પ્રતિશોધ તૃતીય અંક:
ભાગ-6
બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન
પોતાની ચાલાકીથી વિક્રમસિંહને વિષ આપવા સાથે કુબા કાલરાત્રી નામક શૈતાનના જન્મની તૈયારીઓ કરી ચૂકી હતી. મેસોપોટેમિયન વિષની અસર હેઠળ વિક્રમસિંહની હાલત વિતતા સમયની સાથે વધુ ને વધુ બગડી રહી હતી. એમનું શરીર તાવથી ભઠ્ઠીની માફક ધગી રહ્યું હતું, હજુ શરીરનો કોઈ ભાગ જાંબલી પડ્યો નહીં હોવાથી રાજવૈદ્ય પણ આ મેસોપોટેમિયન વિષની અસરનો ઉપચાર કરવામાં અસફળ રહ્યા હતાં.
વિરસેન પોતાના મિત્ર અને માધવપુરના રાજા વિક્રમસિંહના આવા કથળેલા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ વ્યગ્ર હતો, ગૌરીદેવી અને અંબિકા પણ આ કારણથી અતિશય ચિંતામાં જણાતા હતાં. પદ્માને હવે છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા એટલે એને આ બધી બાબતથી અજાણ જ રાખવામાં આવી હતી. નાહકની ચિંતા કરીને પદ્મા પોતાની જાત અને પોતાના આવનારા બાળકને કોઈ નુકશાન ના પહોંચાડે એટલે અંબિકાએ વિક્રમસિંહની આવી ખરાબ હાલત વિશેના કોઈ સમાચાર પદ્મા સુધી ના પહોંચે એનું ખાસ ધ્યાન રખાવ્યુ હતું.
"રાજમાતા, મને લાગે છે આપણે ગુરુવરને તાબડતોબ એમના ગામમાંથી તેડાવવા જોઈએ." વિક્રમસિંહના સ્વાસ્થ્યમાં રાજવૈદ્યની સારવાર બાદ પણ કોઈ ફરક ના પડતા વિરસેને ગૌરીદેવીને ઉદ્દેશીને કહ્યું.
"સાચી વાત છે..રાજગુરુ હશે તો નક્કી એ વિક્રમની આ બીમારીનો તોડ શોધી શકશે." વિરસેનના પ્રસ્તાવ સાથે સહમત થતા ગૌરીદેવીએ કહ્યું.
ગૌરીદેવીની રજા મળતા જ વિરસેને પોતાના પૈતૃક ગામમાં ગયેલા રાજગુરુ ભાનુનાથને વિક્રમસિંહની બીમારી અંગેના સમાચાર પહોંચાડી એમને વહેલામાં વહેલી તકે માધવપુર આવવાનો સંદેશો મોકલાવ્યો.
વિક્રમસિંહ મોતના બિછાને પડ્યા હતા એ પોતાની સગી આંખે જોતી હોવા છતાં રેવતીના મગજમાં કુબાએ ભૂકીના નામે આપેલું વધેલું વિષ વિક્રમસિંહને આપવાની તૈયારીઓ આરંભી. કુબાના કહ્યા મુજબ ભૂકીની આડઅસરથી વિક્રમસિંહને આવું થતું હશે એવું મનોમન અનુમાન લગાવી રેવતીએ સગા હાથે પોતાની દીકરીનો સુહાગ ઉજાડવાની તૈયારીઓ આરંભી.
વિક્રમસિંહની ખરાબ તબિયતના સમાચાર એમના પિતરાઈ ભાઈ અને વિક્રમસિંહની હત્યાનું કાવતરું ઘડનારા અર્જુનસિંહને કાને પડી ચૂક્યા હતા. આ સમાચાર મળતા જ અર્જુનસિંહે માધવપુર પર આક્રમણ કરવાની તૈયારીઓ પણ આરંભી દીધી હતી.
