Revenge 3rd issue: - 5 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 5

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-5

જેસલમેર, રાજસ્થાન

છેલ્લા ચાર દિવસથી એક અંધારા ઓરડામાં કેદ સમીરની સામે જ્યારે ત્યાંથી ભાગી છૂટવાની તક આવી ત્યારે સમીરની આંખોમાં ચમક આવી ગઈ, શરીરમાં જે સુસ્તી આવી હતી એની જગ્યાએ જુસ્સો આવી ગયો.

કાલુ જેવું જ એને જમવાનું આપીને ગયો એ સાથે જ સમીર પોતાના પીઠ પાછળ બંધાયેલા હાથની ગાંઠ છોડવાની કોશિશમાં લાગી ગયો. સમીરને હતું કે ગાંઠ પોતે સરળતાથી છોડી શકશે પણ આ કામ એની અપેક્ષા કરતા વધુ ભારે નીકળ્યું.

આખરે બે-ત્રણ કલાકની જહેમત બાદ સમીર પોતાના હાથને રસ્સીના બંધનમાંથી મુક્ત કરવામાં સફળ થયો. હાથ છૂટા થતા જ સમીરે રાહતનો શ્વાસ લીધો. ચાર દિવસની અકળામણ ભરી કેદમાંથી છૂટ્યા બાદ સમીરના જીવમાં જીવ આવ્યો. આટલો મોટો નરસંહાર કર્યાં પછી પોતાને આ લોકો કયા મકસદ સાથે અહીં લઈને આવ્યા હતાં એ પ્રશ્નનો ઉત્તર હજુ સમીરને મળી શક્યો નહોતો. એ પ્રશ્નનો જવાબ પોતાને અહીંથી નીકળ્યા બાદ શક્યવત મળશે એવી આશા સાથે સમીરે કેદમાંથી નીકળી જવાનો નીર્ધાર કરી લીધો.

પોતાને અહીં લાવનારા લોકોને જો પોતાને મારવો જ હોત તો કિલ્લામાં જ મારી દીધો હોત એટલે અહીંથી નીકળતી વખતે જો એ લોકોના હાથમાં પોતે સપડાઈ જશે તો પણ પોતાનો એ લોકો જીવ નહીં જ લે એ જાણતો હોવાથી સમીરને ભાગી છૂટતી વખતે પકડાઈ જવાની ચિંતા હતી પણ જીવ ખોવાની ચિંતા નહોતી.

હાથ ખુલ્લા થતા જ સમીરે અવાજ ના થાય એ રીતે મોંમાંથી ડૂચો નિકાળ્યો અને પોતાના પગ પરનું બંધન દૂર કર્યું. સતત ચાર દિવસથી બંધાયેલો હોવાથી શરીરના હાથ અને પગ પર રસ્સીના કાપા પડી ગયા હતા અને રક્તસંચાર અટકી જવાને લીધે થોડો સમય તો પગ પર ઉભો રહેવામાં પણ એને તકલીફ માલુમ પડી.

આખરે દસેક મિનિટની હળવી કસરત કર્યાં બાદ સમીરે પોતાની જાતને ચુસ્ત-દુરસ્ત અનુભવી. પોતાના વ્યસ્ત જીવન વચ્ચે પણ સમીર સારો એવો સમય કસરત અને યોગમાં વિતાવતો હોવાથી એનું શરીર આમ જોઈએ તો ભારે ખડતલ અને કસાયેલું હતું.

 

રસ્સીના બંધનમાંથી તો પોતે છૂટી ગયો પણ આ અજાણી જગ્યાયેથી નીકળીએ પોતાને ક્યાં જવાનું છે એ વિષયમાં સમીર કંઈપણ જાણતો નહોતો. ક્યાં જવાનું છે એ તો બહુ દુરની વાત હતી, સમીરને તો એ પણ ખબર નહોતી કે અહીંથી પોતે નીકળશે કેમનો?

 

મનુષ્ય જ્યારે કોઈ કામ કરવાનું મન બનાવી લે ત્યારે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ એનો રસ્તો રોકી નથી શકતી. કંઈક આવું જ અત્યારે સમીર સાથે હતું, હવે પોતાની સાથે કંઈપણ થાય પોતે ત્યાંથી નીકળીને જ રહેશે એવો દૃઢ સંકલ્પ કરી સમીર હવે ત્યાંથી કઈ રીતે છટકવું એની યોજના બનાવવામાં લાગી ગયો.

 

આખરે સમીરના મનમાં એક કારગર યોજના આકાર લઈ ચૂકી હતી. જો પોતાના બધા પાસા સીધા પડશે તો પોતે રાકાની ચુંગાલમાંથી ભાગી શકશે એવું વિચારી સમીર એ સમયની રાહ જોવા લાગ્યો જ્યારે રાતનું ભોજન લઈને કાલુ એની જોડે આવતો હતો.

