Celery in Gujarati Moral Stories by Abhishek Dafda books and stories PDF | સેલેરી

Featured Books
Categories
Share

સેલેરી

પહેલી તારીખ હતી. સુમિત પોતાની સેલેરી લઈને સાંજે થાકેલો પાકેલો ઘરે આવ્યો, તેની પત્ની સીમા તેની જ રાહ જોઈ રહી હતી કે ક્યારે સુમિત આવશે.

તેણે ગરમ ગરમ ચા પીવડાવી અને પૂછ્યું કે "સેલેરી આવી ગઈ હશે આજે તમારી."

તો સુમિત મંદ મંદ હસીને બોલ્યો કે "હાં, આ મહિને ઓવરટાઈમને લીધે બાર હજાર બોનસ પણ મળ્યું છે."

સીમાની ખુશીનું ઠેકાણું ના રહ્યું. સીમા મીઠા અવાજમાં બોલી "શું આપણે આ રવિવારે શોપિંગ કરી આવીએ."

તો સુમિત બોલ્યો "ઠીક છે, પણ એક શર્ત પર કે તું અઠવાડિયામાં કમ સે કમ એકવાર મારી માં સાથે ફોન પર વાત કરીને તેમનો હાલચાલ પૂછીશ."

તો સીમાએ દબાયેલી અવાજમાં હાં પાડી. સુમિત ફક્ત એટલું ચાહતો હતો કે તેની માં અને સીમા વચ્ચે જે પણ મનભેદ છે તે દૂર થઈ જાય.

બરાબર બે મિનિટ પછી સુમિતનાં ફોન પર માં નો ફોન આવ્યો, સામે છેડેથી માં બોલ્યા "કેમ છે બેટા?"

સુમિત બોલ્યો "માં, હું ઠીક છું."

માં એ સૌનો હાલચાલ પૂછ્યો તો અહીંયા સીમા મોં ફુલાવીને ઉભી ઉભી વિચારી રહી હતી કે "આજે પહેલી તારીખ છે, હમણાં સેલેરી આવી છે એટલા માટે ફોન કરીને પૈસા માંગવા માટે ફોન કર્યો હશે પણ હું એક પૈસો પણ આપવા નઈ દઈશ.

આ વખતે માં બોલી "બેટા, થોડી મદદ જોઈએ."

તો સુમિત બોલ્યો "માં, શું થયું?"

માંએ કહ્યું "બેટા, શું આ મહિને પાંચ હજાર રૂપિયા આપીશ?"

હવે સુમિત પોતાનું દરેક કામ પોતાની પત્નીને પૂછીને કરતો, તેણે આ વાત સીમાને પૂછી તો તે બોલી "બોલી દેવ કે, હજી સેલેરી નથી આવી."

સુમિતે માં ને કહ્યું કે "માં, હજી સેલરી આવવામાં ટાઈમ છે."

માં બોલી "બેટા, ગમે ત્યાંથી કરીને મોકલી દે, હોસ્પિટલમાં મારા ઈલાજ માટે જોઈએ છે."

સુમીતે આ જ વાત સીમાને ફરી પૂછી આ વખતે સીમા બોલી "કહી દો કે, સરકારી હોસ્પિટલમાં ઈલાજ કરાવે."

સુમિતે માંને આ જ સલાહ આપી તો માં બોલી "બેટા, ત્યાં ઈલાજ સરખો નથી થતો અને ત્યાં કોઈ ધ્યાન પણ નથી રાખતું."

આ વખતે સીમાને ગુસ્સો આવી ગયો અને તેણે સુમિતને કહ્યું "બોલી દો તેમને કે આપણે માથે પહેલીથી એટલો બોજ છે અને હવે આનાથી વધારે આપણે હવે વેઠી નથી શકતા એટલા માટે સરકારી હોસ્પિટલમાં જ ઈલાજ કરાવે." સીમાનાં શબ્દો બગડી ગયા આ બોલતા કે "આમ પણ ચાર-પાંચ દિવસની મહેમાન છે."

સુમિતને આ વખતે ગુસ્સો આવી ગયો અને બોલ્યો કે "કમ સે કમ માં વિશે આવું તો ના બોલ." તે મનને શાંત કરીને માંને બોલ્યો "માં, આ મહિને નઈ થઈ શકે એટલા માટે સરકારી હોસ્પિટલમાં જ પોતાનો ઈલાજ કરાવો."

બીજા છેડેથી માં ભીખ માંગવા લાગી કે "બેટા, પ્લીઝ બે હજાર રૂપિયા તો આપ."

તો સુમિત આંખમાં આંસુ સાથે બોલ્યો કે "કમ સે કમ, બે હજાર રૂપિયા તો આપવા દે." સીમા ગુસ્સામાં હતી પણ જેમ તેમ માની ગઈ અને બોલી કે "ઠીક છે, બોલી દો કે કાલે બે હજાર મોકલાવી દઈશું."

તો અહીંયા સુમિત બોલ્યો "સાસુમાં, તમને કાલે બે હજાર રૂપિયા મોકલાવી દઈશ."

સુમિતનાં મોંથી આ વખતે માં ને બદલે સાસુમાં સાંભળતા જ સીમાને ચક્કર આવી ગયા, જીભ તોતડાવા લાગી, પરસેવો આવી ગયો અને સુમિતને પૂછ્યું કે "આ શું, મ..મ..મારી માંનો ફોન છે?"

સુમિત બોલ્યો "હાં આ તારી માં નો જ ફોન હતો. હું તો તારી માંને પણ પોતાની માં જ સમજું છું પણ તુંએ ક્યારેય મારી માંને પોતાની માંની જેમ સમજી જ નહીં."

સીમા આ વખતે જોરથી રડી પડી અને ફોનમાં માફી માંગવા લાગી કે "મને માફ કરી દે માં, મારાથી બોવ મોટી ભૂલ થઈ ગઈ".

બીજા છેડેથી માં બોલી "દીકરી, કદાચ તે એક માંનું દિલ દુખાવ્યું હોત તો તને માફ કરી દેત પણ તુએ તો આજે એક નહિ પણ બે માંના દિલ દુખાવ્યા છે. આજે હું તો કદાચ તને માફ કરી પણ દઈશ પણ ઉપરવાળો તને માફ નઈ કરે."

મિત્રો, આ વાર્તાથી તમને ગમી હોય તો જરૂરથી શેર કરજો અને કોઈ સલાહ સુચન હોય તો કમેન્ટમાં અવશ્યથી બતાવજો...