Yog-Viyog - 68 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 68

Featured Books
Categories
Share

યોગ-વિયોગ - 68

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૮

લગભગ સરખી ઊંચાઈના બાપ-દીકરો સામસામે ઊભા હતા. સૂર્યકાંત અલયની આંખોમાં જોઈ રહ્યા હતા.

બંને થોડી વાર એકબીજા સામે જોઈ રહ્યા અને પછી સૂર્યકાંત અલયને ખેંચીને ભેટી પડ્યા...

‘‘દીકરા મારા...’’ એમની આંખોમાં પણ પાણી હતાં, ‘‘મને ગર્વ છે તારા પર.’’

સૂર્યકાંતને ભેટીને ઊભેલો અલય આ સાંભળતો હતો, પણ એને સમજાતું નહોતું કે એણે શું કરવું જોઈએ. ધીમે રહીને એણે પોતાની જાતને સૂર્યકાંતના બાહુમાંથી છોડાવી, એ છૂટો પડીને સહેજ દૂર ઊભો રહ્યો, ‘‘તમે... ક્યારે આવ્યા ?’’

‘‘હું ગઈ કાલે... આઇ મીન આજે જ આવ્યો.’’ સૂર્યકાંતે અલયને હાથ પકડી લીધો, ‘‘હું માત્ર તારી ફિલ્મ માટે વહેલો આવ્યો.’’

‘‘થેન્ક્સ.’’ અલયને ખરેખર શું બોલવું એ સમજાતું નહોતું. ત્યાં ઊભેલાં વૈભવી, અભય, પ્રિયા, શ્રેયા અને શૈલેષ સાવલિયા અભયની આ મૂંઝવણ જોઈ રહ્યા હતા.

સાવલિયાએ આ ખાલી પડેલા સ્લોટમાં એન્ટ્રી મારી, ‘‘મહેતા સાહેબ... તમે આવ્યાને એનાથી પ્રીમિયરમાં ચાર ચાંદ લાગી ગયા.’’ આમ પણ સાવલિયાને ક્યારે શું બોલવું એની સમજ જરા ઓછી જ હતી અને અત્યારે તો એનાથી બફાઈ જ ગયું, ‘‘અલયે પોતાનું નામ અલય વસુંધરા મહેતા રાખ્યું છે એટલે ઘણા લોકો એમ માનતા હશે કે...’’

‘‘કે હું અલયના જીવનમાં નથી. અલય જે કંઈ છે તે એની માને કારણે છે એવું માનતા હશે નહીં ?’’

‘‘હેં...? હા, હા...’’ સાવલિયાએ ડોકું ધુણાવ્યું.

એક હાથ દૂર ઊભેલાં વસુમા તરફ એક ડગલું ચાલીને સૂર્યકાંતે ફરી એમને ખભામાંથી પકડી લીધાં, ‘‘એ લોકો સાચું જ માને છે.’’ એમણે અલય સામે જોયું, પછી વસુમા સામે અને પછી સાવલિયા તરફ, ‘‘અલય જે કંઈ છે તે એની માને કારણે જ છે. એની આજની સફળતા, એની શ્રેષ્ઠતા અને એનું ગૌરવ લેવાનો અધિકાર માત્ર અને માત્ર વસુને જ છે.’’ એમણે ફરી એક વાર વસુમા જોયું. પણ આ વખતની આ નજર જાણે વસુમાને પીગળાવી નાખતી હોય એવી નજર હતી, ‘‘વસુ જેવી મા હોય ત્યારે જ અલય જેવો દીકરો બની શકે.’’

એમણે સહેજ દૂર ઊભેલા અલયને હાથ પકડીને નજીક ખેંચ્યો અને એના ખભે પણ હાથ મૂક્યો. પતિ-પત્ની અને દીકરાનું આ પિક્ચર ધડાધડ ફ્લેશ લાઇટ્‌સમાં ચમકવા લાગ્યું.

‘‘તમે જે કંઈ કહો છો તે સાચું છે.’’ અલયે ધીમેથી સૂર્યકાંતના કાનમાં કહ્યું, ‘‘પણ તમારા સર્ટિફિકેટ વગર પણ એ જ સાચું છે. હું મારી માને આ ધરતી પર મારા અસ્તિત્વથી શરૂ કરીને અહીં, જ્યાં ઊભો છું ત્યાં ઊભો રહેવા સુધીના મારા આખા જીવનની બધી જ ક્રેડિટ આપું છું. એણે જે કંઈ કર્યું છે તે કદાચ કોઈ પિતા પણ કરી ના શકે.’’ અને પછી સૂર્યકાંતનો હાથ ખસેડી છૂટા પડતા ધીમેથી કહ્યું, ‘‘સફળ થઈ ગયા પછી તો બધા જ આવીને વાહ-વાહ કરી જાય છે, પણ તમે જ્યારે રસ્તા પર ચાલતા હો છો ત્યારે એ કપરા ચઢાણના રસ્તે સાથ આપનારા બહુ ઓછા હોય છે મિ. મહેતા.’’

શૈલેષ સાવલિયાએ વસુમાની સામે જોઈને સ્મિત કર્યું, ‘‘ચાલો, ફિલ્મ જોવા જઈશું ?’’

