ઔકાત – 5
લેખક – મેર મેહુલ
શ્વેતા ગુસ્સામાં ઘરે આવી હતી. ઘરમાં પ્રવેશતાં તેણે ચીજ-વસ્તુઓને આમતેમ ફેંકવાનું શરૂ કરી દીધું. બાળપણથી જિદ્દી રહેલી શ્વેતાનાં ગાલ પર આજે કોઈ તસમસતી થપાટ મારી હતી. પહેલાં કોઈ દિવસ તેનું આવું અપમાન નહોતું થયું, એક વ્યક્તિએ તેને સૌની સામે બેઇજત કરી દીધી હતી અને તેનો બદલો લેવાં શ્વેતા અંદરથી સળગી રહી હતી.
શ્વેતાને રાડો પાડત જોઈને બળવંતરાય દોડી આવ્યાં.
“શું થયું દીકરી, કેમ આટલી બધી ગુસ્સે છે ?” બળવંતરાયે ચિંતાયુક્ત સ્વરે પુછ્યું.
“પાપા, તમે તો કહેતાં હતાં કે બધાં મારી ઈજ્જત કરશે, મારાથી ડરશે પણ અહીંથી તો ઊલટું થઈ રહ્યું છે” કહેતાં કહેતાં શ્વેતા રડવા લાગી.
“શું થયું એ તો જણાવ, કોઈએ કંઈ કહ્યું ?” બળવંતરાયે પુછ્યું.
શ્વેતાએ કોલેજમાં બનેલી પુરી ઘટનાં કહી સંભળાવી. શ્વેતાની વાત સાંભળીને બળવંતરાય પણ આશ્ચર્યચકિત થઈ ગયાં. આજદિન સુધી શિવગંજમાં કોઈ એવો માણસ નહોતો જન્મ્યો જેનાં દિલમાં બળવંતરાયનાં નામનો ડર ના હોય, જે આટલો નીડર હોય.
“તું પહેલા રડવાનું બંધ કર” બળવંતરાયે સ્વભાવ મુજબ શાંતિથી કામ લીધું, “ એ છોકરાંને હું હમણાં જ બોલવું છું અને સજા આપું છું”
“જ્યાં સુધી મારી બેઇજતીની બદલો લેવામાં નહિ આવે ત્યાં સુધી હું જમીશ નહિ, એટલું યાદ રાખજો પાપા” કહેતાં શ્વેતા પગ પછાડીને પોતાનાં રૂમમાં ચાલી ગઈ.
શ્વેતાનાં ગયાં પછી બળવંતરાયે મંગુને બોલાવ્યો અને કેશવ નામનાં છોકરાને ઉઠાવી લાવવા કહ્યું.
*
સાંજના છ થયાં હતાં. કેશવ પોતાનાં રૂમમાં બેઠો બેઠો વિચારમાં ખોવાયેલો હતો. તેની આંખો સામે મીરાનો ચહેરો હતો. ચહેરે લંબગોળ, રંગે ઘઉંવર્ણી સાથે નમણી અને દેખાવડી, આંખોએ શરમાળ, શરીરે પાતળા બાંધાવાળી અને સાધારણ દેખાતાં બ્લ્યૂ ડ્રેસ પર ખુલ્લાં વાળમાં મીરાંની સાદગી તેને જોતાં જ ખબર પડી જતી હતી. એ જ્યારે શ્વેતા અને કેશવનાં ઝઘડા વચ્ચે કૂદી હતી અને માફી માંગી હતી એ વાત કેશવને સ્પર્શી ગઈ હતી. તેનો અવાજ પણ કેશવનાં કાનમાં ગુંજતો હતો. ટૂંકમાં મીરા તેને પહેલી નજરે જ પસંદ આવી ગઈ હતી.
થોડીવાર પછી કેશવે સવારે બનેલી ઘટના યાદ કરી. એ કેન્ટીનમાં બેસીને નાસ્તો કરતો હતો એટલામાં બધાં ઉભા થઈને જવા લાગ્યા, થોડીવાર પછી એક છોકરી આવી અને પોતાને બહાર જવા કહ્યું. ગુસ્સામાં તેણે એ છોકરીને થપાટ લગાવી દીધી અને ત્યારેબાદ બીજી છોકરી આવી જેણે પિસ્તોલ તાંકી દીધી. કેશવે તેને પણ સરળતાથી સંભાળી લીધી અને પછી મીરા આવી. મીરા આવી એ વાત તો કેશવને સમજાઇ રહી હતી પણ એ પહેલાં પેલી બે છોકરી તેને શા માટે કેન્ટીનમાંથી જવા કહેતી હતી એ કેશવને નહોતું સમજાતું. એ વિચારોમાં ડૂબેલો હતો એ જ સમય દરમિયાન સહસા કોઈએ તેનાં રૂમનો દરવાજો ખખડાવ્યો.
કેશવે ઉભા થઈને દરવાજો ખોલ્યો તો સામે મંગુ ઉભો હતો. તેની પાછળ બ્લેક સ્યુટમાં હાથમાં ઓટોગન લઈને બે માણસ હતા.
