Revenge 3rd issue: - 4 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 4

Featured Books
Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 4

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-4

બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન

કુબા આખરે માધવપુર કિલ્લામાં પ્રવેશ મેળવી ચૂકી હતી એ જાણ્યા બાદ રેવતી ખૂબ જ ખુશ હતી. પર્શિયન જાદુગરની કુબાની તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરી પોતે પદ્માના બાળકને જન્મ પહેલા જ એના ગર્ભમાં મારી નાંખવામાં હવે જરૂર સફળ થશે એવો વિશ્વાસ રેવતીને બેસી ગયો હતો.

બીજા દિવસે સવાર થતાં જ રેવતી મહેલમાંથી નીકળી ચોરી-છૂપીથી ધર્મશાળામાં જઈ પહોંચી. રેવતીને ત્યાં જોતા જ વણઝારાઓ સાથે આવેલી કુબા એની પાછળ-પાછળ ધર્મશાળા નજીક આવેલ એક જૂના ચબૂતરા જોડે આવી પહોંચી.

"તારે અહીં આમ કેમ આવવું પડ્યું..?" રેવતીને ઉદ્દેશી ક્રુદ્ધ સ્વરે કુબા બોલી. "તને કહ્યું તો હતું કે હું તને ઈશારો કરું તો જ મળવા આવજે."

"અરે, આ તો તને અહીં કોઈ મુશ્કેલી નથી ને..એ જોવા આવી હતી." રેવતીએ કુબાનો ક્રોધિત સૂર સાંભળી વાતને બીજી દિશામાં વાળતા કહ્યું.

"સારું, હવે અહીં આવી ગઈ છે તો અહીં આવવાનું સાચું કારણ પણ ભસી દે..!" કુબાએ રેવતીને ઉદ્દેશીને કહ્યું, કુબાએ પોતાને તુકારે બોલાવી એ વાત રેવતીને ખટકી હતી પણ એને આ વાત અત્યારે મનમાં લેવાનું યોગ્ય ના સમજ્યું.

"એ તો હું એ કહેવા આવી હતી કે વિક્રમસિંહની સંતાનનો જન્મ થવાના આડે હવે માંડ થોડા દિવસો જ વધ્યા છે..તો જેમ બને એમ વહેલી તકે એ બાળકને પદ્માના ગર્ભમાં જ ખતમ કરી નાંખીએ તો સારું." મુદ્દાની વાત છેડતા રેવતી બોલી.

"મને ખબર છે, મારે અહીં શું કરવાનું છે.." રોષ દર્શાવતાં કુબા બોલી. "તું અત્યારે અહીંથી નીકળ, અને કાલે સાંજે સૂર્યોદય થતા જ મને અહીં આવીને મળજે. આગળ શું કરવાનું છે એ હું તને મળીશ ત્યારે જણાવીશ."

"સારું..હું કાલે આવી જઈશ..!" આટલું કહી છુપતા-છુપાવતા રેવતી મહેલ તરફ અગ્રેસર થઈ ગઈ.

"સાલી ડોશી મને અને અર્જુનસિંહને મૂર્ખ સમજે છે." રેવતીના ત્યાંથી જતા જ કુબા મનોમન બબડી. "એને એમ કે એના કહ્યા મુજબનું કરવા હું અહીં આવી છું, પણ હું તો માધવપુરના સર્વનાશનું કારણ બનવા આવી છું."

************

બીજે દિવસે રેવતી નક્કી કર્યા મુજબ સૂર્યાસ્ત થતા જ ચબૂતરા જોડે આવી પહોંચી. રેવતીના ત્યાં પહોંચ્યાંની થોડી જ વારમાં કુબા પણ ત્યાં આવી પહોંચી.

"આવી ગઈ એમને..?" વ્યાકુળતાથી પોતાની રાહ જોઈ રહેલી રેવતીને જોતા જ કુબા બોલી.

"હા, હું સમયની બાબતમાં બહુ પાબંધ છું." શેખી હાંકતા રેવતીએ કહ્યું.

"મેં તને પેલી ભૂકી આપી હતી એ તે પદ્માને ખવડાવી કે નહીં?" કુબાએ સવાલ કર્યો.

