Pavanchakkino Bhed - 6 in Gujarati Adventure Stories by Yeshwant Mehta books and stories PDF | પવનચક્કીનો ભેદ - 6

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પવનચક્કીનો ભેદ - 6

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રકરણ – ૬ : ખંડેર આગળ બૂમાબૂમ

આખા ખંડિયેરમાં અને આસપાસ નાનાં નાનાં ઝાડ ઊગી નીકળ્યાં હતાં. અહીંતહીં ભાંગીતૂટી દીવાલોમાં થઈને એમનાં ડાળાં, પાંદડાં અને મૂળિયાં બહાર લટકતાં હતાં. એમના ફેલાવાને કારણે મકાનની દીવાલો ફાટવા અને તૂટવા લાગી હતી. કાચિંડા અને ગરોળીઓને અહીં મોકળું મેદાન મળી ગયું હતું. પંખીઓ ગોથ મારી મારીને ખુલ્લી છતમાંથી ધસી આવતાં હતાં.

રામ અને મીરાં જાણે પૂતળાં હોય એવી રીતે ખડાં ખડાં જોઈ રહ્યાં. અમેરિકાની ધરતી પર પહેલવહેલો પગ મૂકીને ક્રિસ્ટોફર કોલંબસ આમ જ ઊભો રહ્યો હશે.

ભરત પણ એમની બાજુમાં ચૂપચાપ ઊભો હતો. આ ખંડિયેરથી એ ડરી ગયો હતો. એના ભંગાર હેઠળ જાણે કેવાય ભેદ છુપાઈ રહ્યા હશે ? પેલી ખાળમાં થઈને વહેતા પાણીની એક નાનકડી ધાર ખંડેરની પેલી બાજુ કોઈ ઊંડાણમાં પડતી હતી. સાંજની શાંતિમાં એનો અવાજ ખૂબ મોટો લાગતો હતો. પેલી બાજુ કોઈ કૂવો હશે કે ખાડો ? અને એની અંદરથી પાણીનો એવો પડઘો પડતો હતો કે ભરતનાં રુંવાટાં ખડાં થઈ જતાં હતાં.

પણ રામને આવો કશો ડર નહોતો. એણે તો એકાએક બૂમ પાડી : “ચાલો, ખંડેરમાં શું જોવા જેવું છે તે તપાસીએ.”

આમ કહીને એ તો નદીકાંઠાનો ઢાળ ઊતરવા લાગ્યો. મીરાં પણ એની પાછળ ચાલી, એટલે બિચારા ભરતનો પાછળ ગયા વગર છૂટકો ન થયો. એ પણ ધડકતે દિલે પાછળ ચાલ્યો.

પુલ દૂરથી દેખાતો હતો એના કરતાં જરા વધુ બિસ્માર હાલતમાં હતો. એના પાયા ડગમગી ગયા હતા. પગથીનાં પાટિયાં તો સાવ સડી ગયાં હતાં. અહીંતહીં કેટલાંય પાટિયાં સાવ ઉખડી ગયાં હતાં, અને જે સાજાં હતાં તે પણ દગો દઈ દે એવાં જણાતાં હતાં. ભરતે જોયું કે રામ અને મીરાં આ ખખડી ગયેલા પુલ પર ચાલવા માગતાં હતાં. એના દાંત કડકડવા લાગ્યા. એના પગ નરમ પડી જવા લાગ્યા.

રામ તો કૂદકો મારીને પુલ ઉપર ચડી ગયો. મીરાં પણ એની પાછળ કૂદી પડી. ભરત પુલનો જૂનો કઠેડો પકડીને ઊભો જ રહી ગયો. એનું દિલ ધડકી રહ્યું હતું. એ બોલવા માગતો હતો : ‘ના, ના, મારાથી આ પુલ પર ચલાશે નહિ. મને બીક લાગે છે.’ પણ વટનો માર્યો એ કશું બોલી શક્યો નહિ. એને થયું કે જો હું અત્યારે હિંમત હારી જઈશ તો રામ અને મીરાં મને સાવ પોચટ ગણી કાઢશે. પછી તો મારી સાથે બોલશે પણ નહિ. મને કદી પોતાની સાથે ફરવા નહિ લઈ જાય.