“કેશવ મહેતા ?” મંગુએ પ્રામાણિકતાથી પુછ્યું.
“જી !” કેશવે જવાબ આપ્યો.
“દાદા બોલાવે છે” મંગુએ પૂર્વવત શિષ્ટાચાર દાખવતાં કહ્યું, “ચાલો અમારી સાથે”
કેશવે સહમતી સાથે હા પાડી અને રૂમ લોક કરીને તેઓની સાથે ચાલ્યો.
“નવો છે આ શહેરમાં ?” ઇનોવા તરફ ચાલતાં ચાલતાં મંગુએ પુછ્યું.
“હા, કાલે જ મુંબઈથી આવ્યો છું” કેશવે કહ્યું.
“દાદાને નથી ઓળખતો તું, શિવગંજનાં માલિક છે એ અને તે એની જ છોકરીને છંછેડી છે”
“મેં કશું નથી કર્યું” કેશવે ખભા ઉછાળ્યા.
“એ બધી વાત દાદા સામે કહેજે” મંગુએ ઇનોવાનો દરવાજો ખોલ્યો, “એ સામે આવે એટલે તેનાં ચરણ સ્પર્શ કરજે અને જય મહાકાલ કહેજે”
કેશવ ચૂપચાપ ઇનોવામાં બેસી ગયો. થોડીવારમાં ઇનોવા ભવ્ય અને આલીશાન હવેલી બહાર ઉભી રહી. ઇનોવામાંથી કેશવ અને મંગુ બહાર આવ્યા. બંને હવેલીનાં પરસાળમાંથી હવેલીમાં પ્રવેશ્યાં. અંદર ખુરશી પર બળવંતરાય બેઠાં હતાં.
“જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શ કરીને કહ્યું. કેશવ અદબવાળીને ઉભો રહ્યો. મંગુએ કેશવને ચરણ સ્પર્શ કરવા ઈશારો કર્યો પણ કેશવ એ જ પરિસ્થિતિમાં ઉભો રહ્યો.
કેશવ હવેલીમાં છે એ જાણીને શ્વેતા રૂમમાંથી પિસ્તોલ હાથમાં લઈને બહાર આવી અને કેશવ તરફ તાંકીને ગુસ્સામાં બોલી, “બોલ હવે, ખોપરીનું નિશાનું લઉં કે હૃદયનું !!”
“જુઓ મેડમ” કેશવે હાથ ઊંચા કર્યા, “હું તમારો દુશ્મન નથી, તમે વાત વાતમાં પિસ્તોલ તાંકશો તો પરિણામ સારા નહિ આવે”
“શ્વેતા” બળવંતરાયે હાથ વડે ઈશારો કરીને શ્વેતાને અટકાવી, પછી મંગુ તરફ ઈશારો કરીને શ્વેતાનાં હાથમાંથી પિસ્તોલ લઈ લેવા કહ્યું. મંગુએ આજ્ઞાનું પાલન કરીને શ્વેતાનાં હાથમાંથી પિસ્તોલ લઈ લીધી.
“તું ઉપર જા, હું વાત કરું છું” બળવંતરાયે શ્વેતા તરફ જોઈને કહ્યું.
“પણ પપ્પા !”
“કહ્યુંને, ઉપર જા. થોડીવારમાં હું તને મળવા આવું છું”
શ્વેતા કેશવ તરફ ઘુરતી ઘુરતી ઉપર ચાલી ગઈ.
“મંગુ, મહેમાન માટે પાણી લઈ આવ” બળવંતરાયે હુકમ કર્યો. મંગુ રસોડા તરફ ચાલ્યો.
“હું બળવંતરાય મલ્હોત્રા, હું આ શિવગંજનો માલિક છું” બળવંતરાયે કેશવ તરફ ફરીને કહ્યું, “આવો, બેસીને વાત કરીએ”
કેશવ જઈને સોફા પર બેસી ગયો. તેણે આજુબાજુ નજર ફેરવી. હવેલીની ભવ્યતા આંખે આવીને ચોંટે એવી હતી. એક દીવાલ પર બળવંતરાયનો મોટો ફોટો હતો તો બીજી દીવાલ પર તલવાર અને રાઈફલો લગાવેલી હતી. હથિયારો જોઈને કેશવને કપાળે પરસેવો છૂટી ગયો.
“હું આ શહેરનો માલિક છું, એ હિસાબે તારે મારી ઈજ્જત કરવી જોઈએ” બળવંતરાયે ગુરુર સાથે કહ્યું, “અહીં જે લોકો આવે છે એ પહેલાં મારાં ચરણ સ્પર્શ કરે છે”
“ઈજ્જત દિલથી થાય દાદા, જે લોકો આવીને પહેલાં તમારાં ચરણ સ્પર્શ કરે છે એ તમારાથી ડરે છે. તમારી ઈજ્જત નથી કરતાં” કેશવે સપાટ ભાવે કહ્યું. તેનાં ચહેરા પર ડરનું એક લખલખું પણ નહોતું. મંગુ પાણી લઈને આવ્યો એટલે ‘આભાર’ કહીને કેશવે પાણીનો ગ્લાસ હાથમાં લીધો.
