આ બધી વાતો કરી હું ઘરે આવી. બધાનો મૂડ હજુ ખરાબ હતો. મારો જવાબ સાંભળી એમને મારી જ ભૂલ લાગતી હતી. હું આવી એટલે ફઈ મારી સામે મો બગાડી જતા રહ્યા અને પપ્પાએ મને કંઈ જ કીધું નહિ. આખો દિવસ પૂરો થયો અને હું ધાબા પર ગઈ ત્યારે મારો નાનો ભાઈ મોન્ટુ આવ્યો, સાંજ કરતા અત્યારે વધુ ખુશ લાગી રહ્યો હતો. એ જોડે આવ્યો. મેં એની ખુશીનું કારણ પૂછ્યું. તો એણે આવીને મને માથા પર ટપલી મારી અને બોલ્યો, "બહેના બહુ નસીબદાર છે તું, ખરેખર ખબર નહિ? તારી વાતોમાં લોકો આટલા જલ્દી કેમ આવી જાય છે?"
હું એની ટપલી મારવાથી એના પર ગુસ્સાભરી નજરે જોઈ રહી હતી પણ એની આ વાત તો મને પણ ન સમજાઇ. મેં એને આનો મતલબ પૂછ્યો.
તો એણે જવાબ આપ્યો, "મમ્મી જોડેથી તાજી-તાજી ખબર લઈને આવ્યો છું કે ફઇ તારી પર જે ગુસ્સે થયા ને અને જે મોં બગાડીને ગયા એ એમ જ નહતું! પપ્પા એમને વઢયા. એટલે એ તારી પર ગુસ્સો બતાવતા હતા."
મારી આંખો ચાર થઈ ગઈ. એવું તો શું થયું કે પપ્પા પોતાની બહેન કે જેમની બધી વાતો એ સાંભળતા આવ્યા છે એમને બોલ્યા. એ પણ મારી લીધે????
મારો ભાઈ મને સમજાવવા લાગ્યો, "અરે એમણે ના કીધું તને બધું આડુંઅવળું. એટલે પપ્પા બોલ્યા. કે જો તને નાપસંદ હોય એવો સબંધ એમને નથી બનાવવો. ભલે તું કેટલી પણ છોકરમત કરતી હોય પણ બહારવાળા લોકોની સામે તું ઘરની ઈજ્જત ખરાબ ન કરે, એટલો ભરોસો છે એમને તારી પર. ફઈએ એ પછી કીધું પણ ખરા કે જે મળે એ છોકરા સાથે તારા લગ્ન કરી દેવામાં આવે તો પપ્પાએ એવું કરવાની ચોખ્ખી ના કીધી. કારણકે એમ કરવાથી હાલ તો તું કઈ નહિ બોલે પણ પાછળથી તને તકલીફોમાં જોઈ અમે સહન નહિ કરી શકીએ. ઇન શોર્ટ પપ્પા તને તારી પસંદગીનો પૂરો હક આપવા માંગે છે. તું જે છોકરો જુએ એને પસંદ કરે કે ના કરે એ પ્રમાણે જ એ સબંધ આગળ વધશે. સમજી....."
વાહ આ વાત સાંભળી હું તો ખૂબ ખુશ થઈ ગઈ. જોકે એનો મતલબ એ નથી કે હું બહાર કોઈ છોકરો જાતે પસંદ કરું અને પપ્પાને કહું, પણ તેમ છતાં મને મારી પસંદગીની તકો મળશે. એ પછી હું રાઘવ વિશે વિચારવા લાગી. રાઘવ સારો હતો પણ એ મારા વિશે કદાચ વિચારી શકતો નહતો એટલે જ કોઈ જવાબ ન આવ્યો હજુ સુધી એનો. પણ એ મને કેમ શોધી રહ્યો હતો? જવા દે એ નથી વિચારવું. હાલ તો હું પપ્પાના આ નિર્ણયથી જ ખૂબ ખુશ છું. કાલનું કાલ વિચારીશ એમ માની હું તો આરામથી સુઈ ગઈ.
