ઔકાત – 7
લેખક – મેર મેહુલ
“તું નાની બાળકી નથી શ્વેતા” બળવંતરાય ચિલ્લાયા, “કેશવને તારી સુરક્ષા માટે સાથે મોકલ્યો હતો અને તું એને જ હેરાન કરતી હતી. જો અત્યારે તને કંઈક થઈ ગયું હોત તો કોણ જવાબદાર હોત ?”
“દાદા શાંત થાઓ, દીકરી છે તમારી !” મંગુએ બળવંતરાયને શાંત પાડતાં કહ્યું.
“શ્વેતા !!, તારા રૂમમાં જા” બળવંતરાયે શ્વેતાને ઉદ્દેશીને આંગળી વડે ઈશારો કર્યો. શ્વેતા નજર ઝુકાવીને રૂમમાં ચાલી ગઈ.
“શશીકાંતનું કંઈક કરવું પડશે હવે, થોડા દિવસથી વધુ પડતો જ ઉછળે છે” બળવંતરાયે ખુરશી પર આસન લેતાં કહ્યું.
“એ ડરાવે છે દાદા, બીજું કશું નથી. તમે એકવાર લાલ આંખ કરશો તો એ ચૂપ થઈ જશે”
“મને ચિંતા એની નથી, બે વચ્ચે ત્રીજો ફાવી જાય એની ચિંતા છે. બદરુદ્દીનનાં મગજથી તું વાકેફ નથી. જો એને એક પણ મોકો આપ્યો તો એ સુંવરનો બચ્ચો આપણને ક્યાંયના નહિ છોડે”
“તમે કહો તો એને પણ ચૂપ કરાવી દઈએ” મંગુએ જોશમાં આવીને કહ્યું.
“ના, અત્યારે જરૂર નથી. સમય આવશે તો એ પણ કરીશું” બળવંતરાયે કહ્યું, “કેશવને અંદર બોલાવ”
મંગુ બહાર જઈને કેશવને બોલાવી લાવ્યો.
“કેશવ, તારી જવાબદારી હવે બમણી થઈ ગઈ છે. શ્વેતા હવે કોલેજમાં પણ સુરક્ષિત નથી. તારે હવે પડછાયાની જેમ તેની સાથે રહેવાનું છે”
“જી દાદા” કેશવ કહ્યું.
“કોલેજમાં કેસરગંજ અને બલીરામપુરનાં પણ સ્ટુડન્ટસ આવી શકે છે એટલે બધા પર નજર રાખજે, મારી દીકરીને કંઈ ના થવું જોઈએ”
કેશવે હકારમાં માથું ધુણાવ્યું.
“તું હવે કોલેજ જવા રવાના થા, તારે સ્ટડી પર પણ ધ્યાન આપવાનું છે. આ કામની અસર તારી સ્ટડી પર ના થવી જોઈએ. કાલે સવારે શ્વેતાને લેવાં સમય પર આવી જજે”
કેશવે સહમતી પૂર્વક ગરદન ઝુકાવી અને બહાર નીકળી ગયો.
*
બદરુદ્દીન બેસબરીથી પઠાણની રાહ જોતો આમતેમ આંટા મારતો હતો. પઠાણનો એક કૉલ આવ્યો હતો, જેથી બદરુદ્દીન ચિંતામાં મુકાઈ ગયો હતો.
આજે સાવરે પઠાણે તેનાં ચાર માણસોને શ્વેતાને ડરાવવા કોલેજ મોકલ્યાં હતા. એ લોકો પોતાનું કામ કરે એ પહેલાં બીજા કોઈ ચાર માણસોએ શ્વેતાને અગવાહ કરી લીધી અને શશીકાંતનાં નામથી ધમકાવીને છોડી દીધી એવા સમાચાર પઠાણે આપ્યાં હતાં.
બદરુદ્દીન એક વાત જાણતો હતો, શશીકાંત કોઈ દિવસ આવું કામ ન કરી શકે. જો એ પોતાનાં માણસોને મોકલે તો શ્વેતાને ધમકીનાં બદલે બંદી બનાવીને કેસરગંજ લઈ જાય અથવા ત્યાં જ તેનું કામ તમામ કરી નાંખે. તો બીજાં ચાર માણસો કોણ હતા ?, એ સવાલ બદરુદ્દીનને મુંજવતો હતો.
પઠાણ આવ્યો એટલે વ્યાકુળ થયેલો બદરુદ્દીન બહાર દોડી આવ્યો, “ખબર પડી, કોણ હતું એ ?”
“ના માલિક, હજી સુધી એ કોઈનો પત્તો નથી લાગ્યો”
“બળવંતરાયને આપણાં કારનામા પર શંકા ગઈ છે ?”
“ના, હજી સુધી નથી લાગતું. બે દિવસમાં એની પણ ખબર પડી જશે”
“એનાં સુધી આ વાત ના પહોંચવી જોઈએ નહીંતર આપણાં વ્યાપારને મોટો ફટકો લાગશે”
“તમે ચિંતા ના કરો માલિક, હું જોઈ લઈશ બધું”
બદરુદ્દીને રાહતનાં શ્વાસ લીધાં.
“કેસરગંજનાં માલનું શું થયું ?” બદરુદ્દીને પુછ્યું.
“સાંજ સુધીમાં એ પણ આવી જશે” પઠાણે કહ્યું.
“આપણો ખબરી હજી ત્યાં જ છે ને ?”
