શ્યામલીના પિતાએ પણ વિધવાઓની દુર્દશા જોઈ પણ જુવાનસંગના નેજા હેઠળ જીવવા માટે એ વિરોધ ન કરી શકયા. રળિયાત બા પણ કાનુડાને વિનંતી કરે છે કે જલ્દી અમારો ઉદ્ધાર કરો....હવે આગળ..
આજની ઘડી રળિયામણી લાગે છે. બેય સારસબેલડી એક બંધને બંધાવવા તૈયાર છે. શ્યામલીની મહેંદીનો દિવસ છે. મહેંદી એની સખીઓ મૂકે છે જે મજાક મસ્તી કરતી કરતી માહોલને સુંદર બનાવે છે.
બેય હાથમાં રાધા- ક્રૃષ્ણના મુખારવિંદ ચિતરાય છે.બેયના મિલનનું માધ્યમ મોરપીંછના ચિત્ર દ્વારા એ બેય હાથને જોડવામાં આવે છે.ચંદા પણ તાજા બનાવેલ કાજળ દ્રારા શ્યામલીના કાન પાછળ નાનું ટપકું કરવામાં આવે છે.
શ્યામલી બધા કુરિવાજોની સ્પષ્ટ વિરોધી હતી. એને કાળા ટપકાં, શુકન કે અપશુકન ભૂત-ભવાડા આ બધી વાતોને દિલથી ક્યારેય ન માનતી. મોટાનું માન જળવાઈ રહે અને એની મર્યાદા જાળવવા હામાં હા ભેળવી બીજાને ખુશ રાખવા પ્રયાસ કરતી. એના અનેક ઊમદા ગુણ હતા. બીજા માટે જીવવું, નબળા વિચારને મન પર ન લેવા અને બધાને ખુશ રાખવા. શ્યામલી પરોપકારી જીવ પણ હતી પણ થોડી જીદી પણ હતી. એના મા-બાપનું એકનું એક સંતાન હતી એટલે એની મનમાની ચાલતી પણ ખરી.
શ્યામલીની માતા બધી સખીઓને પણ આશિર્વાદ આપે છે કે " મારી શ્યામલીની જેમ તમને પણ તમારો સુંદરવર શામળિયો જલ્દી જલ્દી મળે અને બધાના હાથ લાલચટ્ટક મહેંદીના રંગોથી શોભી ઊઠે." આમ કહેતા, એની આંખો છલકાઈ ઊઠે છે. હાં, હવે એની દિકરી કોઈના ઘરની પાણી ભરતી થઈ જશે.
શ્યામલીને હવે એની નાનપણની યાદો જે માતા-પિતા, સખીઓ અને કુટુંબીજનો સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતી ગળગળી થઈ જાય છે. કાળુભા પણ એની દીકરીને મનોમન આશિર્વાદ આપે છે કે 'તારો બાપ જીવે ત્યાં લગણ કોઈ તારો વાળ ન વાંકો કરી શકે. સમયને પણ હું રોકી લઈશ જો તારા પર વિપદા આવે તો.'
આ બાજુ વિરસંગના આંગણે મંડપ બંધાય છે. કાકીઓએ સરસ તૈયારી કરી છે. કેસરીયા સાફા અને વરણાગી મોજડીની તો શોભા અનોખી છે. વરરાજાના કપડાની ભાત ભારે મનમોહક છે. વીરસંગને પણ શુકન માટે મહેંદીના બે ફૂલ હાથમાં ચિતરવામાં આવે છે. એની ખાસ દરકાર રખાય છે. કેસરભીનાં દૂધ અને ભાવતા ભોજન સાથે વરરાજાને લાડ લડાવાય છે. એક ચતુર દાઢી જ જાણે છે કે લાડળો, ભલે મોજ લે બધી વાનગીઓનો..પણ મરણીયો લાડવો પણ ખાવો જ પડશે એને જમીનદારના હાથનો..
આ બાજુ રૂકમણીબાઈ એના દીકરાને પરણતા જોવા માટે તલપાપડ છે. એ એના તેડાં કરવા કોણ આવશે એ રાહે કાળા ડિંબાગ દરવાજાને એકીટશે જોવે છે. જાણે એનો જણ્યો વીરસંગ મારતે ઘોડે એને લેવા હમણા આવશે... બધા એની એ નજરને ઓળખે છે પણ બધા સમજે છે કે જમીનદારની મતિ ઠેકાણે હશે તો આવશે લેવા નહીંતર આ કોટડી જ સાચવી લેશે એ જનનીના આંસુડાં...
હજી એક વ્યક્તિ છે જે જાણે છે કે જમીનદાર ક્યાંક છાનેખૂણે પોતાની ચાલ ચાલશે જ. આ વિવાહને સારા દેખાડશે પણ સૌ સારાં વાના થશે કે કેમ?? એ તો ભગવાન જ જાણે.. 'એ વ્યક્તિ છે વીરસંગનો મામો.' જે જાણવા છતા નથી બોલી શકતો કારણ એ પણ જુવાનસંગની કેદમાં છે. એ નથી એની બહેનને મળી શકતો કે નથી એના ભાણાને મળી શકતો.
આવી લાચારી, મજબૂરી અને કાવતરાના શિકાર વીરસંગના મામા પણ આજ મુક્ત મને રડે છે.દિવાલમાં માથા પછાડે છે કે કોઈ તો મારી બહેનને મદદગાર બનો અને વીરસંગની બંધ આંખ ખોલો. નહીં તો મારો ભાણો જુવાનસંગની કપટલીલામાં હોમાઈ જશે...
------------ (ક્રમશઃ) -------------
લેખક : શિતલ માલાણી
૯-૧૦-૨૦૨૦
શુક્રવાર