પવનચક્કીનો ભેદ
(કિશોર સાહસકથા, ૧૯૮૨)
પ્રકરણ – ૯ : મળ્યો પટેલ ભાભો
રામ, મીરાં અને ભરત હિંમતભેર આગળ વધ્યાં. ખેતરની અધવચ સુધી માંડ પહોંચ્યાં હશે ત્યાં તો દૂર દૂરથી એક ઘાંટો સંભળાયો. એક ખેડૂત જેવો તગડો, નીચકડો આદમી એમના ભણી દોડતો આવતો હતો. એ પોતાના હાથમાં ડાંગ ઉછાળતો હતો.
જરા નજીક આવતાં જ એણે બૂમાબૂમ કરવા માંડી, “એય, છોકરાંઓ ! તમે મારી જમીન ઉપર કેમ ચાલો છો ? આ ખાનગી જગા છે. મેં બોર્ડ માર્યું છે એ ના જોયું ? તેમ છતાં અહીં કેમ ઘૂસી આવ્યાં છો ? હું તમારી સામે કેસ માંડીશ. મને તમારાં નામ કહો.”
રામ કહેવા માંડ્યો, “જુઓ ભાઈ, આ મારા નાના ભાઈના પગે ફોલ્લા...”
પણ પેલો સાંભળે જ શાનો ? એ તો કહે, “બહાનાં નહિ બતાવો ! ચાલો, જલદી નામ બોલો.”
રામ પોતાનાં ત્રણે જણનાં નામ બોલ્યો અને પેલા ખેડૂતે ગજવામાંથી નાનકડી ડાયરી કાઢીને એમાં નામ નોંધવા માંડ્યાં. પછી બોલ્યો, “ઓહો, તમે પેલી પુરાણી હવેલીમાં રહો છો, એમ ને ? ખરાં છો... એક તો ભયંકર વરુ જેવાં જંગલી કૂતરાં રાખો છો અને વળી ફિશિયારી કરો છો ! તમને તો કોરટમાં જ સીધાં કરવાં પડશે.”
રામને નવાઈ લાગી. આ માણસ ગાંડો તો નથી ને ? એણે કહ્યું, “ભાઈ, અમારે ત્યાં કોઈ કૂતરાં તો શું, ગલુડિયું પણ નથી. તમારી કશીક ભૂલ...”
પણ પેલો એ કશું સાંભળવા જ તૈયાર નહોતો. એણે હોહા કરવા માંડી એટલે નાનકડો ભરત આગળ આવ્યો. ગુસ્સાથી લાલચોળ ચહેરો કરીને એ બોલ્યો, “ભાઈ સાહેબ ! તમે ઘાંટાઘાંટ તો ઘણી કરો છો, પણ મને લાગે છે કે આ જમીન જ તમારી નથી. શી ખાતરી કે તમે જ આ જમીનના માલિક છો ?”
“ઓત્તારીના ગલુડિયા !” ખેડૂત ગુસ્સે થયો.
પણ ભરત એમ ગાંજ્યો જાય એવો નહોતો. એણે છાતી કાઢીને પૂછ્યું, “તમારું નામ શું છે, સાહેબ ?”
“મારું નામ ? મારું નામ જાદવ પટેલ. હવે તમેય કોરટે લડી લેજો, દીકરાઓ. હમણાં તો મારા ખેતર ઉપરથી ભાગો !”
અને છોકરાંઓ ભાગ્યાં. રસ્તામાં રામે ભરતને કહ્યું, “અલ્યા, તું થોડુંક વધારે બોલ્યો હોત તો એ એટમ બોમ્બની જેમ ફાટી પડ્યો હોત.”
“તો હું કાનમાં આંગળાં ખોસીને એનો ભડાકો સાંભળત !” ભરતે હસતાં હસતાં કહ્યું.
બપોરના ભોજન વખતે રામે પૂછ્યું, “બહાદુર, આ જાદવ પટેલ કોણ છે ?”
બહાદુરના હાથમાંથી રોટલીનું બટકું પડી ગયું. એકદમ એ બટકું ઉપાડી લેતાં એણે કહ્યું, “જાદવ પટેલ વડોદરા શહેરમાંથી હજારો રૂપિયા કમાઈને અહીં ખેતી કરવા આવ્યો છે. પૈસાદાર છે એટલે એમ માને છે કે આખો નવાપુર તાલુકો એના બાપનો છે. પણ એ તમને ક્યાં ભેટી ગયો ? તમને એણે કશી દમદાટી તો નથી આપી ને ?”
રામે આજ સવારની જાદવ પટેલની મુલાકાત વર્ણવી બતાવી.
