જીવ આવ્યો.
અનિષ: ( નમ્રતાનો માસૂમ ચહેરો પોતાના હાથમાં લઈને ) હવે તો મને છોડીને ક્યાંય નહિ જાયને...??
નમ્રતા: ( મજાક કરતાં ) અત્યારે તો અંધારું ખૂબ થઈ રહ્યું છે એટલે જઈ રહી છું. ( અને દોડીને ચાલી જાય છે. )
અનિષ: ( બૂમો પાડી રહ્યો છે ) એ નમ્રતા ફરી ક્યારે મળીશ એ તો કહેતી જા...
નમ્રતા: ( ઉંધો અંગૂઠો બતાવીને બોલે છે ) હવે મળવા નહિ આવું. લગ્ન પછી જ મળીશ.
અનિષ: પણ ઉભી તો રે...
નમ્રતા દોડતી જાય છે અને અનિષ તેની પાછળ પાછળ બૂમો પાડતો જાય છે અને દોડતો જાય છે... પણ નમ્રતા આજે હાથમાં આવે તેમ ન હતી...
અને અનિષ હાંફતા હાંફતા હરણી સમી દોડતી નમ્રતાને નીરખી રહ્યો...વધુ આગળના પ્રકરણમાં....