THE CURSED TREASURE - 8 in Gujarati Adventure Stories by Chavda Ajay books and stories PDF | શ્રાપિત ખજાનો - 8

Featured Books
Categories
Share

શ્રાપિત ખજાનો - 8

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું,

વિક્રમ અને રેશ્મા બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માટે રાજસ્થાન આવે છે. અને એમને રણમાં થોડા જુના તંબુઓ દેખાય છે જ્યા વર્ષો પહેલાં કોઇ ઘટના ઘટી હશે. રેશ્માને જમીન પર એક દરવાજો દેખાય છે અને એ બંને એ દરવાજા પર લાગેલું તાળું તોડીને અંદર ઉતરે છે. હવે આગળ....

* * * * *

ચેપ્ટર - 8

અંદર ઘોર અંધકાર હતો. વિક્રમે પોતાની મીની ટોર્ચ ચાલુ કરી. ટોર્ચના અજવાળામાં એણે નજર કરી કે એ સુરંગ લાંબી હતી. અને જમીનમાં અંદર સુધી જઈ રહી હતી. રેશ્મા એની પાછળ અંદર ઉતરી. એણે પણ પોતાની ટોર્ચ ચાલુ કરી. ટોર્ચને ચારેબાજુ ફેરવીને એણે સુરંગને પુરી રીતે સમજવાનો પ્રયત્ન કરી રહી હતી.

સુરંગ આકારમાં લગભગ ચોરસ હતી. અને આગળ ઉત્તર દિશામાં લંબાએલી હતી. એ લોકો જ્યાંથી ઉતર્યા હતા ત્યાંથી ફક્ત એક જ દિશામાં જવાતું હતું. રેશ્માએ વિક્રમને પ્રશ્ન કર્યો, " વિક્રમ, આ સુરંગ ક્યાં જતી હશે?"

વિક્રમે જવાબ આપતા કહ્યું, " ખબર નહીં. એ તો આગળ જઇને જ ખબર પડશે. પણ જરા ચાલવામાં ધ્યાન રાખજે. કદાચ અહીંયા ટ્રેપ હશે."

રેશ્મા એની વાત સાથે સહમત હતી. એક આર્કિયોલોજીસ્ટ હોવાના નાતે એ સારી રીતે જાણતી હતી કે આવી સદીઓ જૂની જગ્યાઓ જેને બધાથી છૂપાવી રાખવામાં આવે છે ત્યાં સુધી પહોંચવાના રસ્તામાં ઘણા જાળ બિછાવેલા હોય છે. જેથી કોઇ એ જગ્યા સુધી ન પહોંચે."

વિક્રમ અને રેશ્મા બંને સુરંગમા ધ્યાનપૂર્વક આગળ વધી રહ્યા હતા. એક એક કદમ ફુંકી ફુંકીને મૂકવો ખૂબ જરૂરી હતો. એક ખોટો કદમ અને કદાચ કોઇ ટ્રેપ એક્ટિવેટ થઇ જાય તો એમના જીવ ઉપર આવી બને.

બંને ટોર્ચનાં અજવાળામાં સાવચેતીથી ચાલી રહ્યા હતા. એટલામાં થોડે આગળ જતા સુરંગ બે રસ્તામાં ફંટાઈ ગઈ. હવે આ બંનેમાંથી સાચો રસ્તો કયો હશે એ જાણ્યા વગર આગળ જવુ જરા પણ સલામત ન હતું. એટલે બંને ત્યાં જ ઉભા રહીને વિચારવા લાગ્યા. વિક્રમે બંને રસ્તા પર વારાફરતી ટોર્ચ મારી. બને રસ્તા એક જેવા જ દેખાય રહ્યા હતા. વિક્રમે રેશ્માને પુછ્યું, " આમાંથી સાચો રસ્તો ક્યો હશે?"

રેશ્માએ વિક્રમ સામે જોઇને કહ્યું, " હા... હું તો અહીંયા રોજ આવું છું ને... કે મને ખબર હોય.. મને ક્યાં થી ખબર પડે..?" રેશ્માએ કટાક્ષ કરતા કહ્યું.

