Pavanchakkino Bhed - 7 in Gujarati Adventure Stories by Yeshwant Mehta books and stories PDF | પવનચક્કીનો ભેદ - 7

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પવનચક્કીનો ભેદ - 7

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રકરણ – ૭ : ઘરમાં ભૂતની ઘૂમાઘૂમ

કેપ્ટન બહાદુરે ચાંચિયાની વાત કહેવા માંડી.

“આજથી સોએક વરસ પહેલાં અહીં લલ્લુ લંગડો નામનો એક ચાંચિયો હતો. મેં કીધું ને કે એ વખતે રેલગાડી હજુ આવી નહોતી, એટલે આ છીછરી નદીઓ ઉપર પણ હોડીઓ ચાલતી અને એમાં ઘણા માલની આવ-જા ચાલતી. હવે રસ્તો હોય ત્યાં લૂંટારા પણ હોય જ ! આપણો લલ્લુ પણ નદી ઉપર ચાંચિયાગીરી કરતો. એકલદોકલ હોડીવાળાને લૂંટી લેતો. ગજબનો ત્રાસ એણે વરતાવી દીધો. હા, લલ્લુ લંગડાનું નામ પડતાં જ ભલભલા હોડીવાળા થરથરી ઊઠતા અને રડતાં છોકરાં એના નામે છાનાં રહી જતાં. લોકો કહે છે કે હજુ પણ નદી ઉપર કોઈ વાર કોઈ અંધારી મધરાતે લલ્લુનું ભૂત દેખાય છે. હજુ એ પોતાની હોડીને હલેસાં મારતો અને મોટામોટા અવાજે ગાંડાંગાંડાં ગીતો ગાતો જણાય છે.”

કેપ્ટન બહાદુર થોભ્યો. એણે છોકરાંઓ સામે નજર ફેરવી. જાણે એ લોકોના ગભરાયેલા ચહેરા જોવાની એને મઝા આવતી હોય. પછી એણે આગળ કહ્યું, “લલ્લુ મૂળે અઢારસો સત્તાવનના બળવાનો સિપાહી હતો. મારી જેમ એ પણ પગ કપાવીને આવેલો. પાછા આવી એણે લૂંટફાટનો ધંધો આદર્યો. એ જમાનો અજબ હતો. બળિયાના બે ભાગ અને મારે એની તલવાર – એ એ જમાનાની ખાસ કહેવતો હતી. લોકો પગપાળા કે ગાડામાં કે ઘોડા પર સફર કરતા. રૂપિયા, ઘરેણાં સૌની સાથે રહેતાં. આજની જેમ બેન્કના ટ્રાવેલર્સ ચેક લઈને તેઓ મુસાફરી નહોતા કરતા. લલ્લુ એમને લૂંટી લેતો. એટલું જ નહિ, એના હાથમાં સપડાયેલો માણસ પછી કદી જીવતો દેખાતો નહિ.”

હવેલી બહારના એક લીમડાની બે ડાળીઓ પવનમાં ઘસડાઈ અને કીચુડુડુડુ કરતો અવાજ થયો. સૌ ગભરાટમાં ઊભાં થઈ ગયાં.

પણ બહાદુર તો બોલતો જ હતો : “લલ્લુ રાતવરત નદીકાંઠે હોડી બાંધીને સીમમાં પણ ઘૂમવા નીકળી પડતો. રાતવરત કોઈ એકલદોકલ મુસાફર દેખાઈ જાય તો લલ્લુ તરત એને ઝડપી લેતો. એનો સાથી એક માત્ર કૂતરો હતો. લોકો કહે છે કે આ કૂતરો તો એના માલિક કરતાંય ભયંકર હતો.”

ભરત તીણા અવાજે પૂછી બેઠો, “બહાદુર, આ ચાંચિયો પછી પકડાયો કે નહિ ?”

બહાદુર જાણે કશુંક યાદ કરવા થોભ્યો. પછી એકદમ બોલ્યો, “હા હા..... એ પણ એક અજબ વાત છે ! વડોદરાનો અંગ્રેજ પોલિટિકલ એજન્ટ ફિલિપ સાહેબ એને પકડવા નીકળેલો. એ પૂરા પચાસ સિપાહીઓને લઈને નીકળેલો. લલ્લુ પકડાય તો એને ફાંસીની સજા નક્કી હતી. પણ તમે જાણો છો, શું થયું ?”

