Characterless
ગતાંકથી ચાલુ......
પંદરમાં ભાગમાં તમે જોયું કે અમારી કોલેજમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. અને વાતવાતમાં નિખિલ અને રાહુલે સાગર-સરલને જણાવી દીધું કે એમને બધી ખબર જ છે કે એ બંને વચ્ચે શું છે અને આ બાબતથી સાગર-સરલને એમ લાગે છે કે મેં આ વાત બધાને જણાવી. પછી હું ઘરે જાઉં છું અને ત્યાં મને ખબર પડે છે કે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે,પછી સરલ જોડે મારી વાત થાય છે અને અંતે નિખિલ મને દોસ્ત ગાર્ડનમાં બોલાવે છે ત્યારબાદ મને એક વાત જણાવે છે.... હવે જોઈએ આગળ શું થશે ?
નિખિલ જોડે ફોન પર વાત કર્યા બાદ હું તરત જ દોસ્ત ગાર્ડનમાં પહોંચ્યો અને નિખિલને કહ્યું કે શું થયું ભાઈ ? કેમ અચાનક બોલાવ્યો કંઈ તકલીફ છે ? તો એણે કહ્યું કે સરલ વિશે વાત કરવી હતી, મેં કહ્યું સરલની વાત હોય તો સાગરને કરે તો વધારે સારું રહેશે મિત્ર.
નિખિલે કહ્યું સાગરે જ તને કહેવાનું કહ્યું છે. મેં કહ્યું ઓકે ભાઈ બોલ શું વાત છે ? નિખિલે આગળ ઉમેર્યું કે સાગર અને સરલ વચ્ચે આમ તો કંઈ તકલીફ નથી પરંતુ તું સરલને સારી રીતે જાણે છે એ છે એકદમ "ફ્રી માઇન્ડેડ છોકરી" પરંતુ એ દરેક જોડે એકદમ ફ્રી રીતે વર્તે છે અર્થ કે એ બીજા વિભાગવાળા જોડે પણ વાતો કરે છે અને અમુકવાર ફરવા પણ ગઈ છે, તેથી સાગર થોડો ચિંતામાં છે. એની જોડે વાત ઊડતી ઊડતી આવી હતી કે સરલ આમ સરલ તેમ. બધાને ખબર જ છે કે સરલ સારી છોકરી છે પરંતુ તને તો ખબર જ છે કે લોકો કેવા હોય છે છોકરો ૪ છોકરી જોડે વાત કરે તો લોકોને કંઈ જ ફરક ના પડે પરંતુ જો છોકરી ૨ છોકરા સાથે ફક્ત ઉભી હશે તોપણ લોકો ૧૦ વાતો કરતા અચકાતા નથી. અંતે લોકો ચરિત્રની વ્યાખ્યા આપશે તું સમજે છે ને હું શું કહું છું આમ તો આ વાત એટલી મોટી અને ગંભીર પણ નથી પરંતુ તું તારી રીતે સરલને સમજાવ.અને આમ પણ ભાઈ ! મહિના પહેલા તને ખબર જ છે ને સરલ સિનિયર સાથે બેઠી હતી ત્યારે પણ લોકો ઉંધી વાતો કરતા હતા. ખાલી બેસવાથી કંઈ નહીં પરંતુ અમુક વસ્તુ જયારે હદથી વધારે થાય ત્યારે લોકો જુએ તો ખરી જ, પબ્લિક એટલે સીસીટીવી કેમેરા.
