યોગ-વિયોગ
કાજલ ઓઝા વૈદ્ય
શ્રી ગણેશાય નમઃ
પ્રકરણ -૬૭
‘‘મેટ્રો’’માં સાંજ જાણે ઝળાહળા થઈ રહી હતી. લાઇવ બેન્ડ ‘તેરે શહર મેં’નાં ગીતોની ધૂન વગાડી રહ્યું હતું. આખું થિયેટર ઝીણી ઝીણી લાઇટ્સથી શણગારવામાં આવ્યું હતું. ‘તેરે શહર મેં’ના સ્ટીલ્સનાં મોટા લાઇફસાઇઝ કટઆઉટ્સ અને બ્લોઅપ્સ ચારે તરફ લગાડવામાં આવ્યાં હતાં. ફૂલોથી રંગોળી કરવામાં આવી હતી. સીડી ઉપર, લિફ્ટ પાસે, સ્નેક્સ કાઉન્ટર પાસે, ફૂલોની હાર અને લાઇટ્સ લગાડવામાં આવી હતી.
‘તેરે શહર મેં’ના થીમ ઉપર ડિઝાઇન કરેલું આખુંય ડેકોર અનુપમા અને અભિષેકના જુદા જુદા ફોટોગ્રાફ્સથી સજાવવામાં આવ્યું હતું. સુંદર વસ્ત્રોમાં સજ્જ હોસ્ટેસ આવનારા મહેમાનોને ફૂલો અને અત્તરથી આવકારતી હતી...
હવામાં સંગીત અને સુગંધ હતા. એક નશો નશો રેલાઇ રહ્યો હતો ચારે તરફ. સાચા અર્થમાં સ્ટાર સ્ટડેડ અને ગ્લેમરથી છલકાતી સાંજ હતી એ !
ભારતીય સિનેમાના મહત્ત્વના કહી શકાય એવા તમામ ચહેરા ત્યાં હાજર હતા. એક પછી એક લક્ઝુરિયસ કાર્સ દાખલ થતી હતી અને એમાંથી સૂટ, ઇવનિંગ ગાઉન્સ, સાડીઓ અને ડાયમંડ્સથી લદાયેલા સ્ટાર્સ ઊતરીને ઊભેલા ટોળાનું અભિવાદન ઝીલતા, ફ્લેશ લાઇટમાંથી પસાર થતા મુખ્ય દરવાજા તરફ આગળ વધી જતા હતા. નેશનલ ટેલિવિઝનના ટોળાબંધ પત્રકારો હાથમાં માઇક્રોફોન લઈને પકડી શકાય એટલા સ્ટાર્સને પકડી પકડીને એમના ‘બાઇટ્સ’ લઈ રહ્યા હતા.
સામાન્ય રીતે પ્રીમિયરની ઇવેન્ટ કદાચ આટલી મોટી ન હોત, પરંતુ છેલ્લા પંદર દિવસમાં મીડિયાએ ઊભી કરેલી હાઇપને કારણે અલયની ફિલ્મ આવનારા હિન્દી સિનેમા માટે ‘તેરે શહર મેં’ એક માઇલસ્ટોન બનીને આવી હતી. સાવ નવા-સવા દિગ્દર્શકે બનાવેલી આ ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ એના વિશે ખૂબ ચર્ચાઓ થઈ હતી. જાતજાતના લોકોએ એના વિશે જાતજાતનું કહ્યું હતું. ફિલ્મ મેગેઝિન્સ અને ચેનલ્સે આ ફિલ્મ વિશે એટલી બધી ચર્ચાઓ કરી હતી કે એને કારણે દરેકે દરેક સ્ટારને અલયમાં અને એના કામમાં રસ પડ્યો હતો.
વળી, અનુપમા અને અલયના અમુક-તમુક પ્રકારના સમાચારોએ પણ દર્શકોના વર્ગને આકર્ષ્યો હતો. હીરોથી પણ દેખાવડો એવો આ દિગ્દર્શક વર્ષોથી જેના ગઢમાંથી એક કાંકરીયે નહોતી ખરી એવી કરોડો હૃદયની ધડકન અનુપમાને પોતાના તરફ આકર્ષી શક્યો હતો એ વાતે પણ દર્શકોને ટિકિટબારી તરફ ખેંચ્યા હતા.
હજી તો ગુરુવારે સવારે ખૂલેલા એડવાન્સ બુકિંગમાં મંગળવાર સુધીની ટિકિટો બુક થઈ ચૂકી હતી...
એ સમાચારે પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી અને આજે અહીં, મુંબઈના એ બધાં જ નામો એકઠાં થયાં હતાં, જેમાંનું કોઈ પણ એક નામ ટિકિટબારીને હચમચાવી શકવા માટે સમર્થ હતું !
શ્રેયા બે છોકરાંઓને લઈને થિયેટરના મુખ્ય દ્વાર પર આવી ત્યારે એણે અલયને જોયો. વીખરાયેલા વાળ સાથે એક દિવસની વધેલી દાઢી અને સપનિલી આંખો સાથે અલય સાવ બહાવરો અને ખૂબ વહાલસોયો લાગતો હતો.
