Madhurajni - 10 in Gujarati Moral Stories by Girish Bhatt books and stories PDF | મધુરજની - 10

Featured Books
Categories
Share

મધુરજની - 10

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧૦

અને જીજ્ઞાસા શું નથી કરતી ? કોઈ તરસ અધૂરી રહે ખરી ? આ તો એથી વિશેષ બાબત હતી. મનની રુંધામણમાંથી ઉગરવાનો પ્રયાસ હતો.

યૌવનમાં આવેલી માનસીએ ઘરવખરીનો એક એક અંશ પીંખી માર્યો- એ જાણવા કે શા કારણસર તેની મમ્મી.....એક અધમ પુરુષને વશ થઈ હતી.

તેનાં છેલ્લાં વાક્યો, તેને સતત આઘાત આપતા હતા.

‘તું મારાથી ના ધરાયો ? અને મારી પુત્રી પર.....?’

ખરેખર એ પુરુષ તો નીચ હતો, લંપટ હતો, પણ યુવાન....સુંદર સુમન....? શા માટે ?

અને માનસીએ એ દિશામાં તપાસ શરૂ કરી હતી. તે સુમનની બધી જ ચીજો, વસ્ત્રો, ઘરેણાં- પેટીઓ, કબાટના ખાનાઓ તપાસી ગઈ, વસ્ત્રોય ઝીણવટથી તપાસી જોયાં. રખે ક્યાંય ગડીમાંથી કશું પ્રાપ્ત થાય. કોઈ કાગળ, ડાયરી, કોઈ પત્ર.......,કશીક ભેટ જેના પર લખ્યું હોય- તરફથી પ્રિય સુમનને ભેટ.

પણ કશું જ ના મળ્યું. તે નિરાશ થઈ ગઈ.

સુમંતભાઈએ સુમનની દરેક ચીજો, જેમની તેમ જ રાખી હતી. ક્યારેક.....માનસી ના હોય ત્યારે તે આ અવશેષોને તાક્યા કરતા. આંખો ભીની થઈ જતી. હૈયુ આદ્ર બની જતું. રડી પણ લેતા એકાંતમાં.

‘તે હતી ત્યારે આટલી ભૌતિક સગવડો ક્યાં હતી ? અરે, શોખ પણ પૂરા ક્યાં થતાં હતાં ? હા, તેને વસ્ત્રોનો ગાંડો શોખ હતો. ટૂંકી આવકમાં.....એ બધું ક્યાં શક્ય હતું ?

અને તેને અત્તરનો કેટલો લગાવ હતો ? જાતજાતના સેન્ટોની જાણકારી હતી. કેવડો, મોગરો, ગુલાબ, શાહી....ઓહ ! કેટકેટલાં નામો તેના હોઠ પર હતા ?

અને હતી પણ સુમન.

ક્યારેક થતું કે તેમના જીવનમાં સાવ ખોટી જ પ્રવેશી હતી. તે તો....કોઈ સુખી ઘરની ગૃહિણી થવા સર્જાઈ હતી, જ્યાં તેનું યોગ્ય જતન થાય. એ રૂપ કાંઇ.....તેમના બરનું નહોતું. પણ આ સંસારમાં આવું તો બન્યાં જ કરવાનું.

ક્યારેક એ અભાવ સપાટી પર પણ આવી જતો. તે બધું જ સમજતા હતા. અને એથી જ સુમનને સહી લેતા હતા. જે કાંઇ થયું એને બદલવાની શક્તિ તેમનામાં ક્યાં હતી ? સુમંતભાઈ શિક્ષક હતા, નખશિખ શિક્ષક હતા. એથી પણ વિશેષ આદર્શ માનવી હતા જેનું તેમને ગૌરવ હતું. ક્યાંક રજમાત્ર અપ્રામાણિક બનવાનું પસંદ ના કરે. અન્ય કરે તો પણ એનો વિરોધ કરે. એવી તેમની પ્રકૃતિ.

આવી સ્થિતિમાં આવક મર્યાદિત હોય એ સહજ ગણાય. ‘સુમન....આને તું સુખ માને છે પણ એ તો મૃગજળ છે. એ સાચું સુખ નથી. સાદાઈથી જીવી શકાય. શરીરને વસ્ત્રોની જરૂર છે. કાંઇ કિંમતોની નહીં. અને એ શોભા કોને દેખાડવાની છે ? તું તો જોઈ શકવાની નથી, ખાલી અહમને પોષવાનું છે. સાચું સૌંદર્ય તો.....’

