Footpath - 8 in Gujarati Short Stories by Alpa Maniar books and stories PDF | ફૂટપાથ - 8

Featured Books
Categories
Share

ફૂટપાથ - 8

લગ્ન માટેની પૂર્વીની પહેલથી સંદિપ હક્કોબક્કો થઈ ગયો એના મનમાં પૂર્વી પોતાનુ ગામડાનુ કાચુ અને માત્ર રુમ રસોડાનુ મકાન જોઇ શું પ્રતિભાવ આપશે, તો માબાપુ ને પૂર્વી મળશે પછી બંને તરફની પ્રતિક્રિયા રમવા લાગી.
પૂર્વી ની પહેલ નો શું જવાબ આપવો આવનારી પરિસ્થિતિ ને કઈ રીતે કાબુમાં કરવી ના વિચારો હાવી થઈ રહ્યા ,તો બીજી તરફ પૂૂૂૂૂૂૂર્વીએ તેના મોટાભાઇ સાથે વાાત કરી લીધી , અને તેનો ભાઈ સંંદિપને મળવા બને એટલો જલ્દી ભારત આવવા તૈયાર પણ થઈ ગયો .
સંદિપે પોતાની આર્થિક સ્થિતિ અને ગામડાના ઘર વિશે પૂર્વી ને સંપુર્ણ માહિતી આપી દીધી અને તેના ફેંસલા પર ફરી વિચારવા જણાવ્યુ, જોકે ગણતરીપૂર્વક નુ આ પગલું હતુ, કે પાછળથી ખબર પડે તેના કરતાં પહેલાં જણાવી દેવામાં જોખમ ઓછુ હોય.
બીજા અઠવાડિયે તો પૂર્વીનો ભાઇ અપૂર્વ ભારત આવી પણ ગયો અને ચાર દિવસ પછી સંદિપ ના ઘરે જવાનું નક્કી થયું. સંદિપે ફોન કરી માબાપુને શક્ય હોય તેટલું સમજાવ્યું અને ઘર વ્યવસ્થિત રાખવા તાકીદ કરી. બિચારા માબાપુએ આસપડોશ ના ઘરેથી ચાર ખુરશી એક ટેબલ અને થોડા વાસણો એક દિવસ માટે ઉછીના લીધા અને જેમતેમ કરી ઘર ગોઠવ્યું.
ચાર દિવસ પછી જ્યારે ઘરને આંગણે મોટી ગાડી આવીને ઉભી રહી ત્યારે સંદિપ ના માબાપુ તેમાંથી ઉતરતી પૂર્વીને જોઇ રહ્યા, અપૂર્વ અને સંદિપ ગાડીમાંથી ઉતર્યા પછી તેમનુ ધ્યાન તે તરફ ગયું. આ આર્થિક અસમાનતા વચ્ચે સંબંધ કઈ રીતે શક્ય બનશે વિચારતા વિચારતા અને ડરતા ડરતા તેમણે બધાનુ સ્વાગત કર્યું. ગામડાનુ સાદુ ખાવાનું અને શુદ્ધ વાતાવરણ પૂર્વી અને અપૂર્વ ને બહુ માફક ના આવ્યું, પરંતુ અંહી ક્યા આખી જીંદગી વિતાવવી છે વિચારી મન મનાવી લીધું. જમ્યા પછી અપૂર્વ સંદિપ સાથે ગામ અને ખેતરો જોવા નીકળ્યા અને પૂર્વી માબાપુ પાસે ઘરે રહી. વાતોમાં અને વાતોમાં બંને જણાએ ખેતર ગીરવે હોવાનું અને બીજુ બધુ જાણવા જેવું જાણી લીધુ. પૂર્વી અને અપૂર્વ એજ રાતે પાછા ફર્યા જ્યારે સંદિપ ગામમાં રોકાઇ ગયો અને બે દિવસ પછી માબાપુને લઇ શહેર આવશે તેવું નક્કી કર્યું. પાછા ફરતા રસ્તામાં જ અપૂર્વ એ સંદિપ વિશે નકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો, ગામડા અને શહેરી રહેણીકરણી વચ્ચે નો ભેદ તો કદાચ ભૂંસાઈ જાય પરંતુ વિચારસરણી તો એટલી જલ્દી ના બદલાઇ શકે. આપણે જે મુક્ત વાતાવરણમાં મોટા થયા છીએ તે કદાચ સંદિપ ને માફક ના આવે અને પત્ની તરીકે સમાન અધિકાર ના આપી શકે તેવો ડર વ્યક્ત કરવામાં અપૂર્વ ને વાર ના લાગી. બે દિવસ પછી સંદિપ અને તેના માબાપુ પૂર્વીના ઘરે આવ્યા. પૂર્વીનુ ઘર અને રાચરચીલું જોતાજ બંને અચરજ અનુભવી રહ્યાં, અને મનોમન મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં કે આટલા મોટા ઘરની દિકરીએ સંદિપ માં એવુ શું જોયું કે તેને આટલી મોટી અસમાનતા દેખાતીજ નથી! અપૂર્વ અને પૂર્વી એ બે દિવસ આગ્રહ કરીને રોક્યા અને શહેરના મોટા મંદિરમાં દર્શન કરાવ્યાં, આ દરમિયાન પૂર્વી જે નિખાલસતા થી હરતીફરતી, વાતો કરતી અને રસોઈ બનાવતી તે જોઇ આનંદ અને આશ્ચર્ય અનુભવતા તો રાજકારણ અને ઓફિસ ની બાબતોમાં દલીલો અને ઓર્ડર કરતી એ જોઇ વિચાર કરતા થઈ જતાં. બે દિવસ ખૂબજ જલદી પૂરા થઈ ગયા અને આજે બધા પૂર્વી અપૂર્વ, સંદિપ અને તેના માબાપુ પૂર્વીના ઘરે સાથે બેઠા વાતો કરી રહ્યા, સંદિપ ની માએજ વાત શરૂ કરી, "જ્યારે તમે છોકરાઓ એ નક્કી કર્યું જ છે તો અમારે વિરોધ કરવા કારણ નથી પરંતુ અમારા અનુભવે અમને એમ લાગે છે કે તમારે ફરી એક વાર તમારા નિર્ણય પર વિચારણા કરવાની જરુરત છે "
પૂર્વી સ્તબ્ધ થઇ જોતી રહી અને બાપુએ આગળ ચલાવ્યું, "એમ ના સમજતા કે અમને પૂર્વી સામે વાંધો છે, એ બિચારી તો ખૂબ ડાહી અને પરાણે વહાલી લાગે એવી છે, પરંતુ આ આર્થિક અસમાનતા અને શહેર અને ગ્રામ્ય વિચારસરણી નુ અંતર તમારા વચ્ચે વહેલુમોડુ વિખવાદ સર્જી શકે અને એ સંજોગોમાં સંદિપ ને અમે જાણીએ છીએ એટલે એટલું કહી શકું કે સહન કરવાનું મારી આ ફૂલ જેવી દિકરીને આવશે"
પૂર્વી આંખમાં ઝળઝળિયાં સાથે બોલી પડી" બાપુ તમારા આ વિચારો જ મને આશિર્વાદ સમાન લાગે છે, તમે ખરાબ વિચાર મૂકી દોને! "
મા બોલી ઉઠ્યા, "હવે ગામ જાવાનું મોડુ થાય છે, ચલો ઉભા થાવ", અને જતા જતા પૂર્વી ના માથે હાથ ફેરવી કહેતા ગયાં " છેલ્લે સહન કરવાનું કે સમાધાન કરવાનું સ્ત્રી ના ભાગેજ આવે છે દિકરી એટલે ફરી એકવાર વિચાર કરી લેજે, અમારી પાસે તો આશિર્વાદ સિવાય કંઈ નથી તને આપવામાં, પછી તને પસ્તાવો ના થાય બેટા"

શું નિર્ણય કરશે પૂર્વી, શું અપૂર્વ સાથ આપશે પૂર્વીનો?
વાંચતા રહીએ.....