“મારી દીકરી બાળપણથી જિદ્દી રહી છે, લાડલી છે મારી. એ દુઃખી થાય તો મને પણ દુઃખ થાય છે” બળવંતરાયે કટાર જેવાં તીક્ષ્ણ શબ્દોમાં કહ્યું, “તે એને દુઃખી કરી છે”
“માણસનાં દુઃખનું કારણ એ પોતે જ હોય છે, બીજાની શું મજાલ છે. તમારી દીકરી સામે ચાલીને દુઃખી થવા આવી હતી, તો હું શું કરું દાદા !” કેશવે પણ એ જ ભાવે વળતો જવાબ આપ્યો.
“તારે એની ઈજ્જત કરવી જોઈએ, શિવગંજની રાજકુમારી છે એ”
“હું તમને પહેલાં પણ જણાવી ચુક્યો છું દાદા. ઈજ્જત દિલથી થાય છે અને તમારી દીકરીનો જેવો સ્વભાવ છે, એ ઈજ્જતને લાયક નથી”
બળવંતરાય સમસમી ઉઠ્યા. આજદિન સુધી કોઈએ તેની સામે પોતાની દીકરીની આવી નિંદા નહોતી કરી. બળવંતરાય શાંત અને નિષ્ઠાવાન હતો, સામેનાં વ્યક્તિને ઓળખવાની કલા તેનામાં જન્મથી જ હતી.
“મેં સાંભળ્યું છે તે પિસ્તોલને પુરી ખોલીને ટેબલ પર રાખી દીધી હતી” બળવંતરાયે વાત બદલી.
“હથિયારોમાં મને પહેલેથી જ રુચિ છે. યુટ્યુબ પર વીડિયો જોયેલો અને મેં એક સેમિનાર પણ એટેન્ડ કરેલો છે” કેશવે કહ્યું.
“સેમિનાર અને વાસ્તવિક જંગમાં જમીન આસમાનનું અંતર હોય છે !”
“માણસનું મન મજબૂત હોય તો જંગ પણ સેમિનાર જેવી જ લાગે છે” કેશવે બળવંતરાયની આંખોમાં આંખ પરોવીને કહ્યું.
“કામ કરીશ મારા માટે ?” બળવંતરાયે સસ્મિત પુછ્યું.
“સૉરી !” કેશવે બળવંતરાય તરફ કાન ધરીને પુછ્યું.
“પ્રસ્તાવ રાખું છું તારી સામે, કામ કરીશ મારા માટે” બળવંતરાયે કહ્યું, “મારી દીકરી કોલેજમાં સુરક્ષિત નથી, જો તું એનો અંગરક્ષક બનીને રહીશ તો મારી દીકરી માટે હું બેફિકર થઈ જઈશ”
“કામ કરવામાં મને વાંધો નથી પણ તમારી દીકરી….”
“એ તારી સાથે સભ્યતાથી વાત કરશે, એની બાંહેધરી હું આપું છું”
“એ તો ઠીક છે પણ મારી થોડી શરતો છે, જો તમે પાલન કરતાં હોય તો જ હું કામ કરવા તૈયાર છું” કેશવે કહ્યું. બળવંતરાયે શરતો બોલવા માટે ઈશારો કર્યો.
“કેસરગંજ સાથે તમારી પુરાણી દુશ્મની છે એ વાત જગજાહેર છે અને તમારી દીકરીને તમે બલીરામપુરથી જ કારમાં લઈ લીધી હતી એ વાત પણ. મારી શરત એ છે કે મને યોગ્ય નહીં લાગે તો હું તમારી દીકરીને એ વ્યક્તિ સાથે મળવાની મંજૂરી નથી આપું અથવા એવી જગ્યાએ જતાં અટકાવીશ જ્યાં તેને ખતરો હોય. બીજી શરત, તમારી દીકરી કારણ વિના, પોતાનો બદલો લેવા માટે મને હેરાન નહિ કરે. જો એવું થયું તો એ જ સમયે હું છૂટો થઈ જઈશ”
“મને તારી બધી શરતો મંજુર છે” બળવંતરાયે કહ્યું અને મંગુ તરફ ઈશારો કર્યો. મંગુએ હાથમાં રહેલી પિસ્તોલ કેશવને આપી.
“કાલે સવારે કોલેજ જવાના સમયે આવી જજે” બળવંતરાયે કહ્યું. કેશવે હકારમાં માથું ધુણાવ્યું અને ઉભો થયો.
“તો હવે હું નીકળું દાદા” કેશવે સામે ચાલીને બળવંતરાયનાં ચરણ સ્પર્શ કર્યા, “આને ડર નહિ, ઈજ્જત સમજશો”
બળવંતરાયે આંખો પલકાવીને સ્મિત કર્યું, કેશવ દરવાજો ચીરીને બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)