આવતા તમામ ચહેરા અલય પાસે થોડી ક્ષણો રોકાતા, કોઈ એને ભેટતા, કોઈ એને વિશ કરતા, કોઈ એને આશીર્વાદ આપતા તો કોઈ સાથે લાવેલાં ફૂલો એના હાથમાં આપતા. પાછળ ઊભેલો માજિદ એ ફૂલ અલય પાસેથી લઈ લેતો અને અલય ત્યાં ઊભો ઊભો આવનારા દરેક નવા ચહેરાને હસીને નમસ્કાર કરીને, પ્રેમથી આવકારતો, પણ કોણ જામે કેમ, એની નજર જાણે કશું શોધતી હતી. શું હતું એ એની શ્રેયાને સમજ ન પડે એવું નહોતું. શ્રેયા સમજી ગઈ કે અલય વસુમાને શોધી રહ્યો હતો.
‘‘મા નથી આવ્યાં ?’’ શ્રેયાએ આગળ વધીને અલયને પૂછ્યું, ‘‘લે, તારાં કપડાં, જલદી જઈને બદલી આવી.’’
‘‘શું ફેર પડે છે ?’’ અલય વાત શ્રેયા સાથે કરતો હતો અને આવતાં-જતાં લોકોને હસીને સારી રીતે આવકારતો જતો હતો. વારંવાર થતી ફ્લેશ લાઇટ્સ એના ચહેરા પર પડતી હતી. એની આંખો ઝંખવાતી હતી. ઘડી ઘડી આંખો ખોલ-બંધ કરતા એ આવતા લોકોને ગ્રીટ કરતો હતો.
‘‘જા...’’ શ્રેયાએ એને હળવો ધક્કો માર્યો, ‘‘કપડાં બદલી આવ, જરા દાઢી કર.’’
‘‘આ બધા મને આમ જ ઓળખે છે. કંઈ ફરક નથી પડતો.’’ અલયે કહ્યું, ‘‘તું માને ફોન લગાડ, એ કેમ નથી પહોંચી હજુ ?’’
‘‘ઘરેથી તો ક્યારનાય નીકળી ગયાં છે.’’
એ બંનેની વાત ચાલુ હતી એ દરમિયાનલજ્જા અને આદિત્ય ઊછળી ઊછળીને આવી રહેલા સ્ટાર્સને જોતા હતા... કોઈકની સાથે હાથ મિલાવતા હતા તો કોઈક પાસેથી ઓટોગ્રાફ લેતા હતા.
એમને માટે તો આવી સાંજ એમની ઉંમરે એક સપનું પૂરું થયું હોય એવી સાંજ હતી.
બેફિકર જેવો અલય આમથી તેમ ફરતો હતો. બરાબર એ જ વખતે અભિષેકની ગાડી આવી. અરમાનીનો સૂટ અને ફેન્સી શૂઝ સાથે ગાડીમાંથી ઊતરતા અભિષેકને જોઈને થિયેટરની આસપાસ ઊભેલું ટોળું બેકાબૂ થવા લાગ્યું... સિક્યોરિટીએ માંડ માંડ ટોળાને કાબૂમાં લઈને અભિષેકને ઘેરીને થિયેટરની અંદર સલામત રીતે પહોંચાડ્યો.
અભિષેક દાખલ થઈને અલયને ભેટ્યો.
‘‘મને ખાતરી છે આજ સાંજથી તારી દુનિયા બદલાઈ જશે.’’ અભિષેકે હાથ મિલાવીને કહ્યું, ‘‘મેં બે-ત્રણ પ્રોડ્યુસર્સ સાથે વાત કરી છે, કાલે તને ફોન કરવાના છે.’’
‘‘તું આજની ફિલ્મ તો જો, કાલની વાત કાલે.’’ અલયે કહ્યું અને લજ્જાને બોલાવી, ‘‘લજ્જુ...’’ એણે લજ્જાની અભિષેક સાથે ઓળખાણ કરાવી.
થથરતા હોઠે અને આંખોમાં ઊતરી આવેલા રંગબેરંગી તારાઓ સાથે અભિષેકને જોઈ રહેલી સોળ વર્ષની એ પહેલી છોકરી નહોતી. આજે અભિષેક સોળથી છવીસની કે છત્રીસની કેટલીયે યુવતીઓના સપનાનો રાજકુમાર હતો.
‘‘હાઉ આર યુ, યંગ લેડી...’’ અભિષેકે હાથ લંબાવ્યો, ‘‘તમારા વાળ બહુ સુંદર છે.’’
‘‘થેન્ક્સ...’’ આટલું કહેતાં કહેતાંમાં તો લજ્જા આખી જ સ્વયં શબ્દસઃ ‘લજ્જા’ બની ગઈ !
અલયે ધીમેથી અભિષેકને કહ્યું, ‘‘હાર્ડકોર ફેન છે તારી...’’
‘‘બ્યુટીફુલ ગર્લ !’’ અભિષેકે ફરી કહ્યું અને પોતાના હાથમાં પકડેલાં બે ઇન્વિટેશન કાર્ડ બતાવ્યાં, ‘‘મારી પાસે બે ઇન્વિટેશન છે, અને ઇન્વાઇટી હું એકલો... મારી બાજુમાં બેસીને ફિલ્મ જોશો ?’’
લજ્જા માટે એના જીવનની આ સૌથી ધન્ય પળ હતી, કદાચ !
આદિત્યએ એને ધક્કો માર્યો, ‘‘ફિલ્મ પતતા સુધી પ્રપોઝ કરશે તને...’’ કાનમાં ધીમેથી કહ્યું, અને લજ્જાએ એની સામે ફરીને ડોળા કાઢ્યા.
