ગરિમા બહેનની જેમ ગૌરાંગ ભાઈને પણ છોકરી પસંદ આવી ગઈ. એટલે એમને "તો પછી કરો કંકુના!!" કહ્યું.
આ બધી વાત બહારથી આવીને દરવાજે ઉભેલા ગર્વિતે સાંભળી લીધી. પણ એણે એ નહોતી ખબર કે છોકરી કોણ છે?? એટલે એણે લાગ્યું કે એના ભાઈની લવ સ્ટોરી અધુરી જ રહી જશે. એટલે ગભરાહટમાં જ એણે ગ્રંથને ફોન કર્યો.
પરંતુ ગ્રંથનો ફોન ગાડીમાં હતો અને એ તેજસ તથા ભૂમિજા સાથે મંદિરના પ્રાંગણમાં બેઠો હોય છે. એટલે ગર્વિતે ઘણી બધી વખત ફોન કરવા છતાં પણ ગ્રંથ ફોન પિક અપ નથી કરતો. છેવટે નાછૂટકે ગર્વિતે "Call me Immediately."નો મેસેજ કરી દીધો.
ગ્રંથ અને તેજસએ ભૂમિજાને એનાં ડ્રોપ આઉટ પોઇન્ટ પર ડ્રોપ કરી અને ત્યાંથી એ બંને એમના એક મિત્ર વિવાનના ઘરે જવા માટે નીકળ્યા.
"12:00 વાગતા સુધીમાં ઘરે જવા નીકળી જઈશું!! ચાલશે ને??" તેજસએ પૂછ્યું.
"કેમ?? આટલી જલદી શું છે તને ઘરે જવા માટે?? સાંજ સુધીમાં જઈશું શાંતિથી!!" ગ્રંથે ઘરે ના જવા માટે તેજસને સમજાવતા કહ્યું.
"ઓ ભાઈ!! સાંજ સુધી અહી રોકાઈને શું કરીશું?? અને એમ પણ ભૂમિજાએ હા પાડી તો દીધી. હવે શું કામ રોકાવું છે તારે અહી??" તેજસ એ આનાકાની કરતા કહ્યું.
"ઓ હા પાડી દીધી વાળા!! હજુ એમને હા નથી પાડી. એમને એમ કહ્યું હતું કે એ આ વિશે વિચારશે!! અને સાચું કહુને તો હું હજુ પણ ભૂમિજાને એક વાર મળવા માંગુ છુ!! એટલે સાંજ સુધી અહી રાજકોટમાં જ રોકાવા માંગુ છુ!!" ગ્રંથે ખચકાટ થી જણાવ્યું.
"પણ એ તો આખો દિવસ બિઝી હશે એના કામમાં. અને જેટલું હું એણે જાણું છું ત્યાં સુધી એ કામ છોડીને તો તને મળવા માટે તો નહી જ આવે!!"
"પરંતુ કામ પત્યા પછી તો આવશે ને??" ગ્રંથે દલીલ કરતા કહ્યું.
"હા!! કામ પત્યા પછી કે જરુર થી આવશે!!"
" બસ તો પછી!! અને એટલે જ તો હું સાંજ સુધી રોકાવાનું કહું છું. સાંજ સુધીમાં તો એમનું કામ પતી જ જશે ને!!"
ગ્રંથની દલીલો આગળ હાર માનતા તેજસએ રાજકોટમાં જ રોકાવા માટે હામી ભરી. તેજસએ હા પાડી એટલે ગ્રંથ પણ રાજી થયો. અને એણે તેજસને "તો પછી ભૂમિજાને મેસેજ કરીને કહી દે કે આજનું ડિનર આપણે સાથે લઈશું." કહ્યું.
બે કલાક ઉપર થઈ ગયું હતું તેમ છતાં ગ્રંથનો કોઈ ફોન કે મેસેજ નહોતો આવ્યો. એટલે ગર્વિતને ટેન્શન થવા લાગ્યું. અને તેથી જ એણે ફરી એક વાર ગ્રંથને ફોન લગાવ્યો. ફોનની રીંગ વાગતા ગ્રંથે જોયું કે ગર્વિતનો ફોન છે. એટલે તરત જ એને ફોન ઉપાડ્યો.