વસુમા ઝડપથી ડગલાં ભરતાં શૈલેષ સાવલિયાની પાછળ જવા લાગ્યાં. પછી અચાનક જ એમને ખ્યાલ આવ્યો એટલે એમણે બૂકે ફરીથી સૂર્યકાંતના હાથમાં આપ્યો. સૂર્યકાંતે આગળ વધીને બૂકે શૈલેષ સાવલિયાને આપ્યો, ‘‘મારો દીકરો એનું સપનું સાકાર કરી શક્યો છે એનું કારણ તમે છો. હું ઇચ્છું કે તમારો આ જુગાર સફળ થાય.’’

‘‘થશે જ...’’ પછી સાવલિયાએ સ્મિત કર્યું, ‘‘યશોધરા પણ આવી છે.’’

‘‘હમ...’’ સૂર્યકાંતે સાંભળ્યું ન સાંભળ્યું કરી અને વસુમા સાથે આગળ જવા લાગ્યા, પણ સાવલિયા કેડો મૂકે એમ નહોતો, ‘‘નાટકની દુનિયામાં નામ કરવું એ તમારું સપનું હતું... એ તો પૂરું ના થયું મહેતા સાહેબ, પરંતુ તમારા દીકરાએ સિનેમાની દુનિયામાં પોતાના નામના ઝંડા ફરકાવી દીધા ખરા.’’

‘‘બાપથી દીકરો સવાયો ન હોય તો જ નવાઈ.’’ સૂર્યકાંતે કહ્યું અને ફરીથી વસુમાના ખભે હાથ લપેટી દીધો, ‘‘ખાસ કરીને એની માનું નામ વસુંધરા મહેતા હોય ત્યારે...’’

સૌ અંદર જઈ રહ્યા હતા ત્યારે અભયના ખભે એક હાથ મુકાયો, ‘‘સોરી અભયભાઈ, અમને મોડું થઈ ગયું.’’

‘‘મને તો એમ કે ફિલ્મ પૂરી થશે ત્યાં સુધીમાં અંજલિ તૈયાર થઈ જશે.’’ રાજેશ અને અંજલિને જોઈને અલયે જોક માર્યો.

‘‘હું તો ક્યારની તૈયાર હતી, આ સાહેબ જ મોડા આવ્યા.’’

‘‘વેરી ગુડ !’’ રાજેશે અભય સામે જોઈને ભવાં ઉછાળ્યાં, ‘‘કેમ મોડું થયું એ પૂછો.’’

‘‘એ બધાને કહેવાની જરૂર છે ?’’ અંજલિએ સહેજ શરમાઈને ઢાલ ધરી.

‘‘સારા સમાચાર છે ?’’ વસુમાએ પૂછ્‌યું.

‘‘મા...’’ અંજલિએ લાડ કર્યા, ‘‘તને તો બીજું કંઈ સૂઝતું જ નથી.’’

‘‘અત્યારે તો તમે સાંભળવા માગો છો એવા કોઈ સમાચાર નથી, પણ હા, મોડું કેમ થયું એ સાંભળવા જેવું છે.’’

‘‘રાજેશ...’’

‘‘ના, ના... મારે કહેવું જ છે. તું મારા પર કેટલી દાદાગીરી કરે છે એની ખબર તારા ઘરવાળાને હોવી જોઈએ.’’

‘‘મેં કહેલું કે અલયભાઈના પ્રીમિયર પર ડાયમંડનો નવો સેટ અપાવશો તો જ આવીશ.’’ રાજેશ બોલે તે પહેલાં જ પોપટની જેમ અંજલિ પટપટ બોલી ગઈ, પછી રાજેશની સામે જોઈ જોરથી કહ્યું, ‘‘બસ ?’’

‘‘એટલે હું ઓફિસથી નીકળીને...’’

‘‘એવા ડાયમંડ-ફાયમંડ માગે શાની ? મોકલી આપો શ્રીજી વિલા... દાદાગીરી કરે તો કહેવાનું કે લઈ આવ તારા બાપને ઘેરથી.’’ અલયે કહેતા તો કહી દીધું, એનો ઇરાદો ફક્ત જોક મારવાનો હતો, પણ બોલ્યા પછી એનાથી તરત સૂર્યકાંત સામે જોવાઈ ગયું.

‘‘તે એનો બાપ અપાવશે એને.’’ સૂર્યકાંતે પણ હસીને એને જોકની જેમ જ લીધું, ‘‘હવે તો બાપ અહીં જ રહેવાનો છે...’’ પછી વસુમા સામે જોઈને નાનકડું સ્મિત કર્યું, ‘‘દીકરો ભલે તમારો રહ્યો, પણ શ્રીજી વિલાને એ બાપનું જ ઘર કહે છે.’’

...અને બધા ખડખડાટ હસી પડ્યા.

વૈભવીએ આગળ વધીને અંજલિનો નવો ડાયમંડ સેટ જોયો, વખાણ્યો...

અને સૌ સિનેમા થિયેટર તરફ જઈ રહ્યા હતા ત્યારે અંજલિએ બહુ જ ધીમેથી રાજેશના કાનમાં કહ્યું, ‘‘આજની બે સરપ્રાઇઝ છે.’’

‘‘શું ?’’ રાજેશ બહુ સાદો માણસ હતો. એને મોટે ભાગે અંજલિનાં આવા ગડબડિયા સ્ટેટમેન્ટ્‌સ સમજાતાં નહીં.