સુમન છેડાઈ જતી, આ સાંભળીને.

‘માસ્તર સાહેબ, આ તો તમે તમારી અશક્તિનો બચાવ કરો છો. સંસાર માંડવો હોય તો...આવાં ભાષણો ના શોભે. અલબત....હું તો ચલાવીશ તમારો સંસાર....જેવો હશે તેવો. બાકી આવાં ભાષણો તો શાળામાં જ ભણાવજો....’

તે તીખી પ્રતિક્રિયા આપતી હતી.

અને ક્યારેક પ્રેમ પણ એવો જ કરતી. પૂનમની ભરતીની જેમ ઢોળાઈ જતી પતિ પર.

‘આનું નામ જ સંસાર.’ સુમંત, યુવાન સુમંત ફિલસૂફની જેમ તરંગોમાં ડૂબી જતો.

માનસી આવી- પ્રસન્નતાનો પુંજ બનીને. શુષ્ક્તાના પોલાણો પૂરાઈ ગયા. સુખની વાંછટ આખા ઘરમાં ફરી વળી.

ક્યારેક અભાવો અજંપો બની જતા તો ક્યારેક આંસુ. ‘હવે તો ત્રણ થયા. ક્યાંથી પહોંચાશે ? અને આ ઘરેય ક્યાં આપણું છે ? એ તો સારું છે કે એ ભલા માણસ.......ભાડું પણ નથી માગતા.’ સુમન કહેતી.

‘મેં હિસાબ રાખ્યો જ છે મારી ડાયરીમાં. એકે એક પાઈ......ચૂકવી દેવાનો છું.’ સુમંતભાઈએ સ્પષ્ટતા કરી હતી.

પણ તે એમ કરી શક્યા નહોતા.

વતનમાંથી પત્ર આવ્યો હતો પિતાજીનો. મકાનનો એક ભાગ ભારે વરસાદમાં પડી ગયો હતો.

એ પછી માનસી બીમાર પડી હતી.

એ સમય ખૂબ કપરો હતો. સુમંતભાઈ પણ હચમચી ગયા હતા.

‘સુમન...શું કરીશું?’ તે લગભગ ભાંગી પડ્યા હતાં .

‘વાત ...કરું , મનસુખભાઈને ? જો કે મન માનતું નથી, કોઈ પાસે યાચક બનતા...’

સુમને તેમને નાં પાડી હતી –‘નાં, નથી કરવી યાચના .’

થોડા દિવસોમાં પરિસ્થિતિ સુધારી હતી.

‘હવે ઘર મારે ચલાવવું છે. તમે તો તમારી ગમતી પ્રવૃત્તિ કરો. મને મારી જ કસોટી કરવા દો.’ સુમને પ્રસ્તાવ મૂક્યો હતો.

માનસીને આ વાતનો ખ્યાલ ક્યાંથી હોય? તે તો ત્યારે એક બાળકી હતી. તેની દુનિયા જ અલગ હતી.

બસ...એ દિવસથી જ સુખના દિવસો આવ્યા, પરિવારે સગવડોના દર્શન કર્યા. સુમનના દેહ પર અવનવી સાડીઓ શોભવા લાગી.સમૂળગું પરિવર્તન થઈ ગયું. કાયાકલ્પ જ કહેવાય.

દંગ થઈ ગયા સુમંતભાઈ. આવક તો એની એ જ હતી ને આ બધું ક્યાંથી બનતું હતું? સુમન આટલી પારંગત હતી ઘરસંચાલનમાં ? ખરે, આ તો જાદુ –સુમનનો.

‘માસ્તર ...તમે નચિંત થઈ જાઓ. મને ફાવે છે ને આ કામ, એટલુજ કહો ‘

સુમંતભાઈ ઓળઘોળ થઈ ગયા પત્નીપાર.

વિસંવાદો ઓછા થઈ ગયા. ખરેખર તો સુમનને પુછાય તેવું પણ કશું નાં રહ્યું.

સુમંતભાઈ કબાટમાં મુલ્યવાન વસ્ત્રો જોતાં, સુમનના દેહ પર પણ જોતાં પણ પૃચ્છા કરી શકતા ન હતાં.