 

જેવો કાલુના આવવાનો સમય થયો એ સાથે જ સમીર પોતાને જ્યાં બાંધીને રખાયો હતો ત્યાં જઈને બેસી ગયો. સમીરે રસ્સીઓને ખાલી ઉપર-ઉપરથી પોતાના પગ પર રાખી દીધી અને મોંમાં ડૂચો રાખી હાથને પીઠ પાછળ જેમ પહેલા હતા એમ રાખી દીધા. સમીરે પોતાના ખુલ્લા હાથમાં એક પથ્થર પણ રાખ્યો, જેનો એ હથિયાર જેમ ઉપયોગ કરવાનો હતો.

 

આખરે નક્કી સમયે કાલુ ત્યાં આવી પહોંચ્યો, પોતાને છટકવાની આ આખરી તક છે એ સમજતા સમીરે પોતાના ચહેરા પર લાચારીના ભાવ પેદા કરીને કાલુની તરફ જોયું.

 

"બસ હવે આજની રાત આને સાચવવાનો છે, કાલથી આ જવાબદારી પણ જશે અને સાથે પચ્ચીસ લાખ પણ મળશે." મનોમન આવું વિચારતા કાલુ હાથમાં જમવાની થાળી લઈને સમીરની તરફ અગ્રેસર થયો.

 

કાલુ જેમ-જેમ સમીરની નજીક આવી રહ્યો હતો એમ-એમ સમીરના ધબકારા વધી રહ્યા હતાં. પોતાની નાની અમથી ભૂલ કે ઉતાવળ પણ પોતાની યોજના પર પાણી ફેરવી નાંખવાની હતી એ વાત સારી પેઠે જાણતો સમીર અર્ધબેહોશ હોય એવો દેખાવ કરતો અર્ધખુલ્લી આંખે કાલુના પોતાની નજીક આવવાની રાહ જોઈ રહ્યો હતો. સુકલકડી બાંધો ધરાવતો હોવા છતાં કાલુ સશક્ત હતો, અને એમાંય એના જોડે ભરેલી બંદૂક હોવાથી એનું બળ ક્યાંક વધી જતું એમાં કોઈ શંકાને સ્થાન નહોતું.

 

"એ ચલ આંખો ખોલ, અને થોડું જમી લે.." સમીરની નજીક આવતા જ કાલુ બોલ્યો. "કાલે તો આમ પણ તને સાચવવાની જવાબદારીઓમાંથી અમે મુક્ત થઈ જઈશું."

 

કાલુના આ શબ્દો સાંભળી સમીરના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. શું કાલે પોતાને આ લોકો મારી નાંખવાના હતા? એ વિચાર આવતા જ એના મનમાં આધ્યાનો ચિંતાયુક્ત ચહેરો તરવરી ઊઠ્યો. પોતાનું આધ્યા પ્રત્યેનું થોડા દિવસથી જે વર્તન હતું એ અંગે વિચાર આવતા જ સમીરને પોતાની જાત પ્રત્યે ધૃણા ઉપજી. આધ્યા જેવી લવિંગ એન્ડ કેરિંગ પત્ની હોવા છતાં પોતે કેમ એની જોડે આ પ્રકારનું હમણાથી વર્તન કરી રહ્યો હતો એ પ્રશ્ન સમીરને પજવવા લાગ્યો.

 

કાલુ દ્વારા જેવી થાળીને સમીરની સામે રાખવમાં આવી એ સાથે જ થાળીના અવાજથી સમીર આધ્યાના વિચારોમાંથી વાસ્તવિક દુનિયામાં પાછો આવ્યો. આધ્યાને મળી એની માફી માંગી, એને ગળે લગાવવાની સમીરની ઈચ્છા બળવત્તર બની. આ ઈચ્છાને પૂર્ણ કરવા સમીરે મનોમન એ કરવાનું નક્કી કર્યું જે કરવાનું એ સ્વપ્નમાં પણ વિચારી શકે એમ નહોતો..હત્યા!

 

સમીરના મોંમાં રહેલો કપડાનો ડૂચો નીકાળી જેવો કાલુ સમીરના હાથની રસ્સી છોડવા ગયો એ જ સમયે સમીરે અસાવધ કાલુના માથા પર જોરથી પથ્થર માર્યો. કાલુ ચીસ ના પાડી શકે એ માટે સમીરે તુરંત એના મોં પર હાથ રાખી દીધો. સમીરે જે બળ વાપરી કાલુના માથે પથ્થર માર્યો હતો, એના લીધે એના માથામાંથી દડદડ કરતું લોહી નીકળવા લાગ્યો.