કુબાની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરતી હોય એમ રેવતીએ વધેલા વિષને વિક્રમસિંહ માટે તૈયાર કરવામાં આવતા કેસર-ઈલાયચી વાળા દૂધમાં ભેળવી દેવાનું વિચાર્યું. આ દરમિયાન પદ્મા પણ ક્યારેક ક્યારેક પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી રહી હતી, જેથી પદ્માને કુબાએ આપેલી ભૂકી એનું કાર્ય યોગ્ય રીતે કરી રહી હોય એવું લાગ્યું.
ભાનુનાથને જેવો જ વિક્રમસિંહના ગંભીર સ્વાસ્થ્યનો સંદેશો મળ્યો એ સાથે જ તેઓ પોતાના પુત્ર સોમનાથને લઈને માધવપુર જવા રવાના થઈ ગયા. ભાનુનાથનું ત્રિકાળ જ્ઞાન એમને જણાવી રહ્યું હતું કે વિક્રમસિંહના જીવની સાથે માધવપુર સામ્રાજ્ય પર પણ ભીક્ષણ આફત આવવાની છે. ક્યાંક જોરાવરનું ભવિષ્ય અત્યારે જ સાચું તો નહોતું પડવાનું ને? જો આવું હશે તો પિતાની સાથે પુત્રનો જીવ પણ જોખમમાં છે એવી ભીતિ ભાનુનાથના મનને ઘેરી વળી. શક્ય એટલી ઝડપે માધવપુર પહોંચી પોતાની તમામ શક્તિઓ અને જ્ઞાન લગાવી આ બધી જ આફતોમાંથી રાજપરિવાર અને માધવપુરને ઉગારી લેવાના દૃઢ નીર્ધાર સાથે ભાનુનાથે પોતાના ઊંટને વધુ તીવ્રતાથી માધવપુરની દિશામાં ભગવવાનું શરૂ કર્યું.
ભાનુનાથ સાંજ સુધીમાં માધવપુર આવી પહોંચવાના હતા એ જાણ્યા બાદ રેવતીએ વહેલામાં વહેલી તકે કુબાએ આપેલી ભૂકીને વિક્રમસિંહના પેટ સુધી પહોંચાડી દેવાનું નક્કી કરી લીધું. બપોરે જ્યારે વિક્રમસિંહ માટે કેસર-ઈલાયચી વાળું દૂધ મહારાજ રસોડામાંથી લઈને વિક્રમસિંહના કક્ષ તરફ જતો હતો ત્યારે રેવતીએ રસ્તામાં જ મહારાજનો રસ્તો રોકીને પૂછ્યું.
"વિક્રમસિંહના કક્ષમાં જાઓ છો.?"
"હા, એમને આ દૂધ આપી આવું..એ હમણાથી ભોજન તો લેતા નથી એટલે બે દિવસથી એમને દિવસમાં ચાર-પાંચ વાર દૂધ જ આપું છું." મહારાજે જવાબ આપતા કહ્યું.
"અત્યારે મહારાજના કક્ષમાં કંઈક ખાનગી મંત્રણા ચાલે છે, માટે તમારું ત્યાં જવું ઉચિત નથી." રેવતીએ ગપ હાંકતા કહ્યું.
"તો પછી..આ દૂધ..?" દૂધના કટોરા તરફ જોઈ વિચારશીલ મુખમુદ્રા સાથે મહારાજે કહ્યું.
"એવું હોય તો આ દૂધ મને આપો, હું આ દૂધ મહારાજના કક્ષ સુધી પહોંચાડી દઈશ." રેવતીએ ચાલાકીથી આ તકને ઝડપી લેતા કહ્યું.
"અરે તમે આ તકલીફ ઉઠાવશો?"
"એમાં તકલીફ શેની, તમે આ દૂધ મને આપી દો અને રસોડામાં જઈને શાંતિથી તમારું કામ કરો." મહારાજના હાથમાંથી દૂધ ભરેલો કટોરો લેતા રેવતીએ ઠાવકાઈથી સ્મિત વેરતા કહ્યું.