‘‘પ્રિયા પણ આવી છે... અને ભાભીએ કોઈ બીજાએ પહેરેલા દાગીનાના વખાણ કર્યા.’’

‘‘યુ... વીમેન !’’ રાજેશે અંજલિનો ગાલ ખેંચ્યો, ‘‘બીજી સ્ત્રી વખાણે નહીં ત્યાં સુધી તમારે માટે કરોડોના દાગીનાયે નકામા.’’

‘‘યુ મેન !’’ અંજલિએ કહ્યું, ‘‘બીજી સ્ત્રીના વખાણ કરો, પણ પત્નીને એક વાર પણ ના કહો કે સુંદર લાગે છે.’’

‘‘સુંદર ?’’ રાજેશે અંજલિની સામે આસક્તિથી જોયું, ‘‘અહીં હાજર બધી સ્ત્રીઓના રૂપનો સરવાળો કરીએને તોય તને એકલીને એક માર્ક વધારે મળે...’’

અંજલિ શરમાઈ ગઈ. રાજેશે આટલા બધાની વચ્ચે નીચું જોઈ રહેલી અંજલિના ગાલ પર હળવેથી હોઠ અડાડી જ દીધા !

અભિષેકની બાજુમાં બેઠેલી લજ્જા એને ઓટોગ્રાફ સાઇન કરતો, કોઈકની સાથે વાત કરતો, મોબાઇલ અટેન્ડ કરતો જોઈ રહી હતી. એને માટે તો આ હજી સપનું જ હતું, જેમાંથી એ બહાર આવવા નહોતી માગતી.

મુહૂર્ત વખતે એ અભિષેકને મળી હતી, પણ અલપ-ઝલપ. એ પછી એક-બે વાર શૂટિંગ જોવા પણ ગઈ હતી - પોતાની બહેનપણીઓ સાથે, પરંતુ ત્યારે અભિષેક, ‘હેલો’ કે એવી નાનકડી બીજી ઔપચારિક વાત સિવાય ખાસ કંઈ બોલેલો નહીં. આજે કોણ જાણે કેમ અચાનક અભિષેક એની સાથે સાવ જુદી રીતે વર્તી રહ્યો હતો અને એને માટે તો આ આખોય પ્રસંગ હથેળીમાં પરસેવો વળવા જેવો, હૃદય બમણી ઝડપથી ધડકવા જેવો અને નસોનું લોહી ત્રણ ગણી ઝડપે ફરવા જેવો હતો !

‘‘કઈ સ્કૂલમાં ભણે છે ?’’ સહેજ નવરા પડેલા અભિષેકે લજ્જાને પૂછ્‌યું.

‘‘કોલેજમાં...’’ લજ્જાએ પોતાની ઉંમર અંગે અભિષેકને સભાન કરતાં જરા વજનદાર અવાજે કહ્યું, ‘‘જુનિયર કોલેજમાં- મીઠી બાઈ.’’

‘‘હું પણ ત્યાં જ ભણેલો...’’ અભિષેકે કહ્યું, ‘‘છ મહિના. પછી તો...’’

‘‘ઓક્સફર્ડ... મને બધી ખબર છે.’’ લજ્જાએ કહ્યું અને અભિષેકની સામે સ્મિત કર્યું.

‘‘હું તો...’’

‘‘બિઝનેસ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છો. પોતાની સોફ્ટવેર એનિમેશન કંપની ખોલવા માગતા હતા. એ પણ મને ખબર છે !’’

‘‘એવું કંઈ છે જેની તને ખબર ના હોય ?’’

‘‘હા છે.’’ લજ્જાએ આ લૂઝ બોલ સ્ટેડિયમની બહાર નીકળી જાય એટલા જોરથી ફટકાર્યો, ‘‘તમે ક્રિશ્ના સાથે... આઇ મીન શું થયું જેનાથી...’’

‘‘જૂની વાત છે. એનું કંઈ મહત્ત્વ નથી રહ્યું હવે. અમે બંને સાવ જુદા હતા. સ્વભાવે, લાગણીઓથી અને જરૂરિયાતોમાં પણ.’’ અભિષેકે એકદમ નિખાલસતાપૂર્વક અને છતાં જાતને કહેતો હોય એમ કહ્યું. પછી હસીને ઉમેર્યું, ‘‘તું બહુ નાની છે આ બધું સમજવા.’’

‘‘વ્હોટ ડુ યુ મીન નાની છે ? મને સત્તર વર્ષ પૂરાં થઈ ગયાં છે.’’ લજ્જાએ શરીર જરા તંગ કર્યું અને ડોક ટટ્ટાર કરી, ‘‘અને સામેથી આવે છે એ મારાં મમ્મી-પપ્પા અને એમની સાથે જે ઇવનિંગ ગાઉન પહેરીને ચાલે છે તેની સાથે મારા પપ્પાનો અફેર છે એટલી મને સમજ પડે છે.’’

અભિષેકે ચોંકીને એની સામે જોયું. પછી કશું જ બોલ્યા વિના એણે ખુરશીની વચ્ચેના હાથા પર મુકાયેલા લજ્જાના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને સહાનુભૂતિથી સહેજ દબાવ્યો.

એને કદાચ આ જ ઉંમરે પોતાના પિતાની અફેરની પોતાના પર થયેલી અસરોનો ઊઝરડો ફરી એક વાર દુઃખી આવ્યો !