‘સુમન ...આ બધું .....તે માંડ એટલું જ બોલી શકતા. સુમન તરત જ હસીને કહેતી ‘તમારો પગાર અને મારી આવડત.ઘણી ચીજો ભાડે પણ મળી શકે. શું સમજ્યા? તમને મારી કશી ફરિયાદ હોય તો કહો. અને ઇનામ આપવું હોય તો ...એ પણ આપો ‘

સાચું પૂછો ...માસ્તર, તમે કેટલા સુખી થઈ ગયા છો? આ સુમનને કારણે ...!

શું કહે સુમંતભાઈ?

બીજે જ મહીને મનસુખભાઈએ સુમંતભાઈને વધારાના બે ઇજાફા આપ્યા હતાં.

‘સુમંતભાઈ, તમે તો સંસ્થાની શાન છો. નિષ્ઠા, પ્રમાણિકતા, કર્તવ્યભાવના –આટલાં કોનામાં છે?’

કૃતજ્ઞતા અનુભવી રહ્યાં સુમંતભાઈ. કદરદાન સંસ્થાઓ પણ ક્યાં રહી હતી – આ નવી દુનિયામાં?

ધાર્યા મુજબ જ , સુમન ખુશ થઈ ગઈ હતી, રસિક પણ બની ગઈ હતી. સુમંતભાઈએ પછી ગૃહ પ્રતિ થોડા બેદરકાર બની ગયા હતા.

‘સુમન, સંસ્થા આટલો પગાર આપે છે મને, એ પછી મારી ફરજ બની રહે છે સંસ્થા પ્રત. હું વધુ સમય આપીશ સંસ્થાને.

સુમને પ્રતિરોધ ના કર્યો. માત્ર હસી.

માનસી ત્યારે પુરા અગીયારની હતી. રૂપ, શરીર સૌષ્ઠવ, નમળાશ ...એ બધામાં તે બીજી સુમન જ હતી. અદ્દલ પ્રતિકૃતિ જ જોઈ લો. સુમને તેને શહેરની પ્રતિષ્ઠિત શાળામાં દાખલ કરી હતી.

,ભલે...દૂર રહી શહેરથી પણ શિક્ષણ કેટલું સરસ? તેની જિંદગી સુધરી જશે ...’ સુમન સહુને કહ્યા કરતી.

છેક સંધ્યાકાળે તે ઘરે આવતી, માતાને વળગી જાતિ. સુમંતભાઈ આવ્યા હોય તો તેમની સાથે વાતે વળગતી. અનેક વિષયો હતાં માનસી પાસે શાળાની વાતો, શિક્ષિકાની વાતો, સખીઓની વાતો. અલબત્ત એક વાક્ય તો તે અવશ્ય કહેતી.

‘પપ્પા ...મને તો આ જૂની શાળા જ ગમે. અરે, દશ મિનિટની છુટટીમાં પણ ઘરે આવી શકું, મમ્મીને વળગી શકું. આ તો છેક સવારથી....છેક રાત સુધી...શાળા જ’

‘બેટા ...આ તારાંસારાં માટે જ મમ્મીએ કર્યું છે ને?એ તો ફાવી જશે. થોડા દિવસો આવું લાગે.’ તારે હોશિયાર બનવું છે ને? કેટલી સરસ શાળા છે? એ તો ગમી જશે, બેટા.’ સુમંતભાઈએ તેને વ્હાલથી સમજાવી હતી. તે માની પણ ગઈ હતી. પપ્પાની વાત કાંઈ ખોટી ન હોય. તેને પૂરી શ્રદ્ધા હતી તેમના પર.

સુમન તો ક્યારેક ખૂબ ખૂબ ગમતી, અને ક્યારેક, ન સમજાય એવો અણગમો ય જાગી જતો. શા કારણે આમ થતું એતો તે પણ ક્યાં જાણતી હતી.

એક સાંજે તે થોડી વહેલી ઘરે આવી હતી. શાળામાં કોઈ કારણસર રજા હતી.

આવી તવી જ વળગી હતી સુમનને. સુમનને નવાઈ લાગી હતી. ‘મમ્મી તારી સાડીમાં સુગંધ આવે છે મોગરાની કે એવી કશીક. તું બાગમાં ફરી આવી કે શું?’

માનસીએ સહજતાથી અનુભૂતિ વ્યક્ત કરી હત. ‘કે પછી સેન્ટ છાંટ્યું છે, સાડી પર? મમ્મી...તું સરસ લાગે છે નવી સાડીમાં ‘

સુમન ચમકી ગઈ હતી.

