Bhjiyawadi - 5 in Gujarati Love Stories by Pradip Prajapati books and stories PDF | ભજિયાવાળી - 5

Featured Books
Categories
Share

ભજિયાવાળી - 5

નજર ચૂક


રાત્રે અચાનક ઊંઘ ઊડી..સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી...મોબાઈલમાં ટાઈમ જોયો. સવારના સાડા ચાર વાગ્યા હતા. ગામડામાં અગાસી પર સૂવા જેવી મજા ફાઈવસ્ટાર હોટેલમાં પણ ના આવે. હું સોશિયલ મીડિયા પર ટાઈપ પાસ કરવા લાગ્યો. થોડીવાર પછી ખાટલા પર બેઠો અને અગાસી પરથી આખું ગામ જોવા લાગ્યો. એ જૂનો વાસ, નવો વાસ, હાટડી વાળી ગલી..આ એક જ જગ્યાઓ હતી જ્યાં અમે વેકેશનમાં અને શનિવારની રાત્રે સંતાકૂકડી રમતાં. ગ્રીષ્મા પણ અમારી સાથે જ રમતી અને એની બહેનપણીઓ કુંડાળા રમતી. હજી તો કાલની વાત હોય એમ લાગતું હતું. કેટકેટલું બદલાઈ ગયું થોડાક સમયમાં ! આજે ગામડામાં બાળકો મોબાઈલ અને ટીવીમાં જ વ્યસ્ત છે. ઘરની બહાર નીકળે તોય વેબસીરીઝ મેં ફિલ્મની વાતો કરે અથવા ગેમ રમે. જૂની રમતોને કોણ સાચવશે ? ખબર નહીં કેમ અચાનક સવાર સવારમાં મને આવા વિચાર આવવા લાગ્યા. અમારા ઘરના પાછળ માળીનું ઘર ને ત્યાં અમે બધા સંતાઈ જતા. ગ્રીષ્મા સવજીકાકાના છકડામાં સંતાઈ જાય અને મને કોઈ જ જગ્યા નહોતી મળતી એટલે હું ચાર પાંચ જણ સાથે માળીના ઘરે સંતાઈ જતો. પણ હવે સમય બદલાઈ ચુક્યો હતો. એ બધા મિત્રોને ભેગા કરવા જ અશક્ય છે. આ વિચારોમાં જ છ વાગી ગયા અને હું મોર્નિંગ વોક માટે નીકળ્યો. ઘરથી થોડે જ દૂર પહોંચતા જ જોયું કે કેટલાક લોકો અગરબત્તી અને ઘંટી લઈને પ્રભાતફેરી માટે નીકળ્યા હતા. બાળપણમાં હું પણ આમ જ સવાર સવારમાં પ્રભાતફેરીમાં નીકળતો. અમે ઘરે ઘરે જઈએ, પક્ષીઓ માટે અનાજ અને કૂતરા માટે રોટલી ભેગી કરીએ. જાણે લાગતું હતું કે હું એજ બાળપણ પાછો આવી ગયો. એ પ્રભાતફેરીવાળા ભાઈની નજીક હું ગયો અને કહ્યું, થોડીવાર ઊભા રહો, મારે પણ આવવું છે..! એમણે મોઢું હલાવીને હકારમાં જવાબ આપ્યો. હું ફટાફટ ઘરે જઈને કપડાં બદલાવીને, અગરબત્તી લઈને એમની સાથે નીકળી પડ્યો. મેં ઘંટી લીધી અને શ્રી રામ..જય રામ..જય જય રામ બોલતા બોલતા ઘરે ઘરે જઈને રોટલી કે અનાજ માંગવા લાગ્યા. એક ભાઈ તો પ્રભાતિયા પણ ગાય. થોડે દૂર પહોંચ્યાને ગ્રીષ્માનું ઘર આવ્યું. એના મમ્મી દુકાનના ઓટલે કચરો કાઢતા હતા. એમની નજીક ગયો અને એમણે મને જોયો અને કહ્યું, અરે ગૌરવ...આજે તું આવ્યો છે! બહુ સારું કર્યું...! હું જુવાર લઈને આવું. ગ્રીષ્માના મમ્મી જુવાર લઈને આવ્યા અને મારા સામે જોતાં જ રહ્યાં. અમે બધા આખું ગામ ફર્યા ત્યાં તો સવારના આઠ વાગી ગયા હતા. હું ઘરે પહોંચ્યો અને ડેલીમાંથી અંદર જાઉં ત્યાં તો ભાભીએ કહ્યું, ઓહોહો... દેવરજી આજે તો પ્રભાતફેરી કરીને આવ્યા...એકલા હતા કે પછી...! મેં કહ્યું, ભાભી હું તો બસ એમ જ ગયો હતો. ભાભીએ મારી ખેંચતા કહ્યું, "હા..નહીં તમે તો બધે એમ જ જાઓ છો...તો ચાલો હવે એમ જ નાસ્તો કરી લો કે એ પણ કરીને આવ્યા છો..! ભાભીની મજાક મસ્તીથી માઈન્ડ ફ્રેશ થઈ જતું. હું નાસ્તો કરવા બેઠો.