આદિત્યએ શું કહ્યું હશે એ ધારીને કાકા-ભત્રીજાએ સામસામે જોઈ આંખો મીંચકારી. અભિષેકે હાથની કોણી વાળીને લજ્જાને પોતાની સાથે જોડાવા આમંત્રિત કરી. શરમાતી-તદ્દન રોમાંચિત લજ્જાએ ડરતાં ડરતાં અભિષેકના હાથમાં હાથ પરોવ્યો અને એની સાથે આગળ વધવા જતી હતી કે અભિષેકે અટકીને અલયને પૂછ્યું, ‘‘અનુ નથી પહોંચી હજુ ?’’
‘‘ભગવાનને ખબર...’’ અલયે ખભા ઉછાળ્યા.
અભિષેકના ગયા પછી શ્રેયાએ ફરી એક વાર અલયને કહ્યું, ‘‘જા પ્લીઝ, કપડાં બદલી આવ.’’
અલયે એની સામે જોયું, ‘‘આ કપડાંમાં તું લગન નહીં કરે મારી સાથે?’’
‘‘હે ઈશ્વર !’’
‘‘બોલો પ્રિયે !’’ અલયે શ્રેયાની ગુજરાતી સાડીના પાલવમાંથી હાથ નાખીને એના ઢંકાયેલા પેટ ઉપર હાથ લપેટ્યો, ‘‘આ ફિલ્મ એક વાર ચાલુ થાય એટલે હું તો તને લઈને...’’ એણે શ્રેયા સામે જોઈને ઊંડી આહ ભરી.
‘‘સારો નથી લાગતો.’’ શ્રેયાએ સહેજ હલીને એનો હાથ કાઢવાની કોશિશ કરી.
અલયે પોતાની પકડ વધુ મજબૂત કરીને શ્રેયાને નજીક ખેંચી અને એના પેટ ઉપર પોતાની હથેળી ફેલાવીને, પહોળી કરીને મૂકી, ‘‘ઉફ ! તું જે રીતે તૈયાર થઈને આવી છે એ રીતે ફિલમનો વિચાર જ નથી આવતો...’’ પછી એણે શ્રેયાના કાન પાસે પોતાના હોઠ લીધા, ‘‘એક જ વિચાર આવે છે મને.’’
‘‘સ્ટૂપીડ !’’ શ્રેયાએ ઝટકો મારીને હાથ બહાર કાઢ્યો, ‘‘મગજ ઠેકાણે રાખ.’’
‘‘ક્યાંથી રહે ? તું આવી...’’ અલય વાક્ય પૂરું કરે એ પહેલાં શ્રેયા અને અલય બંનેની આંખો પહોળી થઈ જાય અને મોઢાં ઊઘડી જાય એવા ઠસ્સાથી અનુપમા પોતાની ગાડીમાંથી ઊતરી.
ગાંડુ થઈ ગયેલું ટોળું સિક્યોરિટીને પણ નહીં ગાઠતું અનુપમા સુધી પહોંચવા માટે ધક્કામુક્કી કરી રહ્યું હતું. ડંડા ખાઈને પણ અનુપમા સુધી પહોંચેલા એના બે-ચાર ફેને એની પાસેથી ઓટોેગ્રાફ લીધા.
આખી ભીડ જાણે કોઈ વિશાળ દરિયાનું મોજું હોય એમ આગળ-પાછળ થઈ રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક મહામુશ્કેલીએ આગળ વધતો હતો. પોલીસ અને સિક્યોરિટીની પૂરેપૂરી મહેનત છતાં અનુપમાના આવ્યા પછી ટોળું જાણે એમના કાબૂમાંથી નીકળી જશે એવો ભય ઊભો થયો હતો.
સંજીવે આગળની સીટમાંથી ઊતરીને અનુપમા માટે દરવાજો ખોલ્યો. અનુપમાનો પહેલાં એક પગ બહાર આવ્યો, પછી બીજો પગ અને પછી સહેજ ઝૂકીને એ ગાડીમાંથી બહાર નીકળી...
‘મેટ્રો’ની બહારની બધી લાઇટ્સ, બધાં ફૂલો, બેન્ડની ધૂન અને બધી સજાવટ એક અનુપમાની હાજરીથી જાણે અર્થસભર બની ગઈ...
બ્રોકેડ અને સ્વરોસ્કીનો ઝળાહળા થતો આખો ભરેલો ઓલ્ટર નેક બ્લાઉઝ... જેની રેશમી દોરીઓ ગળામાં બાંધીને પીઠ ઉપર લટકે એવી રીતે છોડી દેવાઈ હતી... અનુપમાની સોનેરી રેશમી પીઠ ઉપર એ દોરીઓ આમંત્રણ આપતી ઝૂલી રહી હતી...
પીઠ ઉપર માત્ર એક નાનકડી બ્રોકેડની પટ્ટી અનુપમાના યૌવનને આધાર આપતી ટકી રહી હતી. રો-સિલ્કની ઓકર યલ્લો પ્લેન રફ સાડીનો પાલવ કદાચ જાણીજોઈને સહેજ ઢળકતો રખાયો હતો અને એ પાલવની ધાર પાસે બ્લાઉઝના ગળાની વચ્ચેથી અનુપમાની તાંબાવર્ણી રેશમ જેવી ત્વચા અને સ્તનોનો ઉભાર જોનારની આંખોને ખસવા દેતો નહોતો.