આ બધું સાંભળીને હું તો વિચારતો જ થઈ ગયો અને મેં નિખિલને કહ્યું, આ વાત આટલે સુધી પહોંચી જશે મને અંદાજો નહોતો કારણ કે તને જણાવું સરલ દોસ્ત તો છે પરંતુ સાગરની જેમ જેમ નજીક આવી એમ એની મારાથી વાત ઓછી થઈ ગઈ તોપણ ચાલ ! હું મારી રીતે સરલ જોડે વાત પણ કરી લઈશ પરંતુ સૌથી મોટી વાત એ છે કે એ બંને જણા મારી પર ગુસ્સે હતા કારણ કે એમને એમ લાગતું હતું કે મેં ગ્રુપના બીજા મિત્રોને એમના પ્રેમ પ્રકરણ વિશે જણાવ્યું. અને વાત રહી સરલ વિશેની તો હાલ તારી જગ્યાએ ખુદ સાગરે મને આ વાત જણાવવી જોઈએ અને એણે તને જણાવી. નિખિલ, તું મને એમ જણાવ ભલે તને સાગર-સરલ વિશે ક્યારનીય ખબર હોય પરંતુ સાગરના મતે તો આજે જ ખબર પડી ને ! તોપણ એણે આજે જ આવી મહત્વપૂર્ણ વાત તને જણાવી પરંતુ મને નહીં આ વાત મારા ગળે ના ઉતરી મિત્ર. અને સાગર પોતે પણ આ વાત સરલને સમજાવી શકે છે ને ! હવે તો બંને એકબીજાને પ્રેમ કરે છે તો સરલ એની વાત સમજશે.
નિખિલે કહ્યું કે ભાઈ તારી બધી જ વાત સાચી. પરંતુ સાગર હાલ ચિંતામાં હતો અને મને એમના પ્રેમની ખબર જયારે પણ પડી હોય પણ હું મિત્ર તો છું જ ને ! સાગરને એમ લાગ્યું કે હમણાં પાર્કિંગમાં તને બોલ્યો એટલે તું એનાથી નારાજ હોઈશ એટલે એણે મને કહ્યું કે તું આકાશને જણાવી દે. અને બીજી વાત સાગરે થોડા સમય પહેલા સરલ જોડે વાત કરેલી પરંતુ સરલે આ વાત થોડી મજાકમાં લીધી લાગે છે. યાર ! તારી વાત તો સરલ સાંભળે છે એ તારી ખાસ દોસ્ત છે તો આટલું કામ કરી દે.
મેં કહ્યું ઓકે ભાઈ! કાલે કોલેજમાં વાત, હું મારી રીતે સરલ જોડે વાત કરીશ. નિખિલે કહ્યું યે હુઈ ના બાત ! અને પછી એણે કહ્યું કે ચાલ! આઈસક્રીમ ખવડાવું. મેં કહ્યું ચાલો ત્યારે, અને અમે આઈસક્રીમના સ્વાદની મજા માણી. નિખિલે કહ્યું હવે ઘરે જઈશું જમવાનું પણ છે પછી અમે બંને પોતપોતાના ઘર તરફ રવાના થયા.
હું ઘરે ગયો મમ્મીની તબિયત ખરાબ હોવાથી જમવાનું બનાવ્યું અને અમે બધાએ જમી લીધું ત્યારબાદ હું બહાર આંટા મારતો હતો અને આજની આખી વાત પર વિચાર કરી રહ્યો કે સરલ જોડે કાલે મસ્ત રીતે વાત કરી દઉં અને જે પણ હોય પરંતુ સાગરે બરાબર વિચાર્યું કારણ કે આમાં સરલનું જ નુકસાન છે. આમ વિચારોમાં ફરતો ફરતો હું ઘરે પહોંચ્યો ત્યારબાદ મીઠી નીંદર માણી.
સવારે વહેલા ઉઠ્યો, બધા કામ પતાવીને કોલેજ જવાનું હતું. કામના કારણે કોલેજમાં મોડો પડ્યો અને ક્લાસમાં પહોંચ્યો તો લેકચર ચાલતું હતું, હું તરત મારી પાટલીએ જઈને બેસ્યો.આજે તો એકપણ લેકચર ખાલી જ નહોતું જેમાં હું સરલ જોડે વાત કરી શકું. છેવટે છેલ્લા લેકચરમાં સર આવ્યા જ નહીં તો મેં વિચાર્યું આ સારો મોકો છે હું તરત જ સરલ પાસે ગયો અને સરલને કહ્યું બહાર આવને થોડી વાત કરવી છે. તો સરલે કહ્યું બોલ આકાશ ! અહીંયા જ જણાવ ને શું વાત કહેવી છે ? મેં કહ્યું તું ચાલને બહાર તો વાત કરતા ફાવે એમ ! સરલે કહ્યું અહીંયા જ વાત કરવી હોય તો કર. ચાલ ! એક કામ કર ખૂણામાં જે છેલ્લી પાટલી છે ત્યાં જ મને વાત કરી દે ને બહાર કોણ જાય યાર. મેં કહ્યું ઓકે !
