Pranaybhang - 27 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 27

Featured Books
  • इंटरनेट वाला लव - 88

    आह में कहा हु. और टाई क्या हो रहा है. हितेश सर आप क्या बोल र...

  • सपनों की राख

    सपनों की राख एक ऐसी मार्मिक कहानी है, जो अंजलि की टूटे सपनों...

  • बदलाव

    ज़िन्दगी एक अनन्य हस्ती है, कभी लोगों के लिए खुशियों का सृजन...

  • तेरी मेरी यारी - 8

             (8)अगले दिन कबीर इंस्पेक्टर आकाश से मिलने पुलिस स्ट...

  • Mayor साब का प्लान

    "इस शहर मे कुत्तों को कौन सी सहूलियत चाहिए कौन सी नही, इस पर...

Categories
Share

પ્રણયભંગ ભાગ – 27

પ્રણયભંગ ભાગ – 27

લેખક - મેર મેહુલ

અખિલ નિયતીની રાહ જોઈ રહ્યો હતો. આજે બંને સિયાને શોધવાના પ્રયાસ કરવાના હતા એટલે અખિલ ખુશ હતો. થોડીવાર પછી ઘરનો દરવાજો નૉક થયો એટલે અખિલે ઉતાવળા પગે દરવાજો ખોલ્યો. તેની સામે નિયતી, ચહેરા પર મુસ્કાન સાથે ઉભી હતી.

“ખુશ દેખાય છે આજે, આવી રીતે રોજ રહેતો હોય તો” નિયતી અખિલનાં હાથે ટપલી મારીને ઘરમાં પ્રવેશી.

“તું મારાં માટે આશાનું કિરણ બનીને આવી છે, પૂરો સૂરજ ઊગી જશે એટલે રોજ ખુશ રહીશ” અખિલે હસીને કહ્યું.

“તો ચાલ એ સૂરજ ઉગાવવાનાં કામમાં લાગી જઈએ” નિયતીએ કહ્યું.

“ક્યાંથી શરૂઆત કરીશું ?” અખિલે પુછ્યું.

“મને શું પૂછે છે ?” નિયતી હસી, “સિયાનાં મળવાના જ્યાં ચાન્સ વધુ છે ત્યાંથી શરૂઆત કરી”

“પણ સિયા ક્યાં હોય શકે એની જ ખબર નથી તો ક્યાં શોધીશું એને?”

“તું જ વિચાર, તેણે કોઈ તો એવી વાત કરી હશેને, કોઈ સગા સંબંધી વિશે, કોઈ દોસ્ત વિશે કે પછી પહેલાં એ ક્યાં રહેતી એનાં વિશે”

“એ પહેલાં સુરતમાં રહેતી એટલી ખબર છે મને પણ સુરતમાં ક્યાં રહેતી એ નથી ખબર અને તેણે સગા સંબંધી વિશે મને કોઈ દિવસ કહ્યું જ નથી” અખિલ કહ્યું, “હું જ બેવકૂફ છું, મેં જ કોઈ દિવસ પુછ્યું નહોતું”

“અરે તે ડૉક્ટર પારેખનો કોન્ટેક્ટ કેવી રીતે કર્યો, એવી રીતે તેનાં બીજા કોઈ ઓળખીતાઓનો કોન્ટેક્ટ પણ થઈ શકેને” નિયતીએ કહ્યું.

“મેં તો ડૉક્ટરનો કોન્ટેક્ટ સ્ક્રીનશોટ પરથી કર્યો હતો” અખિલે કહ્યું.

“એક મિનિટ” અખિલ ચમક્યો.તેનાં ચહેરા પર મુસ્કાન આવી ગઈ.

“શું થયું ?” નિયતી પણ ઉત્સાહમાં આવી ગઈ.

“સાચે, હું જ બેવકૂફ છું” કહેતાં અખિલે મોબાઈલ હાથમાં લીધો.તેણે સ્ક્રીન શોટનો ફોટો કાઢ્યો અને નિયતીને બતાવતાં કહ્યું, “જો આ કૉલ લોગમાં ડોક્ટર અને ચિરાગ સિવાય હજી ચારનાં નંબર છે”

“કોણ કોણ છે, વાંચતો” નિયતીએ કહ્યું.