નાભિ નીચે પહેરેલી ચપોચપ ફીટ કરેલી સુંદર સાડી અનુપમાની ત્વચાને વધુ ઢાંકતી હતી કે વધુ ઉઘાડતી હતી એ નક્કી કરવું અઘરું હતું. એના કમરથી પણ લાંબા, કાળા, સુંવાળા વાળ છૂટ્ટા હતા અને એણે બધા જ વાળ એક બાજુ આગળ લીધા હતા. વાળથી ઢંકાયેલા અડધો ચહેરો જાણે જોનારને વશીકરણ કરતો હતો...
કાનમાં કુંદનના મોટા જડાઉ ઝૂમકા એના આખા કાનને ઢાંકી દેતા હતા. સાત હીરાની ઝળાહળા થતી મોટી ચૂંક અને આઠ આનાના સિક્કા જેવો ઓકરયલ્લો ચાંલ્લો એની કથ્થઈ પાણીદાર આંખો ઉપર એટલો તો શોભતો હતો કે એના ચહેરા પર એક વાર નજર પડે પછી હટાવવી અશક્ય બની જતી હતી...
અનુપમાએ ગાડીમાંથી ઊતરીને આસપાસ ઊભેલી ભીડ તરફ હાથ હલાવ્યો, ‘‘હોઓઓઓ...’’ ભીડમાંથી પોકાર ઊઠ્યો, ‘‘અનુપમા... અનુપમા...’’ ભીડ ચિયર કરી રહી હતી.
સાડીના પાલવને સંભાળતી, વાળ ઉપર એક હાથ ફેરવીને મોટું સ્મિત ફેંકીને અનુપમા કાચના દરવાજાઓ તરફ આગળ વધી.
અલયની સામે આવીને ઊભી રહી, અને અલયની આંખોમાં જોયું, ‘‘વિશ યુ ઓલ ધ બેસ્ટ.’’ અનુપમા અલયને ભેટવા આગળ વધી અને પછી કોણ જાણે શું વિચારીને અટકી ગઈ.
‘‘થેન્ક્સ...’’ અલયે બંને હાથે એના બે બાવડાં પકડ્યાં, ‘‘આ બધું તને આભારી છે. તેં હા ના પાડી હોત તો મારું સપનું અધૂરું રહી ગયું હોત.’’
‘‘એવું યાદ રાખજે.’’ અનુપમાએ બત્રીસ દાંત દેખાય એવું સ્મિત કર્યું, ‘‘જીવનભર... તારા જીવનભર...’’
‘‘તું કહે તો હમણાં તને પગે લાગું.’’ અલયના હાથ હજુયે અનુપમાનાં બાવડે હતા.
‘‘હું કહું એમ કરીશ ?’’ અનુપમાએ પૂછ્યું અને પછી શ્રેયા સામે જોયું, ‘‘અહીં જ, હમણાં જ...’’
‘‘તને કિસ કરું ?’’ અલયે અનુપમાની આંખોમાં જોઈને સીધો સવાલ કર્યો, ‘‘આની હાજરીમાં ?’’
‘‘મને વાંધો નથી.’’ શ્રેયાએ હસીને કહ્યું, ‘‘ઊભા રહેવાનો પણ વાંધો નથી ને ચાલ્યા જવાનો પણ વાંધો નથી.’’
‘‘તું ચાલી જાય તો મારી કિસનો સ્વાદ બગડી જાય.’’ અનુપમાએ કહ્યું, અને ત્રણે જણા હસી પડ્યા. અલયનું મગજ ઘણી બધી વસ્તુઓમાં વહેંચાયેલું હતું એટલે એને કદાચ ના સમજાયું, પણ શ્રેયાને અનુપમાના એ હાસ્યમાં એક બોદો રણકાર સંભળાયો.
એણે અનુપમાની આંખોમાં જોયું, એની આંખોમાં કશું એવું હતું, જે શ્રેયાને સમજાયું નહીં, પણ ડરાવી ગયું. એણે આગળ વધીને અનુપમાનો હાથ પકડી લીધો, ‘‘અનુ, આજનો દિવસ તારો છે. આ બધું જ તારે લીધે શક્ય બન્યું છે એ વાત હું પણ જીવનભર યાદ રાખીશ.’’
જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ અનુપમાએ ઝટકો મારીને શ્રેયાનો હાથ છોડાવ્યો અને એણે અલયની આંખોમાં જોયું, ‘‘કોઈ યાદ રાખે કે નહીં, મને તું યાદ રાખજે...’’ પછી જાણે ડૂમો ગળી જતી હોય એમ કહ્યું, ‘‘પ્લીઝ !’’ અને સડસડાટ અંદરની તરફ ચાલી ગઈ.
શ્રીજી વિલાથી ‘મેટ્રો’ સિનેમા જવા નીકળેલી મર્સિડિસમાં પાછળની સીટ પર બેઠેલાં વસુમાને જોતા સૂર્યકાંતની આંખો ધરાતી નહોતી.
સફેદ રંગની સોનેરી રેશમમાં વણેલી, જરી વગરની જામાવાર બોર્ડરની સાડી અને એવો જ રેશમી કોણી સુધીની બાંય ધરાવતો બ્લાઉઝ... ઢીલો અંબોડો, એમાં સૂર્યકાંતે જાતે બાંધેલો મોગરાનો ગજરો, લાલચટ્ટ ચાંલ્લો અને સાફ ડાઘ વગરની તગતગતી ત્વચા ! એ બધા ઉપરાંત એમના ચહેરામાં આજે કશું એવું હતું, જે વાતે એમનો ચહેરો ઝગારા મારી રહ્યો હતો. એ અલયનું સપનું પૂરું થયાની ખુશી હતી કે સૂર્યકાંત સાથે જીવનભર ઝંખેલી એક આવી સાંજ આજે જીવી રહ્યાનું સુખ હતું... પરંતુ એમના ચહેરાની આભા આજે કંઈક જુદી જ હતી. સ્ટ્રીટલાઇટ નીચેથી પસાર થતી ગાડીમાં રોશનીની એક ઝલક પડતી અને સૂર્યકાંત ફરી એક વાર વસુમા તરફ જોઈને ચકાચોંધ થઈ જતા હતા.