એક મહિનો વીત્યો પણ રાઘવને ત્યાંથી કોઈ જવાબ ન આવ્યો. મારા પપ્પાને એમ જ હતું કે એ જવાબ નહિ આપે એટલે એમણે મારી માટે ત્યારબાદ બીજો છોકરો જોવાનું ચાલુ કરી દીધું. પણ મારા મમ્મી અને ફઈને થોડી વધુ આશા હતી એટલે જવાબ ન આવ્યો તો એ લોકો વધુ ને વધુ પરેશાન થઈ ગયા હતા. આ તરફ મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું એટલે હું બીજા કોર્સ તરફ જોવા લાગી હતી. એટલે મારુ બહાર જવાનું રહેતું. હવે તબક્કો એવો આવ્યો કે મારી પર કોઈનો ફોન આવે કે આવવામાં 5 મિનિટ પણ મોડું થાય તો મમ્મી ખૂબ પ્રશ્ન પૂછવા લાગતી. ખબર નહિ કેમ પણ એના વર્તનમાં પરિવર્તન આવી ગયું હતું. જે મને સમજાઇ રહ્યુ નહતું. ભાઈને પણ અજુગતું લાગતું પણ અમે સામે કઈ બોલતા નહિ. ત્યારબાદ એક દિવસ બેન્કિંગના કોર્સ માટે ઇન્કવાયરી કરી હું ઘરે આવી. ઘરે ફઇ અને ફુઆ આવેલા હતા. હું જેવી ચંપલ કાઢી ઘરમાં ગઈ અને ફૂઆને પગે લાગી અને ફઈને લાગવા ગઈ કે એ પહેલાં જ ફઈએ મને રોકી અને ખુશીથી ગળે લગાડી દીધી. મને એવી છાતીસરસો ચાંપી કે હું શ્વાસ લેવા માટે પણ સક્ષમ ન રહી.
છેવટે કઈ સૂઝતા ફઈએ મને દૂર કરી અને ટીપોઈ પર મૂકેલ પેંડાના બોક્સમાંથી એક પેંડો લઈ મારા મોઢામાં મૂકી દીધો. અને બોલ્યા, "મને લાગ્યું કે તું કઈ કામની નથી. પણ હું ખોટી હતી. તું તો કેટલા કામની નીકળી." હું કઈ જ સમજી શકતી નહતી. હું મારી આંખો મોટી કરી ફક્ત એમને જોયા કરતી હતી અને એમના આ વર્તનનું કારણ જાણવા અધીરી બની રહી હતી. ત્યારબાદ મારો કોઈ પ્રતિભાવ ન જોઈ એ થોડો સમય શાંત થયા.
મારી સામે જોયું અને બોલ્યા, "મને લાગ્યું કે તું કેટલી ખુશ થઈશ. પણ તું તો કઈ બોલતી જ નથી. આટલી મોટી ખુશી અને તારા ચહેરા પર કોઈ રોનક જ નથી."
હું હજી એમ જ ઉભી રહી હતી, ત્યારબાદ મેં શંકાસ્પદ નજરે પપ્પા સામે જોયું તો એ પણ સમજી ગયા. ત્યારબાદ મેં મારી સાઈડ બેગ બાજુમાં મૂકી અને પાછી ફઈ સામે ગોઠવાઈ ગઈ.
ત્યાં સુધીમાં તો પપ્પા બોલ્યા, "અરે સુધા, તે એને તારી ખુશીનું કારણ જ આપ્યું નથી. ફક્ત એ જ સંભળાયું કે મારી સિયા કેટલી બિનઉપયોગી છે. કમસેકમ એને તારા આટલા હરખનું કારણ તો કહે."
ત્યારે જઇ ફઇને પોતાની ભૂલ સમજાઈ અને એટલા હરખ સાથે પોતાનું જ માથું કુટતા બોલ્યા, "અરેરે.. જોને હું પણ કેટલી ખુશ હતી કે તને કઈ જણાવ્યુ જ નહીં. પેલો જે રાઘવ અરેરે આ હું શું બોલી ગઈ!" ફરીથી પોતાનું માથું ફૂટ્યું અને બોલ્યા, "રાઘવકુમાર.... એમના પપ્પાનો આજે ફોન આવ્યો હતો અને એમની હા છે. એટલે હવે બહુ જલ્દી આ ઘરમાં પણ શરણાઈ ગુંજશે. હું તો નવી સાડી લઈશ. દરેક પ્રસંગ માટે અલગ સાડી લઈશ. તારા ફૂઆની જોડે ઘણો બધો ખર્ચ કરાવીશ. મેકઅપ કરાવીશ. કેટલી મજા આવશે નહિ ભાભી. આપણી સિયા જોતજોતામાં કેટલી મોટી થઈ ગઈ. રાઘવના ઘરમાં તો રાણી બનીને રહેશે. અને જે જોઈએ એ લઈ શકશે."