" તારી અંદરનો આર્કિયોલોજીસ્ટ શું કહે છે?" વિક્રમે સ્માઇલ કરતા કહ્યું. એ રેશ્મા સાથે મસ્તી કરી રહ્યો હતો. જેમાં એને મજા આવી રહી હતી.

રેશ્મા એના આ વાક્યથી વધારે ઉશ્કેરાઈ ગઇ. એણે કહ્યું," એક મિનિટ. આ ' અંદરનો આર્કિયોલોજીસ્ટ' વળી શું? ' અંદર'ની' આર્કિયોલોજીસ્ટ' એમ બોલી શકતો હતો ને? તને ખબર છે ને વિશ્વ વિખ્યાત આર્કિયોલોજીસ્ટ લારા ક્રોફ્ટ પણ લેડી છે."

" લારા ક્રોફ્ટ એક વિડિયોગેમ નું પાત્ર છે." વિક્રમે રમુજ કરતા કહ્યું. જવાબમાં રેશ્માએ કહ્યું," હા પણ મારી ફેવરિટ શીરીન રત્નાગર તો નથી ને. એ પણ એક મહિલા આર્કિયોલોજીસ્ટ છે. પણ તમારો પુરુષ પ્રધાન સમાજ ક્યારેય સ્ત્રીઓની સફળતા નથી જોઇ શકતીને? "

હવે વિક્રમ ઉશ્કેરાયો," અરે.. મે એવું ક્યાં કીધું?"

" પણ તારો કહેવાનો મતલબ તો એવો જ હતોને? " રેશ્માએ ટોણો મારતા કહ્યું.

વિક્રમે હવે કંટાળતા કહ્યું," રેશ્મા, આ કોઇ જગ્યા છે 'સ્ત્રી - પુરૂષ સમાનતા' આંદોલન ચલાવવાની?" આ બંને માંથી કઇ બાજુ જવું એ વિચારને. "

" મારી પાસે એક રસ્તો છે." રેશ્માએ શાંત પડતાં કહ્યું.

" શું રસ્તો છે? "

રેશ્માએ બંને રસ્તામાંથી જમણી બાજુના રસ્તા પર ટોર્ચ મારીને કહ્યું, " તું આ રસ્તા પર ચાલ્યો જા. જો તું જીવતો બચી ગયો તો મતલબ કે એ રસ્તો સાચો હશે. " રેશ્માએ રમતિયાળ સ્મિત કરતા કહ્યું.

વિક્રમે એની તરફ એક અછડતી નજર કરી. અને કહ્યું," હા.. હું તો બલીનો બકરો જ છું ને.. યાર કંઇક લોજીકલ વિચાર."

રેશ્મા અને વિક્રમ બંને વિચારી રહ્યા હતા કે આ બે માંથી સાચો રસ્તો કયો હશે.

* * * * *

રણમાં જ્યાંથી વિક્રમ અને રેશ્મા બંને જમીનમાં આવેલી સુરંગમાં ઉતર્યા હતા ત્યાં જ કેટલાક હથિયાર ધારી વ્યક્તિઓ એ દરવાજા પાસે આવીને ઉભા રહ્યા. અને એ દરવાજાને ચારે બાજુથી ઘેરી લીધો. અને એમની પાછળથી એક વ્યક્તિ આવીને ઉભો રહ્યો. એની નજર દરવાજા પર સ્થિર થયેલી હતી. એની નજરમાં ગુસ્સો અને રોષ ભળેલો હતો. એણે એની બાજુમાં ઉભેલા એક વ્યક્તિ ને અમુક ઇશારો કર્યો. અને એના ઇશારા પર બધા વ્યક્તિઓ એક પછી એક સુરંગમા ઉતરી ગયા. અને એની પાછળ એ વ્યક્તિ પણ ઉતરી ગયો.

* * * * *

આ બાજુ વિક્રમ અને રેશ્મા એમની સામે આવેલી પહેલી સુલઝાવી રહ્યા હતા. અચાનક એની નજર એક પથ્થર પર પડી. અચાનક એના મગજમાં એક આઇડિયા આવ્યો. એને રેશ્માને કહ્યું," રેશ્મા મને એક આઇડિયા આવ્યો છે."