“શું થયું ?” ત્રણે છોકરાં એકસાથે પૂછી બેઠાં. વાતમાં એમને ઘણો રસ પડવા લાગ્યો હતો.

“એ ગુમ થઈ ગયો ! હા, જી ! જાણે હવામાં ઓગળી ગયો ! એ અને એનો ભયંકર મોંવાળો પેલો ભયંકર કૂતરો અને એની હોડી સુદ્ધાં અદૃશ્ય થઈ ગયાં. એનો વાળ સરખોય કોઈને જડ્યો નહિ. અને એ રાત પછી કોઈએ લલ્લુ લંગડાને જીવતો જોયો નથી !”

મીરાંએ ઝીણી નજરે રામ સામે જોયું. જાણે પૂછતી હોય કે, બહાદુરની આ વાત સાચી લાગે છે ? રામે આસ્તેથી ડાબી આંખ સહેજ દબાવી દીધી. અર્થપૂર્ણ રીતે. જાણે એ કહેતો હોય કે બહાદુર આપણને ઉલ્લુ બનાવી રહ્યો છે. એ બેમાંથી એકેને બહાદુરની વાતમાં સચ્ચાઈ લાગતી નહોતી.

પણ ભરતની વાત જુદી હતી. એ નાનો હતો. એણે ગંભીર અવાજે પૂછ્યું, “બહાદુર, શું તેં લલ્લુ લંગડાનું ભૂત જોયું છે ?”

“ન...ન...ન...ન...ના, મારી આંખે તો નથી જોયું.” બહાદુર જરા થોથવાયો. “પણ બીજા અનેક લોકોએ જોયું છે. બધા કહે છે કે રાતમધરાતે લલ્લુની હોડી ‘ગંગા-જમની’ નદી ઉપર દેખાય છે. ઉપર હલેસાં મારતો લલ્લુ દેખાય છે. હોડીના મોરા ઉપર જમરાજના કૂતરા જેવો પેલો કૂતરો બેઠેલો હોય છે. લલ્લુ ગીત ગાતો જાય છે અને એના લાકડાના પગનો ઠેકો આપતો જાય છે. ઠપાક...ઠપાક...ઠપાક...”

અને આમ બોલતાં બહાદુરે એની પોતાની ઘોડી ફર્શ ઉપર જોરથી પછાડી. એ અણધાર્યો અવાજ સાંભળીને છોકરાં છળી મર્યાં અને પોતપોતાની બેઠકમાંથી ઊભાં થઈ ગયાં.

બહાદુર તો વાતના જ તાનમાં હતો : “અને સૌથી મજાની વાત તો એ છે કે લલ્લુ લંગડાની હોડી ‘ગંગા-જમની’ પેલી ખાડી પાસે જ દેખાય છે. જ્યાં પેલી પુરાણી પવનચક્કી ઊભી છે ત્યાં !”

બહાદુરની વાત સાંભળી લીધા પછી ત્રણે છોકરાં ઊંઘી જવા માટે ઉપલા માળે ચાલ્યાં. દાદરામાં જ રામે કહ્યું, “બહાદુર આપણને ડરાવવા માગે છે, જેથી આપણે પેલી જૂની પવનચક્કી પાસે ના જઈએ.”

મીરાં કે ભરત કશું બોલ્યાં નહિ. થોડી જ વારમાં કપડાં બદલીને સૌ પોતપોતાની પથારીમાં સૂઈ ગયાં.

એ પછી કેટલા કલાક વીત્યા હશે તે તો કોણ જાણે, પણ ભરત અચાનક જાગી ગયો. એકદમ એ પોતાની પાથરીમાં સફાળો બેઠો થઈ ગયો. એના આખા શરીરમાં જાણે ઈયળો ચાલતી હોય એવું લાગતું હતું. બહાર સખત પવન ફુંકાઈ રહ્યો હતો, પરંતુ ભરતના કાને હવેલીની અંદરથી જ કશોક અવાજ આવી રહ્યો હતો.

શાનો અવાજ ? એણે કાન માંડ્યા. હાં.....નીચેના માળે, રસોડામાંથી અવાજ આવતો હતો. વિચિત્ર અવાજ હતો. જાણે કોઈ ઠપાક....ઠપાક.....ઠપાક ચાલતું હોય !