“હા, એ હજી સુરક્ષિત છે. એનાં વિશે પણ કોઈને ખબર નથી”
“સરસ, બંને શહેરને બલીરામપુરમાં શામેલ કરવાનું મારું સપનું હવે જલ્દી પૂરું થશે” પોતાની આદત મુજબ દાઢીમાં હાથ ફેરવીને બદરુદ્દીન લુચ્ચું હસ્યો.
*
ઇન. રણજિત અને રાવત ચાની લારી પર બેસીને ચા પી રહ્યાં હતાં. સવારમાં જે કૉલેજમાં ઘટનાં બની હતી તેનાં વિશે બંને ચર્ચા કરી રહ્યાં હતાં.
“કોનું કામ લાગે છે રણજિત ?” રાવતે પુછ્યું.
રણજિતે ચાનો કપ બાજુમાં રાખ્યો, ઊભાં થઈને કાચની બરણીમાંથી ખારીશીંગનું એક પેકેટ લીધું. શિંગ મુઠ્ઠીમાં લઇ ફોતરાં ઉડાડી તેણે હથેળી રાવત તરફ ધરી.
“મને તો આ કામ કોઈ ત્રીજા વ્યક્તિનું જ લાગે છે રાવત સાહેબ” રણજિતે ઘણું વિચાર્યું પછી કહ્યું, “શશીકાંતમાં એટલી હિંમત નથી કે એ પોતાનાં માણસોને શિવગંજમાં મોકલીને આ કામ કરાવે અને બદરુદ્દીન સાંપનાં દરમાં હાથ નાંખવા જેવું મૂર્ખ કામ ના કરે”
“તારો મતલબ છે કે શિવગંજની ગાદી માટે ત્રણ નહિ હવે ચાર હરીફ છે” રાવતે શીંગનો દાણો મોંમાં નાંખીને કહ્યું.
“હા, અને આ ચોથો હરીફ છે એ બધાથી શાતીર દિમાગવાળો છે, હરીફાઈમાં આવતાં પહેલાં તેણે પુરી તૈયારી કરી હશે” કોઈ જાસૂસી ઓફીસરની જેમ પૂરાં આત્મવિશ્વાસ સાથે રણજિતે કહ્યું.
“તું આટલાં વિશ્વાસ સાથે કેમ કહી શકે ?”
“અત્યારે તેણે એક તીરથી ત્રણ નિશાન માર્યા છે, ખબર મળી હતી કે બદરુદ્દીન તેનાં માણસોને મોકલીને શશીકાંતનાં નામે બળવંતરાયને ધમકી આપવાનો હતો. એ કામ આ ચોથા વ્યક્તિએ કરી લીધું. હવે થોડું વિચારો. બળવંતરાય માટે બધા જ દુશ્મન બની ગયાં. આ કારસ્તાન બદરુદ્દીનનું છે એ વાતની જો તેને ખબર પડશે તો બદરુદ્દીન સાથે દુશ્મની, જો શશીકાંત પર શંકા જશે તો તેની સાથે. આ કિસ્સામાં ચોથા વ્યક્તિને બધી બાજુથી લાભ જ છે”
“તું કહે એ બધી વાત માન્ય રાખું પણ બળવંતરાય સામે જંગ લડવા કોણ તૈયાર થયું હશે ?, ત્રણેય શહેરમાં એનાં નામનો ખૌફ કેટલો છે એની તો તને ખબર જ છે”
“એ જ કહું છું ને, જે વ્યક્તિ બળવંતરાય સામે બાથ ભીડે છે એ કોઈ નાની હસ્તી તો હશે નહિ, તેણે પુરી તૈયારી કરી હશે તો જ આ જંગમાં જંપલાવ્યો હશેને !”
“બનવાજોગ છે કે તારી આ બધી વાતો બેબુનિયાદી પણ હોય” રાવતે કહ્યું.
“આપણું કામ શું છે રાવત સાહેબ ?” રણજિત હસ્યો, “આપણે કોઈનો જુર્મ તો સાબિત કરવાનાં નથી, વાતો કરવામાં શું જાય છે ?”
રાવત પણ હળવું હસ્યો.
“પંડિતજીનાં શું સમાચાર છે ?” રાવતે પુછ્યું, “લાશ મળી કે નહી ?”
“લાશ તો નથી મળી પણ ફેકટરીમાં જ તેની અંતિમક્રિયા થઈ ગઈ છે એવું જાણવા મળ્યું છે”
“ચાલો એક કેસ તો સોલ્વ થઈ ગયો” રાવતે કહ્યું, “હવે જ્યાં સુધી બીજું કોઈ મર્ડર ના થાય ત્યાં સુધી આપણે શાંતિ”
“એ વાત તો છે” કહેતાં રણજિત ઉભો થયો અને ચાનાં પૈસા ચૂકવવા ગજવામાં હાથ નાંખ્યો.
“પાકિટ ઘરે ભૂલી ગયો છું રાવત સાહેબ” રણજિતે ગજવા ફંફોળતા કહ્યું. રાવતે પોતાનાં ગજવા ફંફોળ્યા, “હું પણ ભૂલી ગયો છું”
“પછી ક્યારેક આપી દેજો સાહેબ “ ચાની લારીવાળાએ ધૃણા અને ધિક્કાર ભર્યા અવાજે કટાક્ષમાં કહ્યું. બંને ઑફિસર હસતાં હસતાં જીપ તરફ ચાલ્યાં.
‘લુખ્ખા સાલાઓ, રોજ મફતની ચા પી જાય છે’ ચાની લારીવાળાએ મનમાં ગાળો આપી, ‘કોઈ ઈમાનદાર અફસર આવે તો આ લોકોનો ત્રાંસા ઓછો થશે હવે’
(ક્રમશઃ)