Samarpan - 30 in Gujarati Fiction Stories by Nidhi_Nanhi_Kalam_ books and stories PDF | સમર્પણ - 30

Featured Books
Categories
Share

સમર્પણ - 30



આગળના ભાગમાં આપણે જોયું કે દિશા તેના નિત્યક્રમ પ્રમાણે ઘડાઈ જાય છે, રુચિ પણ પોતાના સગાઈ અને લગ્ન વચ્ચેના ગોલ્ડન પિરિયડને માણી રહી હોય છે. નિખિલ પણ પરિવાર સાથે ભળી જાય છે, દર અઠવાડિયે લગ્નની ખરીદી પણ દિશા અને રુચિ કરવા લાગે છે. રુચિ હવે નિખિલ સાથે વધારે વ્યસ્ત થવા લાગે છે, અને દિશાનો એ બધામાં વિસામો સહારો બની જાય છે. ત્યાં દિશા વડીલો સાથે જીવનની અમૂલ્ય પળોનો અનુભવ કરે છે, એક દીકરી તરીકે દરેકના કામમાં સહભાગી બને છે. પરંતુ ઘણીવાર દિશાને બધુ જ હોવા છતાં એકલતા સતાવે છે. એકાંતને પોતાના જીવનમાં ના ભેળવી શકવાનું દુઃખ પણ થાય છે. એકાંત દિશાને મળવા આવવાનો હોય છે જેની ખુશીને રુચિ તેને સવારે ઉઠાડતી વખતે જ અનુભવી લે છે. રુચિ પણ એકાંત અને દિશા મળવાના હોવાની ખુશી દિશા સામે વ્યક્ત કરે છે, સાથે થોડી ચિંતા પણ અભિવ્યક્ત કરે છે. મળવા માટેની જગ્યા રુચિ જ નક્કી કરી આપે છે. નક્કી કરેલા સ્થળે રુચિ એકાંત સાથેની ઔપચારિક ઓળખાણ પછી દિશાને મૂકી જાય છે. એકાંતના ઈશારે દિશા કારમાં આવીને બેસે છે. બંને રિવરફ્રન્ટ ઉપર એક જગ્યાએ આવે છે. એકાંત દિશા તરફ પોતાનો હાથ લંબાવે છે, દિશા પણ યંત્રવત બની પોતાનો હાથ એકાંતના હાથમાં ગોઠવી દે છે. રિવરફ્રન્ટથી ઊભા થઈને ચાલતી વખતે એકાંત દિશાને જીવનભર એકબીજાને સાથ આપવા માટે ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે છે, દિશા પણ મૂક સંમતિ આપે છે. બંને ત્યાંથી કારમાં કેફે જાય છે. કેફેમાં એકાંત ચા સાથે પેસ્ટ્રીનો ઓર્ડર કરે છે, આ ગજબનું કોમ્બિનેશન જોઈને દિશા પણ વિચારવા લાગી જાય છે. કેફેમાંથી નીકળીને એકાંતની ઈચ્છા હોવાથી તેઓ ''વિસામો'' જાય છે. ત્યાં બધા વડીલો સાથે દિશા એકાંતની મુલાકાત કરાવે છે...
હવે જોઈએ આગળ...

સમર્પણ -30

દિશા પહેલેથી જ હિંમતવાન તો હતી જ, પરંતુ એકાંત સાથેની પહેલી મુલાકાતે એનામાં વધુ જોમ ઉમેર્યું. ફક્ત અને ફક્ત પોતાનું જ હોય એવું કોઈક આસપાસ જ છે એવી એને સતત અનુભૂતિ રહેતી. દિશાનું જીવન પરિસ્થિતિ પ્રમાણે આગળ ધપી રહ્યું હતું, રુચિના લગ્નનો સમય પણ નજીક આવી રહ્યો હતો, દિશા ક્યારેક ઉદાસ પણ થઈ જતી. પરંતુ આ બધામાં દિશાના જીવનમાં એકાંત દ્વારા ખુશીઓ ભળવા લાગી હતી. એકાંત હવે દર રવિવારના દિવસે અચૂક વૃદ્ધાશ્રમ આવી જતો. દિશાની જેમ જ એ પણ પોતાની સેવા ભાવના બતાવતો. વૃદ્ધાશ્રમના વડીલો પણ હવે એકાંત સાથે ભળી ગયા હતા. તેઓની અનુભવી આંખોએ એકાંત અને દિશા વચ્ચેના લાગણીશીલ સેતુને પારખી લીધો હતો. બંને ને સાથે જોઈને બધાની જ આંખો ઠરતી, પરંતુ બંને વચ્ચેના નડતરને પણ સમજી શકતા હતા. માટે જ તેઓ એ વિષય ઉપર એ બંનેની સામે ક્યારેય ચર્ચા કરતા નહીં. હા...એ બંનેને મોકળાશ આપવાનું કામ એમણે ચોક્કસ કર્યું. દિશા અને એકાંત રવિવારનો આખો દિવસ વૃદ્ધાશ્રમમાં વિતાવીને સાંજનો એકાદ કલાક અગાશી ઉપર બેસતા.
