મધદરિયે આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ ચંકીની ગેંગમાં સામેલ થવા જાય છે,સૂરજની જીંદગી અને સુલતાનના ત્રાસ વિશે પણ જાણ્યું.. એક વૃદ્ધને સુલતાનના માણસો મારે છે અને સૂરજ એની મદદ કરે છે..હવે આગળ..
સુલતાનને ખબર પડી ગઈ હતી કે સૂરજે પેલા વૃદ્ધની મદદ કરી હતી,એટલે એણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો"સુલતાન ગઢમાં કેટલાય દિવસોથી તને કેસ નહોતો મળતો ને?? લે આ કેસ આપી દીધો..સૂરજ પર કેસ દાખલ કરી દેજે.."
"પણ એના પર ખૂનનો આરોપ લગાવવામાં બહુ તપાસ થશે અને એને કાંઈ નહીં કરી શકાય.."પોલીસ વડાએ કહ્યું..
"તને પોલીસ કોણે બનાવી દીધો?? સાલા ચોરી ચપાટીનો કેસ બનાવીને થોડાક મહીના અંદર કરાવી દે..આમ પણ એ ભણવા માટે આવ્યો છે,એની પરીક્ષા નહીં આપી શકે એટલે એનું વર્ષ બગડશે,એને સુલતાનનો વિરોધ કરવાનું ફળ તો મળવું જ જોઈએ ને??"
"તમારી સામે પડ્યો હોય એને ચોરીના કેસમાં અંદર ન કરાય.. એ પછી તમને નડશે.."
"એક તો મારા રોટલા પર નભે છે અને મને શીખામણ આપવા નીકળ્યો છે?? એ મચ્છર મારૂ કશું નહીં બગાડી શકે.. ને આમ પણ કીડીને કોસનો ડામ ન દેવાય, મરી જશે.. હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ મરી જાય...બસ એને ખાલી મારી સામે પડવાનું ઈનામ આપી દે.."
સૂરજને પૂછપરછમાં બધા અવળા સવાલો જ પૂછવામાં આવ્યા.. સૂરજને પરીક્ષા આપવા જવાનું હતું..એને આજે છેલ્લું પેપર હતું.. એનો આખો પરિવાર ત્યાં હાજર હતો, પણ પોલીસતો મુદ્દામાલ લાવી એના પર કેસ બનાવવામાં મશગુલ હતી..
"સાહેબ હું સાચું કહું છું,મેં એ બાપાને નથી માર્યા, ઉલ્ટાનું હું એમને દવાખાને લઈ ગયો હતો.."
"અમને બધી ખબર છે,કે કોણે માર્યો છે..પણ સુલતાનના માણસોએ એને માર્યા પછી પણ તુ એને દવાખાને લઈ જા તો એનું ફળ તો તને મળે જ ને??"પીઆઈ અરવિંદ મકવાણાએ જવાબ આપ્યો..
"સાહેબ એમા તો મેં ખાલી મારી માનવતા નિભાવી છે..એની જગ્યાએ તમે કે તમારૂ કોઈ સ્વજન હોત તો પણ હું એ જ કરત જે મેં વૃદ્ધ બાપા સાથે કર્યુ છે..મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરવી એ આપણી ફરજ બને છે.."
"સાહેબ તમે પણ જ્યારે આ વર્દી પહેરી ત્યારે દેશના સંવિધાનને વફાદાર રહીને કાનુન વ્યવસ્થા જાળવવાની સોગંધ લીધી હશે.. અત્યારે સુલતાનને સર્વોપરી માનીને તમે મારા ભાણેજના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છો.. તમે સુલતાન વિરુદ્ધ નથી જઈ શકતા, પણ એક નિર્દોષને હેરાન કરી શકો છો.. તમારૂ ઝમીર મરી પરવાર્યું છે.. ઈશ્વરનો થોડોક તો ડર રાખો.. એ પરીક્ષા નહીં આપી શકે તો એનું વર્ષ આખું બગડે..સાહેબ એને જવા દો.."સૂરજના મામાએ કાકલૂદી કરતા કહ્યું..