ગ્રંથ કંઈ બોલે એ પહેલા જ ગર્વિતએ "ભાઈ તમે ક્યાં છો?? હું ક્યારનો તમને ફોન કરી રહ્યો છું પણ તમે ફોન કેમ નહોતા ઉઠાવતા?? તમે મારો મેસેજ વાંચ્યો?? તમે ઘરે ક્યારે આવવાના છો??" આવા અગણિત સવાલોનો મારો ચલાવ્યો.
"શાંત!! શાંત!!" ગ્રંથે એણે શાંત પડવા માટે કહ્યું.
"તમે ઘરે ક્યારે આવો છો ગ્રંથ ભાઈ??" ગર્વિતે શાંત થાય બાદ પૂછ્યું.
"રાત સુધીમાં આવી જઈશ!! કેમ?? કઈ થયું?? અને તું આટલો બધો ટેન્શનમાં કેમ લાગે છે??" ગ્રંથે કઈ યોગ્ય ના લાગતાં એણે ગર્વિતને સામો સવાલ પૂછ્યો.
"કઈ થયું નથી. પણ તમે બને એટલું જલ્દી આવી જજો ઘરે. નહિતર ના થવાનું થઈ જશે!!"
"શું થઈ જશે?? જે હોય તે સાફ સાફ શબ્દોમાં બોલ ગર્વિત??" ગર્વિતને આમ ગોળ ગોળ વાતો કરતા સાંભળી ગ્રંથ હાયપર થઈ ગયો.
ગ્રંથનો અવાજ મોટો થયેલો જોઈ ગર્વિતે એના મમ્મી પપ્પા વચ્ચે થયેલી બધી વાતચીત એકદમ ડિટેઈલમાં કહી સંભળાવી.
બધી વાત જાણ્યા પછી "હું બને એટલું જલ્દી આવી જઈશ ઘરે." એમ કહી ગ્રંથે ફોન મૂકી દીધો.
માંડ માંડ ભૂમિજાએ હા પાડી ત્યાં પોતાના મમ્મી પપ્પાએ એના માટે બીજી છોકરી શોધી લીધી એ જાણીને ગ્રંથનું ટેન્શન વધી ગયું. ગ્રંથને ટેન્શનમાં જોઈ તેજસએ તરત જ એને પૂછ્યું, "શું થયું??"
ગર્વિતે જે વાત એણે કહી એ બધી વાત ગ્રંથે તેજસને કહી. બધુ જાણ્યા પછી "તો હવે??" એમ ગ્રંથને સવાલ કર્યો.
"હવે શું એ તો નથી ખબર!! પણ હા!! જેવું આદિત્યએ ભૂમિજા સાથે કર્યું એવું તો હું એમની સાથે નહી જ કરું!!"
"મતલબ??"
"મતલબ એમ કે હું કોઈ પણ ભોગે મમ્મી પપ્પાને મનાવિશ. પણ ભૂમિજાનો હાથ અને સાથ તો નહી જ છોડુ!!" ગ્રંથે પોતાના મનને મક્કમ કરતા કહ્યું.
"ઓહ હો!! જો ખરેખર તું જીવનભર મારી મિત્રનો સાથ આપવાનો હોય તો હું પણ તારી સાથે જ છું. આપણે બંને મળીને અંકલ આન્ટી ને મનાવી લઈશું." તેજસએ પણ મક્કમતાથી કહ્યું.
"પણ હા!! પ્રોમિસ કર કે તું આ વાત ભૂમિજાને નહી જણાવે."
"ઓકે. હું ભૂમિજાને કઈ જ નઈ કહું."