" શું?" રેશ્માએ પુછ્યું.

" બસ તું જોતી જા." કહીને એણે એક પથ્થર ઉપાડ્યો. પછી એણે એક નજર એ પથ્થર પર કરી. અને પછી એની સામેના બંને રસ્તા પર નજર કરી. એક રસ્તો ડાબી બાજુ અને એક જમણી બાજુ જઇ રહ્યો હતો. વિક્રમ ડાબી બાજુના રસ્તા તરફ આવ્યો. એક ઊંડો શ્વાસ લઇને એણે એ પથ્થરને ડાબી બાજુના રસ્તા પર ધીરે થી ફેક્યો.

પથ્થર દડદડ કરતો આગળ ગયો. હજુ થોડોક આગળ ગયો હશે ત્યાં જ... 'ધડામ..' જેવો એક મોટો અવાજ થયો. બે વિશાળ લંબચોરસ કદના પથ્થરો સુરંગની દિવાલો માંથી બહાર આવ્યા અને સુરંગની વચ્ચે એકબીજા સાથે અથડાણા. એક જોરદાર અવાજ થયો.

વિક્રમ અને રેશ્મા બંને તો હેતબાઇ જ ગયા. બંનેનો શ્વાસ ગળામાં જ અટવાઈ ગયો. બંનેના દિલ જોરજોરથી ધડકી રહ્યા હતા. એ બંને પથ્થરો વચ્ચે આવી ગયા હોત તો શું હાલત થાત એ વિચાર માત્ર એમના આખા શરીરને ધ્રુજાવી ગયો. જેવો પોતાના પર કાબુ આવ્યો એટલે વિક્રમ બોલ્યો, " વેલ.. આ જમણી બાજુનો રસ્તો જ સાચો છે.. ચાલ.. આપણે એ બાજુ જઇએ."

રેશ્મા નો પણ જીવ હેઠો બેસતા એ પણ વિક્રમની પાછળ પાછળ ચાલવા લાગી. બંને હવે પહેલાથી વધારે સાવચેતીથી ચાલી રહ્યા હતા. થોડું આગળ ચાલતા તેઓ સીડીઓ સુધી પહોંચ્યા. એ સીડીઓ જમીનમાં નીચે તરફ જઈ રહી હતી. બંને સીડીઓ ઉતર્યા.

સીડીઓ પુરી થતા તેઓ એક એક મોટા રૂમમાં પહોંચ્યા. એ રૂમ ખૂબ મોટો હતો. ટોર્ચના પ્રકાશમાં વિક્રમ અને રેશ્મા આખા રૂમને માપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલામાં વિક્રમની નજર એની જમણી બાજુ દિવાલમાં લગાડેલી મશાલ પર ગઇ. એણે એ મશાલને સળગાવી. એની મશાલ સળગાવતાં જ આખા રૂમમાં ઠેરઠેર લગાવેલી મશાલો એકસાથે સળગી ઉઠી. અને આખા રૂમમાં અજવાળું પથરાઇ ગયું. એ મશાલના પ્રકાશમાં બંનેએ આખા રૂમનું અવલોકન કરવાનું શરૂ કર્યું.