પોલીસ પર જાણે શબ્દોની થોડીક અસર થઈ,પણ એ લોકો પણ મજબુર હતા.. જો સુલતાન વિરુદ્ધ કાંઈ પણ કરે તો એમની નોકરી પણ ખતરામાં આવી જાય.. માનવતા બતાવે પછી કોઈ એમના સપોર્ટમાં ઊભું પણ ન રહે.. એમને પણ પોતાની નોકરી વહાલી હોય.. સુલતાન તરફથી થતી તગડી કમાણી અને સુલતાનના ડરને લીધે સૂરજને છોડી શકાય એમ હતો જ નહીં,પણ એમણે સૂરજને પરીક્ષા આપવા પુરતો છોડ્યો..
"જૂઓ સૂરજ નિર્દોષ છે એ અમને ખબર છે,પણ પરીક્ષા આપી દીધા પછી એ અહીં પાછો ન આવવો જોઈએ...સુલતાનને અમે ખોટું કહી દઈશું કે તમારો મુદ્દામાલ આવે એ પહેલા સૂરજ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો છે.. જો સુલતાનને સહેજ પણ ગંધ આવશે તો એનો જીવ તો જશે જ,પણ સાથે અમારે પણ નોકરીમાંથી હાથ ધોવા પડશે.. કદાચ એ અમને પણ કોઈ ખોટા આરોપમાં પકડાવી દે એટલો એનો પાવર છે.."પીઆઈ મકવાણા બોલ્યા..
"સાહેબ શું કરવા તમે રોટલા પર પાટું મારો છો?? હમણા સુલતાનના લોકો આવશે તો બેફામ ગાળો બોલશે, ને ગાળો ચાલો ખાઈ પણ લઈએ,પણ એટલેથી એ લોકો આપણને છોડશે??"અન્ય પોલીસ કર્મચારીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું..
"આપણે મજબુરીમાં સુલતાન સામે માથું નમાવવું પડે છે.. આપણા ઉપરી અધિકારી બધા સુલતાન સાથે મળીને જલસા કરે છે ને એમના આદેશ મુજબ આપણે કરવું પડે છે.. પણ ક્યાં સુધી આમ ચાલશે?? શું આ લોકો પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી બનતી?? આપણે ક્યાં સુલતાનની નોકરી કરીએ છીએ??આપણે એની સાથે ઝઘડો પણ નથી કરવો, બસ સૂરજ ભાગી ગયો છે એટલું જ કહેવાનું છે પછી એમને જે કહેવું હોય એ કહે.. ને સૂરજ ભાગી જાય એમા સુલતાનની ક્યાં આબરૂ જવાની છે??એ પ્રકરણ અહીં પૂર્ણ થઇ જશે.."મકવાણા એ કહ્યું..
સૂરજ રાજી થઈ ગયો.."તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.. તમારી આ મદદ હું ક્યારેય નહીં ભૂલું."સૂરજ ઊભો થતા બોલ્યો.. એની એક્ઝામનો સમય શરુ થવામાં હવે બહું વાર ન હતી એટલે એના મામાએ તરત મોટરસાયકલ પર એને બેસાડી દીધો..
"તુ અત્યારે જતો રહે, તારો જે કંઈ સામાન અહીં છે એ અમે પછી પહોંચાડી દઈશું..એક વખત તુ આ શહેર છોડીને દૂર જતો રહીશ તો સુલતાન તારી પાછળ નહીં આવે.. એને એવા નાના પ્રશ્નોમાં બહુ રસ પણ ન હોય..ઘેર પહોંચી જા કે તરત ફોન કરી દેજે.."સૂરજના મામા બોલ્યા..
===!!!!!!!!=======!!!!!!!!!=======!!!!!!!!!!
સુલતાનનો માણસ આવ્યો એટલે પીઆઈ મકવાણા બોલ્યા"સુલતાનનો એટલો ડર લાગ્યો કે એ બાથરૂમના બહાને ગયો અને ભાગી ગયો.."
"ભાગી ગયો કે ભગાવી મુક્યો??મને બધી ખબર છે કે તે શું કર્યું છે..ચાલ હવે તારો બાપ બોલાવે છે એની પાસે.."શકીલ બોલ્યો..
મકવાણા તરત પોતાના પોલીસ ઊપરીને પોતાના બચાવ માટે ફોન લગાવે છે..
