અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૨
આશાબેન ઉઠ્યાં એટલે તેમણે જોયું કે, કિશનભાઈ રૂમમાં નથી. રૂમમાં કિશનભાઈને નાં જોઈને, આશાબેન તેમને આખાં ઘરમાં શોધવાં લાગ્યાં. બધી જગ્યાએ શોધતાં શોધતાં આશાબેન આસ્થાના રૂમમાં ગયાં. તો ત્યાં આસ્થા પણ નહોતી.
આશાબેન ખૂબ જ ડરી ગયાં હતાં. કિશનભાઈ અને આસ્થા ઘરે નથી. એ વાત આશાબેન આદિત્યને જણાવવા તેનાં રૂમમાં ગયાં.
આદિત્ય તેનાં રૂમમાં કોલેજે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યાં જ આશાબેને આવીને કહ્યું.
"આદિત્ય, તારાં પપ્પા અને આસ્થા બંનેમાંથી કોઈ તેનાં રૂમમાં નથી. તું આસ્થાને ફોન કરીને પૂછ કે, તે ક્યાં છે?"
આશાબેનને ડરેલા જોઈ, આદિત્યએ તરત જ આસ્થાને ફોન કર્યો. પહેલીવાર તો આસ્થાએ ફોન નાં ઉપાડ્યો. જેનાં લીધે આદિત્ય પણ ડરી ગયો. હજું થોડીવાર થઈ. ત્યાં જ આસ્થાનો સામેથી ફોન આવ્યો. આસ્થાનો ફોન આવેલો જોઈ, આશાબેને આદિત્ય પાસેથી ફોન લઈ લીધો, ને પોતે વાત કરવા લાગ્યાં.
"હાં, ભાઈ બોલ. શું કામ હતું?"
"હું ભાઈ નહીં. મમ્મી બોલું છું. તું અત્યારે ક્યાં છે?"
"હું પપ્પા સાથે અમદાવાદ જાઉં છું. આજે સવારે જ અમદાવાદથી પપ્પાને ફોન આવ્યો. મારે હોસ્ટેલમાં આજે જ હાજરી આપવાની હતી.
"હમણાં દશમાં ધોરણની પરીક્ષા ચાલું થવાની છે. તો એ બાબતે જ કોઈ ચર્ચા કરવાની હતી. તો મારે અચાનક જ જવાનું થયું. તો પપ્પા મને મૂકવાં આવે છે."
"એકવાર મને જણાવાય તો ખરાં ને?"
"તું અને ભાઈ સૂતાં હતાં. તો પપ્પાએ મને તમને જગાડવાની નાં પાડી.
"એમણે કહ્યું કે, આપણે અમદાવાદ પહોંચીને ઘરે ફોન કરી દેશું."
"ઠીક છે, બેટા. સંભાળીને જાજે. ભણવામાં ધ્યાન આપજે."
"ઓકે, મમ્મી."
આશાબેને ફોન ડિસક્નેક્ટ કર્યો, ને આદિત્યએ સીધું પૂછ્યું.
"મમ્મી, આસ્થા ક્યાં જાય છે?"
"તેને તારાં પપ્પા અમદાવાદ હોસ્ટેલે મૂકવાં જાય છે. આપણે સૂતાં હતાં, તો કહ્યું નહીં."
"અરે મમ્મી, પપ્પાએ તો બહુ મોટી રમત રમી નાંખી. મારે અત્યારે જ સુજાતા સાથે અમદાવાદ જવા નીકળવું પડશે."
"પણ, શાં માટે? એવું તો શું કર્યું છે, તારા પપ્પાએ?"
"પપ્પા આસ્થાને અમદાવાદ મૂકવાં જવાનાં બહાને માધવઅંકલને મારવાં માટે જાય છે."
"શું વાત કરે છે તું? તને કેમ ખબર માધવભાઈ અમદાવાદ છે?"
"અમને અરવિંદઅંકલની ઓફિસમાં કામ કરતાં એક કર્મચારીએ કહ્યું. તેમનું નામ જસવંતભાઈ છે."