આખો રૂમ અષ્ટકોણીય હતો. આઠ માંથી સાત બાજુઓ દિવાલ હતી અને આઠમી બાજુ એ સીડીઓ હતી જ્યાંથી થઈને વિક્રમ અને રેશ્મા આ રૂમમાં પ્રવેશ્યા હતા. બાકીની છ દીવાલોમાં જમીનથી પાંચેક ફુટ ઉપર મશાલો લગાવેલી હતી. બધી જ મશાલોની નીચે કોઈ પુરુષ ની ધ્યાન મુદ્રામાં બેઠેલ મુર્તિ હતી. બધા જ પુરુષોના શરીર પર માત્ર ધોતી જ હતી. અને જનોઈ જેવી રચના પણ દેખાય રહી હતી. જેથી લાગતું હતું કે આ બધી જ મૂર્તિઓ બ્રાહ્મણોની હશે. બધી જ મૂર્તિઓની દાઢી પણ પેટ સુધી પહોંચે એવડી હતી. એકલે વિક્રમે અનુમાન લગાવ્યું કે કદાચ કોઇ ઋષિ મુનિ ની મૂર્તિઓ હતી. અને કમરાની એકદમ મધ્યમાં એક પથ્થર નું મોટું લંબચોરસ પેટી જેવા આકારનું એક બાંધકામ હતું. વિક્રમ અને રેશ્મા બંને એ બાંધકામ ને તરત ઓળખી ગયા. એ એક કબર હતી. હવે પ્રશ્ન એ હતો કે એ કબર કોની છે?

વિક્રમ નું ધ્યાન ખેંચનારી બીજી એક વસ્તુ એક દિવાલ હતી. એ દિવાલ સીડીઓની એકદમ સામે હતી. એ દિવાલ પર કોઇ મૂર્તિ કે મશાલ પણ ન હતી. વિક્રમે રેશ્માને અવાજ દઇને બોલાવી. એ એ વચ્ચેની કબર તપાસી રહી હતી. વિક્રમના બોલાવવા પર એ વિક્રમ પાસે ગઈ. વિક્રમે એ દિવાલ તરફ આંગળી ચીંધી. રેશ્મા એ દિવાલને જોઇ રહી.

એ દિવાલ બીજી બધી દિવાલોથી વધારે પહોળી હતી. એ દિવાલ પર ત્રણ મોટા કદના પથ્થરના વર્તુળો બનાવેલા હતા. બધા જ વર્તુળોના કેન્દ્રમાં કોઇ બોલ્ટ જેવી રચના હતી. જેનો મતલબ એ હતો કે આ વર્તુળો ફરી શકે એવી રીતે ગોઠવવામાં આવ્યા છે. એક વર્તુળ ઉપર હતું અને એની નીચે બીજા બે વર્તુળો એક બીજાને અડીને રાખવામાં આવ્યા હતા. ત્રણેય વર્તુળો એક બિંદુએ એકબીજાને સ્પર્શી રહ્યા હતા. અને એમની વચ્ચેની ખાલી જગ્યા પણ એજ આકારના એક પથ્થરથી ભરી દેવામાં આવી હતી.

વિક્રમ અને રેશ્મા બંને નું ધ્યાન ઉપલા ચક્ર પર ગયું એ ચક્ર પર એક આકૃતિ બનેલી હતી. એ એક પુરુષની આકૃતિ હતી. એના મોઢા પર મોટી દાઢી અને માથા પર મુગટ જેવી રચના હતી. પુરુષના ખભાની પાછળના ભાગમાં પણ થોડીક રચનાઓ બનેલી હતી. જે સિંહાસન જેવી લાગતી હતી. કદાજ આ કોઈ રાજાનું ચિત્ર હશે જે સિંહાસન પર બેઠો હશે. એ રાજાની છાતી સુધીનો ભાગ ઉપલા વર્તુળમાં હતો. એ સિવાયનો ભાગ બાકીના બંને વર્તુળોમાં હતો. આખી રચના એક મોટી પહેલી જેવી હતી.

" કદાચ આ બંને વર્તુળોને ફેરવવાથી આ પઝલ પુરી થશે અને પછી કંઇક થશે." રેશ્માએ કહ્યું.

" મને પણ એમ જ લાગે છે." વિક્રમે એની વાતમા સૂર પરોવતા કહ્યું. પછી એણે હાથેથી એ બંને ચક્રોને ફેરવવાનો પ્રયત્ન કર્યો. પણ એ પથ્થરના ભારેખમ ચક્રો હતા. જરા પણ હલ્યા નહીં. થોડીવારમાં વિક્રમે હાર માની લીધી.

