Aahvan - 16 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 16

Featured Books
Categories
Share

આહવાન - 16

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૧૬

સ્મિતનાં કહેવા મુજબ એનાં માલિકે ઘણી જગ્યાએ તપાસ કરાવી પણ વેક્સિન પરીક્ષણ માટે કોઈ એવાં માણસો ન મળ્યાં. આમ તો આ કામ માટે લોકો સામે ચાલીને આવવાં તૈયાર હોય પણ અત્યારે તો વધારે રૂપિયા આપવા છતાં પણ કોઈ મળતું નથી.

આખરે સ્મિતે ઈન્સપેક્ટર કે.પી.ઝાલાને ફોન કર્યો. એમનાં ખબર અંતર પુછ્યાં પછી એણે પોતાની મુશ્કેલી વિશે કહ્યું.

કે.પી.ઝાલા : " અત્યારે તો મારી ત્યાંથી ડ્યુટી બદલાઈ ગઈ છે. પણ ત્યાંના એક આગેવાનનો નંબર છે મારી પાસે એમને પૂછી જોવું...પણ પોઝિટિવ પેશન્ટ મળવાં થોડાં અઘરા છે. નોર્મલ તો કદાચ મળી જશે‌.‌. "

સ્મિત : " સાહેબ પણ હવે તો કેસ વધતાં કોઈ લક્ષણો ન દેખાતા હોય એવાં લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે....આથી એવાં લોકો પણ મળી તો રહેશે..."

કે. પી.ઝાલા : " પણ ક્વોરેન્ટાઈન અને એમાં પણ પોઝિટિવ દર્દીઓને લાવવાં કેવી રીતે ?? એમનાં ઘરની બહાર મોટાં મોટાં બોર્ડ લાગેલાં હોય છે. જો એમને બહાર કાઢીએ તો આજુબાજુના લોકો હો હા મચાવી દે.

સ્મિત : " જે લોકો આવે એવું લાગતું હોય એમને ઘરે જઈને થોડું સમજાવટ કરી દેવાની આથી એ લોકો બધાં સામે હોસ્પિટલ જવાનું એવું જ જાહેર કરે...!! "

કે. પી.ઝાલા : " પણ એ લોકો તૈયાર થાય તો તમારે નિયોન ફાર્મા નું લેટરહેડ પર પરમિશન લેટર મોકલાવો પડે...તો જ બની શકે...આમ પણ આપ આટલાં સમયથી લોકડાઉન હતું અને હવે થોડી છૂટછાટ પણ અપાઈ છે લોકોને પૈસાની જરૂર પણ છે આથી લગભગ કોઈને કોઈ તૈયાર તો થવું જોઈએ."

સ્મિત : " હવે એની ચિંતા ન કરો...નિયોન નહીં પણ સ્ટાર ફાર્મામાંથી લેટરની સાથે એ પાંચ વ્યક્તિઓને લાવવા લઈ જવાની સગવડ પણ કરી આપવામાં આવશે. "

કે. પી.ઝાલા : " સારું થોડીવારમાં વાત કરીને તમને જણાવું...પણ આપણાં બેયની સ્થિતિ સરખી જ છે ક્યાંય ટકીએ નહીં. ન્યાય અને પ્રામાણિકતા ક્યાંય એક જગ્યાએ ટકી શકે છે નહીં...!! "

સ્મિત : " હમમમ..સાચી વાત છે‌ . આપ કામ કરી આપો તો સારું..‌આ રીતે પણ દેશને મદદ તો કરી શકીશું. આભાર સાહેબ..." કહીને ફોન મુકી દીધો.

થોડી જ વારમાં ઇન્સ્પેક્ટરનો સામેથી ફોન આવ્યો . એમણે કહ્યું કે, " એ લોકો તૈયાર છે પણ આવાં કપરાં સમયમાં પૈસાનું સરખું કરી આપજો...!! "

સ્મિત : " એની ચિંતા ન કરો સાહેબ. હું કરાવી દઈશ..."

પછી તો ફટાફટ બે મોટી ગાડી મોકલીને દસેય જણાંને ત્યાં લાવવામાં આવ્યાં.

દસેય જણાંને એક પછી એક પ્રશાંતે બધી જરૂરી માહિતી મેળવી લીધી. બધાંને કોરોના રિપોર્ટ પોઝિટિવ છે પણ એવાં કોઈ ખાસ લક્ષણો નથી દેખાઈ રહ્યાં. બધાં એકડમ ડર વિના શાંતિથી ઊભા રહ્યાં છે‌.