અવાજ સાંભળતાં જ ભરતને બહાદુરે કહેલી વાત યાદ આવી ગઈ. લલ્લુ લંગડાનું ભૂત આમ જ ચાલે !

ભરતને જણાયું કે એની ગરદન ઉપર કશુંક રેલાઈ રહ્યું છે. એ તો એનો પોતાનો જ પરસેવો હતો.

એણે આસપાસ નજર કરી. રામની પાથરી સામે જ હતી. ઊંઘમાં જ રામે પાસું ફેરવ્યું. એની આટલી હિલચાલે પણ ભરતને ઘણી જ હિંમત આપી. એ કૂદી પડ્યો. રામની પથારી પાસે જઈને એણે રામને હડબડાવવા માંડ્યો. “જાગ, રામ ! જાગ ! જલદી !”

રામ સડપ કરતો બેઠો થઈ ગયો. “શું છે ? આગ લાગી ?”

“ઘોંઘાટ નહિ કર, રામ ! રસોડામાં...ઠપાક....ઠપાક.....ઠપાક ઠપાક....લાકડાનો પગ !”

રામે કાન સરવા કર્યા. વાત સાચી હતી. લાકડાના પગ ઉપર કોઈ ચાલતું હતું. ધીમી ધીમી વાતચીતના અવાજ પણ આવી રહ્યા હતા.

રામે એકદમ ઓઢણું ફેંકી દીધું. “બીજું તો ઠીક : મીરાં તો સલામત છે ને ? પહેલાં એ જોઈએ.”

પણ એ લોકો મીરાંને બારણે ટકોરા મારે તે પહેલાં જ મીરાંએ બારણું ખોલ્યું. કદાચ એમનાં પગલાં બારણાં ભણી આવે એની જ રાહ એ જોઈ રહી હતી. એણે જલદીથી બારણા બહાર આવી જતાં ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું : “શું છે ?”

રામે કહ્યું : “કોણ જાણે ! પહેલાં બહાદુરને જગાડીએ.”

ત્રણે જણાં પરસાળ ઓળંગીને સામેને બારણે ગયાં. ત્રણેના પગ ઉઘાડા હોવાથી કશો અવાજ થતો નહોતો. એમણે બહાદુરના ખંડને બારણે જઈને બે-ત્રણ ટકોરા મારી જોયા. જવાબ ન મળ્યો. રામે દબાયેલા અવાજે બે-ચાર વાર બહાદુરનું નામ પોકારી જોયું. છતાં અંદર સળવળાટ સુધ્ધાં ન સંભળાયો. એટલે બારણું ધકેલી જોયું. એ ખાલી જ બંધ હતું. અને અંદર બહાદુર પણ નહોતો.

ત્રણે છોકરાં અંધારામાં એકબીજાનું મોં જોવાની કોશિશ કરતાં ઊભાં હતાં. નીચે રસોડામાંથી હવે કશો અવાજ આવતો નહોતો. એકાએક મધરાતની શાંતિને ચીરતો એક કૂતરાની લાળીનો અવાજ દૂરદૂરથી સંભળાયો. અને એ અવાજ અચાનક બંધ પડી ગયો. જાણે કોઈએ કૂતરાનું મોં દાબી દીધું હોય ! જાણે એકલવ્યનાં તીરો વડે કૂતરાનું ગળું રુંધાઈ ગયું હોય.

બસ, વરસાદના અવાજ સિવાય બીજા કોઈ પણ અવાજો સંભળાતા એકદમ બંધ પડી ગયા.

રામે નિર્ણય કર્યો : “આપણે નીચે જઈને જોઈએ.”

મીરાં ને ભરતે અંધારામાં જ ડોકાં ધુણાવીને હા પાડી. ત્રણે છોકરાં એકબીજાનો હાથ પકડીને નીચે ઊતર્યાં. રામે રસોડાની બત્તી કરી. કોઈ દેખાયું નહિ. એટલું જ નહિ કોઈ ત્યાં આવ્યું હોય એવી નિશાની પણ જણાઈ નહિ.”

ભરત બોલી ઊઠ્યો, “કોઈક તો હતું જ. કદાચ ઠપાક-ઠપાક અવાજ બહાદુરની ઘોડીનો હોય તો પણ એની સાથે વાતચીત કરનાર કોઈ અહીં હાજર હતું.”

***