દિશાએ પોતાના પ્રેમની કબૂલાત ક્યારેય કરી નહોતી પરંતુ તેના હૈયે ઉઠતા ઉમળકાને એકાંત પામી શકતો હતો. બંને એકબીજાનો હાથ પકડીને અગાશીની પાળ ઉપર બેસી કેટલીક સુખ દુઃખની વાતો કરી લેતા. જેના કારણે દિશાના હૃદયમાં થોડી હળવાશ અનુભવાતી.
રુચિના લગ્નના બે મહિના પહેલા જ તેના સાસુ સસરા આવી ગયા. આમ તો મહિના પહેલા આવવાના હતા. પરંતુ રુચિની જીદ સામે તેમણે પણ ઝૂકવું પડ્યું, એટલે વહેલા આવી ગયા. દિશાએ પણ ''વિસામો''માં રુચિના લગ્ન બાદ જ આવવાની વાત જણાવી દીધી. અને ત્યાંના બધાને જ આમંત્રણ પણ પાઠવી દીધું. તે રુચિના લગ્નમાં કોઈ કસર બાકી રાખવા નહોતી માંગતી. જેથી તૈયારીઓ પણ ઘણી કરવાની હતી. દિશા ભલે વૃદ્ધાશ્રમમાં નહોતી જતી પણ એકાંત દર રવિવારે અચૂક જતો. દિશા સાથે સાંજે અગાશી ઉપર બેસવાનો નિયમ પણ એને તોડ્યો નહોતો. એ દર રવિવારે સાંજે એકાદ કલાક એકલો અગાશીએ બેસતો અને દિશા સાથેની યાદોને ત્યાં બેસીને વાગોળતો. દિશા પણ કામની વ્યસ્તતામાં થોડો સમય એકાંત માટે કાઢીને વાત કરી લેતી. સાથે વૃદ્ધાશ્રમના હાલચાલ પણ પૂછી લેતી.
દિશાની બહેન પણ ફોરેનથી આવી ગઈ હતી. દિશાનું ઘર હવે ભર્યું-ભર્યું લાગતું હતું... દિવસ ક્યારે ઉગતો અને ક્યારે પૂરો થઈ જતો કઈ ખબર પડતી નહિ. જોત જોતામાં લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો. દિશાના હૈયાનો ભાર પણ વધવા લાગ્યો, જાણે તેના કાળજાનો એક ટુકડો છૂટો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું.
લગ્નના બે દિવસ પહેલાથી જ બધી વિધિ શરૂ થઈ ગઈ. ગણેશ પૂજનથી લઈને ગ્રહશાંતિ, મહેંદી, પીઠી, સંગીત બધા જ આયોજનો ખૂબ જ સારી રીતે યોજાયા, રુચિના ચહેરા ઉપર પણ લગ્નની ખુશી વ્યાપેલી હતી. લગ્નના આગળના દિવસે દિશા રુચિની પાસે બેઠી અને બેસતાં વેંત જ તેની આંખોનું પૂર ઉભરાઈ ગયું. રુચિ પણ દિશાને રડતા જોઈને ખુદને રોકી ના શકી, દિશાને ભેટીને તે પણ ચોધાર આંસુએ રડવા લાગી. દિશાના રુદનનો પ્રવાહ વધી રહ્યો હતો. તેના સાસુ સસરાની આંખો પણ ભીની થઇ ગઇ. રુચિએ જાતે જ પોતાની જાતને સાચવી પોતાના હાથે જ દિશાને થોડી અળગી કરી દિશાના આંસુઓ લૂછયા. અને અચાનક જ બોલવા લાગી.
"મમ્મી મારે લગ્ન નથી કરવા, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં, મારે લગ્ન નથી કરવા !!"
દિશાના સાસુ સસરા દિશા અને રુચિની પાસે આવ્યા. વિનોદભાઈએ રુચિના માથે હાથ મૂકતા કહ્યું. "જો બેટા તું ક્યાં દૂર જવાની છું તો ચિંતા કરે છે?, તું ઈચ્છે ત્યારે તારી મમ્મીને મળવા આવી જ શકે છે ને ? અને નિખિલકુમાર અને તેમનો પરિવાર પણ એના માટે તને ક્યારેય ના નહિ કહે. દીકરા, તારી મમ્મીની પણ એજ ઈચ્છા છે કે તું પરણીને સાસરે ખુશીથી રહે, અને અમે પણ છીએ જ ને ? ખુશી ખુશી સાસરે જવાય બેટા... અને દિશા તું પણ હિંમત રાખ, તારું કાળજું બહુ કઠણ છે, અને હવે આવા સમયે તું ઢીલી પડીશ તો કેમ ચાલશે ?"