દસ જણમાં એક લગભગ વીસેક વર્ષનો છોકરો થોડો ગભરાયેલો દેખાઈ રહ્યો છે. એને જોઇને સ્મિતે કહ્યું, " શું થયું તમને સારું નથી ?? કે પરાણે લાવવામાં આવ્યાં છે અહીં ?? "

એમાંનો એક વ્યક્તિ બોલ્યો, " સાહેબ અમે તો વર્ષોથી આ ધંધા સાથે જોડાયેલા છીએ. એનાં દ્વારા મળતાં પૈસાથી જ અમારું ગુજરાન ચલાવીએ છીએ.. જ્યારે સાજાં સારાં હતાં ત્યારે પણ નવી વસ્તુને શરીર પર અજમાવતાં અચકાતાં નહોતાં...તો હવે તો પોઝિટિવ છીએ...તો ઘણાં શંકાસ્પદ...માથે તલવાર લટકતી રહી છે...તો પછી શું છે થાય એ બીજું તો શું ?? પણ આ છોકરો પહેલીવાર આ કામ માટે આ કામ માટે આવ્યો છે. આજ સુધી એનાં માતાપિતા આ કામ કરતાં હતાં પણ એ લોકોએ પોતાનાં વહાલસોયા દીકરાને આવો કોઈ પ્રયોગ નહોતો કરવાં દીધો. પણ આ તો થોડા દિવસ પહેલા જ એનાં મમ્મી-પપ્પા બેય કોરોનામાં મૃત્યુ પામ્યાં અને બે મોટા બહેનો સાસરે...આથી હવે એકલો પડી ગયો છે પોતાને ખાવાં પીવા જેટલું કમાવું એ પણ જરૂરી છે પણ પહેલીવાર આ બધું હોવાથી ગભરાય છે...પણ એકાદ બે વાર સાથે આવશે એટલે ટેવાઈ જશે

સ્મિત અને પ્રશાંત એકબીજાંની સામે જોઈ જ રહ્યાં છે કે પોઝિટિવ હોવા છતાં એ લોકોનાં ચહેરાં પર ગજબ વિશ્વાસ દેખાઈ રહ્યો છે કે અત્યારે શું થશે બીજાં દિવસે એ પણ કોઈ વિચારી શકતું નથી ત્યારે આ લોકો અત્યારે પણ ભવિષ્યને જોઈ રહ્યાં છે.‌..ગજબ છે કુદરત તારી કળા...!!

ને પછી પ્રશાંતે એ લોકોને બધું વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે જો આ પરીક્ષણ સફળ થશે તો કેટલાં લોકોનું જીવન બચી જશે. આ મહામારીનો અંત લાવી શકાશે. સાથે જ જો આ પરીક્ષણમાં કંઈ તફલીક થાય તો કદાચ જીવનું પણ જોખમ થઈ શકે છે. કહીને દરેકને એક એક કાગળ બધું વિગત લખેલી આપીને એમની સહી કરાવવામાં આવી. જેથી પાછળથી કંઈ પણ થાય તો કોઈ એવો દાવો ન કરી શકે કે એમની પર પરાણે આ વસ્તુ કરવામાં આવી હતી.

પછી બધાંની સંમતિ બાદ એમને વેક્સિન આપવામાં આવી. એમાં દસમાંથી છ જણાને પણ પોઝિટિવ અસર થાય તો એ પહેલાં સ્ટેજમાં સફળ પરીક્ષણ કહેવાય. તો જ એમને બીજાં સ્ટેજ માટે વધારે માણસો સાથે વેક્સિન પરીક્ષણ કરવાની મંજુરી મળી શકે.

પછી દરેક જણાંને પોઝિટિવ હોવાથી એક એક અલગ રૂમમાં મોકલી અપાયાં. હવે અમુક ચોક્કસ સમય મુજબ એમનાં લક્ષણો કે વધતી કે ઘટતી તફલીકોનુ એક યાદી બનાવાશે. એ બધું નક્કી કરીને સ્મિત અને પ્રશાંત બેય જણાં પહેલું પરીક્ષણ સફળ બને એવી ભગવાનને પ્રાર્થના કરવાં લાગ્યાં...!!

*************

અંજલિ અને વિકાસ બંને જણાં એ નાનકડાં અર્થની સામે બેસીને એને જોઇ રહ્યાં છે કદાચ બંનેએ પણ હવે નક્કી કરી જ દીધું છે કે હવે એમણે અર્થનો સ્નેહ હંમેશા માટે ભુલી જશો પડશે.

બંનેનાં મનમાં એટલી ચિંતા છે પણ કુદરતે ઉંઘ એ એવી વસ્તુઓ આપી છે જે માણસ કોઈ પણ કપરાં સંજોગોમાં એનું ઝોકું પણ આવી જાય તો માણસ એમાંથી થોડીવાર માટે મુક્ત બની શકે છે...એમ જ આખાં દિવસનાં થાકેલાં બંનેને ઝોકું આવી ગયું. ત્યાં રહેલો સ્ટાફ પણ કદાચ એનાં ડૉક્ટર મમ્મી પપ્પા સાથે હોવાથી એ પણ નિશ્ચિંત બનીને સૂઈ ગયો છે.

લગભગ સાડા અગિયાર જેવું થયું છે. આખી હોસ્પિટલમાં નીરવ શાંતિ છવાયેલી છે. ત્યાં જ એકાએક બાળકનો રડવાનો અવાજ આવ્યો‌. વેન્ટિલેટરનાં એલાર્મ વાગવા લાગ્યાં. એ સાથે જ અંજલિ અને વિકાસ બંનેની આંખો ખુલી ગઈ. બંને ઝબકીને જોવા લાગ્યાં. ડૉ. આહુજા પણ ફટાફટ આઈસીયુમાં આવી ગયાં. જાણે એક ચમત્કાર સર્જાયો એમ અર્થની આંખો ખુલી છે એ સ્માઈલ કરી રહ્યો છે. એનાં હાથ-પગ હલાવવાના કારણે એ મશીનોના સેટિંગ મુજબ બધું ભૂલી જતાં એલાર્મ વાગવા લાગ્યું.

