The turn of destiny - 6 in Gujarati Fiction Stories by Kiran books and stories PDF | નસીબ નો વળાંક - 6

The Author
Featured Books
Categories
Share

નસીબ નો વળાંક - 6

રાતે જ્યારે બન્ને બહેનો અને માલધારી દંપતી નેહડા ની બહાર ખાટલા નાખીને રાત્રી ના ઠંડા પવન ની લહેરો ને માણતા બેઠાં હોય છે ત્યારે રાજલ થી અનુરાધા ને આકાશમાં તારલાઓ ગણતી જોઈ અચાનક કંઇક એવી વાત બોલાય જાય છે કે જે એ બન્ને બહેનો થી છુપાવી રહ્યાં હતાં. પણ, હવે તો બન્ને બહેનો આ વાત સાંભળી ને જ ઝંપે એવું લાગતું હતું.

આથી બન્ને બહેનો ની ખુલાસા ની વાત જાણવા માટે ની આવી આતુરતા જોઈ રાજલ કહેવા લાગી,' બેટા, આ વાત અમે બન્ને જણ છુપાવી ને રાખવા નાં હતા. પણ મારાથી જ નાં રહેવાયું અને બધું સામે આવી ગયું...' આટલું કહી રાજલે દેવાયત સામુ નિખાલસ નજર થી જોયું અને પછી બન્ને બહેનો ને માંડી ને વાત કરતા કહ્યું કે,' બેટા મારે પણ એક ફૂલ જેવી દિકરી હતી.. એનું નામ પ્રેમા હતું. એ એકદમ આ અનુરાધા જેવી જ લાગતી હતી... એની ઘણી ટેવ આના જેવી જ હતી!!! ખૂબ જ હેતાળ અને સમજુ હતી.. સાથોસાથ થોડીક ચંચળ પણ હતી..... પણ બેટા એક દિવસ.....' આટલું કહી રાજલ જાણે કે પોતાના પાંપણ સુધી પોહોંચી ગયેલા ઝાકળ નાં ટીપાં સમાં આસુ ને રોકી રહી હોય તેમ અટકી ગઈ....

ત્યારબાદ દેવાયતે એના ખભા ઉપર હાથ મૂકી એને સાંત્વના આપતો હોય એમ કહેવા લાગ્યો,' હવે એ બધું ભૂલી જા!! અને નિરાશ નાં થઈશ... આપણા ભાગ્ય માં વિધાતા એ જે લખ્યું હોય એ ભોગવવાનું જ રહ્યું!!! આમ કહી દેવાયત અનુરાધા સામુ હેતાળ નજર થી જોઈ બોલવા લાગ્યો,... બેટા મારી લાડલી એકદમ તારા જેવી જ લાગતી હતી... એને પણ આમ તારી જેમ રાત્રી ના ખુલ્લા આકાશ માં તારલાઓ ગણવાની ટેવ હતી... એ રોજ મારી જોડે રાત્રે અહી ખાટલે બેસી મસ્તી મજાક કરી પછી ખાટલે આડી પડી આ તારલાઓ ને ગણતી સૂઈ જતી... પ્રેમા મારી દીકરી મારા કાળજા નો કટકો હતી..!!'

આમ કઠોર હૈયું કરી દેવાયત થી પ્રેમા વિશે આટલું તો કહેવાય ગયું.. પણ હવે એ થોડોક અચકાય રહ્યો હોય એવું જણાતા અનુરાધા પોતે જે ખાટલે બેસી હતી ત્યાંથી ઊભી થઈ દેવાયત ની બાજુમાં જઈને બેસી અને એના ખભે હાથ મૂકી કહેવા લાગી, બાપુ!! હું પ્રેમા જેવી જ લાગુ ને!! તો સમજી લ્યો કે હું જ તમારી પ્રેમા છું!! કંઈ પણ હતાશ થવાની જરૂર નથી!!'