તૈયાર થઈને ભાઈ સાથે ખેતરમાં ગયો. મારા ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગમાં બહુ જ માને એટલે ખેતરના એક ભાગમાં અવનવા પ્રયોગો કરે અને મોટા મોટા શેઠ અને બિઝનેસમેનના ઘરે અમારા ખેતરથી જ પાક જાય. ખેતરમાં બૂરે જમીને છાંયડામાં ખાટલા પર સુવાની મજા બીજે ક્યાંય ન મળે. બપોરનું શાંત વાતાવરણ અને એમાંય તમરાનો અવાજ. હું જ્યારે પણ શાંત જગ્યાએ બેસું ત્યારે મનમાં એક વિચાર તો ચાલતો જ હોય કે શું હું હવે પાછો પરદેશ જઈ શકીશ. કાકા-કાકી, ભાઈ-ભાઈ. નિઃસ્વાર્થ પ્રેમ કરતાં ચિરાગ, રામ અને જીજ્ઞેશ જેવા મિત્રો અને ગ્રીષ્મા ! ઘણું અઘરું હશે. પણ હજી તો એક મહિનો બાકી છે ને....થઈ જશે. આમ કહીને મનને મનાવી લઉં. બપોરના ત્રણ વાગ્યા અને ભાભી ખેતરે આવ્યા. ત્યારે ભાઈએ કહ્યું, ગૌરવ તારે જાઉં હોય તો હવે જા. હું ભાઈની બાઇક લઈને ગામ તરફ જવા લાગ્યો. બજારમાં ગ્રીષ્માની દુકાન પર ચિરાગ અને રામ ઊભા હતા. હું ત્યાં ગયો. રામ બોલ્યો, અરે ગૌરવ... ક્યાં ગયો હતો. મેં કહ્યું, રામ આ તો મારે પૂછવું જોઈએ ને. રામે કહ્યું, રાજકોટ ગયો હતો ગેરેજ માટે પાર્ટ્સ લાવવા. ચિરાગે કહ્યું, તું વાડીએ ગયો હતો ને ? મેં કહ્યું, હા...ત્યાં તો ગ્રીષ્માનો અવાજ આવ્યો. એ બોલી, કેટલા કિલો કરું ? ચિરાગે કહ્યું, ચાર કિલો. મેં કહ્યું, ચિરાગ તું ચાર કિલો ભજિયા ખાઈ જઈશ ? ચિરાગે કહ્યું, એ ના ના..આ તો ઘરે રાત્રે મહેમાન આવે છે તો. મેં કહ્યું, બરાબર. રામ આખી વાતમાં ટ્વીસ્ટ મુકવા વચ્ચે બોલ્યો, એ ગૌરવ આને પૂછતો ખરી કે કોણ મહેમાન આવે છે? હું બોલ્યો, અરે હા ચિરાગ...ક્યાંક તારું નક્કી તો નથી થયું ને? ચિરાગ લગ્ન માટે ઉત્સાહિત હોય એ રીતે શરમાવવા લાગ્યો અને ધીમેથી બોલ્યો, ના હજી તો વાત ચાલે છે. હું કંઈ બોલું એ પહેલાં ચિરાગ બોલ્યો, એ ગૌરવ હું શું કહું છું કે આ વાત કોઈને કેજે નહીં ને...આ રામલાની જેમ તું ચાંપલો ના થજે. હું હસવા લાગ્યો. ગ્રીષ્મા ભજિયા બનાવતી હતી. એની નજર તો ભજિયા તરફ હતી, પણ એના કાન અમારી તરફ હતા અને બધી જ વાત ધ્યાનથી સાંભળતી હોય એવું લાગતું હતું. હું, ચિરાગ અને રામ વાતો કરતાં હતાં અને ત્યાં તો જોયું કે ચૂલાનો નીચેનો ભાગ તૂટ્યો અને ઉકળતા તેલની કડાઈ ગ્રીષ્માની તરફ આવી. મેં ગ્રીષ્માને બૂમ પાડી અને એનો હાથ પણ ખેંચ્યો. ગ્રીષ્માએ પણ બૂમ પાડી. થોડીવાર માટે તો બધાં સ્તબ્ધ થઈ ગયા. તેલ નીચે પડ્યું અને ચોકમાં બધા ભેગા થઈ ગયા. ગ્રીષ્માના મમ્મી હાંફતા હાંફતા ઘરમાંથી બહાર આવ્યા. ગ્રીષ્માને કાંઈ ના થયું, બસ થોડાક તેલના છાંટા એના કપડાં પર ઉડ્યા હતા. પણ...