ભરત આવા વિચાર કરતો અને ગભરાતો ઊભો હતો. શું કરવું એની એને સમજ પડતી નહોતી. ત્યાં જ એક એવી વાત બની કે ભરતે પુલ પર ચડવાની જરૂર જ ના પડી. એ લોકો જે કાંઠેથી નીચે ઊતર્યાં હતાં એ બાજુથી મોટી બધી, ખૂબ જ મોટી એક બૂમ સંભળાઈ. એવી મોટી બૂમ કે બિચારાં ત્રણે છોકરાં એ સાંભળીને હબકી ગયાં.

“અરે, પાછાં વળો શેતાનો ! રામ ! મીરાં ! જલદી એ પુલ પરથી પાછાં વળો ! નહિતર હમણાં ફટકારું છું ત્રણેને !”

અવાજ કેપ્ટન બહાદુરનો હતો. પણ એ અવાજમાં ગુસ્સો હતો, એના કરતાં તો ભય વધુ હતો. ચિંતા વધુ હતી. છોકરાંઓ આ ખખડી ગયેલા પુલ પરથી નીચેની નદીમાં પડી જશે એવી એને બીક લાગી હોય એમ જણાયું.

ઘડીકમાં તો કિનારાની ધાર ઉપર કેપ્ટન બહાદુર દોડતો આવતો જણાયો. માત્ર એક પગ અને એક ઘોડી ઉપર પણ એ ગજબની ઝડપે દોડતો હતો. એના ચહેરા પર પરસેવાના રેલા હતા. એના અર્ધા માથા પર ઊગેલા વાળ ઊડતા હતા.

કિનારો ઉતરતાં ઉતરતાં એણે બીજી બૂમ પાડી. ભરત તો પહેલી જ બૂમે પુલથી છેટો ખસી ગયો હતો. મીરાં બીજી બૂમ સાંભળીને પાછી દોડી આવી. રામ પણ પાછો વળ્યો. પરંતુ એ પુલ ઊતરી રહે તે પહેલાં તો કેપ્ટન બહાદુર પુલ પર ચડી ગયો. એણે એક મોટી રાડ પાડીને રામનો ખભો પોતાના જમણા હાથે પકડી લીધો અને ડાબા હાથમાં પકડી ઘોડી : જાણે રામને ફટકારવા માગતો હોય એમ ઘોડી હવામાં વીંઝી. રામ તો શિયાવિયા થઈ ગયો.

જો કે બહાદુરે પેલી ઘોડી રામને મારી નહિ. જાણે એકદમ એણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લાધો. ઘોડી નીચે મૂકી દીધી. પણ રામને પુલ નીચે ઉતારવા માટે એણે ધક્કો તો મારી જ દીધો. પોતે પુલ ઉપર ઊભા ઊભા મોટે અવાજે ગરજવા લાગ્યો, “ઓ મૂરખાઓ ! ચક્ર્મો ! બુધ્ધુઓ ! નાલાયકો ! અહીં ખંડિયેરમાં તમારા દાદાએ શું દાટ્યું છે ! ભાન વગરનાંઓ ! સડેલી ખોપરીવાળાં.....”

એ આગળ બોલી શક્યો નહિ. નાનાં છોકરાંઓને ભાંડી શકાય એટલી લગભગ બધી ગાળો એ ભાંડી ચૂક્યો હતો. એથી એનો ગુસ્સો ઓછો થવા લાગ્યો. એ વધુ સ્વસ્થ બન્યો.

ધીમેથી પુલ ઉપરથી ઊતરીને એણે કહ્યું, “મેં તમને ગભરાવી માર્યાં, કેમ છોકરાંઓ ? પણ શું કરું ? તમારાં માસીબા ફાર્મ ઉપર નથી. એટલે તમને જીવતાં રાખવાની જવાબદારી મારી છે. અહીં તૂટેલ ફૂટેલ પુલો પર અને ખંડિયેરમાં ગબડી પડો અને વગાડી બેસો તો મારી શી દશા થાય ? મારી તો નોકરી જ જાય ને ? ચાલો, ભાગો અહીંથી ! અને યાદ રાખો, અહીં જેટલા દહાડા રહેવું હોય તેટલા દહાડા રહો, પણ આ પવનચક્કી તરફ આંખ સુદ્ધાં ફરકાવવાની નથી. ચાલો !”