વૈભવી, શ્રેયા, પ્રિયા, અભય અને વસુમા-સૂર્યકાંત સૌ પોતપોતાની સીટમાં ગોઠવાયાં. શૈલેષ સાવલિયાએ મહેમાનોનું અભિવાદન કરીને ફિલ્મ શરૂ કરાવી.

એક પછી એક ટાઇટલ પસાર થતાં ગયાં.

રિટર્ન એન્ડ ડિરેક્ટેડ - લેખક અને દિગ્દર્શકનું ટાઇટલ જ્યાં અટક્યું ત્યાં સૂર્યકાંતે એક આંખો લૂછીને બીજા હાથે વસુનો ખભો થપથપાવ્યો.

‘‘કાન્ત, તમે...’’

‘‘શું ?’’ આછા અજવાળામાં સૂર્યકાંતે વસુંધરાની આંખોમાં જોયું.

‘‘તમે એવું નહીં માનતા કે...’’

‘‘કે શું ?’’ પછી પોતાનો ચહેરો વસુની એકદમ નજીક લઈને એમણે એકદમ હળવેથી કહ્યું, ‘‘જે કંઈ તારું છે એ મારું જ છે, કારણ કે તું આખેઆખી મારી છે.’’

આ સાંભળીને વસુમાને ક્ષણભર માટે રોમાંચ થયો. પછી જાણે વીજળી ચમકી હોય એવી રીતે એક વિચાર - એક સવાલ એમના મનમાં ઝબકારો કરી ગયો, ‘‘માંડ માંડ મેળવેલું આ સંતુલન, માંડ માંડ મેળવેલી આ ઝંખનાઓમાંથી મુક્તિ... અને માંડ માંડ સાધેલી આ જાત સાથેના અનુકૂલનની પરિસ્થિતિ ફરી એક વાર ડામાડોળ કરવી છે તારે? શું થઈ રહ્યું છે તને ? આ ઘડી ઘડી શરમાવું, આ રોમાંચ અને પીગળતી જતી આ લાગણીઓનો અકલ્પ્ય વેગ... કઈ તરફ ધસડાય છે તું ?’’

એ પછીની બધી જ ક્ષણો વસુમા માટે અચાનક જ જાણે અસ્વસ્થ અને અકળામણની બની ગઈ ! એમણે ક્યારેય નહોતું ધાર્યું એવા એક વિચારે એમના મનનો કબજો લઈ લીધો. આ બધું જ એમને ગમવા લાગ્યું હતું. એમને અચાનક એવી લાગણી થવા માંડી હતી કે આ મેળવવા, અહીં સુધી પહોંચવા જ આ બધી મથામણ કરી હતી એમણે... અને એ લાગણીમાં એ લાંબો સમય ડૂબે કે ખોવાઈ જાય એ પહેલાં જ એમના મને એમને સવાલ પૂછી નાખ્યો હતો !

આટલો વખત જાત સાથે જીવી ગયેલાં વસુમા અચાનક જ પોતાની જિંદગીને સૂર્યકાંતની આસપાસ ગોઠવવા લાગ્યાં હતાં. અજાણતા જ એમનું બધું સૂર્યકાંતના ગમા-અણગમાના માપદંડો પર મપાવા માંડ્યું હતું. એ પહેલી વાર આવ્યાં ત્યારે જે સ્વસ્થતા અને જે નિર્લેપતા હતા એ સ્વસ્થતા છેલ્લા બે દિવસમાં કોણ જાણે ક્યાં ઊડી ગઈ હતી.

આ વખતે સૂર્યકાંતે એરપોર્ટ પર ઊતરતાની સાથે જ જે વર્તન કર્યું અને છેલ્લા થોડા કલાકોથી એ જે રીતે વર્તી રહ્યા હતા એનાથી વસુમાની અંદર એ પોતે પણ ના સમજી શકે એવા ફેરફારો થવા લાગ્યા હતા.

સામે પડદા પર ફિલ્મ ચાલતી હતી. ખીચોખીચ ભરેલું આખું થિયેટર મગ્ન થઈને ફિલ્મ જોઈ રહ્યું હતું. વસુમાને અડીને બેઠેલા સૂર્યકાંતને પણ વસુમાના મનમાં અચાનક ચાલુ થઈ ગયેલા આ દ્વંદ્વનો આછો અણસારોય નહોતો આવ્યો.

પણ વસુમાની અંદર જાણે પોતાની જ જાત સાથે એક તૂમુલ યુદ્ધ શરૂ થઈ ગયું અને એ પણ સાવ અચાનક જ, અણધાર્યું !

‘‘આ પચીસ વર્ષો દરમિયાન જે બેધારી તલવાર પર ચાલતી રહી છે તું એ દરમિયાન પડેલાં છાલાં ભૂલી ગઈ વસુ ?’’ એમના મને જ એમને પૂછ્‌યું, ‘‘લોહી નીગળતા અસ્તિત્વ સાથે અને ઊભરાતા શ્વાસે પૂરી કરેલી આ આખી સફરની પીડા આ થોડા કલાકોમાં વીસરી ગઈ? એકલતાનાં એ તરફડાટને એકાંતમાં બદલતા લાગેલાં વર્ષોની બધી જ મહેનત સૂર્યકાંતની એક નજર સાથે બેકાર થઈ ગઈ વસુ ?’’ એમણે આંખો મીંચી દીધી. એમને સામે ચાલતી ફિલ્મ સાથે જોડાવું હતું. પોતાના મનમાં ચાલતા વિચારોમાંથી બહાર નીકળીને અહીં, આ સમયે જે પરિસ્થિતિ હતી એમાં પ્રવેશવું હતું, પરંતુ એમનું મન એમને કોઈ રીતે મુક્ત નહોતું થવા દેતું. સવાલો ઉપર સવાલો પૂછે જતું હતું.