"અરે, એ જસવંતભાઈ તો અરવિંદભાઈ અને માધવભાઈનાં ગયાં પછી ઓફિસ છોડી ચાલ્યાં ગયાં હતાં. તો એ તમને ક્યાં મળ્યાં?"
"એ અમને નહીં. સુજાતાને મળ્યાં હતાં. તેમણે જ સુજાતાને બધું જણાવ્યું. માધવઅંકલને મારાં પપ્પાએ અમદાવાદ એક ગોડાઉનમાં કેદ રાખ્યાં છે, ને અરવિંદઅંકલ રાજકોટ તેનાં બીજાં બંગલે રહે છે. તેને અહીં જે થયું, એ બધી ખબર છે.
"રાજુ પણ કાલ રાજકોટ ગયો છે. હવે બીજું બધું હું તને પછી કહીશ. હાલ મારે સુજાતા સાથે અમદાવાદ જવા નીકળવું પડશે."
"ઠીક છે, પણ તમે બંને તમારું ધ્યાન રાખજો."
"ઓકે, મમ્મી. બાય."
આદિત્યએ તેનાં મમ્મીને બધી વાત જણાવી, સુજાતાને ફોન કર્યો. સુજાતા જાણે આદિત્યનાં ફોનની જ રાહ જોઈને બેઠી હોય, એમ તરત જ સુજાતાએ ફોન રિસીવ કર્યો. ફોન રિસીવ થતાં જ આદિત્યએ કહ્યું.
"તું અત્યારે જ તૈયાર થઈ જા. આપણે અમદાવાદ જવાનું છે. દશ મિનિટની અંદર મને તારાં ઘરની બહાર મળજે. હું તને ત્યાં જ લેવાં આવીશ."
આદિત્યનો ગંભીર અવાજ સાંભળીને સુજાતાને એટલી તો જાણ થઈ જ ગઈ કે, કિશનભાઈ અમદાવાદ જવા નીકળી ગયાં હતાં. સુજાતાને આ વાતની જાણકારી અગાઉ જ હતી કે, કિશનભાઈ આ વખતે કોઈને જણાવ્યાં વગર જ નીકળી જશે.
તેમને એક પછી એક તેમનાં બધાં પ્લાનમાં નિષ્ફળતા મળી રહી હતી. તો તેમણે આગળ શું કરવું? એ વિશે અગાઉ જ વિચાર્યું હોય, એ નક્કી જ હતું. તો સુજાતા બધી વાતથી વાકેફ હોવાથી, આદિત્યનો ફોન આવતાં તે તરત જ તૈયાર થઈ ગઈ.
પરંતુ, સુજાતાને એ સમજમાં નથી આવતું કે, કિશનભાઈએ કોઈને કાંઈ કહ્યું નહોતું. તો આદિત્યને કેવી રીતે ખબર પડી?
સુજાતા હજું કોઈ નિર્ણય પર પહોંચે એ પહેલાં તેને થયું કે, હવે તો આદિત્ય જ બધું જણાવી શકે. જેથી તે તેનાં ઘરની બહાર નીકળી.
આદિત્યએ કહ્યું હતું, એમ જ તે દશ મિનિટમાં ત્યાં પહોંચી ગયો. તેનાં આવતાની સાથે જ સુજાતા કારનો દરવાજો ખોલીને, અંદર બેસી ગઈ. સુજાતા બેઠી એટલે આદિત્યએ કારને ફુલ સ્પીડમાં અમદાવાદ તરફ હંકારી મૂકી. થોડીવાર ચૂપ જ રહ્યાં પછી સુજાતાએ આખરે પૂછી જ લીધું.
"તને કેવીરીતે ખબર પડી કે, તારાં પપ્પા અમદાવાદ જાય છે? ક્યાંક હજી પણ તું-"
"યાર, એટલો તો વિશ્વાસ કર. મેં શાં માટે પપ્પાનો સાથ આપવાનું બંધ કર્યું? એ તું જાણે છે. તો હજું આવી શંકા કેમ કરે છે?"
"ઓકે, સોરી. પણ મને થયું, તારાં પપ્પાએ તો તને કહ્યું નાં હોય, તો તને કેવી રીતે ખબર પડી?"
