*એક નવો સંઘર્ષ* વાર્તા... ૨૧-૫-૨૦૨૦
અમિતા બહેને દસ વર્ષની સુહાનીને કહ્યું કે બેટા આજે સવારથી કમરમાં અસહ્ય દુખાવો છે તો આ ટ્યુબ લગાવી દેને...
આ સાંભળીને સુહાની એ મોં બગાડ્યું અને કહ્યું કે જોતાં નથી હું મોબાઈલ માં ટીકટોક માટે વિડિયો બનાવી રહી છું હું કંઈ નવરી નથી તમારી જેમ...
આ સાંભળીને અમિતા બહેન વિચારોમાં ખોવાઈ ગયા કે એ સુહાની જેટલા ઉંમરનાં હતાં ત્યારે દાદીમા નાં પગ દાબી દેતાં રોજ અને દાદીમાં ની વાર્તાઓ અને વાતો સાંભળતા...
પણ અત્યારે તો આ મોબાઈલ ( ડબલાં ) એ તો ભારે કરી છે ... પહેલાં સારું હતું કે એ કાળાં ટેલિફોન ડોઘલા હતાં અને એ રૂમમાં વડીલ બેઠાં હોય એટલે પૂછ્યાં વગર ફોન પણ નાં કરી શકાય...
અને અત્યારે તો બધાં નાં અલગ અલગ ડબલાં અને એય આખો દિવસ એમાં જ ખોવાઈ ગયેલા હોય છે..
એ નાનપણ વડીલોની આજ્ઞા માનવામાં ગયું અને જવાનીમાં મા બાપ ની પસંદગી નાં પાત્ર સાથે લગ્ન કર્યા અને સંયુક્ત કુટુંબમાં પરણીને આવી ...
પણ ત્યારે સાસુમા ની આજ્ઞા માનવાની અને એ કહે એમ જ રેહવાનુ ...
લગ્ન પછી એકાએક ઘરમાં આફતો ટૂટી પડી અને ધમધોકાર ચાલતો ધંધો ખોટમાં ગયો એ આઘાત ના જીરવાતા સસરા ને હ્રદય રોગનો હુમલો થયો અને એ બચી નાં શક્યાં..
ઘરમાં એક ટેલિફોન હતો પણ પિયર કે કોઈ સગાં સંબંધીને ફોન કરવો હોય તો રજૂઆત કરવી પડે અને એ પણ સાસુમા ટેલિફોન પાસે બેસી રહે કે જેથી આડાં અવળી વાત થાય નહીં...
પતિ સંજીવ એ નોકરી શોધી અને જીવન જીવવા સંઘર્ષ ચાલુ કર્યો...
કશો પણ વાંક નાં હોય છતાં ય સાસુમા રોવડાવી દેતાં..
એક દિવસ અમિતાએ ફરિયાદ કરી સંજીવને તો એણે તો પોતાની મા નો જ પક્ષ લીધો અને એને અપશબ્દો બોલી ગેર જિમ્મેદાર કહી...
આ સાંભળીને અમિતા ખૂનના આંસુ પી ગઈ..
એક દિવસ ઓફિસથી પાછાં ફરતાં સંજીવ ને અકસ્માત થયો અને ઘટના સ્થળે જ મૃત્યુ થયું...
અમિતા પર તો આભ ટૂટી પડ્યું એક નાનો દિકરો મિત બે વર્ષ નો જ હતો અને વૃધ્ધ સાસુમા ની જવાબદારી...
અમિતા એ નોકરી માટે પ્રયત્ન કર્યા પણ નાં મળતાં એણે લોકો ને ઘરે જઈને રસોઈ કરવાની ચાલું કરી એમાં થોડીઘણી આવક થવા લાગી બપોરે જે બે કલાક મળતાં એમાં એણે પાપડ, નાસ્તા ઓર્ડર પ્રમાણે બનાવી આપતી આમ જીવન એક સંઘર્ષ છે અને એને જીતવો જ રહ્યો માની એણે અથાગ મહેનત કરીને મિત ને સી.એ બનાવ્યો...
સાસુમા ની તબિયત અચાનક બગડતાં એ પણ અમિતા ને આ જીવન સંઘર્ષ માટે એકલી મૂકીને જતાં રહ્યાં...
અમિતાએ મિત ને મહેનતથી ભણાવ્યો પણ સી.એ થતાં જ મિત એની સાથે ભણતી શ્રુતિ ને પરણીને ઘરે લઈ આવ્યો..
અમિતા આંચકો ખાઈ ગઈ...
એણે પુત્રની ખુશીમાં પોતાની ખુશી ગણી...
શ્રુતિ એ આવીને ઘર પર પોતાનો કબજો જમાવી દીધો..
એક દિવસ મિત ને રજા હતી શ્રુતિ એ રસોઈ કરી હતી અને અમિતા ને થાળી પીરસી આપી એ લોકો ડાઈનીગ ટેબલ પર જમવા બેઠા....
પહેલો કોળિયા ભરતાં જ અમિતા ને ભીંડા નું શાક કાચું લાગ્યું અને દાળમાં ખટાશ વધું લાગી એમણે કહ્યું કે શ્રુતિ બેટા શાક અધકચરું છે અને દાળમાં ગળપણ થોડું ઓછું છે આ સાંભળીને મિત એકદમ ગુસ્સે થયો અને કહે ચૂપચાપ ખાઈ લો નવરાં બેઠા કચકચ કરવાની ટેવ પડી છે...
અમિતા તો ડઘાઈ જ ગઈ અને આંખમાં આંસું સાથે ગળે કોળીયા ઉતારી દીધા...
એ વિચારી રહ્યા કે એ જમાનામાં સાસુમા નો વાંક હોય તોય પતિએ મારો પક્ષ નાં લીધો અને આ નવાં યુગમાં પુત્ર હું સાચી હોવાં છતાંયે પત્ની નો પક્ષ લીધો...
આવું નાની મોટી વસ્તુઓ માં બનતું કે અમિતા કંઈ કહે તો મિત કે શ્રુતિ તરતજ બોલે કે તમને ખબર નાં પડે ચૂપચાપ પડી રહોને...
અમિતા બહેન વિચારોમાં થી બહાર આવ્યા અને એક નિસાસો નાખ્યો કે મારે તો આખી જિંદગી સંઘર્ષ માં જ ગઈ ભલે ને જમાનો બદલાયો નવાં નવાં અધતન સુવિધાઓ આવી...
પણ મારું જીવન તો એ કાળા ટેલિફોન નાં ડોઘલા જેવું જ રહ્યું જે આ લેટેસ્ટ મોબાઈલ નાં જમાનામાં જીવવા સંઘર્ષ કરવો જ રહ્યો....
ભાવના ભટ્ટ અમદાવાદ.....