વિવાનના ઘરે જઈને આવ્યા બાદ બંને એક રેસ્ટોરન્ટ આગળ રોકાયા જમવા માટે. જમીને બહાર આવ્યા. જોયું તો હજુ ખાલી બે જ વાગ્યા હોય છે. અને ભૂમિજાને 5:00 વાગ્યા પહેલાં તો નહી જ મળી શકાય. આ ત્રણ કલાક કાઢવા કઈ?? એ વિચારતા વિચારતા બંને પહોંચી ગયા ભૂમિજા જે હોટેલમાં રોકાઈ હોય છે ત્યાં. પણ જો 'ભૂમિજા અત્યારે એ બંનેને અહીં જોશે તો બંનેનું આવી જ બનશે!!' એમ વિચારી એ લોકો ત્યાં જ નજીકમાં જ આવેલા ગાર્ડનમાં જઈને બેઠા.
(( આ તરફ હોટેલમાં ))
અઢી દિવસના ગેપ પછી ભૂમિજા કામ પર પાછી આવી છે. એટલે આગળનું કામ કરતા પહેલા એ અત્યાર સુધીમાં જે કઈ પણ કામ પતી ગયું છે એ ફરી વાર ચેક કરી લે છે. કંપનીની અમદાવાદ તથા રાજકોટ બ્રાન્ચના એમ્પ્લોય્સ સાથે એણે કામ કરવાનું હોય છે, એટલે ભૂમિજા એ લોકો પાસે નાનામાં નાની ડિટેઈલ્સ સાથે કામ કરવાનો આગ્રહ રાખે છે. જે ચીવટતાથી ભૂમિજા કામ કરતી હોય છે અને એ લોકો પાસે કરાવતી હોય છે એ જોઈને અમુક એમ્પ્લોય્સને એ ઘમંડી અને એકદમ કડક બોસ લાગે છે. પરંતુ અન્ય લોકો તથા હોટેલના તમામ સ્ટાફને એની સાથે કામ કરવાનું ગમે છે.
એક દોઢ વાગ્યા સુધી કામ કર્યા પછી એ બધાને જમી લેવા માટે કહે છે. અને એ પોતે પણ એ બધાની સાથે જ જમવા માટે બેસી જાય છે. જમતાં જમતાં ભૂમિજાને ગઈ કાલની બપોર યાદ આવે છે!! જે રીતે ગ્રંથે એણે સમજી, એની પરવાહ કરી, એ બધું યાદ કરીને એના ચહેરા પર એક મસ્ત અને હલકી સી મુસ્કાન આવી ગઈ.
જમવાનું પતાવી ફરી ભૂમિજા બધા લોકો સાથે મળીને કામ કરવા લાગી. બધુ જ કામ ઓલ મોસ્ટ પતી જ ગયું હોય છે. માત્ર હોટેલનો બેંકવેટ હૉલ જ શણગારવાનો બાકી રહ્યો છે હવે. હૉલને કેવી રીતે ડેકોરેટ કરવો?? એ ડીસ્કશન કરવા માટે પાંચ સાત લોકોને લઈ ભૂમિજા હોટેલના કેફેટેરિયામાં જાય છે. જતા જતા બાકી બધાને આરામ કરવા માટે કેહવાનું એ ચૂકતી નથી. પોતાના હેડની આ જ સૌમ્યતા ત્યાં હાજર દરેક લોકોને સ્પર્શી જાય છે. કેટલાક લોકોએ તો ત્યાં જ નક્કી કરી લીધું હોય છે કે ઇવેન્ટ પત્યા પછી મેડમની સાથે જ કાયમ માટે કામ કરવું. અને એટલે જ એમાનાં ઘણા લોકોએ કંપનીના ઓફિસીયલ ઇમેઇલ આઇડી પર એમના ટ્રાન્સફર માટે અરજી કરી દીધી હોય છે.
ભૂમિજા કેફેટેરિયામાં જઈને સૌથી પહેલા તો બધા માટે ચા, કૉફી અને નાસ્તાની વ્યવસ્થા કરાવે છે. અને ત્યાં હાજર વેઈટરને એના બધા જ એમ્પ્લોય્સને સર્વ કરવાનું કહી એ ડીસ્કસનમાં લાગી જાય છે.
