" સમર્પણ " પ્રકરણ-3
આપણે પ્રકરણ-2 માં જોયું કે નમ્રતા બસમાંથી ઉતરીને જતી હતી, અનિષે બૂમ પણ પાડી કે, " નમ્રતા, સાંભળ તો ખરી...!! " પણ નમ્રતા દોડી ગઈ અને જતાં જતાં બોલતી ગઈ કે, " તારે મારી સાથે મેરેજ કરવા હોય તો, મારા ઘરે જલ્દીથી માંગું મોકલાવજે...પછી કહેતો નહિ કે રહી ગયો..." અને નમ્રતા શરમાઈને દોડી ગઈ...હવે આગળ....
અનિષ ઘરે જતાં જતાં રસ્તામાં વિચારવા લાગ્યો કે નમ્રતાના ઘરે માંગું મૂકાવવા માટે પોતાના ઘરે કઈ રીતે પિતાજી સુધી વાત પહોંચાડવી. વળી તેના મનમાં પ્રશ્ન થયો કે પિતાજી અને ઘરના બધા નમ્રતા સાથે મારા મેરેજ કરી આપવા માટે તૈયાર તો થશેને..?? અને ચહેરા પરની ખુશી ચિંતામાં છવાઈ ગઈ.
અનિષ ઘરે પહોંચ્યો એટલે બધા જમવા માટે તેની રાહ જોઈને જ બેઠા હતા. હાથ-પગ મોં ધોઈને અનિષ તરત જ બધાની સાથે જમવા બેસી ગયો.
અનિષ થોડો ચિંતામાં લાગ્યો એટલે મોટાભાઈ અનિકેતે તેને તરત જ પૂછ્યું કે, " કેમ, અનિષ કંઇ ચિંતામાં છે કે શું...?? રિઝલ્ટ બરાબર નથી આવ્યું કે શું...?? " અનિષે તરત જ જવાબ આપ્યો કે, " ના ના એવું નથી મોટાભાઈ, રિઝલ્ટ તો સરસ આવ્યું છે. ફર્સ્ટક્લાસ આવ્યો છે.એ તો જરા થાકી ગયો છું એટલે...!! "
બધા જમીને ઉભા થયા એટલે મોટી ભાભી નિલમ રસોડું આટોપતી હતી એટલે અનિષ તેની બાજુમાં જઈને ઉભો રહ્યો એટલે ભાભીએ તરત જ પૂછ્યું કે, " કેમ અનિષભાઈ કંઇ પૈસા-બૈસા જોઈએ છે કે શું..?? " અનિષને ઘણીવાર પૈસાની જરૂર હોય તો તે મોટી ભાભી સિવાય કોઈની પાસે માંગતો નહીં. નિલમનો લાડકો દિયર હતો અનિષ...!! અને તે લાડકા દિયર અનિષને પૈસા આપતી પણ ખરી.
અનિષે નિલમને વળતો જવાબ આપ્યો કે, " ના ના, ભાભી પૈસા નથી જોઈતા બીજી એક વાત છે, જે મારે તમને કરવી છે."
નિલમ: હા બોલોને અનિષભાઈ શું થયું...??
અનિષ: પેલા પરાગભાઈની દીકરી નમ્રતા, જે મારી સાથે ભણતી હતી તે મને ખૂબ ગમે છે અને મારે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. તમે મોટાભાઈને વાત કરોને એ બાપુજીને વાત કરે અને આપણે તેના ઘરે માંગું મોકલાવીએ.
નિલમ: ( ખડખડાટ હસતાં હસતાં) અચ્છા તો એમ વાત છે. ભાઈસાહેબને નમ્રતા ગમી ગઈ છે એમ...!!
અનિષ: ( જરા શરમાઈ ગયો હતો. અને ચૂપચાપ ભાભીના જવાબની રાહ જોઇ ઉભો રહ્યો હતો. )
નિલમ: સારું સારું, હું આજે રાત્રે જ તમારા ભાઈને વાત કરું છું, તમે ચિંતા કરશો નહીં.
અને હવે અનિષને થોડી રાહત થઈ. પણ આખી રાત એ જ વિચારો આવ્યા કરતાં અને એકજ પ્રશ્ન સતાવ્યા કરતો કે, " બાપુજી માની તો જશે ને...?? "
બહારથી હવેલી લાગતા આ ઘરમાં અંદરથી આલાગ્રાન્ડ એ.સી.સાથેનો સુસજ્જ બેડરૂમ હતો અનિકેત અને નિલમનો...!! અને ફક્ત અનિકેત અને નિલમનો જ નહીં આનંદ અને નીમાનો બેડરૂમ પણ આટલો જ વિશાળ અને સુસજ્જ હતો. અનિષનો રૂમ પણ ખૂબજ સુંદર હતો જે તેણે પોતે સજાવ્યો હતો.
જીવણશેઠ તેમજ ઈલાબેનનો બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર એક સુંદર પૂજા રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. આ હવેલીમાં નિયમ હતો દરરોજ સવારે બધાએ નાહિ ધોઇને તૈયાર થઈને પહેલા મંદિરમાં દર્શન કરવાના પછી જ પોતાના રૂટિન કામકાજની શરૂઆત કરવાની, જે નિયમનું ઘરના તમામ સભ્યો પાલન કરતાં. સવાર-સાંજ બંને ટાઈમ આ મંદિરમાં ઈલાબા બાળકોને સાથે લઈને આરતી કરતાં. અને ઘરનું આખુંય વાતાવરણ મહેંકી ઉઠતું અને પ્રભુમય બની જતું.
વારે-તહેવારે આ મંદિરને તેમજ કાનજીને ખૂબજ સુંદર રીતે સજાવવામાં આવતાં.
નિલમ આજે જરા હસતાં હસતાં પોતાના બેડરૂમમાં પ્રવેશી એટલે અનિકેતે તરત જ પૂછ્યું કે, " કેમ શું થયું નિલુ, તું મનમાં ને મનમાં મલકાય છે ખૂબ ખુશ લાગી રહી છે...?? " નિલમ વાત કરવા જ જતી હતી ત્યાં ઈલાબાએ બૂમ પાડી કે નિલુ આ નાનકો સૂઈ ગયો છે. મેં તેને સુવડાવી દીધો છે તો તું તેને લઈ જા. " નિલમ નીચે દીકરાને લેવા માટે જાય છે અને પછી ઉપર આવીને અનિષ અને નમ્રતાની વાત અનિકેતને કરે છે...વાંચો આગળના પ્રકરણમાં....