આપણે ગયા પ્રકરણમાં જોયું કે ઈલાબેન તેમજ મોટી વહુ નિલમ નાની વહુ નીમાને ખૂબ સમજાવ્યા કરતાં પણ તેના સ્વભાવમાં કંઇ ફરક પડતો નહિ હવે આગળ......
નાનો દિકરો અનિષ ભણીને આવી ગયો હતો એટલે તેના માટે ગામે ગામથી માંગા આવવાના શરૂ થઇ ગયા હતા. પણ તેને પોતાના જ ગામમાં રહેતી, પોતાની સાથે જ રમીને મોટી થએલી અને પોતાની સાથે જ, ભણતી નમ્રતા ખૂબજ ગમતી.પણ કહેવું કોને...?? તેમ તે વિચારતો હતો વળી નમ્રતાની ઇચ્છા પણ જાણવી જરૂરી હતી. તે કઇ રીતે જાણવી એમ વિચાર્યા કરતો હતો.
એટલામાં ફાઇનલ ઇયરનું રિઝલ્ટ લેવા શહેરમાં જ્યાં તે ભણતો ત્યાં કોલેજમાં જવાનું થયું. ઘણીવાર બસમાં સાથે આવતા-જતા નમ્રતા બસમાં મળી જતી પણ ભણવાની વાત સિવાય આડી-અવળી કોઇ બીજી વાત થતી નહિ. અનિષ વિચારતો હતો કે આજે બસમાં જો નમ્રતા મળી જાય તો સારું વાત વાતમાં તેને મેરેજ વિશે જરા પૂછી તો લઉં...!!
અને તે નમ્રતાની રાહ જોતો બસ-સ્ટેન્ડે ઉભો રહ્યો હતો. એક બસ ગઇ, બીજી બસ ગઇ પણ બસમાં ચઢતો નહિ અને આમતેમ ડાફોળિયા મારતો કે નમ્રતા આવી રહી છે કે નહિ...?? અને એટલામાં નમ્રતા દૂરથી આવતી દેખાઇ એટલે તેને શાંતિ થઈ. નમ્રતાએ એક બસ જતા જોઇ એટલે અનિષને પૂછ્યું પણ ખરું કે, " કેમ તું બસમાં ન ચડ્યો..,?? " એટલે અનિષે હસીને કહ્યું પણ ખરું કે, " ના બસ, તારી જ રાહ જોતો હતો. " અને બંને હસી પડ્યા. અનિષ ફટાફટ બસમાં ચઢી ગયો અને નમ્રતા માટે પોતાની બાજુમાં જગ્યા પણ રાખી લીધી. બસ આખી ચિક્કાર હતી તેણે ઇશારો કરીને નમ્રતાને બોલાવીને પોતાની બાજુમાં બેસાડી દીધી.
થોડીવાર પછી તેણે નમ્રતા સાથે વાત કરવાની શરૂઆત કરતાં પૂછ્યું કે, " કેટલા પરસન્ટેજ ધાર્યા છે, નમ્રતા..?? " નમ્રતાએ ટૂંકમાં જ જવાબ આપ્યો કે, " ફર્સ્ટ ક્લાસ તો આવશે જ અને તે કેટલા ધાર્યા છે.."
નમ્રતાએ સામે પૂછ્યું. " બસ મેં પણ ફર્સ્ટ ક્લાસ જ ધાર્યો છે. " અનિષે જવાબ આપ્યો.
બસ જેટલી સ્પીડમાં ચાલતી હતી તેનાથી વધારે સ્પીડમાં અનિષના મનમાં વિચારો ચાલતા હતા. તેણે નમ્રતા સાથે આડી-અવળી વાતો કરવાનું ચાલુ રાખ્યું. એક પછી એક બધા સ્ટેન્ડ આવતા ગયા પણ પોતાની ઇચ્છા બતાવવાની તેની હિંમત ચાલી નહિ અને બંનેને ઉતરવાનું સ્ટેન્ડ આવી ગયું બંને સાથે જ કોલેજ ગયા બધા ફ્રેન્ડસ આજે છેલ્લી વખત મળ્યા હતા એટલે બધાની સાથે ખૂબ વાતો કરી એકબીજાને ફોન કરી કોન્ટેક્ટ કરતાં રહીશું ની પ્રોમિસ આપી બધા એકબીજાથી છૂટા પડ્યા.
અનિષ અને નમ્રતા પોતાના ઘરે પાછા આવવા નીકળ્યા. જેમ સાથે ગયા હતા તેમ પાછા સાથે એકજ બસમાં એકજ સીટ ઉપર બેઠા. અનિષે પાછી વાતની શરૂઆત કરતાં પૂછ્યું, " તારે તો ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન રિઝલ્ટ આવ્યું છે તો તું આગળ ભણાવાની છે કે શું..?? " નમ્રતાએ જવાબ આપતાં કહ્યું કે, " મારી તો આગળ માસ્ટર્સ કરવાની ખૂબ ઇચ્છા છે, પણ મમ્મી-પપ્પા હવે " ના " પાડે છે. "
અનિષ: તો પછી તું હવે શું કરીશ..??
નમ્રતા: બસ, હવે મેરેજ માટેની વાતો ઘરમાં ચાલી રહી છે.
અનિષ: તો તે શું વિચાર્યું છે મેરેજ માટે...??
નમ્રતા: બસ, કંઈ વિચાર્યું નથી. મમ્મી-પપ્પા કહેશે ત્યાં પરણી જવાનું, બીજું શું...??
અનિષ: કેમ, તને પૂછશે નહિ..??
નમ્રતા: પૂછશેને પણ, ચોઈસ તો તેમની જ હશેને...!!
એટલામાં ઉતરવાનું સ્ટેન્ડ આવી ગયું એટલે નમ્રતા ઉભી થઈ અને અનિષ બોલતો રહી ગયો કે, " નમ્રતા પણ સાંભળ તો ખરી..." અને નમ્રતા દોડી ગઈ અને દોડતા દોડતા બોલતી ગઈ, " તારી ઈચ્છા હોય તો જલ્દીથી માંગું મોકલાવજે નહિ તો રહી જઈશ..." અને ઉંધો અંગૂઠો બતાવી શરમાઈને દોડી ગઈ અને અનિષના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું. તેને જે જવાબ જોઈતો હતો તે મળી ગયો હતો.
હવે અનિષ વિચારતો હતો કે પોતાના ઘરે કોને વાત કરવી અને કઈ રીતે કરવી વાંચો આગળના પ્રકરણમાં..