આ એવા સવાલો હતા, જેના જવાબો પોતાની જાતને અત્યંત સ્વસ્થ માનતાં અને દરેક પરિસ્થિતિ સાથે આસાનીથી કામ પાડી શકતાં વસુંધરા મહેતા પાસે પણ નહોતા.

‘‘હું પણ એક સ્ત્રી છું.’’ એમણે આ સવાલોના ડરાવી દે એવા મારા સામે એક પાંગળી દલીલ કરી જોઈ, ‘‘મને પણ કોઈ પ્રેમ કરે, સાચવે, સંભાળે, નાની નાની વાતોમાં મારી કાળજી રાખે એ ગમે કે નહીં ?’’

‘‘હવે ?’’ એમના મને એમને ખૂબ તોછડાઈથી અને કડકાઈથી પૂછ્‌યું, ‘‘હવે શા માટે શોધે છે આ બધું ? જેના વિના જીવતા આવડી ગયું છે એ બધી જ વસ્તુઓને ફરી એક વાર તારી નબળાઈ બનાવે છે તું?’’

આંખો મીંચીને બેઠેલાં વસુમા કોણ જાણે ક્યાંય સુધી એમની ભીતરમાં ચાલતું જાત સાથેનું આ દ્વંદ્વ લડતાં રહ્યાં... જૂના કેટલાય પ્રસંગો યાદ આવતા એ પળોનો તરફડાટ અને પીડાના અનુભવો જાણે ફરી એક વાર એટલી જ તીવ્રતાથી એમને દઝાડતા રહ્યા...

આંખો મીંચીને એ ક્યાંય સુધી પોતાના મનમાં લાગેલો આ દવ શાંત કરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં...

ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો અલય મહેતા એક મજબૂત ડિરેક્ટર તરીકે પ્રસ્થાપિત થઈ ગયો હતો. ઇન્ડસ્ટ્રીના ત્યાં હાજર તમામ લોકોના ચહેરા અને એના પર ઊપસી આવેલા ભાવ અલયનું સ્ટારડમ અને સફળતા સ્વીકારી ચૂક્યા હતા...

ફિલ્મ પૂરી થયા પછી ‘ડોમરૂમ’માં પાટર્ી હતી. બધા જ એ તરફ જઈ રહ્યા હતા. અલય પણ શ્રેયાની સાથે ધીમા ડગલાં ભરતો એ તરફ જઈ રહ્યો હતો. વચ્ચે વચ્ચે પ્રેસના માણસો કે એની સાથે વાત કરવા માગતા કેટલાક લોકોના સવાલોના જવાબો આપતો એ થોડો જાતમાં અને થોડો ફિલ્મમાં ખોવાયેલો હતો.

આજે જ્યારે બેસીને એણે શાંતિથી સળંગ ફિલ્મ જોઈ ત્યારે સ્વભાવ મુજબ એને લાગતું હતું કે આમાં હજી ઘણા ફેરફાર થઈ શકે, આને વધુ સારી બનાવી શકાય, આમાંના કેટલાક શોટ જેમ લીધા તેમ નહીં અને જુદી રીતે પણ લઈ શકાયા હોત...

ત્યારે એને ખોવાયેલો જોઈને શ્રેયાએ ખભેથી હચમચાવ્યો, ‘‘શું વિચારે છે ? ક્યાં ખોવાઈ ગયો છે ?’’

‘‘ક્યાંય નહીં... વિચારું છું કે આ ફિલ્મ હજી વધુ સારી બની શકી હોત.’’

‘‘એવું તો તને થયા જ કરવું જોઈએ. તારી આવનારી દરેક ફિલ્મ તારી પાછલી ફિલ્મથી બેટર હોવી જોઈએ.’’

‘‘એમ જ થશે.’’ એણે એક નિઃશ્વાસ નાખ્યો પછી શ્રેયા સામે જોયું, ‘‘બધું બહુ ગૂંચવાઈ ગયું શ્રેયા.’’

‘‘એટલે ?’’ શ્રેયા સાવ જુદી લાગણીઓમાં તરી રહી હતી. અલયની સફળતા, એની ફિલ્મની રિલીઝ,સૂર્યકાંતનું અહીં આવવું, વૈભવી પ્રિયા અને અભયનું સાથે હોવું, માની ખુશી અને બધું જ સમેસૂતરે પાર પડ્યાનો એક હળવો સંતોષ... બધું કુલ મળીને શ્રેયા માટે સુખ જ સુખ હતું.

અલય જવાબ આપ્યા વિના ચૂપચાપ ચાલી રહ્યો હતો.

‘‘એટલે ?’’ શ્રેયાએ ફરી પૂછ્‌યું.

‘‘એટલે એમ શ્રેયા, કે અનુપમા સાથે હું ફરી કામ કરીશ કે નહીં એની મને નથી ખબર.’’