વિનોદભાઈની વાત સાંભળી અને દિશાએ પણ પોતાના આંસુ લૂછી અને રુચિ સામે જોઇને હળવી સ્માઈલ આપી. અને કહ્યું :
"હા રુચિ, તું મારી ચિંતા ના કર. મને એકલું નહિ લાગે. અને લાગશે તો તને અહીંયા બોલાવતા મને વાર પણ નહીં લાગે."
રુચિની આંખોમાંથી હજુ આંસુઓ વહી રહ્યા હતા, દિશાએ વાતવરણને થોડું હળવું બનાવતા મઝાકમાં વિનોદભાઈ સામે જોઇને કહ્યું : "પપ્પા, પણ પછી તો રુચિ નિખિલકુમારનું કહ્યું માનશે ને ? હું બોલાવીશ તો થોડી આવશે ?"
વિનોદભાઈ પણ હસવા લાગ્યા આ જોઈને રુચિ પણ થોડી હસી અને કહેવા લાગી : "એ ના કહેશે તો પણ હું આવી જઈશ બિસ્તરા-પોટલાં લઈને..."
રુચિનો જવાબ સાંભળી અને બધા હસવા લાગ્યા, રાત્રે મોડા સુધી બધાએ બેસીને વાતો કરી. બીજા દિવસે લગ્ન હોવાના કારણે ઈચ્છા ના હોવા છતાં પણ બધાએ થોડી વાર આરામ કરવો પડે એમ હતું. રુચિ અને દિશા પણ તેમના રૂમમાં સુવા માટે ગયા. દિશાને ઊંઘ જ નહોતી આવી રહી. રુચિની વિદાયની ઉદાસી તેની આંખોમાંથી બહાર નીકળીને તેના તકીયાને ભીની કરી રહી હતી. થાકના લીધે રુચિ તરત જ સુઈ ગઈ.
સવારથી જ મહેમાનો આવવાની શરૂઆત થવા લાગી. દિશાએ ખૂબ જ હૃદયપૂર્વક લગ્નનું ભવ્ય અને સુંદર આયોજન કર્યું હતું. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ રુચિ અને નિખિલે પોતાના કોલેજ મિત્રો સાથે મળીને થોડીક આધુનિક તૈયારીઓ પણ કરી હતી. લગ્નમાં આવનાર દરેક અતિથીના મોઢે બસ ''વાહ'' શબ્દ જ સરી પડતો. અતિથિ સત્કારથી લઈને જમવા સુધીની બધી જ વ્યવસ્થામાં દિશાએ કોઈ કચાશ છોડી નહોતી.
જાન માંડવે આવી પહોંચી. વાજતે-ગાજતે આવેલા વરઘોડામાં બધા જ મહેમાનોની નજર નિખિલને શોધી રહી હતી, અને આ બાજુ ગાર્ડન એરિયાના ખૂણામાં થોડી ઉંચાઈએ આવેલા દુલ્હનના રૂમમાંથી ઝાંકતી રુચિ પણ દેખાઈ રહી નહોતી.
અચાનક જ બધાની જ આંખો પહોળી કરતું, અને વરઘોડાને ચીરતું એક બુલેટ પાછળ દોડતા ડાન્સરો સાથે ગાર્ડન એરિયા બહાર આવીને ઉભું રહ્યું. નવાઈની વાત એ હતી કે બુલેટ નિખિલ નહીં પણ રુચિ ચલાવી રહી હતી અને બુલેટ ઉપર જ એની પાછળ ઉભો રહેલો નિખિલ બધાના આશ્ચર્યનું કેન્દ્રબિંદુ બની રહ્યો હતો. એણે ઉતર્યા બાદ વિવેકપૂર્વક રુચિને ઊંચકીને નીચે ઉતારી. ડાન્સરોએ પોતે કરેલી પ્રેક્ટિસ પ્રમાણે એ બંનેની આજુ-બાજુ ફરતા માહોલને થનગનતો બનાવી દીધો. ધીમે-ધીમે બધા જ મહેમાનોએ પણ એમાં ભાગ લીધો.
જાન ની આગતા-સ્વાગતા પૂર્ણ કર્યા પછી એમને ફ્રેશ થવા માટે લગભગ 30 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો.
લગ્નના મંડપમાં જ્યારે બ્રાહ્મણે "કન્યા પધરાવો સાવધાન" કહ્યું ત્યારે દુલ્હનને ગભરાયેલી જોવા ટેવાયેલી બધા જ આગંતુકની આંખો રુચિને ડાન્સ સ્ટેપ કરતા-કરતા આવતી જોઈ મંત્રમુગ્ધ થઈ રહી. લગ્નના જોડામાં રુચિ ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. તેના ચહેરા ઉપર છલકાતી ખુશી જોઈને દિશા પણ ખુશ જણાઈ રહી હતી.
