Premdiwani - 16 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પ્રેમદિવાની - ૧૬

Featured Books
Categories
Share

પ્રેમદિવાની - ૧૬

દુશમન પણ વિચાર કરીને વાર કરે એવું પગલું ભર્યું મિત્રએ,
મિત્રતા શબ્દને પણ લજ્જીત કરે એવું પગલું ભર્યું મિત્રએ!

મીરાંના પપ્પાનો જવાબ સાંભળીને ખુબ દુઃખદ હાવભાવ અને ગમગીન અવાજમાં પ્રથમે મીરાંના પપ્પાને કહ્યું કે, 'મીરાંનું આગળનું ભણતર સારું થયું કે તમે શહેરમાં જ કરાવ્યું. મીરાં ત્યાં ભણે તો છે ને બરાબર કે અહીં અમનની જોડે જેમ...'

મીરાંના પપ્પાના ચહેરાના હાવભાવ બદલાય ગયા હતા. આટલું સાંભળીને એ અધૂરી વાતે બોલ્યા. 'સીધી વાત કર પ્રથમ, કેમ ગોળ ગોળ વાત કરવાની જરૂર પડી?'

પ્રથમને આજ તો સાંભળવું હતું. પ્રથમે વાતનો દોર આગળ વધારતા મીરાં અને અમનનો અત્યાર સુધીનો નિર્દોષ પ્રેમ એવી રીતે રજુ કર્યો કે મીરાંના પપ્પા ખુબ આકુળવ્યાકુળ થઈ ગયા હતા. એમનો ગુસ્સો સાતમાંઆસમાને પહોંચી ગયો હતો. પ્રથમ પોતાના મનમાં રહેલી આગને મીરાંના પપ્પા પર ઠાલવીને એમની આંતરડી સળગતી મૂકી પોતે શાંત ચિતે મજા લેતો ત્યાંથી જતો રહ્યો હતો.

મીરાંના પપ્પા અનેક વિચારોની ઝાળમાં સપડાયેલ પરસેવે રેબઝેબ થતા ઊંધા પગલે ઘર તરફ વર્યા હતા. ઘરમાં દાખલ થતા મીરાંએ એમને પરસેવે રેબઝેબ અને ખુબ વ્યાકુળ જોઈ ચિંતિત સ્વરે પૂછ્યું કે, 'શું થયું તમને પપ્પા? તબિયત ઠીક નહીં? ડૉક્ટરને બોલવું?' દીકરીએ પપ્પાની વ્યાકુળતા ફક્ત એક જ સેકેન્ડમાં અનુભવી અને ચિંતામાં પોતે એકી શ્વાસે બધું ઝડપથી બોલી ઉઠી.

મીરાંના પપ્પા તો ખુબ જ ગુસ્સામાં હતા. અત્યારે એમને પોતાની વ્હાલસોય દીકરી નહીં પરંતુ એક સ્વાર્થી, ખોટી અને ઢોંગી દીકરી દેખાતી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ મીરાંના ગાલ પર એના પપ્પાએ જોરદાર તમાચો મારી દીધો. મીરાંને તમાચો ગાલ પર પડ્યો પરંતુ એનો ઘા સીધો મીરાંના હૃદય પર પડ્યો હતો. એ હજુ કઈ બોલે એ પહેલા બીજો તમાચો પણ મીરાંને લાગી ગયો. મીરાંના મમ્મી અને બહેન અવાજ સાંભળીને તરત બહાર દોડી આવ્યા હતા. મીરાંની આંખમાં આંસુ આવી ગયા. હજુ એ પપ્પાને કઈ પૂછે એ પહેલા ત્રીજો તમાચો પાડવાનો જ હતો ત્યાં મીરાંના મમ્મીએ એને બચાવી લીધી હતી. મીરાંના પપ્પાએ હવે પોતાનો બળાપો એના પત્ની પર કાઢ્યો હતો. એ એવું મેણું મારવા લાગ્યા કે જવાન છોકરી શું કરે છે એની એક માઁને ખબર ન હોય તો શું કામની એની મમતા? મીરાંના પપ્પાનો ગુસ્સો કાબુમાં નહોતો જ...

મીરાંના મમ્મી આવું સાંભળીને એકદમ અવાચક થઈ ગયા. એકદમ નિખાલશ અને ભોળા મીરાંના મમ્મી બધી જ વાતથી સાવ અજાણ હતા. એમણે કહ્યું, 'એવું કેમ બોલો છો? શું કહો છો એ જાણો તો છોને? એ આપણી દીકરી છે એના માટે હું શું કામ બેદરકાર રહું?'