અનુરાધા નાં મોઢે 'બાપુ' નામ સાંભળી દેવાયત સાવ ગળગળો થઈ ગયો અને અનુરાધા ને છાતી સરસી ચાંપી દીધી...!! આમ જાણે કે પ્રેમા જ દેવાયત ને વળગીને બેઠી હોય એવુ જોઈ રાજલ પણ હવે સુનંદા ની બાજુમાં બેસવા જતી રહી અને એના માથે હાથ ફેરવ્યો અને કહ્યું,' બેટા જો આમ જ મારી પ્રેમા પણ એના બાપુ ને ખૂબ વહાલી હતી. સુનંદા પણ એ બન્ને સામુ જોઈ આછું સ્મિત આપવા લાગી..
પણ સુનંદા ને હજુ પ્રેમા વીશે જાણવા ની તાલાવેલી હતી એટલે એ વળી પૂછવા લાગી કે,માડી!! પ્રેમા જોડે એવું તો આગળ શું થયું કે તમે આમ કહેવાથી અચકાવ છો??? રાજલ ને થયું હવે કઠોર હૈયું રાખી ને કહેવું જ પડશે..... આમ પણ કોઈ વાત લાંબો સમય છીપી ના રહી શકે...

આથી રાજલ વળી પ્રેમા ની વાત નો ખુલાસો કરતા કહેવા લાગી કે, બેટા, અમે પહેલા એક ગામડામાં રહેતા હતા.... ત્યાં મારી પ્રેમા અમારી જ નાત નાં એક છોકરા ને પ્રેમ કરતી હતી અને અમે બન્ને જણ પ્રેમા ના આ પ્રેમસબંધ થી સાવ અજાણ હતા. અને પ્રેમા નાં મનમાં એવું હતું કે જો એ પોતાના આ પ્રેમસંબંધ ની વાત અમને બન્ને ને કરશે તો કદાચ અમે એને તરછોડી દેશું... કદાચ એટલે જ એણે આ વાત અમને પહેલા નહતી કીધી. પણ, સમય જતાં બન્ને નો પ્રેમ ખૂબ જ ગાઢ બનતો ગયો.. હવે બન્ને એ એકબીજા જોડે લગ્ન કરી લેવાનું વિચાર્યું.. પણ એના માટે એણે અમને એટલે કે બન્ને નાં માતા પિતા ને એમના પ્રેમસંબંધ વિશે જણાવી અને બધા ની અનુમતિ થી લગ્ન કરવા વિચાર્યું.

આમ પ્રેમા ને તો અમે નાનપણ થી ખૂબ જ લાડકોડ થી ઉછેરી ને મોટી કરી હતી એટલે પ્રેમા એ આ વાત અમને કહી દીધી અને વળી એમ પણ કહ્યું કે જો તમે બન્ને કહેશો તો જ હું આ લગ્ન કરીશ.. મારા માટે પહેલા મારા મા- બાપ પછી બીજા બધા!!! દિકરી જો ઈચ્છે તો એ બન્ને ભાગી ને પણ લગ્ન કરી શકત!! પણ તેઓએ આવું નાં કર્યું.. આથી એણે અમને આવી હકીકત જણાવી ઉચિત પગલું લીધું.. એટલે હવે અમે પણ એમના લગ્ન માટે માની ગયા!! છોકરો પણ અમારી જાત નો જ એટલે અમને થયું દિકરી ને સાચવશે.. એટલે અમે બન્ને તો એમના લગ્ન માટે એકદમ રાજી થઈ ગયા. અમને આમ લગ્ન માટે રાજી થતા જોઈ બન્ને નાં હર્ષ નો કોઈ પાર ન રહ્યો...

અહી તો હવે બન્ને નાં લગ્ન માટે માલધારી દંપતિ પણ માની ગયેલા. તો પછી એવું તો શું થયું હશે કે તેઓ આ બન્ને બહેનો થી છુપાવી રહ્યાં હતા....??? આગળ પ્રેમા જોડે એવું તો શું થયું હશે???

જાણો આવતાં .....ભાગ-6...." અસમંજસ" ... માં