કોબ્રાના ડંખથી અકવ બેભાન થઈ ગયો. ને જમીન પર પડી ગયો. તેમના મંત્રોના કારણે તે ફક્ત બેભાન થયો. આ બાજુ બહાર રાહ જોઈ રહેલી પૂર્વીતા ને સવાર ક્યારે થઈ ગયું તે ખબર રહી નહિ. જાગી ને જોયું પણ અકવ હજુ સુધી આવ્યો ન હતો એટલે ફરી અકવ ને શોધવા લાગી પણ નગરમાં અકવ ની કોઈ ભાળ મળી નહિ. એટલે તે રાજા રુદ્રવીર પાસે પહોંચી અને અકવ ને શોધી આપવા રાજાને આજીજી કરી. એક નિરાધાર થયેલી મહિલા પર દયા આવીને રાજા રૂદ્રવીરે ચાર સૈનિકો ને આદેશ કર્યો કે જ્યાં સુધી અકવ મળે નહિ ત્યાં સુધી તેની શોધખોળ કરતા રહો.
સૈનિકો તો રાત દિવસ અકવ ની શોધખોળ કરવા લાગ્યા પણ તેની કોઈ ભાળ મળી નહિ આખરે અકવ ના કોઈ સમચાર ન મળતાં બધા એમ માનવા લાગ્યા કે અકવ આ દુનિયા છોડી ને ચાલ્યો ગયો હશે. તો ઘણો સમય થયો છતાં પણ અકવની આશા પૂર્વીતાએ છોડી નહિ તે માં પાર્વતીના શરણે ગઇ ને તેની ભક્તિ, સેવા કરવા લાગી. સમય મળે એટલે પૂર્વીતા માતાજી પાર્વતી ની સ્તુતિ અને ભક્તિ કરતી. જ્યારે જયારે તેના ઘરે થી બહાર નીકળતી હતી ત્યારે તે હંમેશા ત્યાં રમતા બાળકો ને જોતી અને મનમાં પણ થતું કે મારે પણ કોઈ બાળક હોય. હવે તેના પતિં ની માંગણી સાથે દીકરાની પ્રાપ્તિ માટે માતાજી પાસે ભીખ માંગી રહી હતી.
એક વર્ષ થવા આવ્યું હતું પણ અકવની કોઈ ભાળ મળી ન હતી પણ એક બાજુ અકવ નું ગામ હતું તો બીજી બાજુ પૂર્વીતા માટે ખુશીના સમાચાર એ હતા કે તે ગર્ભવતી થઈ, તે જલ્દી માં બનવા જઈ રહી હતી. કહેવાય છે ને સમય જતાં મનમાં રહેલી જૂની યાદો ભૂલાય જાય છે તેમ ધીરે ધીરે તેના પતિ અકવ ને ભૂલવા લાગી હતી અને આવનાર બાળક ની તે કાળજી લઈ રહી હતી.
એક દિવસ જગ્લમાં અકવ ને ભાન આવે છે ને તે તેના ઘરે આવે છે. અકવના આવવાથી પૂર્વીતા બહુ ખુશ થાય છે ને તેને ભેટી પડે છે. અકવ ને ખબર પડે છે કે પૂર્વીતા માં બનવા જઈ રહી છે તો તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહિ. જાણે કે ઘરે દિવાળીની રોનક થઈ ગઈ હોય તેમ પૂર્વીતા ઘરમાં અકવના આવવાની ખુશીમાં દીવડાઓ પ્રગટાવ્યા. અને સારું ભોજન બનાવ્યું. તે દિવસ બંનેએ ખુબ આનંદ થી મનાવ્યો.
દિવસ પસાર થવા લાગ્યા. જ્યારે અકવ આવ્યો હતો ત્યારે તેને ખબર ન હતી કે હું એક વર્ષ સુધી બેભાન રહ્યો હતો પણ એક દિવસ અકવ ને ખબર પડે છે કે હું જંગલમાં એક વર્ષ સુધી બેભાન રહ્યો હતો તો પૂર્વીતા કેમ માં બની. તે પૂર્વીતા ને પૂછે છે કે તું ગર્ભવતી કઈ રીતે થઈ ત્યારે તેણે માં પાર્વતીની આશીર્વાદ ની વાત કરી, અકવ થોડા દિવસ થી જોઈ રહ્યો હતો કે પૂર્વીતા માં પાર્વતીની ભક્તિ કરે છે એટલે ભક્તિના કારણે અકવ માની ગયો કે કદાચ માં પાર્વતીએ દીકરો આપ્યો હશે.