‘‘કેમ ?’’ શ્રેયાએ સાવ નિદરેષતાથી પૂછ્‌યું, ‘‘તારી આ ફિલ્મની સફળતામાંથી અનુપમાને બાદ કરો તો ઘણો મોટો ભાગ કપાઈ જાય અલય...’’ પછી ઊંડો શ્વાસ લઈને, ક્ષણેક અટકીને એણે અલય સામે જોયું, ‘‘તમારી કેમેસ્ટ્રી ગજબની છે. એ જાણે તારા ડિરેક્શનમાં સવાઇ થઈને નીખરે છે અને તું પણ...’’

‘‘ઠીક છે બધું.’’ અલયે કહ્યું અને પોતાના હાથને લગભગ અડીને ચાલતી શ્રેયાનો હાથ હળવેથી હાથમાં લઈ લીધો, ‘‘તારું સુખ પણ અગત્યનું છે શ્રેયા, લગ્ન પછીનો એક પણ દિવસ હું ઘેર આવું અને તારી આંખોમાં સવાલ જોઉં કે મારા નાનકડા પણ વર્તન વિશે તને શંકા થાય તો એ મારે માટે આપણા સંબંધમાં મારી હાર હશે.’’

શ્રેયાએ આ સાંભળ્યા પછી નજરમાં જે ભાવ છલકાવીને અલય સામે જોયું એ ભાવમાં જાણે ઈશ્વરની મૂર્તિ સામે જોતી હોય એટલી શ્રદ્ધા અને અનુનય હતો !

ડોમરૂમની પાટર્ીમાં શૈલેષ સાવલિયાએ કોકટેલ્સ પાણીની જેમ વહેવડાવ્યા હતા. છ-સાત જાતના વેજ અને નોન-વેજ બાઇટ્‌સ લઈને વેઇટર્સ આમથી તેમ ઘૂમી રહ્યા હતા. પ્લેટફોર્મ પર લાઇવ બેન્ડ હળવી ધૂનો વગાડી રહ્યું હતું. એક તરફ બનાવાયેલા નાનકડા ડાન્સ ફ્લોર પર થોડા લોકો થીરકી રહ્યા હતા.

કોકટેલના કાઉન્ટરની બિલકુલ પાસે ખાસ વીવીઆઇપી મહેમાનો માટે ગોળ ટેબલ્સ સુંદર રીતે સજાવીને ગોઠવાયા હતા.

વસુમા અને સૂર્યકાંત રૂમમાં દાખલ થયાં કે તરત અનુપમા દોડીને આવી. વસુમાને પગે લાગી. વસુમાએ એને વહાલ કર્યું, અભિનંદન આપ્યા, એના અભિનયના વખાણ કર્યા.

સૂર્યકાંતે પણ આશીર્વાદ આપ્યા, ‘‘ગોડ બ્લેસ યુ બેટા. ખૂબ લાંબુ જીવ અને આવી જ સુંદર ફિલ્મો કરતી રહે.’’

‘‘સોરી !’’ અનુપમાએ એનું ડોકું આડું ધુણાવ્યું, ‘‘આ આશીર્વાદ કદાચ સાચા નહીં પડે, સર !’’

‘‘કેમ ?’’

અનુપમાએ પોતાનો ડાબો હાથ આગળ કર્યો, ‘‘આ જુઓ, મારી લાઇફ લાઇન કેટલી ટૂંકી છે !’’

‘‘એવું બધું ના હોય બેટા, ઈશ્વરે તને આ દુનિયામાં મોકલી છે તો તો કંઈક ખાસ કારણથી જ મોકલી હશે.’’

‘‘એ કારણ તો પૂરું થઈ ગયું ને ?’’

‘‘એટલે ?’’

વસુમા ઇચ્છતાં હતાં કે આ સંવાદ અહીં જ અટકે, પણ અનુપમાની આંખોમાં એક વિચિત્ર ઘેલછા દેખાતી હતી. જાણે એ પોતે જ પોતાના કાબૂમાં ના હોય એવા કોઈ કળી ના શકાય એવા ભાવ હતા એના ચહેરા પર...

એ વાત સૂર્યકાંત સાથે કરી રહી હતી, પણ એના ચહેરા પર એવું દેખાતું હતું કે જાણે એ ત્યાં હાજર જ ન હોય... કોઈ જુદી જ દુનિયામાં પહોંચી ગઈ હોય એવી વિચિત્ર નજર હતી એની.

‘‘કારણ પૂરું થઈ ગયું એટલે ?’’ સૂર્યકાંતે ફરી પૂછ્‌યું.

‘‘મારે તમારા દીકરાને મળવાનું હતું, સર ! એની આ ફિલ્મ કરવાની હતી...’’ અનુપમાનું ગળું ભરાઈ આવ્યું. એના હોઠ થરથરવા લાગ્યા, આંખોમાં જાણે હમણાં પાણી ઊભરાશે એવી ભીનાશ છલકાઈ આવી, ‘‘મારું કામ તો...’’ એણે જાણે ડૂમાને ધક્કો મારીને ગળા નીચે ઉતારી દીધો, ‘‘મારું કામ તો પૂરું થઈ ગયું.’’

‘‘બેટા.’’ વસુમાએ એના ગાલ પર હાથ મૂક્યો, ‘‘તું ઠીક છે ને?’’

