VEDH BHARAM - 23 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 23

Featured Books
Categories
Share

વેધ ભરમ - 23

અભય હેમલ અને વસાવા બેઠા એટલે રિષભે કહ્યું “ચાલો ઇન્વેસ્ટીગેશન બહું કરી લીધુ, હવે એક્શન માટે તૈયાર થઇ જાવ. કાલે સવારે નવ્યા, શ્રેયા અને શિવાની ત્રણેયની એક સાથે ધરપકડ કરવાની છે.” આ સાંભળી અભય, હેમલ અને વસાવા ત્રણેય ચોકી ગયા. થોડીવાર કોઇ કંઇ બોલ્યુ નહી એટલે રિષભે આગળ કહ્યું “આ પહેલા કાલે તમારે આ નંબરનુ સ્કુટી કોના નામ પર રજીસ્ટર થયેલ છે તે જાણી લેવાનુ છે.” એમ કહી રિષભે એક કાગળ અભયને આપ્યો. અભયે કાગળ પર જોયુ તો એક નંબર લખેલો હતો.

“સર, શ્રેયા અને નવ્યા તો બરાબર છે પણ, શિવાની વિરુધ્ધ આપણી પાસે પેલા વાળ સિવાય કોઇ પૂરાવો નથી. એ વાળ પણ પૂરાવો ના કહેવાય કેમકે તેના પોતાના ફાર્મ હાઉસ પર તેનો વાળ મળવો સ્વાભાવિક વાત છે.” હેમલે દલીલ કરતા કહ્યું.

આ સાંભળી રિષભે કહ્યું “તારી દલીલ એકદમ સાચી છે પણ આનો જવાબ હું તને કાલે શિવાનીની ધરપકડ કરતા પહેલા આપીશ.” રિષભે સ્મિત આપતા કહ્યું.

“ઓકે, સર તો આજે હવે અમારે શુ કરવાનુ છે?” હેમલે કહ્યુ.

આ સાંભળી રિષભ થોડો વિચારમાં પડી ગયો અને બોલ્યો “હવે એક કામ કરો આજે તમે હવે પેલા કબીર કોઠારી વિશે જેટલી પણ માહિતી મળે તે મેળવો. છેલ્લે જ્યારે તેણે દર્શનને કોલ કર્યો હતો ત્યારે તે ક્યાં હતો? દર્શન, વિકાસ અને કબીર વિશે જે પણ માહિતી મળે તે મેળવો.”

આ સાંભળી ત્રણેય ઊભા થયા એટલે રિષભે કહ્યું “આજે હવે હું જઉ છું, કંઇ કામ હોય તો કોલ કરજો.”

“ઓકે સર,” કહી ત્રણેય બહાર નીકળ્યા એટલે રિષભ પણ ઓફિસમાંથી બહાર નીકળી જીપમાં બેઠો અને ડ્રાઇવરને કહ્યું “કમિશ્નર ઓફિસ લઇલે.”

દશ મિનિટ બાદ રિષભ કમિશ્નર ઓફિસમાં પોતાની ચેમ્બરમાં હતો. તેને આવેલો જોઇને પટ્ટાવાળો આવ્યો એટલે રિષભે કહ્યું “સક્શેના સાહેબ ફ્રી થાય તો કહે કે હું મળવા માગુ છું.”

પાંચેક મિનિટ પછી રિષભ કમિશ્નરની સામે બેઠો હતો. રિષભે કમિશ્નરને આખા કેસનુ બ્રીફીંગ આપ્યુ. અડધા કલાક પછી રિષભ જ્યારે બહાર નિકળ્યો ત્યારે તેને નવ્યા,શ્રેયા અને શિવાનીને અરેસ્ટ કરવા માટેની પરમિશન મળી ગઇ હતી.

રિષભ કમિશ્નર ઓફિસથી નીકળી તેના કવાર્ટર પર ગયો અને પછી અનેરીને ફોન કર્યો. અનેરી હજુ તેની ઓફિસ પર જ હતી એટલે રિષભે કહ્યું “તારા હસબન્ડના કેસમાં એક લીંક મળી છે. તુ ફ્રી હોય તો મળીએ.” આ સાંભળી અનેરી થોડુ વિચારી બોલી “એક કામ કર મારા ઘરે જ આવી જા.” આ સાંભળી રિષભ થોડો રોકાયો અને બોલ્યો “તારા ઘરે યોગ્ય રહેશે ને? તને કોઇ પ્રોબ્લેમ નથી ને? મારા લીધે તને કોઇ પ્રોબ્લેમ ન થવો જોઇએ.”