20-25 મિનિટ ચર્ચા કર્યા બાદ બધા એ મત પર સહમત થાય છે કે બેન્કવેટ હૉલ ને એકદમ ટ્રેડિશનલ લુક આપવામાં આવશે!! સાથે સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે એન્યુઅલ બિઝનેસ સમિટના આખરી દિવસે તમામને એકદમ શુદ્ધ ગુજરાતી તથા કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે, એ પણ પરંપરાગત રીતે!!
ત્યાં હાજર તમામને આ વિચાર ગમ્યો હોય છે. પરંતુ તેમ છતાં ભૂમિજા એક વાર મિસ્ટર સેનનો મત શું છે!! આ બાબતે એ એ પણ જાણવા માંગે છે અને એટલે જ એ બધા લોકોને પોત પોતાના રૂમમાં જવાનું કહે છે. બધાના ચાલ્યા ગયા બાદ ભૂમિજા મિસ્ટર સેનને ફોન લગાવે છે. મિસ્ટર સેન બધો પ્લાન જાણ્યા બાદ એ પણ ભૂમિજાની વાત સાથે સહમત થાય છે. મિસ્ટર સેનની સહમતી મળતા જ એ પોતાના આસિસ્ટન્ટને ફોન કરીને કામ આગળ વધારવાનું કહી દે છે.
સાંજના ડિનર માટે હેડ કૂક સાથે ચર્ચા કરીને ભૂમિજા પોતાના રૂમમાં જવા માટે કેફીટરિયામાંથી બહાર જ નીકળતી હોય છે, ત્યાં એનો મોબાઈલ રણકી ઊઠે છે. સ્ક્રીન પર પુણે ની ઓફિસના કોઈ એમ્પ્લોયનું નામ ફ્લેશ થાય છે. એટલે કદાચ ગઈ કાલે જે પ્રોજેક્ટ વિશે વાત થઈ હતી એનાં રીલેટેડ જ કોઈ વાત હશે એમ વિચારીને એ ફોન પિક અપ કરે છે. ફોન પર વાતો કરવામાં એનું ધ્યાન સામે કોઈ વ્યક્તિ આવી રહી છે એની પર નથી જતું. અને એ વ્યક્તિ પણ ફોનમાં બીઝી હોવાથી એ પણ એની નજર ફોનમાં રાખીને જ ચાલતો હોય છે. પરિણામે બંને એકબીજાની સાથે અથડાય છે. ભૂમિજાનો ફોન તો બ્લ્યુટૂથ સાથે કનેક્ટેડ હોવાથી એ પોતાનો ફોન સંભાળી લે છે. પણ સામે વાળો માણસ પોતાનો ફોન સંભાળી નથી શકતો. અને એનો ફોન નીચે પડી જાય છે.
ભૂમિજાને લાગે છે કે આ એના લીધે થયું એટલે એણે તરત જ સોરી સોરી કહીને માફી માંગી. પણ જેવો પેલો માણસ એનો ફોન લઈને ઊભો થયો કે તરત જ ભૂમિજાની નજર એની પર પડી. એ માણસને જોઈને એના ચહેરા પર ગુસ્સાનો ભાવ આવી ગયો. સામે વાળો માણસ કઈ બોલે એ પહેલા જ ભૂમિજાએ "आपण आत्ता फोन सोडत आहात. मी नंतर करेन.((તું અત્યારે ફોન મુક. હું પછી કરી છું))" એમ કહી ફોન મૂકી દીધો.
જેમ ભૂમિજાનો ચહેરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો એમ એ માણસનો ચહેરો પણ ભૂમિજાને જોઈને લાલ પીળો થઈ જાય છે!!
(( કોણ હશે એ?? શું આદિત્ય સિવાય પણ ભૂમિજાના જીવનમાં કોઈ અન્ય છોકરો હતો જેના વિશે ભૂમિજા એ કોઈને કંઈ નથી જણાવ્યું?? શું કઈ એવું છે ભૂમિજાના જીવનમાં, જેના વિશે ગ્રંથ હજુ પણ નથી જાણતો?? અને શું ગ્રંથ એના મમ્મી પપ્પા ને મનાવી શકશે ભૂમિજા માટે થઇને?? આવા અગણિત સવાલોના જવાબ મેળવવા માટે થઇને વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))