એક દિવસ અકવની ઘરે દિકરાનો જન્મ થાય છે. પૂર્વીતા અને અકવ બહુ ખુશ દેખાઈ રહ્યા હતા પણ જ્યારે અકવ તેના દીકરાના દર્શન કર્યા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ બાળક નથી મારી જેવું કે નથી પૂર્વીતા જેવું. એટલે અકવના મનમાં શંકાના વાદળો ઘેરાવા લાગ્યા. તે બસ એમ જ માની રહ્યો હતો કે આ થનાર બાળક મારું નથી તે કોઈ બીજાનું છે.
ધીરે ધીરે અકવનું વર્તન પૂર્વીતા તરફ બદલાવવા લાગ્યો. અને પૂર્વીતા ને પ્રેમને બદલે નફરત કરવા લાગ્યો. નફરત નું પરિણામ ઝગડો ધારણ કરી લીધું. પૂર્વીતા જ્યારે સવાલ કરતી કે તમે આવું કેમ મારી સાથે વર્તન કરી રહ્યા છો.? તો તે ગુસ્સા માં એટલું કહેતો આ બાળક મારું નથી, ભલે તારું બાળક રહ્યું પણ તેનો પિતા બીજો કોઈ છે. આ સાંભળીને તો પૂર્વીતા ચક્કર આવીને પડી ગઈ.
બીજે દિવસે પૂર્વીતા ને હોશ આવતા તે તેના બાળક ને લઈને રાજા ભદ્રવીર પાસે ન્યાય માંગવા પહોંચે છે. તે સમયે મહારાજાની સભા ભરાયેલી હતી. બધા આનંદ કિલ્લોલ કરતા હતા તે સમયે પૂર્વીતા નું સભામાં આવવું અને "મહારાજ મને ન્યાય આપો" "મહારાજ મને ન્યાય આપો" કહેવું. જાણે સભા ગુંજી ગઈ, ને સભામાં બેઠેલા બધા ચૂપ થઈ પૂર્વીતા ને જોઈ રહ્યા.
મહારાજ ભદ્રવીર ન્યાય માંગનાર સ્ત્રી ને કહે છે. હે સ્ત્રી, હે લક્ષ્મી તમારું આ રીતે સભામાં આવવું એટલે કોઈ દુઃખ હોય તેવું લાગે છે. એટલે કોઈ દુઃખ કે મુશ્કેલી હોય તો મને જણાવો. તમે અહી ન્યાય માંગવા આવ્યા છો તો તમને અવસ્ય ન્યાય મળશે પણ પહેલા મને તમારી વાત કહો જેથી હું ન્યાય આપી શકું.
મહારાજ પૂર્વીતા ના પ્રણામ સ્વીકારજો. કહી મહારાજ સામે પૂર્વીતા એ શિશ ઝુકાવ્યું. હું નગરના રહેવાસી એવા સરપેરા અકવની પત્ની પૂર્વીતા છું. અકવનું કામ મજૂરી કામ સાથે સાપ પકડવાનું છે એક દિવસ જંગલમાં સાપ મૂકવા જવું અને એક વર્ષે પાછા ફરવું. અને મારું માં બનવું મારું દુઃખનું કારણ છે. અકવ હવે મારા બાળક ને સ્વીકારવા તૈયાર નથી તે આ બાળક નો પિતા કોઈ બીજો છે એક કહી મને તરછોડી છે. એટલે હે મહારાજ હું ન્યાય માંગવા તમારી પાસે આવી છું. માં પાર્વતી ના સોંગંધ આ બાળક મારું છું. કૃપા કરી મને ન્યાય આપો.
રાજા ભદ્રવીરે સૈનિકો ને આદેશ આપ્યો કે અત્યારે ને અત્યારે પૂર્વીતાના પતિ અકવ ને સભામાં હાજર કરવામાં આવે. સૈનિકો ને રાજાનો આદેશ મળતા તેજ ઘડીએ નગર ગયા અને અકવને સભામાં હાજર કર્યો. અકવ પહેલા મહારાજ ને પ્રણામ કરે છે અને પૂછે છે મને અહી સભામાં શા માટે લઈ આવવામાં આવે છે. જ્યારે મહારાજ સામે આ સવાલ કર્યો ત્યારે તેની નજર પૂર્વીતા પર પડી એટલે અકવ સમજી ગયો ને બે ડગલાં પાછો વળ્યો ને ચૂપચાપ ઉભો રહ્યો.
મહારાજા ભદ્રવિરે અકવ ને કહ્યું હે અકવ તારી પત્ની જે કહી રહી તે સાચું છે.? અને સાચું હોય તો તેનું કારણ બતાવ નહિ તો મારે તને દંડ આપવો પડશે. આ રીતે પત્ની ને તરછોડવી એક અપરાધ છે અને આ અપરાધમાં તને કારાવાસ પણ થઈ શકે છે એટલે જે સત્ય હોય તે જણાવ.