‘‘હા, હા...મને શું થવાનું ?’’ અનુપમાને કહ્યું. પછી એક ડગલું આગળ વધી અને હાથ લંબાવીને વસુમાને ભેટી પડી, ‘‘બહુ થાક લાગ્યો છે મા, એક બ્રેક જોઈએ છે... લાંબો બ્રેક ! ઊંઘવું છે... ખૂબ ઊંઘવું છે મારે... કોણ જાણે કેટલી રાતથી સૂતી જ નથી હું.’’

‘‘બેટા...’’ વસુમાનો સ્નેહાળ હાથ અનુપમાની પીઠ પર ફરી રહ્યો હતો. એના ઓલ્ટર બ્લાઉઝની દોરીઓને સ્પર્શીને એની પીઠની ત્વચા પર હળવે હળવે ફરતો એ હાથ અનુપમાને શુકુન આપી રહ્યો હતો, પણ અનુપમાના આ વર્તન અને આ વાક્યો સાંભળીને વસુમાની અંદર એક ખળભળાટ વ્યાપી ગયો હતો.

એ અનુપમાને વધુ કંઈ પૂછે કે વાત કરે એ પહેલાં અનુપમા અચાનક જ એમનાથી છૂટી પડી, નીચી નમીને પગે લાગી અને એવી જ રીતે અચાનક ત્યાંથી ચાલી ગઈ.

વસુમા એને રોકે કે કંઈ પૂછે એ પહેલાં તો અભય, પ્રિયા, વૈભવી, અંજલિ રાજેશ અને શ્રેયા-અલય દાખલ થયાં. સૌએ વસુમાને ઘેરી લીધાં.

સૂર્યકાંતે અલયના ખભે હાથ મૂકીને છલકાતા અવાજમાં કહ્યું, ‘‘આઇ એમ પ્રાઉડ ઓફ યુ.’’

જવાબમાં અલયે જે રીતે વસુમા સામે જોયું એ નજરમાં અલયની જિંદગીના અઢી દાયકાનો હિસાબ હતો.

‘‘કાલે સવારે પરણો છો ને ?’’ સૂર્યકાંતે શ્રેયા સામે જોયું.

શ્રેયા અને અલયે એકબીજા સામે જોયું.

કોઈ આગળ કંઈ બોલે એ પહેલાં વસુમાએ શ્રેયા સામે જોયું અને સૂર્યકાંતને કહ્યું, ‘‘કાલે સવારે આપણે શ્રેયાને ત્યાં જવાનું છે.’’

બધાની નજરમાં એક સવાલ હતો અને શ્રેયાની નજરમાં એક સંતોષ. વસુમાએ આગળ કહ્યું, ‘‘આપણે બાલકૃષ્ણભાઈ પાસે શ્રેયાનું માગું કરવા જવાનું છે.’’ શ્રેયાની આંખો છલકાઈ આવી. વસુમાએ ભાર દઈને પોતાના જ શબ્દો ફરી કહ્યા, ‘‘આપણે બંનેએ જવાનું છે.’’

અલય વસુમા સામે જોઈ રહ્યો. શ્રેયા દોડીને વસુમાને વળગી અને આટલા બધા હાજર હતા તેમ છતાં એનાથી એનું ડૂસકું રોકી ના જ શકાયું. ક્યાંય સુધી વસુમાનો સોનેરી રેશમી બ્લાઉઝ શ્રેયાનાં આંસુ ઝીલતો રહ્યો...

ડોમરૂમની પાટર્ી ફૂલ સ્વીંગમાં ચાલતી રહી.

વસુમા અને સૂર્યકાંત થોડી વારમાં ત્યાંથી નીકળીને શ્રીજી વિલા પહોંચ્યાં.

કપડાં બદલીને પલંગમાં આડા પડેલાં વસુમાએ એક હાથ કોણીએથી વાળીને આંખ ઉપર ગોઠવ્યો હતો. બીજો હાથ એમની બાજુમાં હતો. નાહીને ઝભ્ભો-લેંઘો પહેરીને વસુમાની બાજુમાં સૂતેલા સૂર્યકાંતે હળવે હાથે વસુમાનો હાથ પકડ્યો અને બીજા હાથે એમની હથેળી પંપાળવા માંડી.

પોતપોતાના વિચારોમાં ગર્ત બંને જણા ક્યાંય સુધી મૌન હતાં. એકમાત્ર સ્પર્શની ભાષા સૂર્યકાંતની આંગળીઓમાં થઈને વસુમાની ત્વચા પર સ્નેહ આલેખી રહી હતી...

‘‘વસુ, શું વિચારે છે ક્યારની ?’’

‘‘કંઈ નહીં, અમસ્તી...’’ વસુમાએ આંખ પરથી હાથ હટાવ્યા વિના જવાબ આપ્યો.

‘‘હું જાણું છું, તને ભય લાગે છે.’’ સૂર્યકાંતનો અવાજ સ્થિર અને સંયત હતો. વસુમાએ પોતાનો હાથ હટાવીને, લગભગ ચોંકીને સૂર્યકાંતની સામે જોયું, ‘‘હું જાણું છું વસુ, આ અનુભવ સમજાય છે મને! કેટલીયે વાર સુધી પાણીની તરસમાં ભટક્યા પછી પાણી મળી જાય તોય એ શોષનો અનુભવ સહેલાઈથી જતો નથી...’’

‘‘કાન્ત, એવું નથી પણ...’’