ફઈ એટલા ઉત્તેજિત હતા કે મારા પડી ગયેલા ચહેરા તરફ એમનું ધ્યાન જ ન ગયું. મારી મમ્મીનું પણ ન ગયું. ખબર નહિ ખ્યાલી પુલાવમાં પોતાની દીકરી સામે પણ ન જોયું. પણ આ બધામાં એક વ્યક્તિએ જોરથી બૂમ પાડી, "બધા શાંત થઈ જાઓ." એ મારા પપ્પા હતા જેમને મારી ઉદાસી દેખાઈ અને એ મારી તરફ જોઈ બોલ્યા, "બેટા, શુ થયું? તું કેમ આમ ઉદાસ છે? કઈ વાત હોય તો બોલ! હું સાંભળીશ."
એમણે જે કીધું એ ખરેખર એમના સ્વભાવ કરતા ખૂબ અલગ હતું. એ ખૂબ ઓછો પ્રેમ બતાવી શકતા અમને બંને ભાઈ-બહેનને. જવાબદારીની સાંકળ અને મધ્યમ વર્ગીય પરિવારની મર્યાદા આ બંને એમને આ પ્રેમ બતાવતા રોકતો હતો. પણ આજે એમણે અલગ વર્તન કર્યું.
મારી આંખો ભીની થઇ ગઇ તો એ બોલ્યા, "શુ થયું સિયા? તને રાઘવ નથી ગમતો?"
એમની આટલી પરવાહ જોઈ મેં એમને કીધું, પપ્પા ખબર નહિ? મેં એ વિશે વિચાર્યું નથી. હું આ બેન્કિંગનો કોર્સ કરવા ઇચ્છું છું. લગ્ન માટે હજી મેં ખરેખર કઈ નથી વિચાર્યું.
પપ્પા મને કંઈક બોલવા જતા હતા પણ એ પહેલાં જ ફઈ વચ્ચે બોલ્યા, "અરે તું નોકરી કરીને શુ કરીશ? આટલો સારો સબંધ છે તારું જીવન સેટ થઈ જશે. આ કોર્સ અને આ નોકરી એવા ખ્યાલ છોડી કોઈના ઘરની વહુ બની જાય એ જ સારું રહેશે."
હું તો ફઈ સામે જોઈ જ રહી, આજના જમાનામાં કોઈ માણસ આ રીતે કઈ રીતે વાત કરી શકે? જ્યારે આપણી સરકાર પણ છોકરીઓને ભણાવવા તરફ ધ્યાન આપતી હોય અને એમને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરતી હોય તો મારી જ સગી ફઈ એક સ્ત્રી થઈને મારુ ભણતર કઈ રીતે રોકી શકે? હું કઈ બોલવા માંગતી હતી પણ સામે કઈ પણ બોલુ તો લાગે કે "છોકરી હાથમાંથી જતી રહી છે એટલે દલીલ કરે છે. હવે તો લગ્ન કરાવી જ દેવા જોઈએ."
હું ચૂપ રહી પણ પપ્પા મારી આંખો જોઈ ગયા અને મારા સવાલો જાણે એમણે વાંચી લીધા. અને એ જ સામેથી બોલ્યા, "વાંધો નહિ તું તારો કોર્સ ચાલુ કર. હું તારી સાથે છું. અને છોકરાની ચિંતા ના કર. તું એનો વિચાર કર, જો તને એ ગમતો હોય તો હું એમની સાથે આ વિશે વાત કરી જોઇશ. જો એમને પણ આ બાબતથી કોઈ સમસ્યા ન હોય તો જ આપણે આગળ વધશું." અને તરત ભાઈને ઈશારો કરી મને બહાર લઈ જવા કહી દીધું. કદાચ મારી સામે ફઈ સામે વાત કરવાની એમની ઈચ્છા નહીં હોય. હું અને મોન્ટુ બહાર ગયા.