એટલામાં રેશ્મા નું ધ્યાન એ ચક્રોની વચ્ચે રાખવામાં આવેલા નાના ચક્ર પર ગયું. એ ચક્ર થોડું બહાર નીકળેલું હતું. રેશ્માએ એના પર હાથ મુક્યો. અને એના હાથ મુકતા જ એ નાનુ ચક્ર અંદર દબાઇ ગયું અને મોટું ચક્ર ઘડિયાળની દિશામાં ફર્યું. થોડુક ફરીને એ સ્થિર થઈ ગયું. અને અંદર ગયેલું નાનું ચક્ર ફરી બહાર આવી ગયું. વિક્રમ રેશ્મા બંને ચોંક્યા. વિક્રમે રેશ્માને પુછ્યું, " તને કઈ રીતે ખબર પડી કે આ કામ કરશે?"

જવાબમાં એણે કહ્યું, " ખબર નહીં. મે તો બસ તુક્કો લગાવેલો. પણ લાગી ગયો." રેશ્માએ કહ્યું.

" ચાલ હવે તું ડાબા ચક્રને ફેરવ હું જમણાને ફેરવું છું." વિક્રમે કહ્યું. રેશ્માએ ડાબા ચક્રને ફેરવવાનું શરૂ કર્યું. આ ચક્રમાં રાજાના શરીરનો ડાબો ભાગ હતો. અને એનમાં પગની પાસે પાયા જેવી રચના હતી જે સિંહાસનની હતી. એ રચના ઊંધી સ્થિતિમાં હતી. ચક્રના વચ્ચેના વર્તુળને ચાર પાંચ વાર દબાવવાથી એ એકદમ સાચી પોઝિશનમાં આવી ગઈ અને ઉપરના વર્તુળમાં રહેલા શરીરના બીજા ભાગ સાથે મેચ થઈ ગઈ.

દરમિયાન વિક્રમે પણ જમણી બાજુના ચક્રને ફેરવીને એને સાચી પોઝિશનમાં લાવી દીધું. જેવી આખી આકૃતિ પુરી થઇ એટલે તરત જ દિવાલની બહાર નીકળેલા એ વર્તુળો અંદર દબાઇ ગયા. અને દિવાલ સાથે એકરૂપ થઈ ગય. જાણે એ હંમેશાથી દિવાલનો જ ભાગ હોય એમ. હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. એ એક રાજાનું ચિત્ર જ હતું. પણ એ રાજા કોણ હતો કે ક્યાંનો હતો એ એમને ખબર ન હતી. કદાચ સંબલગઢનો રાજા હશે! હોઇ શકે છે.

જેવી એ પહેલી સુલઝી એવું જ કમરાની છતમાંથી પ્રકાશનું એક કિરણપૂંજ કબર પર પડ્યું. કબર પર પડતાંજ એક ' ટક' એવો અવાજ ક્યાંક થી આવ્યો. પણ રેશ્મા અને વિક્રમનું ધ્યાન એ અવાજ પર ન હતું. એ બંને કબર પાસે ગયા. થોડીવાર પછી એ કબર આપમેળે ખુલી ગઈ. કબરનો દરવાજો ખસીને એકબાજુ થઇ ગયો.

ઉત્સુકતા અને જીજ્ઞાસા સાથે એ બંને એ કબરમાં નજર કરી. પણ એ બંને ચોંકી ઉઠયા. એ કબરમાં એક વ્યક્તિનું કંકાલ પડેલું હતું. એ કંકાલે કપડા પહેર્યા હતા. અને એ કંકાલની ખોપડી પર મુગટ રાખવામાં આવ્યો હતો. તો કદાચ આ રાજાની જ કબર હશે. વિક્રમ અને રેશ્માએ પહોળી આંખો સાથે એકબીજા સામે જોયું. એટલામાં બીજી વખત 'ટક્ક' એવો અવાજ આવ્યો. આ વખતે પણ એ બંનેનું ધ્યાન એ અવાજ પર ન ગયું. પણ એમને એ અવાજ પર ધ્યાન આપવાની જરૂર હતી. કારણ કે એક ભયાનક ખતરો એમની રાહ જોઈ રહ્યો હતો.

(ક્રમશઃ)

* * * * *