‘‘કશું ના કહીશ.’’ સૂર્યકાંત વસુમા તરફ પડખું ફર્યા અને પોતાનો એક હાથ એમના શરીર પર નાખ્યો, ‘‘મારે કોઈ ચર્ચા નથી કરવી આ વિષય પર, હું સમજી શકું છું તારી વાત, એટલું જ કહ્યું મેં !’’

આ વાતનો કોઈ જવાબ હોઈ જ ના શકે એવું વિચારીને વસુમા છત તરફ શૂન્યમાં તાકતાં રહ્યાં. પછી બંને થોડી વાર માટે ફરી ચૂપચાપ પડી રહ્યાં, બંનેના મનમાં ગૂંથાતા અને ઉકેલાતા કેટલાય વિચારોનાં તાણાવાણાં જોડાતાં અને સંધાતાં રહ્યાં...

‘‘વસુ, તું જાણે છે શબ્દો મને બહુ સહજ નથી. મારી વાત કહેતા નથી આવડતી મને. છતાં આજે, હમણાં એક વાત કહેવી છે તને.’’

છત તરફ જોઈ રહેલાં વસુમાએ ફરી એક વાર સૂર્યકાંત તરફ જોયું, બોલ્યાં કંઈ નહીં, પણ એમની આંખોમાં સૂર્યકાંતને એમની વાત પૂરી કરવા માટેની વિનંતી હતી.

‘‘હું જેમ મારી મરજીથી ગયો હતો એવી જ રીતે મારી ઇચ્છા અને મરજીથી પાછો ફર્યો છું તારા સુધી, તારા માટે જ !’’ થોડીક ક્ષણો મૌન રહી, એક ઊંડો શ્વાસ લઈને એમણે આગળ કહ્યું, ‘‘પણ એનો અર્થ એવો ક્યારેય નહીં કરતી કે તારે પણ મારા માટે, મારા સુધી પાછા ફરવું...’’

‘‘એટલે ?’’ આ વાત થોડી સમજાઈ હતી વસુમાને, અને કદાચ એટલે જ એમનો અવાજ સહેજ કંપ્યો.

‘‘એટલે એમ વસુ કે આટલાં વર્ષો દરમિયાન આપણો પ્રવાસ જુદી જુદી દિશામાં થતો રહ્યો છે. એક પત્ની તરીકે મનથી ત્યાં જ ઊભી રહી હોવા છતાં બુદ્ધિથી અને વ્યક્તિ તરીકે તું ઘણી આગળ નીકળી ગઈ છે એવું હું જોઈ શકું છું - અનુભવી શકું છું.’’

‘‘કાન્ત !’’ વસુમા બેઠા થવા ગયાં, પણ સૂર્યકાંતે એમના પર મૂકેલા પોતાના હાથનું વજન સહેજ વધારીને એમને ફરી સૂવડાવી દીધાં.

‘‘વસુ, હું પાછો આવ્યો છું એ સાચું, પણ તને બાંધવા નહીં, તને મુક્ત કરવા ! તારી પ્રતીક્ષામાંથી, તારી પીડામાંથી અને મારી જાતને મારા ઋણમાંથી મુક્ત કરવા આવ્યો છું.’’ એમનો અવાજ સહેજ ભીનો થઈ ગયો, ‘‘હું જાણું છું મોડું થઈ ગયું છે. કહેવા માટે બધું એમ જ છે, પણ આ અઢી દાયકામાં ઘણું બદલાયું છે... અને તારાયે બદલાયેલા વ્યક્તિત્વ માટે મને માન છે વસુ...’’

‘‘કાન્ત, તમે ગેરસમજ નહીં કરતા, પણ...’’

‘‘ગેરસમજ ?’’ સૂર્યકાંતના ચહેરા પર ભીની બપોરના ઉઘાડ જેવું સ્મિત આવ્યું, ‘‘હજી હવે તો સમજવાનું શરૂ કર્યું છે...’’ એમણે આગળ વધીને વસુમાના ચહેરા પર હાથ ફેરવ્યો, ‘‘હું તને ચાહું છું વસુ, તું આજે જે છે, જેવી છે એ જ મારા પ્રેમનું, મારી લાગણીનું સત્ય છે વસુ !’’

વસુમાની આંખો ઊભરાઈ ગઈ.

‘‘જેટલી પળો તારી સાથે ગાળી શકું એ બધી જ મારે માટે, મારા શ્વાસ જેટલી કીમતી અને આ સ્પર્શ જેટલી સત્ય છે. બાકી, તને હું કોઈ બાબતે બાંધીશ નહીં, એટલો વિશ્વાસ રાખજે ! આ વખતે હું આપવા આવ્યો છું. મારી પાસે જે છે તે અને જેટલું બચ્યું છે તેટલું...’’ એમણે હળવેથી વસુમાની આંખોમાંથી વહી નીકળેલાં બે આંસુ લૂછી નાખ્યાં, ‘‘તેં આપી દીધું તારા ભાગનું... અપાય એનાથી વધારે ! હવે તારાથી સ્વીકારાય એટલું સ્વીકારવાનું. બાકીનું...’’

એમણે વાત અધૂરી છોડી દીધી, પણ એમનાં આ થોડાં વાક્યોએ ફિલ્મ દરમિયાન વસુમાના મનમાં ચાલેલા દ્વંદ્વને જાણે શાંત કરીને નિર્ણયની દિશામાં ધકેલી દીધું.

(ક્રમશઃ)