અમે બજાર જઈ પાણીપુરી ખાધી અને ત્યાં નજીક એક પાળી હતી એની પર બેઠા. ત્યાં ઓચિંતા જ અત્યાર સુધી ચૂપ બેઠેલ મોન્ટુ બોલ્યો, "જોયું ને, મતલબ મારો અંદાજો સાચો હતો. રાઘવ તને પસંદ કરે જ છે. તો તું એને હા કેમ નથી પાડતી? આટલી રાહ જોવડાવી ત્યારબસ એણે હા કીધું જ છે તો તું પણ માની જા" એમ કહી એણે મારા સામે જોયું.
આમ તો ભાઈ નાનો હતો અને મને હતું કે એ મારી વાત સમજશે કે કેમ? તો પણ થોડો વિચાર કરી હું એને સમજાવવા પ્રયત્ન કરવા લાગી, આમ તો રાઘવ સારો છે પણ અત્યાર સુધી એનો જવાબ ના આવ્યો એટલે મને એમ લાગ્યું કે એની ના જ હશે. અને મારી વિનંતી છતાં એણે પોતાની ના જલ્દી કહેડાવી નહિ. એ વાતનો મને ખુબ ગુસ્સો હતો. એટલે મે પણ એનો ખ્યાલ છોડી દીધો. ત્યારબાદ મે અલગ-અલગ જગ્યાએ નોકરીની સાંભવનાઓ જોઈ અને મને લાગ્યું કે મારે એક સારી નોકરી વિશે વિચારવું જ જોઈએ.
મારો ભાઈ સમજી શકતો નહતો કે હું ખરેખર શું કહેવા ઇચ્છુ છું એટલે મેં એને આગળ સમજાવતા કહ્યું, આજે ઠીક છે આપણો ખર્ચ પપ્પા ઉપાડે છે. પણ જ્યારે હું લગ્ન કરીને જઈશ ત્યારે મને પણ જાતજાતની વસ્તુઓ લેવાની ઈચ્છા થશે અને એ સમયમાં અનેક જવાબદારીઓ અને સમાજના વ્યવહારો વચ્ચે અસંતોષ થાય એના કરતાં જો હું પણ નોકરી કરું તો મારી જરૂરતોની સાથે ઘરની જવાબદારી પણ પુરી કરી શકું. એટલે મારે સ્વાવલંબી થવું છે. કોઈના ઘરની વહુ બનવું એ ખૂબ મોટી જવાબદારી છે અને એ સાથે જ ભલે સામેવાળો - મારો પતિ વધુ કમાતો જ કેમ ન હોય પણ જેમ-જેમ ઉંમર વધે એમ માતા-પિતાની દવા, બહેનના લગન બાળકોનો ખર્ચ એ બધું જોવાનું થશે એટલે પણ મારે નોકરી કરવી છે.
"હમ્મ... સમજ્યો..." એણે મારી વાત સમજી અને બોલ્યો, "એક રીતે તું નોકરી કરે એ સારું જ છે કોઈને આધારિત રહેવું ન પડે અને બે જણ કમાનાર હોય તો ઘર પણ વ્યવસ્થિત ચાલે." પછી એણે મારી સામે જોયું અને બોલ્યો, "તો એમાં રાઘવના વિરોધનું કારણ શું? એ મને ન સમજાયું"
મેં એને કીધું, રાઘવ સારો છે એ આટલી સારી નોકરી કરે છે તો કદાચ એને નોકરી કરનાર છોકરી પસંદ ન હોય તો. અથવા કદાચ હા પડ્યા પછી જલ્દી લગ્ન કરવાનું કહે તો મારો કોર્સ પણ પૂરો ન થાય. બસ એટલે કોર્સ અને નોકરીનું ઠેકાણું ન પડે ત્યાં સુધી હું કોઈ છોકરાને હા પાડવા નથી માંગતી. જ્યારે બધું થઈ જશે પછી હા પાડીશ.
"અને ત્યાં સુધી રાઘવ થોડી તારી રાહ જોઈ બેસી રહેશે. એ તો બીજી છોકરી પસંદ કરી લેશે. અને નોકરી કરીશ ત્યારે તને સારો છોકરો જ મળશે એની શુ ખાતરી? એના કરતાં તો આની સાથે જ એ વિશે વાત કરે એ સારું..."
બકા, મારા નસીબમાં જે હશે એ જ થશે એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. એમપણ રાઘવ સારો છે પણ એ અમુક વસ્તુઓ નક્કી કરી શકતો નથી એટલે ખબર નહિ એની સાથે લગ્ન કરવું કેવું રહેશે. તો હું એ વિશે વિચાર ન કરું એ જ યોગ્ય રહેશે.