‘શું કર્યું આજે શાળામાં ? આજે કેમ વહેલી આવી ?’ સુમને દિશા બદલી હતી.

એ વાત તેને યાદ આવતી હતી. આખો સંદર્ભ બદલાઈ ગયો હતો. માનસી અતીત ઉખેળતી હતી. સ્મૃતિના ટુકડાંઓ જોડતી હતી.

જે ચિત્ર ઉભરતું હતું એ કાંઇ સારું નહોતું યૌવના માનસી આઘાતથી અધમૂઈ થઈ ગઈ હતી. તેની મમ્મી....કાંઇ સારી સ્ત્રી નહોતી. સેન્ટથી ભરી ભરી સાડી તેણે પેલાં પુરુષ માટે જ પહેરી હશે, કદાચ એ પુરુષે જ ખુશ થઈને ભેટ આપી હશે.

એ સમયે સુમનના કબાટમાં કેટલી સાડીઓ હતી ? અને એ પણ કેટલી મૂલ્યવાન ! કબાટ સુગંધથી મહેંકતું હતું. અને ચાવી ખુદ સુમન જ રાખતી.

તેના મૃત્યુ પછી માનસીએ બધી નિહાળી હતી. ચકિત થઈને.

ત્યારે ખાસ સમજ પડી નહોતી. માત્ર પેલાં અધમ પુરુષ પ્રતિ રોષ હતો. અને મનમાં પેસી ગયેલો ડર હતો.

મમ્મી પ્રતિ કૂંમળી લાગણી જન્મી હતી. તે હતી તો.....કેટલો ખ્યાલ રાખતી હતી, તેનો અને પ્રિય પપ્પાનો.

અને તે સમયસર આવી ગઈ એ કારણે જ તે બચી ગઈ હતી. નહીંતો....શું કરત તે ?

શું કરે એક કામોધ પુરુષ એક છોકરી સાથે, સ્ત્રી સાથે ? આખરે તે પણ એક સ્ત્રી જ હતી ને ?

એ પળનો ભય આખા આયખાનો ભય બની ગયો. એ પળની લજ્જા આખી જિંદગી પર જડતા બનીને છવાઈ ગઈ. આનાં પડછાયાં અડક્યાં છેક તેની મધુરજનીને.

મેધ જાગ્યો. આમ તો તે તંદ્રામાં હતો. આ સ્થિતિમાં શાંતિ ક્યાંથી હોય ?

અચાનક સમય જોયો. મધરાત હતી. મધુરજનીની મધરાત હતી. આમ તો મધુરજની એ રાત જ ના ગણાય.

સોફામાં બઠો થયો. માનસી પ્રતિ દ્રષ્ટી લંબાઈ. માનસી પથારીમાં બેઠી હતી, સાવ શૂન્યમનસ્ક દશામાં. નાઇટ લેમ્પના શ્વેત પ્રકાશમાં....શ્વેત કાષ્ઠશિલ્પ જેવી જણાતી હતી. ગાલ ખરડાયેલાં જણાતાં હતાં. તે કેટલું રડી હશે એનો ખ્યાલ આવતો હતો.

મેધને દયા આવી માનસીની. હજી ગઈ રાત સુધી કેવાં એકમેકમાં લીન હતાં, એ બંને ? શું થઈ ગયું એકાએક ભૂકંપ જેવું ? જાણે કોઈ સંબંધ જ ન રહ્યો માનસી સાથે ? સાવ પરાઈ થઈ ગઈ. ના, એમ ન બને. ગમે તેમ તો અમાનત હતી પ્રોફેસર સાહેબની. અને મમ્મીએ પણ શું કહ્યું હતું ?

કશુંક તો હશેને તેના આવાં વર્તન પાછળનું કારણ ? એ તો શોધી શકાશે....પણ...

તે ઉઠ્યો. મુદુતાથી માનસી પાસે પહોંચ્યો.

‘હજી આખી જિંદગી પડી છે. એક રાતની શી વિસાત ? ચાલ શેષરાતને સહરાત્રિ બનાવીએ.’

તે માર્દવતાથી બોલ્યો. એટલું જ નહીં પણ રજાઈ લઈને માનસીને વળગીને.....સૂઈ ગયો.....ઠંડી પથારીમાં. માનસી ચૂપચાપ તેની સોડમાં જંપી ગઈ, પારેવા માફક.

રાત્રિ નિઃશબ્દ સરતી હતી.