વિક્રમસિંહને દૂધ પહોંચાડવાની જવાબદારી રેવતીને સોંપી મહારાજ જેવો જ રસોડા તરફ અગ્રેસર થયો એ સાથે જ રેવતીએ ચારે તરફ નજર ઘુમાવી એ જોઈ લીધું કે અત્યારે કોઈ એને જોઈ તો નહોતું રહ્યું ને? પોતે કોઈની નજરોમાં નથી એવો વિશ્વાસ બેસતા જ રેવતીએ પોતાના પાલવમાં છૂપાવેલી પડીકીમાંથી વિષ નીકાળ્યું અને દૂધમાં ભેળવી દીધું.
વિષ ભેળવેલું દૂધ લઈને રેવતી ફટાફટ વિક્રમસિંહના કક્ષમાં પહોંચી અને ત્યાં પહોંચી દૂધનો કટોરો વિક્રમસિંહની પથારી નજીક વ્યથિત ચહેરે બેસેલી પોતાની પુત્રી અંબિકાના હાથમાં રાખી દીધો.
રેવતીએ આપેલું દૂધ અંબિકાએ પોતાના હાથે જ વિક્રમસિંહને પીવડાવી દીધું એટલે રેવતી ખાલી કટોરો લઈને ત્યાંથી ચાલી ગઈ. આ દરમિયાન અંબિકાને પોતાની માંના કાવતરાનો થોડો પણ અંદાજો ના આવ્યો અને પોતે પોતાના સગા હાથે જ વિક્રમસિંહને વિષ આપવાનું કામ કરી બેઠી.
ત્રીજા તબક્કાનું વિષ શરીરમાં જતાંની સાથે જ થોડા સમયમાં એની ભયંકર અસરો દેખાડવા લાગ્યો..વિક્રમસિંહને પેટમાં સખત બળતરા થવા લાગી અને સાથે લોહીની ઊલટી પણ થઈ.
આ પરિસ્થિતિનો સામનો કરવામાં અસમર્થ એવી અંબિકાએ તુરંત રાજવૈદ્ય, વિરસેન અને રાજમાતા ગૌરીદેવીને વિક્રમસિંહના કક્ષમાં બોલાવી લીધા.
રાજવૈદ્ય જ્યાં સુધી વિક્રમસિંહના કક્ષમાં આવ્યા ત્યાં સુધી વિક્રમસિંહનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને લોહીની બીજી બે ઊલટીઓ પણ આ દરમિયાન વિક્રમસિંહ કરી ચૂક્યા હતાં. પોતાના પુત્રની આવી દશા જોઈને મક્કમ મનનાં ગૌરીદેવીની આંખો પણ ઊભરાઈ ગઈ.
વિરસેને વ્યાકુળતાથી રાજવૈદ્ય સમક્ષ જોઈને પૂછ્યું.
"વૈદ્યરાજ, આખરે મહારાજને થયું છે શું? આટઆટલા દિવસથી માંદગીના બિછાને પડ્યા હોવા છતાં તમારી ઔષધિ એમનો ઉપચાર કેમ નથી કરી શકી.?"
વિરસેનના પ્રશ્નનો ઉત્તર આપવાના બદલે વૈદ્યરાજ વિક્રમસિંહના ચહેરા અને મોંની અંદરના ભાગનું અવલોકન કરવા લાગ્યા, ત્યારબાદ વૈદ્યરાજે એમની નાડી જોઈને એમના ધબકારા પણ તપાસી જોયા.
"મહારાજને વિષ આપવામાં આવ્યું છે!" ઘટસ્ફોટ કરતા વૈદ્યરાજે કહ્યું. "એ પણ ખૂબ જ ઘાતક વિષ..જેનો કોઈ ઉપચાર મારા જોડે તો નથી જ અને આપણા દેશમાં અન્ય કોઈ વૈદ્ય જોડે હોય એની શકયતા પણ નહિવત છે."