પછી વિકાસે થોડું બધું સેટ કર્યું તો અર્થનું બહું ઓછું રહેતું સેચ્યુરેશન પંચાણું બતાવી રહ્યું છે. એનાં ધબકારા પણ નોર્મલ તરફ જઈ રહ્યાં છે. છેલ્લે આપેલાં ઇન્જેક્શનનો એટલે કે દવાનો કે દુઆનો કમાલ છે કંઈ સમજાયું નહીં.

થોડીવાર બધું ઓબઝર્વેશન કર્યાં બાદ એ નવ્વાણું સો રહેવા લાગ્યું. આથી ડૉ. આહુજા સાથે મળીને બંનેએ વેન્ટિલેટર પરથી એને સિમ્પલ ઓક્સિજન પર રાખવાનું નક્કી કર્યું. પછી ધીમે-ધીમે આખી રાત ઓબઝર્વેશન કર્યું. પણ અર્થને તો જાણે કંઈ પણ થયું ન હોય એમ રમી રહ્યો છે. આટલાં દિવસથી પૂરું આર્ટિફિશિયલ ફીડિંગ પણ સરખું નહોતો કરતો એ અર્થ અત્યારે ભૂખને કારણે રડી રહ્યો છે...અને રાયલ્સ ટ્યુબ મારફતે એ અપાતાં ફીડિંગ એ ફરી ચૂપ થઈ ગયો.

વિકાસને હવે થોડો વિશ્વાસ થયો કે હવે એ અર્થને પાછો મેળવી શકશે...અંજલિ પણ મનોમન ભગવાનનો પાડ માનવા લાગી.

સવારે તો એનું સેચ્યુરેશન ઓક્સિજન કાઢીને પણ પંચાણું સેટલ થયું. ડૉ કચ્છીએ આવીને જોયું તો એમને તો નવાઈ જ લાગી કારણ કે રાત્રે જે અર્થની જે સ્થિતિ હતી એ મુજબ અર્થ સવારે આ દુનિયામાં હશે કે નહીં એ પણ કહી શકવા સમર્થ નહોતાં. અત્યારે તો એ ચમત્કાર જ કહી શકાય એવું જોવાં મળ્યું. પછી ડૉ. કચ્છી અને વિકાસે સાથે મળીને એકવાર અર્થનાં બધાં જ રિપોર્ટ કરાવીને પછી એનો ડિસ્ચાર્જ પ્લાન કરવાનું નક્કી કર્યું.

ડૉ.કચ્છી : " બસ એક જ ચિંતા છે કે આવું બે સંજોગોમાં શક્ય છે કાંતો એ સુધારા પર કાંતો...."

અંજલિ : " શું કાંતો ‌..?? "

ડૉ. કચ્છી : " મારે તમને કહેવાની ક્યાં જરૂર છે ?? ભગવાન કરે એવું ન જ હોય... એટલે એકવાર એનાં રિપોર્ટ અને એની આ સ્ટેબિલિટી જોઈએ પછી ખબર પડશે... હું સમજી શકું છું તમારી ચિંતા પણ આપણે આપણું બેસ્ટ કરીએ છીએ...બાકી બધું હવે કુદરત પર છે...!!

અંજલિ : " ના ડૉક્ટર હવે એને કંઈ જ નહીં થાય...અર્થ ચોક્કસ અમારી સાથે હસતો રમતો ઘરે આવશે..."

જોકે અર્થને આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યાં બાદ બાર દિવસ થઈ ગયાં હોવાથી હવે બહું ચિંતા નથી. બસ હવે રિપોર્ટ આવવાની રાહ જોવાની છે. વિકાસને યાદ આવ્યું કે એણે હજું કેટલાય લોકોને મૃત્યુનાં દ્વારેથી પાછાં લાવવાનાં છે. વળી કેટલાંય લોકોની જુઠ્ઠાણાં અને દંભી સત્યને બહાર દુનિયા સામે લાવવાનાં છે. આથી સવારે વિકાસ પણ પોતાની ફરજ બજાવવા ફરી એકવાર મનનાં આંતરિક સંતોષ સાથે ડૉ. કચ્છીને અર્થને સોંપીને ફરીથી સિવિલ પહોંચી ગયો. અંજલિ પણ રિપોર્ટ આવે ત્યાં સુધી ઘરે આવી ગઈ....!!

શું અર્થ ફરી એકવાર પહેલાં જેવો હસતો રમતો થઈ જશે ?? સ્મિત અને પ્રશાંતની મહેનત ફળશે ખરી ?? પ્રથમ તબક્કો સફળ થશે ખરાં ?? મિકિન ક્યાં ગયો હશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......