હું અને સરલ છેલ્લી પાટલીએ ગયા પછી સરલે કહ્યું કે બોલ આકાશ શું વાત કરવી હતી. મેં કહ્યું સરલ તું મારી ખાસ દોસ્ત છે એટલે તને જણાવું છું, યુ આર ગુડ ગર્લ પરંતુ તું બધા જોડે એકદમ ફ્રી અને મસ્ત રીતે રહે છે એ આમ તો બરાબર છે પરંતુ લોકોની વિચારધારા વિશેની તો જાણ છે જ તને, સૌપ્રથમ તો ઊંધું જ વિચારે. સરલે થોડા ગંભીર શબ્દોમાં કહ્યું સીધી વાત કર આકાશ શું કહેવા માંગે છે ? તો મેં કહ્યું કે તું બીજા વિભાગવાળા જોડે ફરે છે ને તેથી અમુક લોકો તારી ખોટી વાતો ઉડાવે છે. તું તારી જગ્યાએ સાચી પણ બીજા બધા ? અને તરત જ સરલે કહ્યું આકાશ ! તું પણ મારા વિશે આવું વિચારે છે ? મેં કહ્યું, અરે ના તું સમજી નહીં યાર હું તને ફક્ત જણાવું જ છું. મારા ધ્યાનમાં આવ્યું એટલે તને કહ્યું પછી તું સમજી લે કે લોકો ચરિત્ર વિશે વાત કરશે.
આ સાંભળીને સરલ ગુસ્સામાં આવી ગઈ અને એણે કહ્યું ચરિત્ર ! ચરિત્ર ! ચરિત્ર ! હાલ તો આકાશ તું જ મારા ચરિત્ર વિશે બોલી રહ્યો છે એવું નથી લાગતું તને. મને તો નવાઈ જ લાગી કે હું એને શું કહું છું અને એ શું સમજે છે ? પછી મેં કહ્યું કે સરલ હજી પણ તું ઊંધું વિચારી રહી છે, શાંતિથી સમજ હું શું કહેવા માંગુ છું અને તું ગુસ્સો કરે છે. હું તારો દોસ્ત છું એટલે કડક શબ્દોમાં કહું છું હવે આ બધું મૂકી દે નહીં તો ખોટેખોટું જેમ તારી મમ્મી... અને આગળ હું કંઈ બોલવા જાઉં અને ત્યાં જ મારા ગાલ પર સરલે થપ્પડ મારી દીધી! મને તો ખબર જ ના પડી કે આ શું થઈ ગયું ? અને મેં જોયું તો આખા ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ હતી અને બધા જ લોકો મારી સામે જોઈ રહ્યા હતા. મારા શ્વાસની ગતિ વધી ગઈ હતી !
સરલે ગુસ્સામાં મને કહ્યું શું બોલ્યો તું મારી મમ્મી વિશે શું બોલ્યો ? અને હા ! તું મારો દોસ્ત છે મારી મમ્મી નથી તે આટલો હક કરે છે. મારા વિશે તારા મનમાં જે હોય એ કાઢી દે જે. સરલના શબ્દો મને તીરની જેમ વાગી રહ્યા હતા સાચે જ મને કંઈ જ ખબર નહોતી પડી રહી કે આ બધું શું થઈ ગયું ? હું પાટલીમાંથી બહાર નીકળ્યો અને બેગ લઈને તરત જ ક્લાસની બહાર નીકળી ગયો, બધા મારી સામે જોઈ જ રહ્યા હતા.
હું ફટાફટ પાર્કિંગમાં ગયો અને બાઈક લઈને ઘરે જવા માટે નીકળ્યો.
તમે મારી પરિસ્થિતિ સમજી શકો છો હવે આગળની વાત માટે તમારે ૧૭ માં ભાગની રાહ જોવી પડશે.
સ્માઈલ પ્લીઝ
(ઘણીવાર પરિસ્થિતિ અનુકૂળ નથી હોતી પરંતુ ચહેરા પરથી સ્માઈલ ના જવી જોઈએ)
વધુ આવતા અંકે...........