બહાદુર કહે, “ચિંતા નહિ ! વગર પરવાનગીએ ખેતરમાં પેસવા બદલ એણે અત્યાર સુધીમાં પાંત્રીસ કેસ કર્યા છે. કોરટમાં બધા ઊડી ગયા છે. અહીં અમારે ગામડામાં કોઈ વાર ખેતરમાં ચાલવું એ ગુનો નથી ગણાતો.”
ભોજન પછી મીરાંએ ભરતના પેલા ફોલ્લા ઉપર સરસ પાટો બાંધી આપ્યો. એટલું જ નહિ, એણે પોતાનાં ચંપલ પહેરવા આપ્યાં. રામે કહ્યું, “ભરત ! હવે સાંજ સુધી આરામ કર. ફોલ્લા બેસી જશે. એમ કર, એક ઊંઘ ખેંચી કાઢ.”
ભરતને પણ આ સલાહ ગમી. એ પથારીમાં પડ્યો. પણ લગભગ કલાકેક પછી એ અચાનક જાગી ગયો. મીરાંના ઓરડામાંથી વાતો સંભળાઈ રહી હતી. મીરાં કહેતી હતી, “આપણને સોનેરી અવસર મળી ગયો છે, રામ ! ચાલ, આખી બપોર આપણે એ લપમાંથી છૂટાં છીએ.”
“પણ એ જાગશે તો ?”
“નહિ જાગે. મેં હમણાં જ એના ઓરડામાં ડોકિયું કર્યું હતું. એ તો ઘસઘસાટ ઊંઘે છે.”
ભરત સમજી ગયો. આ લોકો મારા વિશે જ વાતો કરી રહ્યાં છે. એ લોકો ફરી વાર જોવા આવશે એવી બીકે એ પાછો પથારીમાં સૂઈ ગયો અને ઘેરી નિંદરમાં પડી ગયો હોય એવો દેખાવ કરવા લાગ્યો. પણ એના કાન સરવા હતા.
મીરાં બોલી, “હું બીજી જોડ કપડાં લઈ લઉં છું. આજે તો ઝરણામાં નહાવા પડવું જ છે.”
રામ કહે, “ભલે, હું પાંચ મિનિટમાં તૈયાર થઈને આવું છું. હું પણ નહાવાનાં કપડાં લઈ લઉં.”
રામ અને મીરાં ગુપચુપ ચાલ્યાં ગયાં. પછી ભરત બેઠો થયો. એણે ગુસ્સામાં આવીને એક જોરદાર મુક્કો પોતાના ઓશીકાને મારી દીધો. એ બોલી ઊઠ્યો, “હું નાનો છું એટલે જ આ લોકો મને નબળો માને છે ને ! પણ હું શું નથી કરી શકતો ? આજે પેલા જાદવ સામે હું જ બોલ્યો નહોતો ? હવે રામને અને મીરાંને બતાવી આપું કે તમને પણ બીક લાગે એવું હું કરી શકું છું. પછી તો એમના ડોળા એવા ફાટી રહેશે ! પછી તો મને ઢીલાશંકર પોચીદાસ કહેતાં પહેલાં સાત વખત વિચાર કરશે !”
અચાનક જાણે ભરતને કશીક પ્રેરણા થઈ. એ ઊભો થઈ ગયો. એણે ડાબી હથેળીમાં જમણા હાથની મુક્કી પછાડી. ‘હાં ! હું એમ જ કરું ! લલ્લુ લંગડા ચાંચિયાનો ભેદ ઉકેલું.”
ભરત આ વિશે જેમ જેમ વધુ વિચાર કરતો ગયો તેમ તેમ એને લાગતું ગયું કે આવા ભેદ ઉકેલવાની તાકાત એક મારામાં જ છે ! મારી જ નજર અને બુદ્ધિ પેલા ઇન્સ્પેક્ટર કુમાર કેવી છે.
પહેલવહેલાં રસોડામાં પેલા કૂતરાનાં પગલાં કોણે શોધ્યાં ? મેં પોતે !
પેલો ડૂચો વાળેલો તાર કોણે શોધી કાઢ્યો ? ભરતે !
રસોડાની બારી બહાર અજનબી ચહેરો કોણે શોધ્યો ? આઈ એમ પોતે !
અને ગઈ રાતે રસોડામાં લાકડાના પગના ઠપકારા સૌથી પહેલાં કોણે સાંભળ્યા ? મૈંને હી !
એનું મન ચકડોળે ચડ્યું : ‘હું શાંત અને વિચારશીલ છોકરો છું. મમ્મી પણ એવું જ કહે છે, અને એટલે જ રામ અને મીરાં જેવાં તોફાનીઓને ના સૂઝે તે મને સૂઝે છે. મારી ખોપરીમાં ખાણ નથી ભરી, અક્કલ ભરી છે.”
ભરત ઊભો થયો. એણે પોતાના બગલથેલામાંથી કાગળ-પેન્સિલ કાઢ્યાં અને પલંગમાં બેસીને લખવા માંડ્યું.
***