એમણે પોતાનો હાથ વસુમાના ખભે વીંટાળીને મૂક્યો હતો.
‘‘તું બહુ જ સુંદર દેખાય છે વસુ.’’
‘‘આ વાત તમે મને કેટલામી વાર કહી ?’’ વસુમાના ચહેરા પર એક સોળ વર્ષની છોકરી જેવું શરમાળ સ્મિત પ્રગટ્યું.
‘‘પચાસ વાર કહી.’’ સૂર્યકાંતે પોતાનો હાથ વસુમાના ખભા પર સહેજ દબાવ્યો, ‘‘અને હજી પચાસ વાર કહેવાનો છું. તને વાંધો છે?’’
‘‘મને શું કામ વાંધો હોય ?’’ વસુમાએ સૂર્યકાંતની આંખોમાં જોયું, ‘‘કોઈ પણ સ્ત્રી માટે એના પ્રિય પુરુષની નજરમાં દેખાતી આસક્તિ જ એના શૃંગારનો શિરપાવ હોય છે.’’
‘‘આ તું બોલે છે ? તો પછી તારું સ્વત્વ, તારું સ્વાતંત્ર્ય...’’ સૂર્યકાંત હસ્યા, ‘‘એ બધું ક્યાં ગયું ?’’
‘‘સ્વાતંત્ર્ય ? ’’ વસુમા હજી સૂર્યકાંતની આંખોમાં જોઈ રહ્યાં હતાં, ‘‘એવું કોણે કહ્યું કે સ્વતંત્ર સ્ત્રીને સ્નેહ નથી ગમતો ? કાન્ત, જિંદગીના છ દાયકા પૂરા થવા આવ્યા ત્યારે પણ તમે જે રીતે મારી સામે જુઓ છો એ નજર મને રોમરોમ ઝંકૃત કરી જાય છે !’’ એમણે શરમાઈને બારીની બહાર જોયું.
‘‘એમ ?’’ સૂર્યકાંતે એમને નજીક ખેંચ્યા, ‘‘મને તો એમ કે સ્વતંત્ર સ્ત્રીને સુંદરતાનું બહુ મહત્ત્વ નહીં હોય... સ્નેહ, શરમ અને સ્પર્શ સ્વતંત્ર સ્ત્રી માટે બહુ અગત્યના નહીં હોય...’’
‘‘પુરુષ એવું માની બેસે છે કાન્ત, ખરું પૂછો તો સ્વતંત્રતા અને સ્ત્રીત્વને પરસ્પર વિરોધી શબ્દ તરીકે શા માટે જોવા જોઈએ ? સ્ત્રી કોઈ પણ ઉંમરે સ્ત્રી જ રહે છે. ખાસ કરીને એના પતિ કે પ્રિય પુરુષ સામે શરમાવા માટે કે એના સ્પર્શમાં તરબત્તર થઈને ક્ષણેક માટે સ્વત્વને ભૂલી જવા માટે એ આખી જિંદગીનો સોદો કરવા તૈયાર થઈ જાય છે.’’
‘‘વસુ, ક્યારેક થાય છે કે આ વચ્ચેનાં વર્ષોમાં તારાથી દૂર રહીને મેં ઘણું ખોયું...’’ સૂર્યકાંતે ઊંડો નિઃસાસો નાખ્યો, ‘‘અને ક્યારેક થાય છે કે વિયોગનાં આ વર્ષોએ મને ખરા અર્થમાં તારી નજીક લાવીને મૂક્યો છે...’’
વસુમાએ એક શબ્દ બોલ્યા વિના સૂર્યકાંતના ખભે માથું ઢાળી દીધું. એ પછીનો ખાસ્સો સમય વસુમાના વાળમાં બંધાયેલો મોગરો સૂર્યકાંતના શ્વાસમાં મહેંકી રહ્યો.
‘‘મા...’’ વૈભવી વસુમાના ઓરડાના દરવાજા પાસે આવીને ઊભી હતી, સૂર્યકાંત વૈભવીને પૂછીને જૂહુમાં આવેલી કલા નિકેતનમાં ગયા હતા. વસુ આજે સાંજે એમની આપેલી સાડી પહેરે એવી સૂર્યકાંતની ઇચ્છા હતી.
‘‘મા...’’ વૈભવીએ ફરી કહ્યું. વસુમા કંઈ વાંચી રહ્યાં હતાં. એમણે વૈભવીની સામે જોયું અને પુસ્તક બંધ કર્યું.
‘‘આવ.’’
‘‘મા, હું...’’ વૈભવી અચકાઈ રહી હતી, પણ એણે હિંમત કરીને કહી નાખ્યું, ‘‘મારે કંઈ પૂછવું છે.’’
‘‘બોલ બેટા.’’