અનેરી રિષભના કહેવાનો મતલબ સમજી ગઇ એટલે બોલી “ઓહ, કમઓન રિષભ તને તો ખબર છે મારો નેચર. મને કોઇ ફર્ક નથી પડતો કોઇને જે કહેવુ હોય તે કહે. તુ આવી જા. જો તને પ્રોબ્લેમ થતો હોય તો તુ કહે ત્યાં મળીએ.”

“અરે ના મને કોઇ પ્રોબ્લેમ નથી. કલાક પછી આવુ છું.” રિષભે કહ્યું.

“ઓકે, સાથે જમીશું.” અનેરીએ કહ્યું.

“ઓકે, બાય.” કહી રિષભે ફોન મુક્યો અને નહાવા જતો રહ્યો.

રિષભ જ્યારે અનેરીના ઘરે પહોંચ્યો ત્યારે અનેરી બાથ લઇને જ નીકળી હતી એટલે તેના વાળ એકદમ ભીના હતા. અનેરીના ભીના વાળ અને તાજી જ ધોયેલી ત્વચાને લીધે અનેરી એકદમ સુંદર લાગતી હતી કે રિષભ અનેરીને જોતો જ રહી ગયો. અનેરીની સુંદરતા આટલી ઉંમરે પણ એવી જ હતી. તેની એક્દમ ગોરી ત્વચા પર પાણીના બીંદુ મોતીની જેમ ચમકતા હતા. લગ્ન પહેલાની અનેરી કરતા અત્યારની અનેરી વધારે સુંદર લાગતી હતી. ત્યારે અનેરી હજુ યુવાનીમાં પ્રવેશતી એક તરુણી હતી જ્યારે અત્યારની અનેરી એકદમ પુખ્ત વયની સ્ત્રી હતી. અત્યારની અનેરી ખૂબજ સુંદર સ્ત્રી હતી જેના કમનીય વળાંકો કોઇ પણ પુરુષને ફિદા કરી શકે એટલા સુંદર હતા. રિષભ જ્યારે આ વિચારી રહ્યો હતો ત્યારે અનેરી પણ એવાજ વિચારમાં ખોવાઇ ગઇ હતી. રિષભ યુવાનીમાં હતો તેના કરતા પણ અત્યારે વધારે આકર્ષક હતો. પોલીસની ટ્રેનીંગ લીધે કસાયેલુ શરીર, એકદમ આકર્ષક ચહેરો જે પહેલા હતો તેના કરતા થોડો વધારે આકર્ષક લાગતો હતો. તેની પર્શનાલીટીમાં પણ એક જાતની એટીકેટ અને પ્રભાવ આવી ગયો હતો. પહેલાના રિષભમાં જે છોકરમત હતી તેની જગ્યાએ અત્યારે એક જાતની મેચ્યોરીટી આવી ગઇ હતી. આ મેચ્યોરીટી અને રિષભમાં છલકાતા આત્મવિશ્વાસને લીધે રિષભની પર્શનાલીટી એવી હતી કે કોઇ પણ તેની સાથે વાત કરતા પહેલા વિચાર કરે. પણ અનેરી જાણતી હતી કે આ રિષભની પાછળ તે હજુ તે જે રિષભને ઓળખતી હતી તે જીવી રહ્યો છે. આ એજ રિષભ છે જે અનેરીને બેહદ ચાહતો હતો અને અનેરી પણ તેને ચાહતી હતી. આમને આમ વિચારમાં બંને થોડીવાર કંઇ બોલ્યા નહી. થોડીવાર બાદ રિષભે જ વાતની શરુઆત કરતા કહ્યું “મે તને કહ્યુ હતુ ને કે મને ફાર્મહાઉસના ડૉક પરથી એક દોરડાનો ટૂકડો મળ્યો છે. મે તેની તપાસ કરાવી તો એક બોટવાળા પાસેથી માહિતી મળી કે આજથી લગભગ બે ત્રણ વર્ષ પહેલા કોઇ બે માણસો તેની બોટ એક રાત માટે ભાડે લઇ ગયા હતા. આ બોટવાળાની પુછપરછ અમે કરી છે પણ તે કંઇ જાણતો નથી.” આટલુ કહી રિષભે તેનો મોબાઇલ હાથમાં લઇ તેમા એક ફોટો ખોલ્યો અને અનેરીને મોબાઇલ બતાવતા કહ્યુ “તુ આ માણસને કયારેય મળી છે?”