"હા, મેં એ ભૂકી પદ્માના પેટમાં પહોંચાડી દીધી છે."

"ઉત્તમ..માંના ગર્ભમાં એ શક્તિશાળી મંત્રેલી ભૂકી પહોંચાડ્યા બાદ હવે હું જે બીજી ભૂકી આપું એ બાપના પેટમાં જાય એવી વ્યવસ્થા કરવાની છે."

"મતલબ રાજા વિક્રમસિંહને ભૂકી ખવડાવવાની છે.?" કુબાની વાત સાંભળી આશ્ચર્ય સાથે રેવતી બોલી.

"હા..!" કુબાએ ટૂંકમાં પતાવ્યું..

"પણ વિક્રમસિંહને આ ભૂકી ખવડાવવાનું કારણ.?" રેવતીએ આશ્ચર્યસહ સવાલ કર્યો.

"તારે સવાલ પૂછવાની બહુ આદત છે." અણગમાના ભાવ સાથે કુબાએ જણાવ્યું. "મેં તને પહેલા જે ભૂકી આપી હતી એ ગર્ભમાં ઊછરી રહેલા બાળકમાં માતાનો જે અંશ છે એનો નાશ કરવા માટેની હતી; અને હવે જે ભૂકી મેં તને આપી એ દિવ્ય શક્તિમંત્રથી બનાવેલી એવી ભૂકી છે, જેને ગર્ભવતી સ્ત્રીનો પતિ ખાય તો એ બાળકમાં રહેલો પિતાનો અંશ પણ નાશ પામે છે."

"આ ભૂકીના ત્રણ સરખા ભાગ કરી દર ત્રણ દિવસે તમારા રાજાને ખવડાવજે ત્યાં સુધી હું મારી તંત્ર શક્તિ વડે બાળકમાં રહેલા દૈવી અંશનો પણ ખાત્મો કરી દઈશ..આમ થતાં જ પદ્માનું બાળક એના ગર્ભમાં જ મરણ પામશે. હા, આ ભૂકી લેતા જ વિક્રમસિંહની તબિયત થોડી લથડશે જરૂર પણ એ જલ્દી સાજા-સારા પણ થઈ જશે."

કુબાની વાત પોતાને ગળે ઉતરી ગઈ હોય એમ રેવતીએ ઉત્સાહભેર કુબાએ આપેલી ભૂકીને પોતાની સાડી નીચે છુપાવીને કહ્યું.

"તો..તો.., આ ભૂકી રાજા વિક્રમસિંહના પેટમાં અવશ્ય પહોંચી જશે."

"સારું તો હું અત્યારે નીકળું છું.. જ્યારે તું ત્રીજી વાર વિક્રમસિંહને આ ભૂકી ખવડાવવામાં સફળ રહે એ દિવસે મધરાતે તું મને મળવા આવજે." કુબા જાણે આદેશ આપતી હોય એમ બોલી.

"સારું, હું આવી જઈશ." આટલું કહી રેવતી કહ્યાગરા બાળકની માફક ફટાફટ ત્યાંથી ચાલી નીકળી.

 

રેવતીના જતા જ કુબા મનોમન કટુ સ્મિત વેરતા બબડી.

"આ મૂર્ખ સ્ત્રીની મૂર્ખતા વિક્રમસિંહ સાથે પૂરા માધવપુરનો પણ અંત કરવા નિમિત્ત બનશે."

***********

કુબાને મળ્યા બાદ ભારે સાવચેતી સાથે લોકોની નજરોથી પોતાની જાતને બચતી-બચાવતી મહેલમાં આવી. મહેલમાં આવતા જ કુબાએ આપેલી ભૂકીને આજે જ રાજા વિક્રમસિંહના પેટમાં કઈ રીતે પહોંચાડવી એની પળોજણમાં રેવતી પરોવાઈ ગઈ.