‘‘મા, આજે ઘરના બધા જ અલયભાઈની ફિલ્મના પ્રીમિયરમાં જશે...’’ એનો શ્વાસ અટક્યો, ગળું રૂંધાયું. એને આ વાત કહેવામાં ખૂબ તકલીફ પડતી હતી એવું સ્પષ્ટ દેખાતું હતું, છતાં એણે વીખરાતી જાતને ભેગીને કરીને ધીમેથી કહ્યું, ‘‘આપણે પ્રિયાને કહેવું જોઈએ?’’
‘‘બેટા, તું સહી શકીશ એને ? તને તકલીફ પડવાની હોય તો સામેથી...’’
‘‘મા !’’ વૈભવીએ વચ્ચે જ કહ્યું, ‘‘મને એના વિચારમાત્રથી તકલીફ થાય છે, એટલે હાજરીથી તો થવાની જ.’’ પછી ઊંડો શ્વાસ લીધો. એક ક્ષણ વસુમાની સામે જોઈ રહી અને ઉમેર્યું, ‘‘હું ઇચ્છું છું કે હું અભયને એક એવી વૈભવી દેખાડું જે એની કલ્પનાની બહાર હોય.’’
વસુમા હસી પડ્યાં. પછી પોતાની રોકિંગ ચેરમાંથી ઊભાં થયાં અને વૈભવી તરફ આગળ વધ્યાં. એની સાવ નજીક આવીને એમણે એના બે ગાલ પર બે હાથ મૂક્યા, ‘‘સાવ નાના બચ્ચા જેવી છે ! તને શું લાગે છે ? તારી તકલીફ અભયને નહીં દેખાય ? શા માટે ગૂંચવાડો ઊભો કરે છે ?’’
‘‘મા, હું સ્વીકાર તમારી જ પાસેથી શીખી રહી છું.’’ વૈભવીના ચહેરા પર સાચે જ બાળકી જેવું ભોળપણ હતું. વસુમાને એના પર વહાલ આવી ગયું.
‘‘સ્વીકાર ?’’ એમણે સ્મિત કર્યું, ‘‘અર્થ સમજે છે એ શબ્દનો? જેમાં ક્યાંય તકલીફ ના હોય, ક્યાંય પીડા ના હોય, નાનકડી પણ સમાધાનની લાગણી ના હોય, માત્ર અને માત્ર સમતા હોય, સંતુલન હોય, સ્પષ્ટતા અને સત્ય હોય ત્યારે એ સાચો સ્વીકાર બને છે. આવું વર્તન તો તારી તકલીફ અભય સુધી પહોંચાડવાનો એક રસ્તો છે બેટા!’’
‘‘હું તો એ જ કરવાનો પ્રયત્ન કરું છું, જે તમે કરો છો.’’ પછી સહેજ અટકીને સુધાર્યું, ‘‘તમે કર્યું છે.’’
‘‘બેટા, મેં કર્યું છે. આજે પણ કરું છું, કારણ કે મારો આત્મા એની સાથે સંમત છે. હું જે કરું છું તે મારી અંદરથી ઊગતું વર્તન છે... એના બદલામાં મારે કંઈ જોઈતું નથી. હું આમ કરીશ તો સામેની વ્યક્તિ આમ કરશે એવી ગણતરીથી કરાયેલો સ્વીકાર નથી આ... આ મારી જીવનશૈલી છે. મારા સિદ્ધાંત છે, મારા વ્યક્તિત્વનો ભાગ, મારી દૃઢ માન્યતા છે...’’
‘‘મા, હું સંમત નથી.’’ વૈભવીને ડૂમો ભરાઈ આવ્યો, ‘‘એટલું તો સ્વીકારું છું તમારી સામે. હું જે કરું છું તે જાતને મારીમચેડીને, તૈયાર કરીને એટલા માટે કરું છું કે મારો અભય મને પાછો મળે...’’ એની આંખો છલકાઈ ગઈ.
‘‘તો ના કર...’’
‘‘તો શું કરું ? અભય સાથે લડવા-ઝઘડવા કે એને બાંધવાના મારા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે.’’
‘‘શું કામ કરે છે એવો પ્રયત્ન ?’’
‘‘કારણ કે મને અભય પાછો જોઈએ છે.’’ વૈભવીનો અવાજ ઊંચો થઈ ગયો. એને લાગ્યું કે એનાથી છૂટ્ટે મોઢે રડી પડાશે, ‘‘કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે, મને મારો અભય જોઈએ છે મા.’’
વસુમાએ એને નજીક ખેંચી અને છાતી સરસી ચાંપી દીધી, ‘‘જે ગયું તે કદીયે પાછું આવતું નથી. સમય હોય કે સંબંધ...’’ એમણે સ્થિર અને શાંત અવાજે કહ્યું, ‘‘શા માટે તારી જાતને તકલીફ આપે છે ?’’
‘‘તો શું કરું હું ?’’ વૈભવીએ ચીસ પાડી અને સ્કિઝોફ્રેનિકની જેમ પોતાના બંને હાથ જોરજોરથી પોતાના માથા પર કૂટ્યા, ‘‘હું પાગલ થઈ જઈશ... મારે અભય જોઈએ. મા, મને કોઈ પણ સંજોગોમાં અભય પાછો જોઈએ છે... હું ખૂન કરી નાખીશ પ્રિયાનું અને નહીં તો આપઘાત કરીશ...’’
‘‘એથી અભય મળશે ?’’ વસુમાનો અવાજ હજી સ્વસ્થ હતો. વૈભવી હવે રડવા લાગી હતી...