કન્યાદાનનો સમય થયો.. બ્રાહ્મણે કન્યાદાન માટે આવવા કહ્યું. વિનોદભાઈએ દિશા સામે જોયું. દિશાએ એમને કહ્યું : "તમારા હાથે જ રુચિનું કન્યાદાન થવું જોઈએ."
વિનોદભાઈ અને વિજયાબેન આગળ આવ્યા, રુચિએ તેના દાદા સામે જોયું, તે થોડી ચિંતાગ્રસ્ત દેખાઈ. એટલે વિનોદભાઈએ એની પાસે આવીને કારણ પૂછ્યું. રુચિએ થોડી વારના મૌન પછી કહ્યું :
"દાદા, તમે અમારા માટે ઘણું બધું કર્યું છે, આજ સુધી બધું જ માન્યું છે.. તમારો ખૂબ જ આદર કરું છું. તમે લોકોએ અમને કોઈ ખોટ નથી પડવા દીધી. આજે જે પણ છીએ તમારા આશીર્વાદ અને સહકાર થકી જ છીએ. પણ હું મોટી થઈ એની એક એક ક્ષણ મેં મમ્મીને ફક્ત અને ફક્ત મારા માટે જ જીવતા જોઈ છે. મારા માટે તો મારી મમ્મી પણ એજ છે અને મારા પપ્પા પણ એજ છે, એને મારા માટે એની જિંદગીનું બલિદાન આપી દીધું એમ કહું તો પણ ખોટું નથી, તમે પણ આ વાત માનતા જ હશો ?"
વિનોદભાઈએ કહ્યું : "હા બેટા, તારી વાત એકદમ સાચી છે !"
રુચિએ વાત આગળ વધારતા કહ્યું "તો દાદા, કન્યાદાનનો હક મારી મમ્મીને ના મળી શકે ?"
વિનોદભાઈ અને વિજયાબેન એકબીજાની સામે જોવા લાગ્યા. વિનોદભાઈએ એક ક્ષણ માટે વિચાર કર્યો અને પછી કહ્યું :
"જો બેટા, આપણાં રીતિ રિવાજો આ વાતને મંજૂરી નથી આપતા, કારણ કે તારી મમ્મી વિધવા છે તો એ શક્ય નથી બેટા.''.એમનો વાર્તાલાપ સાંભળીને અવધેશભાઈ આગળ આવ્યા,''એ શું બોલ્યા કાકા ? આપણે ભણેલા-ગણેલા છીએ, રીત-રિવાજો માનીએ બરાબર છે પરંતુ સમય-સંજોગ પ્રમાણે આપણે એમાં સુધારા પણ કરી જ શકીએ. દીકરીની ઈચ્છા છે તો ભલે એમ જ થાય, અમને કોઈ વાંધો નથી.'' કહી એમણે જયાબેન સામે જોયું. એમણે પણ ડોકું હલાવી સહમતી આપી.
આવેલા પંડિતે પણ થોડી આનાકાની કર્યા પછી બંને પક્ષની સહમતીના લીધે દિશાને કન્યાદાન કરવા બેસાડી. દિશાના મનમાં પણ અચાનક આવા નિર્ણયથી થોડો સંકોચ અનુભવાતો હતો, પરંતુ રુચિ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પોતાને ભાગ્યશાળી માની રહી. .દિશાએ રુચિનું કન્યાદાન કર્યું.
લગ્નની બધી જ વિધિ પૂર્ણ થતાં અંતિમ વિદાયનો સમય આવ્યો. ઉપસ્થિત સૌ મહેમાનો સાથે દિશા પણ ચોધાર આંસુએ રડી રહી હતી. રુચિ પણ વારાફરતી બધાને ભેટ્યા બાદ દિશાને વળગીને ખૂબ જ રડી. દિશા અને રુચિને રડતાં જોઈને સમગ્ર વાતાવરણ કરુણ બની ગયું. ત્યાંજ નિખિલ અને રુચિના કોલેજના મિત્રો ચાર-પાંચ બુલેટ લઇને આવી પહોંચ્યા. નિખિલ જેમ રુચિને હસતી-કૂદતી લઈને આવ્યો હતો એમજ એને વિદાય કરાવીને લઈ ગયો.
થોડા સમય પહેલા જે આંગણામાં કોલાહલ હતો તે નીરવ શાંતિમાં બદલાઈ ગયો. રુચિના જવાથી ઘરમાં સાવ સુનકાર વ્યાપી ગયો...દિશા શૂન્યમનસ્ક બની રહી...

વધુ આવતા અંકે...