આટલી બધી વાતો કરી અને તત્યારબાદ હું પાછી આવી તો એ વિશે કોઈ વાત નીકળી જ નહીં.
બીજા 2-3 દિવસ નીકળ્યા અને મારો બેન્કિંગનો કોર્સ પણ ચાલુ થઈ ગયો. મારો કોર્સ મોટાભાગે તો સવારે 9 થી 12 નો રહેતો. અને હું લગભગ મમ્મીને ઘરનું ઘણુંખરું કામ પતાવીને મારુ ટિફિન લઈને જ જતી જેથી 12 વાગ્યા પછી બીજા 3 કલાક વાંચવાનું અને બીજી કામગીરી સમજી શકાય.
એવામાં એક ગુરુવારે સવારથી વરસાદ જેવું વાતાવરણ થયું હતું. અને હું મારી કોચિંગ પતાવી ક્લાસમાંથી બહાર નીકળી. તો ત્યાં સામે જ એક મોટા સ્ટડી ટેબલ (જેની આસપાસ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ખુરશીઓ મૂકી હતી) તેની એક ખુરશી પર રાઘવને બેઠેલો જોયો. મને અજીબ લાગ્યું. એ મને મળવા આવ્યો છે કે બીજા કોઈ કામથી એ હું વિચારવા લાગી. છેવટે હું એની નજીક ગઈ. એ પોતાના મોબાઈલમાં કોઈ નોટ્સ જોઈ રહ્યો હતો. કોઈ એની તરફ આવી રહ્યું છે એ અહેસાસ થતા એણે ઉપરની તરફ જોયું. મને જોઈ એ ખુરશી પરથી ઉભો થયો અને એક સ્માઈલ કરી.
હું એની જોડે જઈ ઉભી રહી તો એણે સામેથી મને "હાય" કહ્યું. મેં પણ હાય કહી જવાબ આપ્યો.
ત્યારબાદ મેં જ એને પૂછ્યું, તમે અહીં કઈ કામથી આવ્યા છો કે......????
એને મારી આંખોમાં જોઈને કહ્યું, "તમને મળવા...."
અને મારી ધડકન વધવા લાગી. "કેમ આવ્યો હશે? શુ કામ હશે? મારા જવાબ નહિ આપવાને કારણે ગુસ્સે થઈ મને કંઈક સંભળાવવા તો નહીં આવ્યો હોય ને?" મનમાં આ બધી વાતો તો પણ ચહેરા પર મુસ્કાન રાખીને મે કહ્યુ, તો કદાચ કઈક વાતો બાકી રહી ગઈ હતી કે શું છેલ્લી વખત? કે આ વખતે નોટ્સ બનાવીને આવ્યા છો?
એ મારો કટાક્ષ સમજી ગયો અને બોલ્યો, "ના ના... આ તો આજના કામના લિસ્ટની નોટ્સ છે. મને રોજનું કામ રોજ કરવાની આદત છે. કઈ પણ છૂટી જાય એ મને ગમતું નથી. એટલે આમ લિસ્ટ બનાવી દઉં છું."
મેં પણ કહ્યું, ઓહ.. ઑકે.... તો તમે અહીં અચાનક....??
"એક્ચ્યુઅલી પપ્પાએ ગઈ કાલે તમારા પપ્પાને ફોન કર્યો હતો તો એમને કહ્યું કે તમને નોકરી કરવાનો વિચાર છે. એટલે હજુ તમે નક્કી કઈ કહ્યું નથી. ત્યારબાદ આખી વાત મારા પપ્પાએ મને કહી અને એકવખત મને તમને મળવાની ઈચ્છા થઈ. એટલે સવારે જ તમારા પિતાની પરમિશન સાથે તમને મળવા આવ્યો. મને લાગ્યું તમને તમારા પપ્પાએ આ કીધું હશે...."
મેં એની પ્રશ્નાર્થ નજર સામે જોયું અને કોઈ જવાબ ન આપ્યો. અને સૌથી પહેલા મારો ફોન નીકાળ્યો જોયું તો પપ્પાનો મિસ કોલ અને મેસેજ હતો. મેસેજમાં એમણે રાઘવના મળવાની વાત જણાવી. ત્યારબાદ મે રાઘવ સામે જોઈ જવાબ આપ્યો, હા એમનો ફોન હતો પણ હું લેક્ચરમાં હતી. સોરી મને ખબર નહતી આ વાતની.