‘‘મા, કંઈ પણ કરો, મને રસ્તો બતાવો. હું તમારા જેટલી સ્વસ્થ નથી. મારામાં સ્વીકાર નથી, ધીરજ નથી, શાંતિ નથી.’’ એ જોરજોરથી બોલી રહી હતી, ‘‘હું સ્વાર્થી છું, પઝેસિવ છું... મને અભય જોઈએ છે મા. મને મારો અભય જોઈએ છે...’’
વસુમાએ કંઈ જ જવાબ આપ્યા વિના એને રડવા દીધી. એ જાણતાં હતાં કે છેલ્લા થોડા દિવસથી વૈભવી જે વર્તન કરી રહી હતી એ એના મૂળ સ્વભાવની વિરુદ્ધ હતું. એક પ્રયત્ન તરીકે એને જરૂર બિરદાવી શકાય, પરંતુ એનો આ પ્રયત્ન બહુ લાંબો નહીં ચાલે એવી એમની ખાતરી આજે સાચી સાબિત થઈ હતી.
થોડી વાર રડી લેવા દીધા પછી વસુમાએ હડપચીથી પકડીને વૈભવીની આંખોમાં આંખો નાખી, ‘‘બેટા ! તેં જે કહ્યું તે બધું જ કદાચ મારામાં પણ હશે - કોઈ એક સમયે હું પણ કદાચ તારાજેવી હોઈશ... હું પણ વિચલિત થઈ હોઈશ, અકળાઈ હોઈશ, ઝઘડી હોઈશ.’’ અને સહેજ ભીના અવાજે ઉમેર્યું, ‘‘હૈયાફાટ રડી પણ હોઈશ જ... પણ દીકરા, બે-ચાર પ્રયત્નોને અંતે પરિણામ ના મળે એટલે પ્રયત્ન છોડી દેવો કેટલા અંશે યોગ્ય છે ?’’
વૈભવી એમની સામે જોઈ રહી, ‘‘ગર્ભમાં પિંડ બંધાતા પણ નવ મહિના થાય છે ને ? ગોટલી વાવો એના બીજા દિવસે કેરી ના ઊગે દીકરા... ઝાડની જેમ સંબંધને પણ ખાતર-પાણી અને સૂરજનો તડકો આપ્યા કરવો પડે. ધીરજથી રાહ જોવી પડે એના ઊગવાની...વિકસવાની... ફેલાવાની... અને વિસ્તરવાની !’’
વૈભવી સ્થિર નજરે એની સામે જોઈ રહી હતી. એમનો એક એક શબ્દ જાણે વૈભવીના તરફડતા મન ઉપર ઠંડો લેપ કરી રહ્યો હતો ! એણે વસુમાનો હાથ પકડ્યો અને ધ્રૂજતા અવાજે ધીમેથી કહ્યું, ‘‘હું રાહ જોઈશ... હું રાહ જોઈશ મા... જ્યાં સુધી મારા સંબંધનું વૃક્ષ પૂરેપૂરું વિકસીને મને પહેલું ફળ નહીં ચખાડે ત્યાં સુધી હું ધીરજથી ખાતર અને પાણી નાખતી રહીશ.’’ પછી હાથ છોડીને એ પાછી ફરી અને ઉપર જવા માટે બે-ચાર ડગલાં ભર્યાં હશે ત્યાં અટકીને પાછી આવી. વસુમાની નજીક ઊભી રહી. ક્ષણેક જોતી રહી અને પછી વાંકી વળીને એમના ચરણસ્પર્શ કર્યા.
‘‘મા, મને આશીર્વાદ આપો કે મારામાં તમારી જેમ જ શ્રદ્ધાનું ઝરણું અખૂટ વહેતું રહે.’’ પછી ઊભી થઈને એમની સામે જોયું, ‘‘અને વચન આપો કે જ્યારે જ્યારે એ ઝરણું સૂકાવા લાગશે ત્યારે ત્યારે તમે ફરી એક વાર એને વહેતું કરી આપશો.’’ પછી મોઢા પર હાથ દબાવીને, ડૂસકું લેતી એ સડસડાટ પોતાના રૂમ તરફ જતી સીડી ચડી ગઈ.
પ્રિયા પોતાના અપાર્ટમેન્ટના દીવાનખંડમાં તૈયાર થઈને બેઠી હતી...
એનું મગજ ચકરાવે ચડ્યું હતું.
બપોરે વૈભવીનો ફોન આવ્યો ત્યારથી એને સમજાતું નહોતું કે એનું મન કેમ આવી ડામાડોળ સ્થિતિમાં મુકાઈ ગયું હતું ?
‘‘જી મેડમ.’’ પ્રિયાએ વૈભવીનો નંબર જોઈને ડરતાં ડરતાં પોતાનો સેલ ઉપાડ્યો હતો.
‘‘પ્રિયા...’’ વૈભવીનો અવાજ એકદમ સ્વાભાવિક હતો, ‘‘સાંજે અલયની ફિલ્મનું પ્રીમિયર છે.’’
‘‘હું...’’ પ્રિયા શું સંબોધન કરવું એ વિચારીને સહેજ અચકાઈ, પછી ઉમેર્યું હતું, ‘‘હું અભયને યાદ કરાવી દઈશ.’’
‘‘એ તો હું પણ કરી દઈશ.’’ વૈભવી સહેજ હસી હતી, ‘‘તું તૈયાર થઈ જજે.’’