પોતાના સાથીદારોની મોતનો બદલો કાલુ જોડે વાળતો હોય એમ સમીરે કાલુના મોંમાં પહેલા કપડાનો એ જ ડૂચો ઠૂંસી દીધો, જે ડૂચો ચાર દિવસથી એના મોંમાં ઠૂંસવામાં આવ્યો હતો. આમ કર્યાં બાદ સમીરે ફરીથી પથ્થરને પોતાના હાથમાં પકડ્યો અને બળપૂર્વક કાલુના મોં સાથે અફડાવ્યો. આમ કરતા જ કાલુનું શરીર પીડાથી ધ્રૂજવા લાગ્યું અને બે ઘડી તરફડીને શાંત થઈ ગયું.

પોતે એક વ્યક્તિની હત્યા કરી ચૂક્યો છે એ હકીકતનો સ્વીકાર કરવામાં સમીરને બે-ત્રણ મિનિટ લાગી ગઈ. સમીરે ફટાફટ કાલુના પેન્ટ અને કમર વચ્ચે ખોસેલી રિવોલ્વર નિકાળીને પોતાના જોડે રાખી લીધી. ત્યારબાદ પોતાના ખુલ્લા ડિલ પર કાલુનો શર્ટ પહેરી લીધો અને જમવાની થાળીમાંથી બે રોટલીઓ ઉઠાવી દરવાજા તરફ ચાલી નીકળ્યો.

ભૂખ લાગી હોવાથી સમીર બંને રોટલીઓ ફટાફટ ઝાપટી ગયો અને દરવાજાની પછીતે આવીને બહાર થતી હિલચાલ પર ધ્યાન રાખવા લાગ્યો. સમીરે જોયું કે બહાર જે ઓરડો હતો એમાં એક નાનકડું રાઉન્ડ ટેબલ હતું જેની ફરતે ગોઠવાયેલી ખુરશી પર બે વ્યક્તિઓ બેસીને દારૂની મહેફિલ માણી રહી હતી.

એ વ્યક્તિઓ દારૂના નશામાં ટલ્લી થઈ ગઈ હોય એવું એમના વર્તન અને બોલી પરથી સાફ સમજાતું હતું. એ ઓરડાના દરવાજાની બહાર જમીન હતી, જમીનને જોતા જ સમીરના શરીરમાં જોશ આવી ગયો.

સમીરે પોતાનો ચહેરો નીચો કર્યો અને બિલ્લીપગે બહાર જવાના દરવાજા તરફ વધ્યો.

"એ કાલુ, ક્યાં ઊપડ્યો..?" ત્યાં બેસેલી બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ કાલુને ઉદ્દેશીને બોલી. "તારો પેગ તો પૂરો કર."

 

એ વ્યક્તિની વાત પર ધ્યાન આપ્યા વિના જ સમીર ફટાફટ દરવાજા તરફ વધી નીકળ્યો. પોતે કાલુનો શર્ટ પહેર્યો હોવાથી આ લોકોને દારૂના નશામાં પોતાને કાલુ સમજી બેઠા છે એવું અનુમાન કરતો સમીર બહાર નીકળી આવ્યો.

 

અહીં સુધી તો પોતે આવી ચૂક્યો હતો પણ હવે આગળ શું? આ પ્રશ્ન સાથે સમીર ફાર્મહાઉસના બગીચાને વટાવીને ફાર્મહાઉસની દીવાલ તરફ આગળ વધવા લાગ્યો. સમીર પોતાનું દરેક પગલું ખૂબ જ સાવચેતી સાથે ભરી રહ્યો હતો. અહીં બીજા હથિયારબંધ લોકો પણ હશે એ જાણતો હોવાથી સમીર માટે એનું આગળ વધતું દરેક ડગલું જોખમથી ભરેલું હતું.

 

પોતાની જાતને છૂપતો-છૂપાવતો સમીર આખરે ફાર્મહાઉસની દીવાલ જોડે આવી પહોંચ્યો હતો..અહીંથી ફાર્મહાઉસની મુખ્ય ઈમારત બસો-અઢીસો મીટર જેટલી દૂર હતી. મુખ્ય દરવાજે થઈને જવામાં જોખમ ભરેલું છે એવું અનુમાન કરતા સમીરે દસેક ફૂટ ઊંચી ફાર્મહાઉસની દીવાલ કૂદીને ભાગવાનું મન બનાવ્યું.

દીવાલની નજીક ઊભેલા એક લીમડાના વૃક્ષના થડ પર પગ મૂકી સમીરે હજુ દીવાલનો ઉપરનો ભાગ પકડ્યો હતો ત્યાં સમીરના કાને પડેલા રાકાના ક્રુદ્ધ શબ્દોએ એના જોશ પર ઠંડુ પાણી ફેરવવાનું કામ કરી દીધું.

"એ મા...@##, તમારી માંની..@###..તમારો બાપ, કાલુને મારીને ભાગી રહ્યો છે. પકડો એને..! જો એ નીકળી ગયો તો આપણા પચ્ચીસ લાખ પણ એની ભેગા ચાલ્યા જશે."

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)