"જો ફોન કર્યો તો બૈરા છોકરાથી હાથ ધોઈ બેસીસ હો.. કંઈપણ ચાલાકી કર્યા વિના ચુપચાપ ચાલ.. સુલતાનને શું ગલીનો ગુંડો સમજી લીધો છે??તારા જેવા કેટલાય પોલીસને એ પોતાના ખીસ્સામાં રાખીને ફરે છે.."શકીલે કહ્યું..
પોતાની સચ્ચાઈનું આ ફળ મળશે જ એ વાતની ખબર મકવાણાને હતી જ,પણ પોતાની અંદરનો વ્યક્તિ જ આ વાત સુલતાનને કરી દેશે એ વાતથી એ સાવ અજાણ હતા..
શકીલ જાણે કે કોઈ ચોરને લઇ જતો હોય એમ પીઆઈ મકવાણાને લઇ જતો હતો.. બીભત્સ ગાળો દેતો, લાતો મારતો એ મકવાણાને સુલતાન પાસે ભર બજારેથી લઈને નીકળ્યો.. જે લોકો સારા લોકો હતા એ પોલીસની આવી હાલત જોઈને દુખી થતા હતા, અમુક એમ પણ કહેતા હતા"જોયું પ્રજા માટે અત્યાર સુધી કશું ન કર્યું અને સુલતાનના ખોળે બેસી ગયા હતા.. હવે એમને ખબર પડશે.. બધા આવા જ હોય છે,ભ્રષ્ટ, લાંચ ખાનારા."
પોતાના પરિવારને કશું થયું નહીં હોયને??એ વિચાર મકવાણાને કોરી ખાતો હતો.. અત્યાર સુધી પોતે સુલતાનના ઈશારે કામ કર્યું એનું કારણ જ આ હતું.. જ્યાં બધા ભ્રષ્ટ લોકો ભેગા થાય ત્યાં એકલો સાચો માણસ કદાપિ કામ કરી શકતો નથી..વહેતા પ્રવાહની સાથે જે ચાલે છે એ મંઝિલે પહોંચી શકે છે,વહેણની વિરુદ્ધ જે ચાલે છે એ આખરે થાકે છે અને ડૂબે છે.. આવું જ કંઈક મકવાણા સાથે થયું હતું..
સૂરજના મામાએ પણ આ દ્રશ્ય જોયું..એમણે તરત સૂરજને ફોન કરીને જાણ કરી દીધી..
સૂરજ તરત પોતાનું મોટરસાયકલ રોકીને ઊભો રહી ગયો.. એના મામાએ એને જલ્દી ભાગી જવા માટે ફોન કર્યો હતો.. "બેટા મકવાણા સાહેબને તો પકડી જ લીધા છે.. બજાર વચ્ચે એમને મારતા મારતા લઇ જાય છે.. કદાચ તારી પાછળ પણ માણસો ગોઠવી દીધા હશે, તુ જલ્દીથી ભાગી જજે.."
"મામા એ મારા લીધે જ પકડાયા છે. તમે મને ભાગી જવાનું કેમ કહો છો?? યાદ કરો,જો એમણે મને મદદ ન કરી હોત તો હું પરીક્ષા આપી શક્યો હોત?? અત્યારે તો એમને મદદ કરવાની આપણી ફરજ આવી કહેવાય.."
"જો બેટા એ પોલીસ છે,પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવું, કાયદાનું પાલન કરાવવાનું છે.. એમણે પોતાની ફરજ નિભાવી છે.. એમણે તુ નિર્દોષ હતો એટલે તને છોડ્યો છે.. એમણે તારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો..ને તુ કોને બોલાવીશ?? અહીં કોઈ મદદ માટે નહીં આવે.. તુ આવીશ તો તારી હાલત પણ એવી જ થશે.."
"મારાથી મદદ થશે એટલી મદદ કરીશ, કદાચ વધુતો એ લોકો મને મારી નાખશે,પણ આવા ટાણે હું જો મદદ નહીં કરું તો ક્યારેય કોઈ પોલીસ મારા જેવા સૂરજને નહીં બચાવે.."