 

પોતાની પુત્રીના પ્રેમમાં અંધ બનેલી રેવતીએ ખૂબ જ આસાનીથી કુબાની વાત પર વિશ્વાસ મૂકી દીધો. પોતે અંબિકાની માં હોવાની વાત અર્જુનસિંહથી છુપાવવામાં સફળ થઈ છે એવું માનતી રેવતી વિક્રમસિંહની સાથે માધવપુરનો અંત કરવાની અર્જુનસિંહની યોજનામાં જાણે-અજાણે સહભાગી થઈ ચૂકી હતી.

કુબાએ રેવતીને જે ભૂકી આપી હતી એ મંત્રશક્તિથી મંત્રેલી અવશ્ય હતી પણ એનાંથી કંઈ પદ્માના સંતાનને નુકશાન થવાનું નહોતું, એ ભૂકી મેસોપોટેમિયાના રણમાં મળી આવતું એક ઘાતક વિષ હતું જે વિક્રમસિંહની મૃત્યુનું કારણ બનવાનું હતું. આ વિષ શરીરમાં જવા પર મનુષ્યનું મૃત્યુ તત્કાળ થવાના બદલે ખૂબ ધીરે-ધીરે થતું. આ વિષ ત્રણ વખત આપવા પર એ અસાધ્ય બની જતું, જેનો કોઈ ઉપચાર નહોતો.

અર્જુનસિંહ દ્વારા જાણીજોઈને આ વિષને ત્રણ તબક્કે વિક્રમસિંહને મળે એવી યોજના બનાવાઈ હતી. કેમકે આવું થાય તો કોઈને પોતાની ઉપર કે કુબા ઉપર આશંકા ના ઉપજે. બીમારીના લીધે વિક્રમસિંહનું અવસાન થયું એવું દુનિયાને લાગે એટલે જ કુબાએ વિષને ત્રણ તબક્કે વિક્રમસિંહને ખવડાવવાનું સૂચન કર્યું હતું.

 

એકતરફ જ્યાં અર્જુનસિંહ રેવતીને છેતરવાનું આયોજન કરીને બેઠો હતો જે માધવપુરના પતનનું કારણ બનવાનું હતું પણ બીજીતરફ કુબા અર્જુનસિંહની જાણ બહાર પદ્માના ગર્ભમાંથી શૈતાનને પેદા કરવાની એક એવી ભયાવહ વિધીનો આરંભ કરી ચૂકી હતી જે માધવપુરના જ નહીં પણ સમગ્ર જગતના સર્વનાશનું કારણ બનવાની હતી.

પદ્માને ખવડાવવા રેવતીને જે ભૂકી કુબા દ્વારા આપવામાં આવી હતી એ ભૂકી કુબાએ પોતાની ખાસ કાળી શક્તિઓ વડે બનાવી હતી. આ ભૂકીની અંદર રહેલી ચમત્કારી શક્તિઓ માતાના બાળકના ગર્ભમાં જ એના બાળકમાં આવનારી માણસાઈ અને લાગણીઓનો અંત કરી નાંખવા સક્ષમ હતી. આમ કરી કુબા પદ્માની કૂખે એક શક્તિશાળી શૈતાન પેદા કરવાની ઈચ્છા સેવીને બેઠી હતી.

કુબાએ આપેલું વિષ વિક્રમસિંહને પેટ સુધી પહોંચાડવા રેવતી બીજા દિવસે સવારે રસોઈશાળામાં જઈ પહોંચી. રેવતી જાણતી હતી કે વિક્રમસિંહના કહેવાથી છેલ્લા એક વર્ષથી એમના માટે સાદું અને સાત્વિક ભોજન બનતું હતું. કુબાએ રસોઈ બનાવતા મહારાજને વાતોમાં લઈ વિક્રમસિંહ માટે ભોજનની સાથે જે તાક લઈ જવામાં આવતી એમાં કુબાએ આપેલ વિષનો ત્રીજો ભાગ ભેળવી દીધો.

 

જાણે કોઈ મોટો જંગ જીતી લીધો હોય એવા ઉમળકા સાથે રેવતી જેવી જ રસોડામાંથી નીકળી એ જ સમયે વિક્રમસિંહના મિત્ર અને માધવપુરના પ્રધાન વિરસેનનો સામનો રેવતીએ કરવો પડ્યો. વિરસેનને જોતા જ રેવતીના મુખ પરના ભાવ પલટાઈ ગયા, પણ એના સદનસીબે વિરસેનની નજર રેવતીના બદલાયેલા મુખ પર ના પડી.