"ઓહ ઇટ્સ ઓલ રાઈટ. એમ પણ જે કામ માટે આવતા હોઈએ એ જ કરવું જોઈએ. ફોન એટલો અગત્યનો નથી"
એણે મને રિલેક્સ કરતા કહ્યું.
અમે બંને હજુ ઉભા જ રહીને વાત કરી રહ્યા હતા. જો ત્યાં કોઈ વાંચનાર બેઠું હોત તો વાત ન કરી શક્યા હોત અમે. પણ અત્યારે બધા પોતાનું ટિફિન ખાઈ રહ્યા હતા. અને મને યાદ આવ્યું કે હું મારી સહેલીઓને 5 મિનિટમાં પાછો આવવાનો વાયદો કરીને આવી હતી. મેં રાઘવ સામે જોયું તો એ જાણે મારી વાત સમજી ગયો હોય એમ બોલ્યો, "ઇટ્સ ઓલરાઇટ, અહીં વાત નહિ થઈ શકે. તો જ્યારે તમને સમય હોય મને કહેજો. હું આવી જઈશ."
એ પાછું ફરે એ પહેલાં મેં એને રોક્યો. એની આ વાત મને બહુ ગમી કે એ મારો સમય પણ સાચવવા માંગતો હતો. એટલે મેં એને ઉભો રાખી કહ્યું, 5 મિનિટ.. હું મારી બેગ લઈ આવું. અહીં બધા બેસીને વાંચશે. તો તમે અહીં મને કંઈ કહી નહિ શકો. આપણે નીચે જઈને વાત કરીએ.અને એણે હા પાડી. હું બેગ લેવા આવી. અને એ નીચે જતો રહ્યો.
હું નીચે આવી ત્યારે એ એની બાઇક પાસે ઉભો હતો. એ કોઈ વાતમાં ખોવાયેલો હતો કદાચ! હું એની નજીક ગઈ. તો એ મને જોઈ એક પળ માટે અટક્યો. હું બોલવા ગઈ, હા તો બોલો શુ કહેવું છે?
એની પહેલા કે મારી વાત પૂરી થાય એ બોલવા લાગ્યો, "શુ યાર તમારા જેવા લોકો કેટલા હોય છે? આટલી નાની વાત પર ગભરાઈ થોડી જવાય! એક વાર પ્રયત્ન કર્યો અને એ સફળ ન થયો તો જરૂરી થોડું છે કે બીજો પણ સફળ નહિ જ થાય. પ્રયત્ન કરો અને ખરાબ વિચારો કરવાના બંધ કરો. દરેક વ્યક્તિ પહેલી જ વખતમાં સફળતા મેળવી જ લે એ જરૂરી નથી. એક જગ્યાએ બેસો શાંતિથી વિચારો અને પછી એનો અમલ કરો..." આ ભાષણ ખૂબ લાબું ચાલ્યું. અને મને મારી ભૂલ સમજાઈ રહી નહતી. છેવટે મે એને રોકવાનો એક પ્રયત્ન કરી જોયો. પણ એ રોકાયો નહિ.
એ બોલી જ રહ્યો હતો હજુ, "અને જો એવો કોઈ પણ ખરાબ વિચાર આવે તો બે ઘડી રોકાઓ અને બે ઘૂંટ પાણી પીઓ અને વિચારો, અત્યાર સુધીના પ્રયત્નો પર નજર કરો." હવે એ રોકાયો. એની આસપાસ બાજુ જોયું અને ત્યારબાદ મારી સામે જોયું. મારો ગુસ્સો પણ જોયો. અને બીજી જ ક્ષણે એણે મને કહ્યું, "સોરી"
(રાઘવ અને સિયાની આ વાર્તા એના અંત ભાગ તરફ વધી રહી છે. જાણું છું કે થોડીક વાત લાંબી ચાલી પણ તમે તમારી આસપાસ જોશો તો મારી આ વાર્તા સાથે જરૂર કનેક્ટ થઈ શકશો. રાઘવનું આવા વર્તનનું રહસ્ય આવતા ભગમાં ખુલશે. તો એ માટે ઉત્સુકતા રાખી માત્ર થોડોક ઇન્તેજાર......)