‘‘જી ?!?!’’ પ્રિયાને સમજાયું નહોતું કે વૈભવી શું કહી રહી હતી, ‘‘પણ મેડમ, હું ત્યાં...’’
‘‘પ્રિયા, તું અમારા કુટુંબની સભ્ય છે હવે. અમે બધાં જ્યાં જતાં હોઈએ ત્યાં તારે પણ આવવાનું જ હોય.’’ વૈભવીને લાગ્યું કે એનો પોતાનો અવાજ સહેજ બોદો અને ધ્રૂજતો હતો.
‘‘જી મેડમ.’’ પ્રિયાને આગળ શું કહેવું એ સમજાયું નહીં.
‘‘સાડા આઠે ?’’ વૈભવીએ પણ વાત ટૂંકાવી દીધી, ‘‘સાડા આઠે...’’
અભય, પ્રિયા અને વૈભવી ‘મેટ્રો’માં દાખલ થયાં ત્યારે ખીચોખીચ ભીડ જામી ગઈ હતી. લગભગ બધા જ આમંત્રિતો આવી ચૂક્યા હતા અને ફિલ્મ શરૂ થવાની તૈયારી હતી.
‘‘મા પહોંચી ગયાં ?’’ વૈભવીએ અલયને પૂછ્યું.
‘‘મા તમારી સાથે નથી આવી ?’’ અલયને નવાઈ લાગી. અભય બોલવા જ જતો હતો કે વૈભવીએ એના પગ પર પગ મૂક્યો.
‘‘મા તો...’’ અભય ચૂપ થઈ ગયો.
‘‘એ ટેક્સીમાં આવવાની છે ?’’ આ ત્રણેયને ભેગા જોઈને અલયને લાગ્યું કે કદાચ માએ એકલા આવવાનું નક્કી કર્યું હોય.
‘‘મા આવતાં જ હશે.’’ વૈભવીએ કહ્યું અને પછી અર્થપૂર્ણ સ્મિત કર્યું. બે દિવસથી ફિલ્મ અને રિલીઝ સિવાય અલય કંઈ વિચારી જ શક્યો નહોતો. ઘેર નહાવા-ધોવા જવાનો પણ સમય નહોતો મળ્યો એને...
આજે સવારે શૈલેષ સાવલિયાને ત્યાં એણે નાહીને સાથે લીધેલાં કપડાં બદલ્યાં હતાં. સૂર્યકાંત શહેરમાં આવી ગયાની એને કલ્પના સુધ્ધાં નહોતી.
અલયે ઘડિયાળ જોઈ. બાજુમાં ઊભેલા શૈલેષ સાવલિયાએ ધીમેથી અલયને કહ્યું, ‘‘વાંધો નહીં, આપણે રાહ જોઈશું થોડી વાર.’’
‘‘પણ મા ગઈ ક્યાં ?’’ અલયનું આ વાક્ય પૂરું થાય એ પહેલાં તો ‘મેટ્રો’ના બિલકુલ દરવાજા પાસે એક મેટલિક બ્લૂ કલરની મર્સિડીસ આવીને ઊભી રહી.
એનો દરવાજો ખૂલ્યો. સૂર્યકાંત મહેતા એ દરવાજામાંથી નીચે ઊતર્યા. પછી બીજી બાજુ જઈને એમણે સામેનો દરવાજો ખોલ્યો અને એ દરવાજામાંથી વસુમા ઊતર્યાં. સૂર્યકાંત મહેતાએ આગળની સીટમાં મૂકેલો ઓર્કિડ અને ગુલાબનો બનેલો મોટો બૂકે હાથમાં લીધો. પછી વસુમા તરફ જોઈને સ્મિત કર્યું. ઝૂંકીને એમને આગળ જવા કહ્યું.
વસુમા શરમાઈને એમની આગળ ચાલ્યાં અને સૂર્યકાંત બૂકે ઊંચકીને એમની પાછળ. બંને જણા અલયની સામે આવીને ઊભાં રહ્યાં ત્યાં સુધી અલય ડઘાયેલો-બઘવાયેલો આખુંય દૃશ્ય જોતો રહ્યો.
એ આગળ વધીને વસુમાને પગે લાગે તે પહેલાં વસુમાએ એને ખભામાંથી પકડીને છાતીસરસો ચાંપી દીધો. મા-દીકરો કેટલીયે વાર એકબીજાને ભેટીને ઊભાં રહ્યાં.
વસુમાએ અલયથી છૂટા પડીને સૂર્યકાંતના હાથમાંથી બૂકે લઈ લીધો. અલય ત્યાં જ ઊભો રહ્યો. સૂર્યકાંત વસુમાની પાછળથી એક ડગલું આગળ વધ્યા અને અલયની સામે આવીને ઊભા રહ્યા.
લગભગ સરખી ઊંચાઈના બાપ-દીકરો સામસામે ઊભા હતા. સૂર્યકાંત અલયની આંખોમાં જોઈ રહ્યા હતા.
બંને થોડી વાર એકબીજા સામે જોઈ રહ્યા અને પછી સૂર્યકાંત અલયને ખેંચીને ભેટી પડ્યા...
એક હાથ દૂર ઊભેલાં વસુમાએ આંખ મીંચીને છલકાઈ આવેલી આંખમાંથી સરી જતું ખુશીના આંસુનું ટીપું પોતાના પહેલી આંગળીના ટેરવા પર લીધું અને મનોમન ખુશીની એ પળ કૃષ્ણાર્પણ કરી.
(ક્રમશઃ)