 

વિક્રમસિંહે બપોરનું ભોજન આરોગીને જેવી તાક પીધી એ સાથે જ માધવપુરના પતનની શરૂઆત થઈ ચૂકી હતી. વિષની અસર તાત્કાલિક તો ના થઇ પણ રાતે વિક્રમસિંહનું શરીર તાવથી ધગવા લાગ્યું. પોતાને સામાન્ય તાવ હશે એટલે એકાદ દિવસમાં મટી જશે એવું વિચારી વિક્રમસિંહે તાવ પર વધુ ધ્યાન ના આપ્યું. આમ પણ આટલી નાની વસ્તુને ગણકારે એ રજપૂત થોડા કહેવાય!

 

આ તો જ્યારે બીજા દિવસે સવારે વિક્રમસિંહના શરીરમાં જમવાનું પણ નહોતું ટકી રહ્યું ત્યારે અંબિકા અને ગૌરીદેવી બંનેને વિક્રમસિંહની ચિંતા પેઠી. વિક્રમસિંહની આનાકાની હોવા છતાં એમને રાજવૈદ્યને મહેલમાં આવવાનું કહેણ મોકલાવ્યું.

 

રાજવૈદ્ય વિક્રમસિંહની તપાસ કરવા આવવાના હતા એ સાંભળી રેવતીને ફડકો પેઠો, પદ્માની આવનારી સંતાનને જન્મ પહેલા જ મારી નાંખવાનું ભૂત રેવતીને માથે એ હદે સવાર થઈ ગયું હતું કે પોતાના દ્વારા ભૂકી ખવડાવ્યા બાદ વિક્રમસિંહનું સ્વાસ્થ્ય અચાનક કથડયું હતું એ વાત એના ધ્યાનમાં નહોતી આવી રહી.

 

રેવતીને તો એક જ વાતની ચિંતા હતી, કુબાના જણાવ્યા મુજબ વિક્રમસિંહને બીજી વખત ભૂકી કેમ આપવી? રાજવૈદ્ય આવ્યા તો ખરા પણ એમનું વૈદિક જ્ઞાન પણ એ પિછાણવામાં અસફળ રહ્યું કે વિક્રમસિંહની આ હાલત માટે જવાબદાર વિષ છે. એમને વિક્રમસિંહને થોડી ઔષધિ આપી અને ત્યાંથી વિદાય લીધી એટલે રેવતીને હાશ થઈ.

 

રેવતીએ બીજી વખત પણ ખૂબ ચાલાકી સાથે વિક્રમસિંહના ભોજનમાં કુબાએ આપેલ વિષ ભેળવી દીધું, આ સાથે જ કુબાની યોજનાનું બીજું ચરણ પણ પૂરું થઈ ગયું.

 

હવે રેવતી ત્રીજી વખત વિષ આપે એ સાથે જ વિક્રમસિંહના મોતની ક્ષણો નજીક આવી જવાની હતી એ વાત કુબા સારી રીતે જાણતી હતી, એને મેસોપોટેમિયન વિષ પર પૂરે-પૂરો ભરોસો હતો.

 

એક તરફ જ્યાં અજાણતા જ રેવતી કુબાએ આપેલું વિષ વિક્રમસિંહના શરીરમાં પહોંચાડી રહી હતી તો બીજી તરફ કુબા ધર્મશાળાના અલાયદા ઓરડામાં કાળી શક્તિઓનું આહવાન કરી રહી હતી. આમ કરીને કુબા પદ્માના આવનારા સંતાનની આત્માનો સોદો શૈતાન સાથે કરી, એ સોદા સ્વરૂપે પદ્માની આવનાર સંતાન એક ભયાવહ શૈતાન જન્મે એની તૈયારીઓ કરી રહી હતી. જે શૈતાન એકરીતે જગતની સર્વે બુરાઈનો જન્મદાતા હતો, જેનું નામ હતું કાલરાત્રી.!

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)