ફોન દૂર હોવાથી ફોટો અનેરી જોઇ શકતી નહોતી એટલે ઊભી થઇને રિષભની પાસે સોફા પર બેસી ગઇ. અનેરી એટલી નજીક બેઠી હતી કે અનેરીના શરીરમાંથી આવતી બોડી લોશનની સુગંધ રિષભને મદહોશ કરી રહી હતી. રિષભતો જાણે આ સુંગંધમાં ખોવાઇ ગયો. અનેરીએ રિષભના હાથમાંથી મોબાઇલ લઇ ફોટો ધ્યાનથી જોયો અને પછી મોબાઇલ રિષભને આપતા કહ્યું “ના, આ માણસને આ પહેલા મે ક્યારેય જોયો હોય એવુ લાગતુ નથી.” અને પછી થોડુ રોકાઇને બોલી “ત્રણ વર્ષ ખૂબ મોટો સમય છે, રિષભ. હવે તો વિકાસ જીવતો હશે કે નહી તે પણ એક પ્રશ્ન છે. રાતોની રાતો મે જાગીને કાઢી છે. ક્યારેક એવો પણ વિચાર આવતો કે ક્યાંક વિકાસ જ મને છોડીને જતો રહ્યો નહી હોય ને? ક્યારેક એવુ પણ લાગતુ કે વિકાસ અહી જ ક્યાક છે. અત્યાર સુધી મે ભોગવેલી માનસિક પીડા તને નહી સમજાય. એક એકલી સ્ત્રીની સામે આખો સમાજ આંગળી ચીંધે છે. મારી સાથે જ આવુ કેમ થયું?” આટલુ બોલીને અનેરીની આંખો ભરાઇ આવી. રિષભે અનેરીને ખભા પર હાથ રાખી શાંત્વના આપતા કહ્યું “હું જાણુ છુ અનેરી કે તે ખૂબ સહન કર્યુ છે.” આ સાંભળી અનેરીએ રિષભ સામે જોયુ રિષભની આંખોમા તેના માટે અત્યારે પણ એવી જ લાગણી હતી જે પહેલા હતી. આ જોઇ અનેરી રિષભને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રિષભે અનેરીને શાંતિથી રડી લેવા દીધી. અનેરી રડીને શાંત થઇ એટલે રિષભથી છુટી પડી અને બોલી “સોરી, મે તને પણ દુઃખી કરી દીધો.” આ સાંભળી રિષભ ઊભો થયો અને સામે ટીપોઇ પર પડેલો પાણીનો ગ્લાસ અનેરીને આપતા બોલ્યો “અનેરી તારુ દુઃખ એ મારુ જ દુઃખ છે. સમય જતા પણ સાચી લાગણી બદલાતી નથી. તુ ચિંતા નહી કર હું વિકાસનો પતો જરુર લગાવીને રહીશ.” આ સાંભળી અનેરી ઊભા થતા બોલી “ચાલ હાથ ધોઇને ડાઇનીંગ ટેબલ પર બેસ. હું જમવાનું કાઢુ છું.”

રિષભ ડાઇનીંગ ટેબલ પર બેઠો એટલે અનેરી આવી અને બધુ ટેબલ પર ગોઠવતા બોલી “રસોઇ બનાવવાવાળા બહેન બનાવીને જતા રહે છે. મારે ખાલી ગરમ કરવાનુ જ હોય છે.”

અનેરીએ રિષભને થાળીમાં બધુ પીરસ્યુ એ સાથે જ રિષભ ખુશ થઇને બોલ્યો “વાવ, સેવ ટામેટાનુ શાક અને પરોઠા મારી ફેવરીટ ડીસ.” આ સાંભળી અનેરી હસી પડી અને બોલી “હા, મે ફોન કરીને મેનુ કહી દીધુ હતુ.”

“થેંક્યુ વેરી મચ” રિષભે કહ્યું.

“આપણી વચ્ચે થેંક્યુ અને સોરીનો વહેવાર આજે પણ નથી.” અનેરી હસતા હસતા કહ્યું.

આ સાંભળી રિષભ જમવા લાગ્યો. થોડીવાર બાદ રિષભે અનેરીને પુછ્યું “આ શિવાની વિશે તારુ શું મંતવ્ય છે? તેની અને દર્શન વચ્ચે કેવા રિલેશન હતા?” આ સાંભળી અનેરી જમતા જમતા રોકાઇ ગઇ અને પછી બોલી “કેમ આ સવાલ કર્યો? કોઇ ખાસ વાત છે?”

“ના, આ તો આ દર્શનના કેસ વિશે તપાસ ચાલે છે તો કદાચ તું તેના વિશે વધુ જાણતી હોય એટલે પુછ્યુ. તુ જો ના કહેવા ઇચ્છતી હોય તો કોઇ વાંધો નહીં.” આ સાંભળી અનેરી થોડા ગુસ્સામાં બોલી “તુ એક વાત ક્લીઅર કરી દે કે તુ અહી મારા મિત્ર તરીકે આવ્યો છે કે પોલીસ ઓફિસર તરીકે. કેમકે તારી જે વાત કરવાની રીત છે તે મિત્ર જેવી નથી.” આ સાંભળી રિષભ થોડીવાર ચૂપ થઇ ગયો. આ જોઇ અનેરી બોલી “સોરી પણ મિત્રો હકથી પૂછી શકે આ રીતે ના બોલે. બોલ તારે શું જાણવુ છે?”