રામને કેપ્ટન બહાદુરનું આ લાંબું ભાષણ ના ગમ્યું. એણે ડોળા ફાડીને કહ્યું, “કેપ્ટન, તારે જે કહેવું હોય તે કહે, પણ આમ રાડો શાનો પાડે છે ?”

કેપ્ટન બહાદુરે પોતાની ઘોડી જમીન ઉપર પછાડી કહ્યું, “તો પછી આમ વકરેલાં વાછરડાની જેમ ભટક્યા કેમ કરો છો ? ચાલો અહીંથી !”

અને બહાદુર આગળ ચાલ્યો. ત્રણેય બાળકો નીચી મૂંડીએ એની પાછળ ચાલ્યાં. ઉપરની કેડીએ પહોંચ્યા પછી બહાદુરે કહ્યું, “આવડો મોટો વડોદરા જિલ્લો પડ્યો છે. આટલા પાવાગઢના પહાડો છે ને આટલાં ઝરણાં છે. ગમે ત્યાં ફરો, પણ ભગવાનને ખાતર અહીં આવીને મારો જીવ ના લેશો !”

આટલું કહીને કેપ્ટન બહાદુર એની ઘોડી ઉપર લાંબી ફલાંગો ભરતો ભરતો આગળ વધી ગયો.

છોકરાંઓ એકલાં પડ્યાં એટલે રામે જોરજોરથી ડોકું ધુણાવતાં કહ્યું, “અરે ! બહાદુરને આટલો ગુસ્સે થતો તો મેં કદી જોયો નથી. અને એ ગુસ્સે થયો એના કરતાં વધુ તો ડરી ગયો હતો. જાણે કેપ્ટન બહાદુર જ ના હોય !”

બહાદુરના આવા વર્તાવથી છોકરાંઓનો ઉત્સાહ સાવ પડી ભાંગ્યો. એ લોકો લગભગ મૂંગાં બની ગયાં અને જ્યારે બોલતાં ત્યારે પણ પવનચક્કીની અને બહાદુરના ડરની જ વાત કરતાં.

આખરે ખેતરોમાં રખડી રખડીને એ લોકો થાક્યાંપાક્યાં હવેલીએ પહોંચ્યાં ત્યારે ભૂખ્યાં ડાંસ જેવા બની ગયાં હતાં. હાથપગ ધોઈને જમવા બેઠાં. બહાદુરે રસોઈ બનાવી રાખી હતી. મેથીના ચોપડા, શાક અને દૂધ. પોતે બપોરે કરેલા ગુસ્સાનો બદલો વાળતો હોય તેમ એ હસી હસીને વાત કરતો હતો.

“જુઓ, છોકરાંઓ ! મારી રસોઈ ચાખો ! પેલી કમળા માને છે કે એકલી એને જ રાંધતાં આવડે છે. પણ ના હોં, એના બાપનેય એવી ફક્કડ રસોઈ આવડે છે કે ખાનારા આંગળાંય કરડી જાય. હો હો હો !”

ખાઈપીને સૌ દીવાનખાનામાં બેઠાં અને કેપ્ટન બહાદુરે કહ્યું, “બાળકો, મેં તમને લલ્લુ લંગડા ચાંચિયાની વાત કહી છે ખરી ?”

“નહીં તો !” રામ બોલી ઊઠ્યો. “પણ અહીં વળી ચાંચિયો કેવો ?”

“આહા ! ચાંચિયો ! દરિયાઈ ચાંચિયો નહિ પણ નદીનો ચાંચિયો !”

ભરતે ચશ્માં ચડાવતાં કહ્યું, “બહાદુર, અમને એની વાર્તા કહે ને !”

હવે તો ભરત પણ બહાદુરને ‘તું’ કહેવા લાગ્યો હતો. એને આ આનંદી માણસ બહુ ગમી ગયો હતો.

***