વૈદ્યરાજની વાત વિક્રમસિંહની ફરતે ઊભેલાં અંબિકા, વિરસેન અને ગૌરીદેવી પર વીજળી બનીને ત્રાટકી. એ દરેકનો ચહેરો આ સાંભળી ફિક્કો પડી ગયો. અંબિકા પોતાની સાસુમાંને વળગીને રડવા લાગી, આમ થતાં ગૌરીદેવી પોતાની પુત્રવધૂને આશ્વાસન આપી તો રહ્યા હતા પણ હકીકતમાં એમને પણ અત્યારે એવા જ આશ્વાસનની અતિ આવશ્યકતા હતી. પોતાની હયાતીમાં પુત્રનો જીવ ચાલ્યો જશે તો પોતાનું જીવન નિરર્થક બની જશે એવો અહેસાસ મનમાં થતા ગૌરીદેવીનું મન વિષાદયુક્ત બની ચૂક્યું હતું.
"વૈદ્યરાજ, આ વિષ ક્યારે અપાયું એ અંગે તમે જણાવી શકશો.?" આ વિપદાની ઘડીમાં પણ વિરસેન ખૂબ ધીરજથી કામ લેતા બોલ્યો.
"પ્રધાન મહોદય, આમ તો આ વિષની ઘાતક અસર તો અત્યારે જ લાગુ પડી છે..પણ, મહારાજને આ વિષ પહેલા પણ આપવામાં આવ્યું છે." પ્રત્યુત્તર આપતા વૈદ્યરાજે કહ્યું. "આની અસરના લીધે જ મહારાજ બીમાર રહેતા હતા એ બનવાજોગ છે. પણ, શરૂઆતમાં આ વિષનાં લક્ષણો કેમ ના નજરે ચડ્યા એ મને સમજાતું નથી."
"મહારાણી, આજે મહારાજને કોઈએ જમવાનું આપ્યું.?" વૈદ્યરાજની વાત સાંભળી વિરસેને તુરંત અંબિકાને સવાલ કર્યો.
"હઅઅ.." મગજ પર જોર આપતા અંબિકા બોલી. "બપોરે માં દૂધ લઈને આવ્યા હતા મહારાજ માટે."
હજુ અંબિકા પોતાની વાત પૂરી કરે એ પહેલા જ વિરસેન રેવતીના કક્ષ તરફ પ્રસ્થાન કરી ચૂક્યો હતો. જે દિવસથી વિક્રમસિંહ બીમાર પડ્યા એ દિવસે રેવતીને રસોડામાંથી નીકળતી પોતાની સગી આંખે જોઈ હોવાનું યાદ આવતા વિરસેન એ બાબતે ચોક્કસ હતાં કે મહારાજને જે વિષ આપવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક રેવતીનો હાથ છે.
ક્રોધની જ્વાળામાં સળગતા વિરસેન નિર્ણય લઈ ચૂક્યા હતા કે, જો પોતાનો શક સાચો નીકળશે તો પોતે તત્ક્ષણ રેવતીની ગરદન એના ધડ પરથી અલગ કરી નાંખશે, ભલે એ મહારાણીની માં કેમ ના રહી!
આ તરફ વિક્રમસિંહ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યાં ભાનુનાથ પોતાના પુત્ર સાથે માધવપુર આવી પહોંચ્યા.
માધવપુર કિલ્લાની અંદર પહોંચતા જ ભાનુનાથની છઠ્ઠી ઇન્દ્રિયએ એમને સાવધ કરી દીધા. એમના શરીરને અચાનક કોઈ ઝટકો લાગ્યો એવી અનુભૂતિ રાજગુરુ ભાનુનાથે અનુભવી.
"સોમનાથ, માધવપુર પર કાળી શક્તિઓ નજીકમાં આતંક મચાવશે.!"
સોમનાથ પોતાની વાતનો શું પ્રત્યુત્તર આપે છે, એની ચિંતા કર્યાં વિના જ ભાનુનાથે ઊંટને ઉતાવળી ગતિએ મહેલ તરફ હંકારી મૂક્યું.
***********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)