પવનચક્કીનો ભેદ
(કિશોર સાહસકથા, ૧૯૮૨)
પ્રકરણ – ૧૦ : ભરતભાઈને ચડી રીસ
ભરતે કાગળ-પેન્સિલ લઈને લખવા માંડ્યું. મથાળું બાંધ્યું : ‘ભેદ.’ પછી લખવા માંડ્યું. જેટલી ભેદી વાતો અત્યાર સુધીમાં બની હતી એની એક યાદી બનાવી કાઢી.
પછી બબડ્યો : ‘બાપ રે ! કેટકેટલી ભેદી વાતો અહીં બની ગઈ છે ! પણ એ બધાનું કારણ શું ? આ બધી વાતોનો એકબીજી સાથે સંબંધ છે ખરો ?’
એણે યાદી ઉપર પેન્સિલ ફેરવા માંડી. પાંચમા નંબરે એ અટક્યો. ત્યાં લખ્યું હતું : ‘પવનચક્કીમાં જતાં કેપ્ટન બહાદુરે રોક્યા. એનાથી દૂર જ રહેવાનો કડકમાં કડક હુકમ કર્યો અને પછી એક ભયંકર ચાંચિયાના ભૂતની કથા કહી.’
આટલું વાંચીને ભરત વળી બબડ્યો : ‘ધારો કે બહાદુરને પવનચક્કીની ભેદી વાતની ખબર છે. ત્યાં કદાચ લલ્લુ લંગડ ચાંચિયાનો ખજાનો પણ છુપાયેલો હોય !’
ભરત જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ એને પોતાની કલ્પનામાં વિશ્વાસ પડતો ગયો. એની ઉંમરના પ્રમાણમાં એ ઘણો વધુ વિચારશીલ અને કલ્પનાશીલ હતો. ચોપડીઓ ખૂબ વાંચતો અને છૂપા ખજાનાઓની તો સેંકડો વાર્તાઓ એણે વાંચી હતી. એણે નક્કી કર્યું કે પવનચક્કીનો ખજાનો શોધવા જવાનો આ જ સરસ સમય છે. રામ અને મીરાં ફરવા ગયાં છે. કેપ્ટન બહાદુર પણ કોઈ કામે બહાર ગયો છે. આવો મોકો ફરી વાર નહિ મળે.
એ નીચે ઊતર્યો. હવેલીમાંથી ચૂપચાપ બહાર નીકળ્યો. એને ઝરણા તરફ જતાં કોઈએ જોયો નહિ. રસ્તામાં પણ કોઈ મળ્યું નહિ. એ ખુશ થયો.
ઝરણાનાં પાણી સૂરજના તાપમાં ઊકળી રહ્યાં હોય એવું લાગતું હતું. પાણી ઉપર વાણિયાઓ ઊડતા અને નાચતા હતા. વાતાવરણમાં ગજબની ચૂપકીદી ફેલાયેલી હતી. લાકડાના પુરાણા પુલ પર પગલાં ભરતાં કીચુડાટ થતો હતો. તે જાણે એક સાથે સેંકડો તોપો ફૂટતી હોય એવો જણાતો હતો.
પુલ પાર કરીને ભરત પવનચક્કીના ખંડેર સામે જઈ પહોંચ્યો. બપોર હતી. ગરમી હતી. બળબળતો સૂરજ હતો. છતાં ભરતને ઠંડી કંપારી થઈ આવી. આ મકાન જે એક કાળે માણસોના અને પવનચક્કીના અવાજોથી અને કોલાહલથી ભર્યું ભર્યું હશે તે અત્યારે તદ્દન વેરાન અને ભંગાર હાલતમાં ખાલી અને અંધારિયું પડ્યું હતું. એના મુખ્ય દરવાજાની જગ્યાએ હવે મોટું બધું બોકારું જ હતું. બારણું તો ક્યારનુંય સડીને પડી ગયું હતું અને કદાચ કોઈ રખડુંઓ એને ચૂલામાં બાળવા માટે ઉપાડી ગયા હતા. બારણાનો આ ખાલી ગાળો જોતાં ભરતને ફેન્ટમની ચિત્રવાર્તામાં આવતી ‘ખોપરી ગુફા’ યાદ આવી ગઈ.