મીરાં કાપો તો લોહી ન નીકળે એવી હાલતમાં સપડાય ગઈ પણ એને એ નહોતું સમજાતું કે પપ્પા આમ અચાનક કેમ આવું બોલે છે?

મીરાંના મમ્મીની વાત સાંભળીને મીરાંના પપ્પા તરત બોલ્યા, 'હમણાં બજાર પહોંચું એ પહેલા મને પ્રથમ રસ્તામાં મળ્યો હતો. એ સારું થયું કે એણે બધી હકીકત આજ મને જણાવી નહીતો આ મીરાં આપણને ક્યાંય મોઢું જોવાને લાયક ન રાખત, પ્રથમે જે કહ્યું એ બધું જ તેઓ બોલ્યા, અને પોતાનો ગુસ્સો બધો જોરજોરથી બોલીને ઠાલવી રહ્યા હતા.

મીરાં તો પ્રથમનું નામ સાંભળીને સાવ ઢીલી પડી ગઈ એ માની શકે એમ નહોતી કે પ્રથમ પોતાના અને અમન વિષે આવી રીતે વાત પપ્પાને રજુ કરશે. મીરાંના પપ્પા એટલા ગુસ્સામાં હતા કે પોતાના તરફી શું ખુલાશો પપ્પાને આપવો એનો કોઈ જ રસ્તો મીરાંને જડતો નહોતો.

પપ્પા હજુ બોલતા જ હતા ત્યાં મમ્મી પણ દુઃખી સ્વરે બોલવા લાગ્યા, 'હે ભગવાન તું ક્યાં જન્મની અમારી પરીક્ષા લે છે? એમની આંખમાંથી આંસુ આવવા લાગ્યા હતા. મીરાંના મમ્મીને થયું કે તેઓ પોતે દીકરીને સારી રીતે ઉછેરી ન શક્યા એમનો આ વસવસો એમના શબ્દોમાં સાફ વર્તાય રહ્યો હતો. એ સાવ ભાંગી પડ્યા હતા.

આ બધું જ સાંભળીને મીરાંની બહેન પણ સમસમી ઉઠી કે મીરાંએ એનાથી પણ બધું છુપાવ્યું!

મીરાં પોતાના ઘરના દરેક સદસ્યના ચહેરાના હાવભાવ સમજી રહી હતી. આખો પરિવાર મીરાંની વિરુદ્ધ થઈ ગયો હતો. આજના દિવસે મીરાંએ જે પહેલી વખત હોસ્પિટલ જઈને ખોટું પગલું ભર્યું એ કર્મનું ફળ આજ એ ભોગવી રહી હતી. મીરાંના મનમાં એવું ન્હોતું કે એ બધાને અંધારામાં રાખીને અમન સાથે જતી રહેત પણ મીરાં યોગ્ય સમયની રાહે હતી અને પ્રથમે વાતને એવી રીતે રજુ કરી કે મીરાં દોષી ન હોવા છતાં બધાની નજરમાં મીરાં દોષી સાબિત થઈ ચુકી હતી. મીરાં મનમાં જ બોલી ઉઠી કે મેં એવું કોઈ કર્મ જ નહીં કર્યું કે જેથી આખા પરિવારને નીચું જોવું પડે અથવા તો કોઈનું મેણું સાંભળવું પડે છતાં આજ હું દરેકને માટે દુઃખનું કારણ બની છું. મીરાંના મનમાં અનેક ઉથલપાથલ થઈ રહી હતી પણ માતાપિતાની હાલત જોઈને એ એટલી ગભરાઈ ગઈ અને શરમીંદગી અનુભવતી હતી કે એના મોઢા માંથી આજ સાચી વાત રજુ કરવાની પણ એનામાં તાકાત રહી નહોતી. એ આવા વિચારોમાં હતી અને ઘરના બધા ગુસ્સે થઈ એને કઈ ને કઈ બોલીને અપમાનિત કરી રહ્યા હતા. મીરાં ફક્ત આંસુ સારીને પોતાની નિખાલસતા જણાવી રહી હતી પણ આજ એની નિખાલસતા કોઈ સરળતાથી સમજી શકે એમ સક્ષમ નહોતું.
દોસ્ત! નિખાલસતા આજ મજબૂર બની છે,
જોને આજ સચ્ચાઈની ક્યાં સાબિતી બચી છે?

શું મીરાં પોતાને ખરી સાબિત કરી શકશે?
પ્રથમની હકીકત જાણીને અમનનો શું પ્રતિભાવ હશે?
મીરાં અને અમનના જીવનમાં આવનાર સમય કેવો હશે?

જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...