ગ્રીષ્માને બચાવવા જતા મારા હાથ પર તેલ ઉડયું હતું. ટીશર્ટ પહેરી હોવાથી વધારે બળતું હતું. મેં ગ્રીષ્માને સાઈડમાં ઊભી રાખી અને જોયું તો મારા હાથ પર તેલ ઉડયું હતું અને અડધો હાથ લાલ લાલ થઈ ગયો. ગ્રીષ્મા આ જોઈને બૂમ પાડવા લાગી...બધા લોકો કહેવા લાગ્યા દવાખાને લઈ જાઓ જલ્દી. ચિરાગ દોડતો ગયો અને સામે એના કોઈક મિત્રની ગાડી લઈ આવ્યો. બધાએ મને બેસાડ્યો. હાથમાં અસહ્ય બળતરા થતી હતી. મારી આંખમાં આંસુ આવી ગયા અને ગ્રીષ્મા એની દુકાનમાં એક જગ્યાએ ઊભી ઊભી મને જોઈને રડતી હતી. એકવાર માટે તો એ અને હું એક મિનિટ માટે આંખમાં જોવા લાગ્યા. અને એ એક મિનિટ મને કંઈક જ નહોતું અનુભવાતું...સામેથી ડૉક્ટર ધનજીભાઈ દોડતા આવ્યા અને બોલ્યા, પેલા મારે ત્યાં લઈ આવો.મને ચિરાગે ઉતાર્યો અને ત્યાં લઈ ગયા. મારા હાથમાં ઇન્જેક્શન આપ્યું અને પાટો બાંધ્યો. ધનજીભાઈએ મને જામનગર લઈ જવા કહ્યું. અને ચિરાગે અને રામે મને ફરીથી એજ ગાડીમાં બેસાડ્યો. હું પાછળની સીટ પર સુઈ ગયો. આંખ ખુલી તો ડૉક્ટર મારા હાથનું ડ્રેસિંગ કરતાં હતા. ડૉક્ટરે કહ્યું, સ્કિન થોડી બળી ગઈ છે, એકાદ મહિનામાં ઠીક થઈ જશે. મારી આજુબાજુ ભાઈ-ભાઈ, કાકા-કાકી અને ચિરાગ, રામ અને જીજ્ઞેશ હતા. બધા એક પછી એક બહાર ગયા...અને ભાભી મારી નજીક આવ્યા અને બોલ્યા, શું જરૂર હતી ત્યાં જવાની ! ભાભીની આંખમાં આંસુ હતા. ભાભીએ કહ્યું, હવે આજ પછી ભજિયાનું નામ ના લેજો. હું હસવા લાગ્યો. એ પણ બહાર ગયા. થોડીવાર પછી રૂમનો દરવાજો ફરીથી ખુલ્યો અને જોયું તો ગ્રીષ્માના મમ્મી હતા. એમની આંખમાં અફસોસ અને આંસુ ચોખ્ખા દેખાતા હતા. એ મારી બાજુમાં આવ્યા અને માથા પર હાથ રાખીને બોલ્યા, ગૌરવ..આજે તું ના હોત તો ખબર નહીં મારી ગ્રીષ્માને શું થઈ જાત. એ તો સૂનમૂન એમને એમ બેઠી છે. પોતાની જાતને કહે છે કે બધો વાંક મારો હતો. હું બોલું એ પહેલાં તો ભાભી આવ્યા અને બોલ્યા, ગૌરવને આરામની જરૂર છે.



(ક્રમશઃ)



લેખક : પ્રદિપ પ્રજાપતિ