અકવ થોડો મહારાજ પાસે આવ્યો ને ફરી પ્રણામ કર્યા. મહારાજ તમે જ વિચારો એક વર્ષ સુધી કોઈ પતિ તેની પત્નીથી દૂર હોય તો પત્ની કેવી રીતે માં બની શકે.? બસ હું આટલું કહેવા માંગુ છું મે એક વર્ષ સુધી મારી પત્ની થી દૂર હતો એટલે સાથે હોવાનો કોઈ સવાલ જ નથી. બસ હું માનું છું આ બાળક મારું નથી. બાકી મારે એ જાણવું પણ નથી કે આ બાળક ના પિતા કોણ છે.
મહારાજ ઊભા થયા અને અકવની વાત સાચી માની હોય તેમ પૂર્વીતા ને કહ્યું હે સ્ત્રી તારો પતિ સાચું કહી રહ્યો છે. પતિ વગર કોઈ પત્ની માં બની શકે નહિ અને જો માં બને તો સમજવું કે તે બાળકનો પિતા તેનો પતિ નહિ કોઈ બીજું હોય છે. એટલે મારો આદેશ છે. કે આ સ્ત્રી ને..... આટલું બોલવા મહારાજ જઈ રહ્યા હતા ત્યાં પૂર્વીતા મહારાજ ને રોકે છે.
થોભો મહારાજ આ રીતે ન્યાય કેટલો યોગ્ય છે. જેની એક વર્ષ સુધી રાહ જોઈ, ફરી પાછા ફરે તે માટે માં પાર્વતી ની ઉપાસના કરવી તે મારા પતિ પ્રત્યે પ્રેમ નહિ તો શું છે.!
જો મારે બીજા સાથે રહેવું હોત તો આ રીતે એક વર્ષ સુધી રાહ ન જોઈ હોત ક્યારનીય બીજા પાસે જતી રહી હોત. સવાલ બાળકનો છે ને તો માં પાર્વતીના સૌગંધ આ બાળક મારા પતિ અકવનું અને મારું છે.
મહારાજ ન્યાય આપતા પહેલા સો વાર વિચારજો હું પવિત્ર સ્ત્રી છું. મે ક્યારેય મનમાં પણ પાપ કર્યું નથી. હું એક પતિવ્રતા નારી છું.
મહારાજાએ પૂર્વીતા ની વાતની અવગણના કરી અને આદેશ કર્યો કે આ બાળક અકવ નું નથી અને પૂર્વીતા ના કારણે અકવ દુઃખી થયો છે એટલે પૂર્વીતા ને એક વર્ષ માટે કારાવાસ અને પાચ સોનામહોર નો દંડ ફટકારવામાં આવે છે.
આ સાંભળીને પૂર્વીતા ક્રોધિત થઈ અને મહારાજ ને કહ્યું હે મહારાજ તમે જાણ્યા અને પારખ્યા વગર ન્યાય કર્યો છે. અને આ ન્યાય એક સત્યનો ન્યાય નથી એટલે હે મહારાજ હું તમને શ્રાપ આપુ છું. આ જન્મમાં તમને સંતાન છે પણ આવતા જન્મમાં તમે સંતાન માટે ભટક્યા કરશો. આ એક પવિત્ર પતિવ્રતા સ્ત્રી નો શ્રાપ છે. ત્યાં તો સભા માંથી બધા ઊભા થઈ પૂર્વીતા ને જોઈ રહ્યા. ને વાતો કરવા લાગ્યા કે એક નગરની સ્ત્રીએ મહારાજ ને શ્રાપ આપ્યો.!!!
શ્રાપ સાંભળી ને મહારાજ ભદ્રવીર ને ઘણો પસ્તાવો થયો તેને પૂર્વીતા સામે પોતાની ભૂલની માફી માંગી. અને તેને આપવામાં આવેલી સજા અને દંડ માફ કરે છે. પૂર્વીતાની પવિત્રતા જોઈ અકવ ફરી તેને અપનાવી લે છે. ત્યારે જતા જતા પૂર્વીતા મહારાજ ને કહેતી જાય છે. મહારાજ શ્રાપ તો મારાથી અપાઈ ગયો છે એટલે તે મિથ્યા તો નથી થવાનો પણ તમે તે જન્મમાં ભગવાન મહાદેવના શરણે જશો તો તમને અવસ્ય પુત્રની પ્રાપ્તિ થશે. કહી પૂર્વીતા અકવની સાથે નીકળી ગઈ.
ક્રમશ.....