“દર્શન અને શિવાની વચ્ચે કેવો સંબંધ હતો? શિવાની કેવી છોકરી હતી? શું તે બંને વચ્ચે કોઇ મોટો પ્રોબ્લેમ હતો?” રિષભે મનમાં રહેલા પ્રશ્નો કહી દીધા.

“આમ તો તે બંને વચ્ચે સારા રિલેશન હતા પણ દર્શનના ઘણા લફડા હતા તેનાથી શિવાની થોડી ચિંતિત હતી. આ શિવાની બહારથી તો બરાબર જ લાગતી પણ મને તેના પર ક્યારેય વિશ્વાસ બેઠો નથી. તેના સસરાને એટેક આવ્યો એમા પણ તેનુ નામ આવ્યુ હતુ.”

આ સાંભળી રિષભે કહ્યું “તેના સસરાના એટેકમાં તે શું કરી શકે.”

એ તો મને પણ નથી સમજાતુ પણ તે ઘટના તો મારી સામે જ બની હતી. હું તેના ઘરે બેસવા ગઇ હતી. અને તેના સસરા બહારથી આવ્યા અને મારી સાથે થોડી વાત કરી તેના રુમમાં ગયા. તે પછી શિવાની તેના રુમમાં ચા આપવા ગઇ. ચા પીધા પછી પાંચ જ મિનિટમાં તેના સસરાને એટેક આવ્યો. કદાચ આ યોગાનુયોગ હોઇ શકે પણ તેના સાસુએતો બધાની સામે જ શિવાની પર આક્ષેપ લગાવેલો.”

આ સાંભળી રિષભ વિચારમાં પડી ગયો.

“લે, આ તારે જ પુરુ કરવાનુ છે” એમ કહી અનેરીએ બધુ જ શાક રિષભની ડીસમાં નાખી દીધુ અને બે પરોઠા પણ મુકી દીધા.

આ જોઇ રિષભ બોલ્યો “તારા આ બહેને ખરેખર ખૂબ સરસ રસોઇ બનાવી છે.”

આ સાંભળી અનેરી હસી પડી અને બોલી “હવે ગમે તેવુ બકવાસ સેવ ટામેટાનુ શાક હોય તો પણ તને તો સારુ જ લાગે છે. પણ અમારા બહેન સાચે જ સારી રસોઇ બનાવે છે.”

આ સાંભળી રિષભ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “યાર, તે તો મને સેવ ટામેટાના શાકમાં બદનામ કરી નાખ્યો છે.”

હવે જા ક્યારેક તો મને લાગતુ કે તુ મારા કરતા સેવ ટામેટાને વધુ પ્રેમ કરે છે. આજ કારણે મને સેવ ટામેટા ભાવતુ નહોતુ.” આટલુ બોલી અનેરી ચૂપ થઇ ગઇ. જાણે તે ભુલથી બોલી ગઇ હોય એમ તે જમવા લાગી.

આ જોઇ રિષભે કહ્યુ “તને યાદ છે ને સેવ ટામેટાના શાક માટે તુ મારી સાથે હોટેલમાં ઝગડી હતી.”

“હા, મને બધુ જ યાદ છે.” અનેરીએ વાત પૂરી કરતા કહ્યું.

“આ શિવાનીનુ કેરેક્ટર કેવુ હતુ?” રિષભે વાત બદલતા કહ્યુ.

આ સાંભળી અનેરીએ જે રીતે રિષભ સામે જોયુ એ જોઇ રિષભને પોતાની ભૂલ સમજાઇ ગઇ અને તે બોલ્યો “અરે યાર, હું કંઇ બદલાયો નથી. આજે પણ મને છોકરીઓની રીલેશન શીપ સામે કોઇ વાંધો નથી પણ આ મારો કેસ છે. અહી હું કેટલો ખુલ્લી વિચારધારાનો માણસ છું તે મહત્વનું નથી. અહી તો કંઇ જગ્યાએથી મને કેસ ઉકેલવા માટે માહિતી મળે તે મહત્વનુ છે.” આ સાંભળી અનેરી હસીને બોલી “આજે પણ તુ મારી આંખોની ભાષા સમજી શકે છે.” અને પછી તરતજ વાત બદલતા અનેરીએ જે કહ્યુ તે સાંભળી રિષભ ચોંકી ગયો. રિષભને લાગ્યુ કે તેણે આ છેડો અધુરો છોડીને ભૂલ કરી છે.

----------***********------------**********---------------********-------------

મીત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM