પવનચક્કીનો ભેદ
(કિશોર સાહસકથા, ૧૯૮૨)
પ્રકરણ – ૮ : ભૂતને બદલે ગાભો
મીરાં તો જાણે બરફની પાટ ઊભી હોય એમ થરથર ધ્રૂજતી હતી. જોકે એની આ ધ્રૂજારી બીકની હતી. એ બોલી, “બહાદુર હાજર હોત તો સારું થાત.”
રામે ભવાં ઊંચાં કરીને કહ્યું, “મને પણ એવું જ લાગે છે. નવાઈની વાત એ છે કે બહાદુર ગયો ક્યાં ? એનું વર્તન પણ ભેદી છે. એક બાજુ એ મીઠીમીઠી વાતો કરે છે, બીજી બાજુ આપણને પવનચક્કી જોતાં રોકે છે.”
ભરત પણ મીરાંની જેમ ધ્રૂજતો હતો. એણે સૌનાં મનની વાત કરી, “આપણે આખું ઘર તપાસવું જોઈએ. મને લાગે છે કે અહીં કશુંક... કોઈક...”
એ આગળ બોલી ના શક્યો. પણ એ કદાચ એમ કહેવા માગતો હતો કે લલ્લુ લંગડાનું ભૂત આ ઘરમાં તો કદાચ ભરાયું નથી ને ?
રામે કબૂલ કર્યું, “વાત તો સાચી છે. પણ પહેલાં હું મારી ટોર્ચ લઈ આવું.” ઘરના બધા ખંડોમાં વીજળીના દીવા નથી.”
મીરાં બોલી, “દીવાનખાનામાં જૂના જમાનાની આંકણીઓ પડી છે.”
મીરાં શું કહેવા માગતી હતી તે રામ સમજી ગયો. એણે કહ્યું, “આપણે સૌ એકએક આંકણી લઈ લઈશું. હાથમાં બીજું કાંઈ નહિ હોય તોય, એટલું હથિયાર રાખવું સારું.”
એ લોકોએ ટોર્ચ લીધી. જૂના જમાનાના મજબૂત લાકડામાંથી બનેલી ગોળ કાળી આંકણીઓ લીધી. ઘરની તપાસ રસોડાથી જ શરૂ કરી. રામે સૂચના આપી, “બધાં સાથે રહેજો. ઘરમાં કોઈ હોય એવું લાગતું તો નથી, છતાં કોઈએ એકલાં પડી જવું નહિ.”
રામની ટોર્ચ આમતેમ ઘૂમતી જતી હતી. એના અજવાળામાં જાણીતી વસ્તુઓ પણ અજાણી લાગતી હતી અને પડછાયા ભયંકર લાગતા હતા. જે જે ખંડોમાં વીજળી હતી ત્યાં તો રામ તરત એની સ્વીચ દાબી દેતો. પણ જ્યાં વીજળી નહોતી અગર ગોળા નહોતા ત્યાં ટોર્ચથી જ કામ ચલાવવું પડતું.
નીચેનો માળ વટાવીને એ લોકો ઉપલા માળે ગયાં. પોતાના બંને ખંડ, બહાદુરનો ખાલી ખંડ, માસીબાનો બંધ ખંડ, બીજા એક-બે ખંડો જોઈ વળ્યાં. કોઈ આવ્યાની કે છુપાયાની એકે નિશાની ના મળી.
એક સાંકડી સીડી ત્રીજા માળની ઓરડી અને છાપરા તરફ જતી હતી. ત્યાં તો વીજળીની બત્તી હોય જ શાની ? એટલે એ લોકો ટોર્ચને આશરે આશરે જ આગળ વધ્યાં અને... અને ત્રણે જણાં એકદમ પાછાં હઠ્યાં. દાદરા ઉપર કોઈક સફેદ આકાર ડોલતો હતો !
ઘડીભર તો ત્રણેના જીવ અદ્ધર થઈ ગયા, અને હૃદય ધડધડધડ ધડકી રહ્યાં. પણ પછી મીરાં એકદમ ખડખડાટ હસવા લાગી. “અરે આ તો બહાદુરનો જૂનો ઝભ્ભો છે ! કમળા એને સૂકવી ગઈ હશે અને એ અહીં જ રહી ગયો હશે. પવનથી એ ઊડી પડ્યો લાગે છે !”
રામે બહાદુરી દેખાડતાં કહ્યું, “હં... મનેય એવું જ લાગેલું.”
પણ ભરત કહે, “બાપ રે ! હું તો એવો ડરી ગયો !”
આમ ઘરની તપાસ કરીને છોકરાંઓ પાછાં આવ્યાં. રામ-ભરતના ખંડમાં ત્રણે જણાં હડપચીએ હાથ દઈને બેઠાં.
રામ બોલ્યો, “કહો ના કહો, પણ જયામાસીની આ હવેલીમાં અને પેલી પવનચક્કીમાં કશોક ભેદ છે. એ ભેદ આપણે શોધી કાઢવો પડશે. નહિતર આમ ને આમ હેરાન થતાં રહીશું.”
મીરાંએ પૂછ્યું, “અહીં હવેલીમાં તે શો ભેદ હોય ?”
રામ કહે, “ચોક્કસ તો કશું કહી શકાય એમ નથી. પણ કશુંક છે જરૂર. મને લાગે છે કે બહાદુર આપણાથી કશુંક છૂપાવી રહ્યો છે. આપણે આવ્યાં ત્યારે અહીં કોઈના આવ્યાની નિશાનીઓ હતી. ભરત કહે છે કે એણે બારી બહાર કોઈ માણસને જોયો હતો. એટલે કશુંક છે ખરું. પણ આપણે એક વાત નક્કી કરી લઈએ. જ્યાં સુધી આપણને કશી ચોક્કસ ખબર ન પડે ત્યાં સુધી બહાદુરને આજની રાતની વાત ના કરવી.”
મીરાં કહે, “બરાબર છે. જો એ દોષિત હશે તો આપણને ખબર પડશે જ. પણ એ નિર્દોષ હોય તો આપણે એના પર નકામી શંકા લાવવાની જરૂર નથી. નાહક બિચારાનું મન દુભાય.”
“વળી કાલ સુધીમાં તો કમળા પણ આવી જશે. પછી આપણી ચિંતા જરાક ઓછી થશે.”
બીજે દિવસે વહેલી સવારે રામ અને ભરત નીચેના માળે ઊતર્યા ત્યારે મીરાં તો ક્યારની જાગી ગઈ હતી. એણે બગીચામાંથી ઘણાં બધાં ફૂલ એકઠાં કર્યાં હતાં. અને એ હવે દીવાનખાનાની ફૂલદાનીમાં એ ફૂલ ગોઠવી રહી હતી. બહાર ઊજળો તડકો ચમકતો હતો. મીઠો મધુરો પવન વાતો હતો. આવા ઘરમાં અને આવી સવારે ભૂતપ્રેતનો તો પડછાયો પણ ક્યાંથી જોવા મળે ?
મીરાંએ તદ્દન ધીમા અવાજે કહ્યું, “રામ, બહાદુર આવી ગયો છે. એ કહે છે કે મને કમળાની અને મોટી બેનની ચિંતા થતી હતી એટલે તમે છોકરાંઓ ઊંઘી ગયાં પછી હું સ્ટેશન વેગન લઈને એને ગામ ગયો હતો. જતાં પહેલાં મેં રસોડામાં ચા બનાવેલી. મારી લાકડાની ઘોડીના ઠપકારાથી તમારી ઊંઘ તો ઊડી નહોતી ગઈ ને ?”
“પણ એ અવાજ લાકડાની ઘોડીનો હતો જ નહિ !” રામ બોલી ઊઠ્યો. ભરતે પણ હકારમાં ડોકું ધુણાવ્યું.
“ખેર ! એ કહે છે કે કમળા હજુ એક દિવસ નહિ આવે. ત્યાં એની મોટી બેનના બાબાની તબિયત સારી નથી.”
રામ કહે, “એ બધી ચિંતાઓ અત્યારે છોડો. આજે તો દિવસ બહુ મઝાનો ઉગ્યો છે. હું નવાપુર ગામમાં જવા માગું છું, કેમેરાના રોલ લેવા માટે. મારી સાથે કોને આવવું છે ?”
“મારે આવવું છે.” મીરાં બોલી ઊઠી.
“અને... તમને વાંધો ન હોય તો... મારે પણ આવવું છે.” ભરતે દબાતે અવાજે કહ્યું.
રામ કહે, “મને કશો વાંધો નથી. ચાલ.”
- પણ જ્યાં ભરત સાથે હોય ત્યાં વાંધો તો આવે જ ને ? નવાપુર તો જાણે એ લોકો સલામતીથી પહોંચી ગયાં, પણ પાછાં ફરતાં ભરત સાવ થાકી ગયો હોય એમ લાગ્યું. એ વારંવાર રામ અને મીરાંની પાછળ રહી જવા લાગ્યો. એ લોકોને ભરત માટે દરેક વેળા ઊભા રહેવું પડતું. મીરાં દરેક વખતે કહેતી, “અબે ઢીલાશંકર પોચીદાસ ! જરા પગ ઉપાડો !” ભરત પગ ઉપાડતો પણ પછી તરત પાછળ પડી જતો.
વાત એમ હતી કે એનાં નવાં જૂતાંથી આટલું ચાલતાં એના બંને પગે ડંખ પડી ગયા હતા. રામે કહ્યું, “હજુ તડકો ખાસ જામ્યો નથી, પગ નહિ બળે. માટે તું જૂતાં હાથમાં લઈ લે. અને આપણે એક ટૂંકે રસ્તે ઘેર જઈશું.”
એ ટૂંકો રસ્તો થોડાંક ખેતરોની વચ્ચે થઈને પસાર થતો હતો. ખેતરોની વચ્ચે થોરની વાડો તો હતી. પણ આ ટૂંકો રસ્તો વાપરનારાઓએ વાડોમાં છીંડાં પાડી નાખ્યાં હતાં.
આવા એક છીંડા નજીક આવતાં જ રામે છીંડા પાસે મુકાયેલું બોર્ડ જોયું : ‘આ ખાનગી મિલકત છે. રજા સિવાય દાખલ થનાર ઉપર કાયદેસર પગલાં લેવામાં આવશે.’
રામના હોઠમાંથી આપોઆપ સીસોટી નીકળી ગઈ. “ઓત્તારી ! ગયે વર્ષે તો આ બોર્ડ નહોતું ! અત્યારે ક્યાંથી આવ્યું ?”
મીરાં કહે, “જમીનની માલિકી બદલાઈ હશે.”
રામ કહે, “ખેર, આપણને નાનાં બાળકોને કોઈ રોકવાનું નથી. રોકશે તો ભરતનો પગ બતાવી દઈશું. ચાલો.”
***