એણે એ બારણાના ગાળામાં ઊભા રહીને અંદર નજર કરી. અંદર બધું ભાંગતૂટની હાલતમાં હતું. ફર્શ ત્રાંસી થઈ ગઈ હતી. એમાં અહીં-તહીં બાંકોરાં પડી ગયાં હતાં. અને એમાંથી નીચેના માળના અંધારામાં નજર કરી શકાતી હતી. પુરાણા યંત્રોનાં કેટલાંક ચાકી, ચક્કર અને સળિયા-લોઢા કાટ ખાતાં વેરાયેલા પડ્યાં હતાં.
નીચેના માળે ઊતરવા માટે મૂળ લાકડાનો દાદરો હશે. એનાં થોડાંક પગથિયાં હજુ સલામત હતાં પણ નીચેનાં આઠ દસ પગથિયાં સળંગ તૂટી ગયાં હતાં. એ ઠેકાણે એક નિસરણી ગોઠવવામાં આવી હતી. નિસરણી આ ખંડેરનાં જ જૂન લાકડાંમાંથી બનાવવામાં આવેલી હતી. પણ નિસરણીમાં એક અજબ વાત હતી, તે જોઈને ભરત નવાઈ પામી ગયો. લાકડાં તો જૂનાં હતાં પણ એમાં જડેલા ખીલા તદ્દન નવા હતા. ચાલુ જમાનાની બનાવટના. એ ખીલાની ચમક પણ હજુ ગઈ નહોતી.
ભરત વિચારવા લાગ્યો, ‘આ નિસરણી પરથી લાગે છે કે અહીં ચોક્કસ કોઈ આવે છે. અને જો કશોક ભેદ છુપાવવો ન હોય તો કોઈ શા માટે અહીં આવે ? એ ભેદ શો છે તે હું આજે શોધી કાઢીશ.’
આમ વિચારીને ભરત પેલી નિસરણી ઊતર્યો. એ વચલો માળ હતો. ત્યાં પથ્થરની દીવાલો વડે ચાર-પાંચ ઓરડા ઉતારવામાં આવ્યા હતા. એક ઓરડામાં લુહારકોઢની ભઠ્ઠી જેવી કાળીકાળી ભઠ્ઠી હતી. એક જમાનામાં અહીં પવનચક્કીનાં ઓજારો ઘડવામાં અને સમારવામાં આવતાં હશે.
ભરત આ ભઠ્ઠી જોઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક એક અવાજ આવ્યો. જાણે કોઈ રડતું હોય, જાણે કોઈ લાંબે રાગે મરશિયા ગાતું હોય એવો અવાજ આવ્યો. એ અવાજ માણસનો હતો ? ભૂતનો હતો ? કે કોઈ પશુનો હતો ?
જાણે આ અવાજની રાહ જોઈને જ બેઠો હોય એમ પેલી ઠંડી ભઠ્ઠીમાંથી એક મોટોમસ ઊંદર કૂદ્યો. કૂદીને ભરતના પગ ઉપર જ પડ્યો. ભરત એકદમ પાછે પગે ઊછળ્યો. પાછળના લાકડાના પાટડા ઉપર એ પડ્યો. પાટડો વર્ષોથી સડી રહ્યો હતો. એકદમ આંચકાભેર ભાર આવવાથી તૂટ્યો. ચરરરર.........કરતો નીચો વળ્યો. સાથે ભરત પણ પડવા લાગ્યો.
એણે બીજ પાટિયાં પકડવાની કોશિશ કરી. માત્ર થોડી ધૂળ હાથમાં આવી. પાટડો ચુંઉં..... ઉં.......કરતો નીચે જઈ બેઠો અને લપસણી ઉપર લપસતો હોય તેમ ભરત લપસીને નીચે પટકાયો.
પણ આ લપસણી લીસી નહોતી. ખૂબ જ ખરબચડી હતી. લપસતાં લપસતાં ભરતનાં કપડાં જ નહિ, ચામડી પણ ચીરાતી ગઈ. એટલું જ નહિ, એ થોડેક ઊંચેથી ધડામ કરતો ખરબચડી ભોંય ઉપર પટકાયો. થોડી વાર તો એને જગત આખું ચક્કર ચક્કર ફરતું લાગ્યું. નીચેના અંધારામાં જાણે રંગરંગીન દીવા ઝગમગી રહ્યા હોય એવું લાગ્યું. એને તમ્મર ચડી ગઈ.
***