"તે આસ્થાને તેની હોસ્ટેલે મુકવાનાં બહાને અમદાવાદ જવા નીકળ્યાં છે. તો મેં આસ્થાને ફોન કર્યો. તેણે જ મને બધું કહ્યું. પપ્પાએ કોઈને કહ્યાં વગર જ જવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તેમ છતાંય આસ્થાને લીધે મને જાણ થઈ જ ગઈ."
"ઓકે, તો હવે તારાં પપ્પાને કેવીરીતે રોકીશું? એ વિચાર્યું છે?"
"નાં, હજું તો નથી વિચાર્યું. બસ એકવાર તારાં પપ્પા ક્યાં છે? એ ખબર પડી જાય. તો આગળનું તો પછી વિચારી લેશું."
"ઓકે."
*****
રાજકોટ (અરવિંદભાઈનાં બંગલે)
રાજુ સાથે વાત કરીને અરવિંદભાઈ પોતાનાં રૂમમાં જઈને કંઈક વિચારવા લાગ્યાં. થોડો વિચાર કર્યાં બાદ તેમણે જસવંતભાઈને ફોન કર્યો. કેટલીવાર ફોન કરવા છતાં જસવંતભાઈએ ફોન રિસીવ કર્યો નહીં.
બે વાર....ત્રણ વાર...ચાર વાર....કેટલી કોશિશો કરવાં છતાં, જસવંતભાઈએ ફોન રિસીવ કર્યો જ નહીં.
જસવંતભાઈએ ફોન રિસીવ નાં કર્યો. આખરે કંટાળીને અરવિંદભાઈએ જીવરાજભાઈને ફોન કર્યો. તેમણે તરત જ ફોન રિસીવ કર્યો, ને સીધાં અરવિંદભાઈ બોલ્યાં.
"હેલ્લો, જીવરાજભાઈ. જસવંતભાઈ મારો ફોન રિસીવ નથી કરી રહ્યાં. ત્યાં કાંઈ થયું તો નથી ને?"
"હું આરાધ્યા બોલું છું. દાદાજી ઘરે નથી. તે તેમનો ફોન ઘરે જ ભૂલી ગયાં છે. અહીં બધું બરાબર જ છે. જસવંતઅંકલની તો મને ખબર નથી. કદાચ તે પણ કોઈ કામ કરતા હશે. જેનાં લીધે ફોન રિસીવ નહીં કરતાં હોય."
"ઓકે, તો જસવંતભાઈ ત્યાં આવે તો મને જાણ કરજે, ને મને ફોન કરવાનું તેમને જણાવજે."
"ઓકે, અંકલ."
અરવિંદભાઈએ આરાધ્યા સાથે વાત કરીને ફોન ટેબલ પર મૂક્યો. ત્યાં જ જસવંતભાઈનો ફોન આવ્યો. અરવિંદભાઈએ ફોન રિસીવ કરતાંની સાથે જ કહ્યું.
"મારે બહુ જરૂરી કામ છે. તું તે દિવસે આદિત્ય અને સુજાતા વિશે કંઈક કહેતો હતો ને?? તે મારે જાણવું છે."
અરવિંદભાઈની વાત જાણવાની તાલાવેલી જોઈ. જસવંતભાઈએ બોલવાનું ચાલું કર્યું.
*****
આરાધ્યાની ઘરેથી જતી વખતે
જે રાતે બધાંએ મળીને આરાધ્યાને કિશનભાઈથી બચાવી તે રાતે આદિત્ય સુજાતાને મૂકવાં તેની ઘરે જતો હતો. ત્યારે જ સુજાતા બહાર નીકળીને આદિત્યને પૂછવા લાગી.
"તને અને રાજુને બધી વાતની ખબર હતી્ તો તે મને શાં માટે નાં જણાવ્યું?"
"મેં તારાં સારાં માટે જ તારાથી બધું છુપાવ્યું હતું. અત્યારે હવે એ બાબતનો કોઈ મતલબ નથી.
"તને હવે બધી ખબર પડી ગઈ છે. તો તું હવે કારમાં બેસ, એટલે હું તને ઘરે મૂકી જાવ."