"એક ભુલ તો તે પેલા ડોશાને બચાવીને કરી, હવે બીજી ભુલ અહીં આવીને કરીશ એ તારી જીંદગીની મોટી ભુલ હશે..લાગણીના પ્રવાહમાં ખેંચાયા વિના તુ તારી જીંદગીનો વિચાર કર.. પોલીસ ટ્રેનિંગમાં પણ લગભગ બધી કસોટીમાંથી તુ પાર ઉતરી ગયો છો.. તારી પાસે પોલીસની નોકરીનો પાવર હશે તો તુ પછી પણ સુલતાનની સામે પડી શકીશ.. બેટા અત્યારે સતા સુલતાન પાસે છે.. સતા સામે પડવું એ નરી મૂર્ખતા છે.. ને તુ આવીશ તોય ભલે અને ન આવ તોય ભલે,પણ અંતે તો સુલતાન મકવાણા સાહેબને મારશે જ.. તુ આવીશ તો તને પણ મારશે.. એક દુર્ઘટના સમજીને ભુલી જજે."
શકીલ મકવાણાને મારતો મારતો સુલતાન પાસે લઈ જાય છે..
પોતાના સોફા પર સાચે જ કોઈ સુલતાન હોય એમ પગ પર પગ ચઢાવી,મૂંછોને વળ દેતો કોઈ દૈત્ય બેઠો હોય એવો એ લાગતો હતો.. એના કસરત કરેલા બાવડા કોઈપણ માણસના હાડકા હાથ વડે જ ભાંગી નાખે એટલા મજબૂત દેખાતા હતા.. પાડાની કાંધ જેવો વાંહો એને વધું ભયંકર બનાવી રહ્યો હતો.. એની માંજરી આંખો શિયાળ કરતા પણ વધું ચાલાક અને એનો મધ્યમ દેહ વાધ જેવા શિકારીના લક્ષણો સ્પષ્ટ બતાવી રહ્યાં હતાં..
પીઆઈ મકવાણાને અખાડામાં ઘા કર્યો.. માર ખાઈને અધમૂઓ કરી નાખ્યા બાદ સુલતાને કહ્યું"બહુ વેર છે તારે.. સુલતાનના હુકમનો અનાદર??હવે તારે કોણ??બચાવી શકતો હોય તો બચાવી લે તારી પત્નીને..પોલીસ છો તો તારામાં લડવાની તાકાત પણ હશે.."
"અરે આ તો મારો માર ખાતો છેક સુધી આવ્યો છે,આ શું લડી શકશે?"શકીલ બોલ્યો..
બધાના અટ્ટહાસ્ય જાણે મકવાણાના કાનમાં ગૂંજી રહ્યાં હતાં..મકવાણા ઊભો થઈ શકે એવી સ્થિતિમાં હતો જ નહીં..છતાય એક ગેંડા જેવો લાગતો વ્યક્તિ અંદર કૂદી પડ્યો..મકવાણાની પત્ની પોતાના પતિની દયનીય સ્થિતિ સામે લાચારી ભરી આંખે જોઈ રહી.. સુલતાનની સામે મકવાણા આજે બરાબર ફસાયો હતો.. પોતાના પતિને બચાવવા એ રીતસર સુલતાનના પગમાં પડી ગઈ..
"એમને માફ કરી દો..હું તમારી માફી માંગુ છું..તમે કહેશો એમ એ કરશે..અમારા નાના છોકરા રઝળી પડશે.."
"સુલતાન સામે પડ્યો ત્યારે એણે વિચાર નહોતો કર્યો??પહેલા લડવાની તાકાત હોય તો જ સુલતાન સામે પડાય.."સુલતાને એના વાળ ઝાલીને રીતસર ઢસડીને ફેંકી..
ઊભા રહી જાવ..ભૂંડીપટ માર મારીને એક લાચારને મારવામાં શું મર્દાનગી?? વેંત હોય તો સુલતાન અખાડામાં આવ.."
પડકાર ફેંકનાર સામે બધાની દ્રષ્ટિ મંડાણી..
કોણ હશે??
સુલતાન મકવાણાના શું હાલ કરશે??
સૂરજ આવશે કે એના મામાના કહ્યા મુજબ કરશે??
જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે