Operation Chakravyuh - 1 - 15 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 15

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 15

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-15

રાવલપિંડી, પાકિસ્તાન

નગમા, માધવ અને દિલાવરને આખરે બલવિંદરના ઘરે એક લોકર મળી આવ્યું હતું, જેમાં ડાયરી શોધી રહેલા માધવે ઘટસ્ફોટ કરતા કહ્યું કે અંદર કોઈ ડાયરી જ નથી.

"શું કહ્યું?" માધવે જેવી લોકરમાં ડાયરી ન હોવાની વાત કરી એ સાથે જ નગમાએ અચંબિત સ્વરે કહ્યું. "લાવ મને જોવા દે.!"

નગમાનું મન રાખવા માધવ એક તરફ ખસી ગયો, નગમાએ ફટાફટ આખું લોકર ફેંદી કાઢ્યું પણ એને લોકરમાંથી ડાયરી ના મળી.

"એક કામ કરો, અંદર જેટલી વસ્તુઓ છે એ બધી આપણી સાથે લઈ જઈએ..રખેને આ વસ્તુઓમાંથી કંઈક કામનું મળી આવે." દિલાવરે સૂચન કરતા કહ્યું.

દિલવારની વાતનું માન રાખી નગમાએ બલવિંદરના ઘરે મળેલા લોકરમાં પડેલી બધી જ વસ્તુઓને પોતાના ખભે લટકતાં પર્સમાં મૂકી દીધી.

"ચલો, નીકળીએ અહીંથી..!" બધી વસ્તુઓ બેગમાં મૂકી, લોકર બંધ કરી, મક્કા-મદિનાનો ફોટો એના સ્થાને ગોઠવી દીધા બાદ નગમાએ માધવ અને દિલાવરને ઉદ્દેશીને કહ્યું.

જેવા એ લોકો બલવિંદરના મકાનની બહાર આવ્યા એ સાથે જ મિર્ઝા અને તાહીર પણ પોતાના મકાનને તાળું મારીને નીચે રાખેલી પોતાની કારમાં આવીને બેસી ગયાં હતાં. દિલાવરે પોતાની જોડે લાવેલું બીજું તાળું ત્યાં ઘરના મુખ્ય દરવાજે માર્યું અને સાવચેતી સાથે પોતાની ઓલટો કાર તરફ વધ્યો, માધવ અને નગમા એને અનુસર્યા.

અહીં જે વસ્તુ માટે આવ્યા હતાં એ વસ્તુ ના મળવાનું દુઃખ એ ત્રણેયના ચહેરા પર સ્પષ્ટ વંચાતુ હતું. હતાશા અને નિરાશામાં ગરકાવ માધવ અને નગમા જેવા કારમાં બેઠા એ સાથે જ દિલાવરે કારને હોટલ ખેબર લોજ તરફ ભગાવી મૂકી.

ઈકબાલ મસૂદના કહ્યા મુજબ મિર્ઝા અને તાહીર પણ પોતાની કારમાં બેસીને એમની પાછળ-પાછળ ચાલી નીકળ્યા.

અડધા કલાક બાદ દિલાવરની કાર હોટલ ખેબર લોજ આગળ આવીને થોભી. માધવ અને નગમાના કહેવાથી દિલાવર પોતાની કારને હોટલ પાર્કિંગમાં પાર્ક કરી એમના રૂમમાં ગયો. મિર્ઝા અને તાહીરે પોતાની કારને હોટલની નજીક પાર્ક કરી અને મિર્ઝા કારમાંથી ઉતરીને એ જોતો આવ્યો કે નગમા, માધવ અને દિલાવર કયા રૂમમાં જાય છે.

એમનો રૂમ નંબર જાણી લીધા બાદ મિર્ઝા તાહીરની જોડે પાછો આવ્યો.

"હવે તો એ લોકો ક્યાંય જવું હશે તો સવાર પડ્યા પછી જ જશે." મિર્ઝાએ નગમા અને માધવ જે રૂમમાં ગયા એ રૂમનો નંબર તાહીરને જણાવ્યો એટલે તાહીરે કહ્યું. "આપણે અહીં કારમાં બેસીને જ એમના અહીં આવવાની રાહ જોઈએ."

મિર્ઝાએ તાહીરનો પ્રસ્તાવ માન્ય રાખી એની બાજુની સીટમાં સ્થાન ગ્રહણ કર્યું.

પોતાનો પીછો મસૂદના માણસો દ્વારા થઈ રહ્યો છે એ બાબતથી અજાણ અને ડાયરી ના મળવાના લીધે હતાશ માધવ, નગમા અને દિલાવર જ્યારે ખેબર લોજનાં રૂમ નંબર ત્રણસો પાંચમા પગ મૂક્યો ત્યારે રાતનાં સાડા ત્રણ થવા આવ્યા હતાં.

માધવે જેવી રૂમની લાઈટ ચાલુ કરી એ સાથે જ નગમાએ પોતાના પર્સમાં ભરેલો એ બધો સામાન પલંગમાં ઠાલવી દીધો જે એને બલવિંદરના ઘરે મોજુદ લોકરમાંથી લીધો હતો.

એ સામાનમાં રબર બેન્ડ ભરાવેલા ચાર પાસપોર્ટ, એક દવાની શીશી, એક બોલપેન, એક તાવીજ, થોડા કાગળિયાં અને પચ્ચીસેક હજાર ડોલરનો સમાવેશ થતો હતો.

નગમાએ એ ચારેય પાસપોર્ટ ચેક કર્યાં. આ ચારેય પાસપોર્ટ બનાવટી હતાં. જેમાંથી બે પાસપોર્ટ પાકિસ્તાનના, એક કુવૈતનો અને એક ઈરાનનો હતો. ચારેયમાં બલવિંદરનો લૂક અલગ-અલગ હતો.

"માધવ, આ ચારેય પાસપોર્ટ અત્યારે જ સળગાવી મૂક..!" ચારેય પાસપોર્ટને જોઈ લીધા બાદ માધવને પાસપોર્ટ પકડાવતા નગમા બોલી.

નગમાની વાત માની માધવે ચારેય પાસપોર્ટ બાથરૂમમાં જઈને સળગાવી દીધા અને એની રાખને ગટરમાં વહેડાવી દીધી.

"આ કાગળિયાં ચેક કરવા જોઈએ..રખેને આમાંથી કંઈક મળી જાય." માધવ જેવો જ પાસપોર્ટનું નામોનિશાન મિટાવી બાથરૂમમાંથી બહાર આવ્યો એ સાથે જ પલંગ પર પડેલા વિવિધ કાગળિયાં તરફ આંગળી કરતા બોલ્યો.

એ વીસેક કાગળિયાં હતાં, જેમાંથી મોટા ભાગે તો બલવિંદરે પોતાના પરિવારને લખેલા એ પત્રો હતાં જેને એ ક્યારેય મોકલાવી નહોતો શક્યો. પોતાની અપરણિત બહેન અને વૃદ્ધ માતાને ઉદ્દેશીને બલવિંદરે લખેલા આ પત્રો વાંચીને નગમા, માધવ અને દિલાવર ત્રણેય ગમગીન થઈ ગયાં. પોતાના પરિવાર માટે પોતાની જે જવાબદારીઓ હતી એની પરવાહ કર્યાં વિના બલવિંદરે દેશ માટે જે બલિદાન આપ્યું હતું એ ખરેખર દરેક ભારતીય માટે ગૌરવવંતી વાત હતી.

"આ પત્રો હું અવશ્ય એના સાચા સરનામે મોકલાવીશ..!" બલવિંદર દ્વારા પોતાની બહેન અને માંને લખેલા પત્રોને પોતાના પર્સમાં મૂકતા નગમા મક્કમ સ્વરે બોલી.

એ લોકોએ બાકીનાં કાગળિયા પણ વ્યવસ્થિત રીતે તપાસી લીધા પણ એકેય કાગળિયાંમાંથી એવી કોઈ માહિતી ના મળી જેના થકી બલવિંદર કંઈક જણાવવા માંગતો હોય એવું લાગ્યું હોય.

લોકરમાંથી જે ગોળીઓની શીશી મળી હતી એ હાઇડ્રોજન સાયનાઇડની હતી એ જાણતી નગમાએ એ શીશી સાચવીને પોતાની જોડે રાખવા માધવને કહ્યું. આ ઉપરાંત અંદરથી મળી આવેલી બોલપેન પણ એક ખાસ પ્રકારનું શસ્ત્ર હતી, જેમાંથી કરંટ નીકળતો જે ઘડીભર માટે સામેવાળાને અચંબિત કરી દેવાનું સામર્થ્ય ધરાવતો હતો.

"દિલાવર, આ તાવીજ અને અમેરિકન ડોલર તમે લઈ જઈ શકો છો." સામાનમાં છેલ્લે વધેલી વસ્તુઓ તરફ જોતા નગમા બોલી.

"પણ હું આ પૈસાનું શું કરીશ..!" દિલાવરે કહ્યું. "તમે કહેતા હોવ તો હું આ તાવીજ લઈ લઉં છું પણ આ ડોલર મારે નથી જોઈતા."

"દિલાવર ભાઈ, લઈ જાઓ આ ડોલર પણ..તમારે આગળ કામ આવશે." માધવે પણ પચ્ચીસ હજાર ડોલરની રકમ લેવાનું દિલાવર પર દબાણ કરતા કહ્યું.

"સારું..!" આખરે દિલાવર માની ગયો.

દિલાવરે પચ્ચીસ હજાર ડોલરને પોતાના કુર્તાના ખિસ્સામાં મૂક્યાં અને ત્યારબાદ તાવીજને હાથમાં લઈ પોતાની બંને આંખોને સ્પર્શ કરાવ્યું. જ્યારે દિલાવર તાવીજનો આંખોને સ્પર્શ કરાવતો હતો ત્યારે એને કંઈક ઝબકારો થતાં એ બોલ્યો.

"આ તાવીજમાં કંઈક છે." આટલું કહી દિલાવર તાવીજને હાથમાં લઈ હલાવવા લાગ્યો. દિલાવર દ્વારા આમ કરતાં તાવીજની અંદર કોઈ વસ્તુ હોય એમ અંદરથી ખટખટ એવો અવાજ આવવા લાગ્યો.

"તાવીજને ખોલો..!" અવાજ સાંભળી ઉત્સાહિત સ્વરે નગમા બોલી.

દિલાવરે તુરંત પોતાના ખિસ્સામાંથી એક ચપ્પુ નિકાળ્યું અને ચપ્પાની ધારને તાવીજની મધ્યમાં ભરાવીને તાવીજને બે ભાગમાં ખોલી નાંખ્યું. એમનાં આશ્ચર્ય વચ્ચે તાવીજની અંદર એક ફોલ્ડ કરેલું નાનકડું કાગળ હતું.

નગમાએ એ કાગળ નીકાળી એને સાવચેતી સાથે ખોલી નાંખ્યું. એ કાગળ પર લખ્યું હતું.

ಎನ್

2

77.198774 ಇ

.6

0

2

6

0

8

"આ કઈ ભાષા છે..?" નંબરની પાછળ લખેલા શબ્દોની સમજણ ના પડતા નગમાના મોંઢેથી નીકળી ગયું.

"મને લાગે છે ત્યાં સુધી આ કોઈ સાઉથ ઈન્ડિયન લેંગ્વેજ છે." માધવે આટલું કહી પોતાના ફોનમાં ગૂગલ ટ્રાન્સલેટર એપ ખોલી અને નંબરની પાછળ લખેલા એ શબ્દોનો ફોટો લઈ એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યાં.

આમ કરતાં એમની સામે જે લખાણ બન્યું એ હતું.

N

2

77.198774 E

.6

0

2

6

0

8

"કોરડીનેટ્સ..!" આખરે બલવિંદરે એ તાવીજની અંદર મૂકેલાં લખાણમાં જે લખ્યું હતું એનો મતલબ શું થતો હતો એ નગમા સમજી ગઈ હતી. "N એટલે નોર્થ અને E એટલે ઈસ્ટ."

"ઊભી હરોળમાં અને આડી હરોળમાં જે નંબર છે એને સરખી રીતે ગોઠવીએ તો આવું બને.." એક કાગળ પર કોરડીનેટ્સને યોગ્ય રીતે લખીને માધવે બતાવતા કહ્યું.

28.602608N

77.198774E

"બલવિંદર આપણને આ કોરડીનેટ્સની મદદથી કોઈ જગ્યા અંગે જણાવવા માંગતો હતો..શક્યવત આ એ જગ્યા હોય જ્યાં આતંકવાદી હુમલો થવાનો છે." નગમા મનોમન કંઈક વિચારતા બોલી. "માધવ, જરા ચેક કરજે આ કોરડીનેટ્સ આખરે ક્યાંનાં છે!"

માધવે પોતાની ગરદન હકારમાં હલાવી અને મોબાઈલમાં ગૂગલ બ્રાઉઝર ઓપન કરી કાગળ પર લખેલા કોરડીનેટ્સ ટાઈપ કર્યાં. કોરડીનેટ્સની મદદથી જે સ્થળ મળતું હતું એ સ્થળ હતું ત્રીમૂર્તિ ભવન, ન્યુ દિલ્હી.

બલવિંદર દ્વારા લખેલા કોરડીનેટ્સ તો ન્યુ દિલ્હીના ત્રિમૂર્તિ ભવનનું એડ્રેસ બતાવી રહ્યા હતાં જ્યારે રૉને જે માહિતી બલવિંદર જોડેથી ટેલિફોનિક વાતચીત દરમિયાન પ્રાપ્ત થઈ હતી એ મુજબ તો આતંકવાદી હુમલો ગુજરાતમાં થવાનો હતો તો પછી આ કોરડીનેટ્સ દ્વારા બલવિંદર શું જણાવવા માંગતો હતો!

આતંકવાદીઓએ પોતાના હુમલાની જગ્યા બદલી દીધી હતી કે પછી બલવિંદર દ્વારા આ જે કોરડીનેટ્સ કાગળમાં લખીને તાવીજમાં છુપાવાયા હતાં એનો અર્થ બીજો કોઈ નીકળતો હતો એ પ્રશ્ન હવે નગમા, માધવ અને દિલાવર માટે ભારે પેચીદો બની ગયો હતો.

ઘણું વિચાર્યા પછી પણ એ લોકો કોઈ ઠોસ નિર્ણય પર પહોંચી ના શક્યા એટલે સવારે આ વિષયમાં રૉ ચીફ રાજવીર શેખાવત જોડે ચર્ચા કરવાનું મન બનાવી માધવ, નગમા અને દિલાવર થોડો સમય આરામ કરવાના હેતુથી સુઈ ગયાં.

સવારે સાડા સાત વાગે સોફામાં આરામ ફરમાવતી નગમાની આંખ અચાનક ખુલી ગઈ..માધવ અને દિલાવર હજુપણ પલંગમાં ઘસઘસાટ આરામ ફરમાવી રહ્યાં હતાં.

એ પોતાની જગ્યાએથી ઊભી થઈ અને દિલાવર તથા માધવને ઊંઘમાંથી ઉઠાડીને એમને ઉદ્દેશીને બોલી.

"શાયદ મને સમજાઈ ગયું છે કે બલવિંદરે લખેલા કોરડીનેટ્સ આખરે કઈ તરફ ઈશારો કરી રહ્યાં હતાં.!"

નગમાના સ્વરમાં ગજબનો ઉત્સાહ હતો..એના શબ્દોમાં રોમાંચ હતો, સફળતા હવે હાથવગી છે એવી આશા હતી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)