"મારાં માટે હજું પણ એ વાતનો મતલબ છે. તું મને પહેલાં એ જણાવ કે, તે મારાથી શાં માટે છુપાવ્યું? મારાથી કાંઈ પણ છુપાવવાવાળો વિચાર રાજુનો તો હોય જ નહીં. એ મને ખબર છે. તો તે આવું શાં માટે કર્યું?"
સુજાતાનાં સવાલોથી પરેશાન થઈને આદિત્યએ કહ્યું, "અત્યારે મોડું થઈ ગયું છે. તું કારમાં બેસ. એ બધી વાતો પછી કરીશું."
"મારે અત્યારે જ જવાબ જોઈએ."
સુજાતાની જીદ આદિત્યને ગુસ્સો અપાવી રહી હતી. આદિત્યએ સુજાતાનાં બંને ખંભા કસીને પકડ્યા, ને કહ્યું, "તારે જવાબ જોઈએ છે ને? તો સાંભળ, હું તને પ્રેમ કરું છું. એટલે મેં મારાં પપ્પાનો સાથ છોડી, તમારો સાથ આપવાનું વિચાર્યું.
"કેમકે, મારાં પપ્પા તને પણ મારવાનો પ્લાન બનાવી રહ્યાં હતાં. મેં તેમને કલ્પેશઅંકલને કહેતાં સાંભળી લીધાં હતાં કે, તેમનાં રસ્તામાં જે આવશે, તેને એ મારી નાંખશે.
"ચાહે એ તું હોય, રાજુ હોય કે પછી હું હોય. મારાં પપ્પા મને તો નાં મારે, પણ કલ્પેશઅંકલ સાથે એ માધવઅંકલ બનીને વાત કરતાં એટલે તેમણે મને મારવાની ધમકી આપવી પડી.
પણ એ તને અને રાજુને મારી શકે. એ હું જાણતો હતો. તો એટલાં માટે મારે તારાથી બધું છુપાવવું પડ્યું.
"બિકોઝ આઈ લવ યુ. તને મારાં પપ્પા જ મારી નાંખે. એ મને કેમ કરી મંજૂર થાય? વાત બીજાંની હોત, તો હું તને જણાવી દેત. પણ મારાં પપ્પાથી મારે તને બચાવવાની હતી. તો મને તને કાંઈ નાં જણાવવું જ યોગ્ય લાગ્યું. તો મેં એજ કર્યું.
"કેમકે, મારાં પપ્પા ગમે તેવાં હોય. છે તો મારાં પપ્પા જ, ને મારાં પપ્પાની જેમ તું પણ મારો જીવ છે. તો હું મારાં પપ્પાને બચાવવાનાં ચક્કરમાં તને નુકશાન પહોંચે, એવું કેવી રીતે કરી શકું?"
આદિત્યની વાતોથી સુજાતાને એક મોટો ઝટકો લાગ્યો. તેણે તો સપનાંમાં પણ વિચાર્યું નહોતું કે, આદિત્ય તેને પ્રેમ કરતો હશે. સુજાતામા આગળ કાંઈ બોલવાની હિંમત નહોતી રહી. તે કારનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ.
આદિત્ય પણ અત્યારે કાંઈ બોલવું યોગ્ય નાં લાગતાં, કારમાં બેસી ગયો, ને હું કાંઈ કહું, એ પહેલાં જ બંને ત્યાંથી નીકળી ગયાં.
*****
રાજકોટ (અરવિંદભાઈનાં બંગલે)
"મારું ઘર પણ સુજાતાનાં ઘરે જવાનાં રસ્તા પર જ આવતું. તો હું આદિત્યને મને પણ પોતાની ઘરે મૂકી જવા માટે કહેવા જતો હતો. ત્યારે જ મેં બંનેની બધી વાતો સાંભળી લીધી. પણ તમે આ બધું આજે અચાનક કેમ પૂછ્યું?"
"બસ આદિત્યનો ફોન આવ્યો હતો. તો મને આજે એ યાદ આવ્યું. તો મને થયું લાવ પૂછી લઉં. બાકી કાંઈ ખાસ નથી."
"તો હવે હું ફોન મૂકું."
"ઓકે."
(ક્રમશઃ)