અખિલે ફોટો ઝૂમ કર્યો, “તે દિવસે રાત્રે તેણે બે અજાણ્યા નંબર પર કૉલ કરેલાં છે, એક નંબર પ્રિયાના નામે સેવ છે અને એક નંબર નૈતિકના નામે સેવ છે.એ દિવસે રાત્રે અમારી વચ્ચે ઝઘડો થયો હતો, સિયાએ એ પછી જ આ બંનેને કૉલ કરેલાં છે મતલબ એ બંને તેઓનાં ખાસ છે એટલે સિયા વિશે તેઓને નક્કી ખબર હોવી જોઈએ”

“તો રાહ કોની જુએ છે?” નિયતીએ કહ્યું, “વારાફરતી બધાને કૉલ લગાવ અને સિયા ક્યાં છે એ પૂછ”

“ના” અખિલે કહ્યું, “જો સિયાએ મારા વિશે તેઓને કહ્યું હશે તો આપણને કશું જાણવા નહિ મળે, માટે તું કૉલ લગાવ અને કંઈક બહાનું બનાવીને સિયા વિશે પૂછી લે”

“એમ સીધું સિયા વિશે કેમ પૂછું હું ?” નિયતી ગુંચવાય.

“તો એક કામ કર, એનાં ઘરનું એડ્રેસ મેળવી લે. આપણે સીધાં તેનાં ઘરે જ પહોંચી જશું” અખિલે કહ્યું.

“હા, આ કામ સરળ છે” નિયતીએ હસીને કહ્યું.

અખિલે પ્રિયાનો નંબર નિયતીને આપ્યો, નિયતીએ પ્રિયાને કૉલ લગાવ્યો.

“હેલ્લો” સામેથી ફોન રિસીવ થયો.કોઈ બાળકનો અવાજ હતો.

“પ્રિયા સાથે વાત થઈ રહી છે?” નિયતીએ પૂછ્યું.

“મમ્મી તો બહાર ગયાં છે” બાળકે કહ્યું.

નિયતી મુસ્કુરાઈ.તેનાં માટે હવે કામ સરળ હતું.

“બેટા હું તારી મમ્મીની ફ્રેન્ડ બોલું છું, હું આજે જ અમેરિકાથી આવી છું. તારાં ઘરનું એડ્રેસ આપ.હું તારાં મમ્મીને સરપ્રાઈઝ આપીશ” નિયતીએ કહ્યું.

બાળકે નિયતીને પૂરું સરનામું લખાવી દીધું. ફોન કટ કરીને નિયતી જોર જોરથી હસવા લાગી.

“અખિલ, હવે સિયા તારાથી દૂર નથી” કહેતાં નિયતી કુદીને અખિલનાં ગળે વળગી ગઈ.

પ્રિયા સુરતમાં રહેતી હતી. અખિલ અને નિયતી એ જ સમયે સુરત જવા રવાના થઈ ગયાં.

*

બપોર સુધીમાં બંને પ્રિયાના ઘરે પહોંચી ગયા. પ્રિયાના ઘરનો દરવાજો ખુલ્યો એટલે અખિલે પૂછ્યું, “પ્રિયા?”

“ઓહ માય ગોડ” પ્રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ, “અખિલ તું અહીં?”

“તમે મને ઓળખો છો ?” અખિલે પુછ્યું.

“હા, સિયાએ તારા વિશે કહ્યું હતું. મેં તને ફોટામાં જોયેલો” પ્રિયાએ કહ્યું, “અંદર આવોને”

અખિલ અને નિયતી ઘરમાં પ્રવેશ્યાં. પ્રિયા બંને માટે પાણી લઈ આવી.

“બોલ, કેમ આવવાનું થયું ?” પ્રિયાએ સોફા ખુરશી પર બેસતાં પુછ્યું.

“અમે સિયા વિશે પુછવા આવ્યાં છીએ, ઘણાં મહિનાથી મારાં કોન્ટેક્ટના નથી” અખિલે પુછ્યું, “તમારી વાત થાય છે એની સાથે ?”

“થોડાં મહિના પહેલા કૉલ આવ્યો હતો, ત્યારે એ પરેશાન હતી. મેં કારણ પુછ્યું તો કંઈ કહ્યું નહિ. કંઈ થયું છે?” પ્રિયાએ કહ્યું.

“એક્ચ્યુઅલી…..” નિયતી બોલવા જતી હતી ત્યાં અખિલે તેને રોકી, “એક્ચ્યુઅલી, હું થોડાં મહિનાથી એક્ઝામની તૈયારી માટે બહાર ગયેલો, પછી એનો કોન્ટેક્ટ તૂટી ગયેલો, હવે તેનો નંબર પણ બંધ આવે છે અને તે ક્યાં છે એ પણ ખબર નથી”

“મેં પણ તેને કૉલ કરેલાં પણ કદાચ એણે નંબર બદલી નાંખ્યો હશે. એ એવી જ છે, મહિનામાં નંબર બદલી નાંખે છે અને આપણને કૉલ છેક છ મહિના પછી કરે છે”

“અત્યારે ક્યાં હશે એની ખબર છે તમને ?” અખિલે પુછ્યું.

“જ્યારે એ પરેશાન હોય છે ત્યારે નૈતિકનાં ઘરે ચાલી જાય છે, એ કદાચ ત્યાં જ હશે અને જો નહિ હોય તો નૈતિકને તેનાં વિશે જરૂર ખબર હશે”

“આ નૈતિક કોણ છે ?”

“આમ તો નૈતિક અમારી સાથે કોલેજમાં હતો પણ સિયાએ એને ભાઈ બનાવેલો છે”

“નૈતિક ક્યાં મળશે ?”

“અમદાવાદ, ડૉક્ટર છે. નંબર આપું એનો?”

અખિલે પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો.સ્ક્રીનશોટમાં રહેલો નંબર બતાવીને કહ્યું, “આ જ નંબર છે ને એનો?”

“હા, અત્યારે તો કૉલ રિસીવ નહિ કરે. તમે સાંજે પાંચ વાગ્યાં પછી કોશિશ કરજો”

“અમને મદદ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ” અખિલે ઊભાં થતાં કહ્યું.

“અરે, હજી તમે આવ્યો જ છો. જમીને નિકળજો” પ્રિયાએ આગ્રહ કર્યો.

“આભાર પણ પછી ક્યારેક સમય લઇને આવીશું, આજે ઉતાવળમાં છીએ” અખિલે બોલ્યો.

“આ તમારી બેબી છે ?” ત્રણ વર્ષની બાળકીને જોઈને અખિલે પુછ્યું.

“હા, મિષ્ટિ” પ્રિયાએ હસીને કહ્યું.

“ક્યૂટ છે” અખિલે હળવું સ્મિત કર્યું.

અખિલ અને નિયતી બંને પ્રિયાની રજા લઈને નીકળી ગયાં.

“હું બોલતી હતી તો તે કેમ મને અટકાવી ?” નિયતીએ ખિજાઈને કહ્યું.

“સિયાએ મારી હકીકત નથી જણાવી માટે હું નથી ઇચ્છતો કે આ લોકો સિયા વિશે ગલત વિચારે” અખિલે સ્મિત સાથે કહ્યું.

“તો હવે ક્યાં જઈશું?” નિયતીએ પુછ્યું.

“અમદાવાદ, અને એ પહેલાં જમી લઈએ, મને કકડીને ભૂખ લાગી છે.”

“આપણે કૉલ પર પણ વાત કરી શકીએને ?, ત્યાં પણ અહીં જેવું જ થયું તો?”

“સિયા ત્યાં હશે અને જો એને ખબર પડશે તો એ ત્યાંથી નીકળી જશે. હું સિયા માટે એવું જોખમ લેવા નથી માંગતો. એનાં માટે મારે અમદાવાદ તો શું દુનિયાના કોઈ પણ ખૂણામાં જવું પડે, હું તૈયાર છું” અખિલે કહ્યું.

“સિયાની પાછળ પાગલ ના થઇ જતો તું” નિયતીએ હસીને કહ્યું.

“જમીશ નહિ તો સાચે હું પાગલ થઈ જઈશ”, અખિલ પણ હસ્યો.

( ક્રમશઃ )