mahamuli Bachat in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | મહામૂલી બચત

Featured Books
Categories
Share

મહામૂલી બચત

*મહામૂલી બચત*. વાર્તા... ૧૮-૫-૨૦૨૦

આ મહામારીમાં આર્થિક મુશ્કેલીનો સામનો મધ્યમવર્ગીય ને એવો પડ્યો છે કે એ કહી પણ ના શકે ને સહી પણ ના સકે...
અવિનાશ એક અઠવાડિયા થી સતત ટેન્શનમાં રેહતો હતો "અને ચીડીયો થઈ ગયો હતો... એ નાની નાની વાતમાં ખિજાઈ જતો હતો..
ના એ સુમન જોડે સરખી વાતો કરતો કે ના નાની ખંજન ને રમાડતો...
ના એનું ખાવાં માં ધ્યાન હતું કે ના સરખું નિરાંતે સૂઈ જતો આમ રઘવાયો બનીને ફરતો હતો ... "
સુમન આ બધું જોઈને મનમાં દુઃખી થતી ...
ઘણાં દિવસનાં ઉજાગરા પછી આજે અવિનાશ ની આંખો મિચાઈ ગઈ હતી..
બેડરૂમમાં થી સુમન રસોડામાં પહોંચી અને અવાજ ન થાય એમ એણે રસોડાનાં કબાટમાંથી દાળ, ચોખ્ખા અને મસાલા નાં ડબ્બાઓ પાછળ થી એક સ્ટીલનો ડબ્બો કાઢ્યો...
અને એ ઉભી થઈ અને એક ખાનામાં થી હિસાબ ની ડાયરી કાઢી અને લખવા બેઠી ...
પ્રિય અવિનાશ ...
પહેલાં તો માફી માગું કે આને પત્ર કહેવાય કે ચિઠ્ઠી એ વાંચીને ગુસ્સો કરતાં નહીં...
બીજું કે આપણે તો કોલેજમાં જ પ્રેમમાં પડી ગયાં હતાં અને આ સોસયલ મિડિયા નાં જમાનામાં પત્ર તો લખ્યો જ નથી એટલે આ મારો " પહેલો પત્ર " છે....
જે પ્રેમ પત્ર તો નથી જ... પણ આ મારો પહેલો પત્ર છે જે તને જ લખું છું...
આપણે લવ મેરેજ કર્યા અને આપણા બન્નેના માતા પિતાએ આપણો પરિત્યાગ કર્યો અને આપણે તારાં ભાઈબંધ ની ઓળખાણ થકી આ ભાડાનું મકાન લીધું અને તે સાહસ કરીને લોન લઈને લેથ નું કારખાનું શરૂ કર્યું એ કારખાનું પણ ભાડાની જગ્યા પર...
બે ચાર કારીગરો રાખી કામગીરી ચાલુ કરી અને તારી મહેનત રંગ લાવી આપણે ઘરમાં ઘરવખરી વસાવી તે હપ્તે બાઈક લીધું અને આપણું ગાડું દોડવા લાગ્યું અને આ ખંજન નો જન્મ થયો...
ખંજન આવી પછી તારું કામ થોડું વધારે થયું એટલે બીજું મશીન લીધું અને બીજા કારીગરો ને રાખ્યા..
ખંજન ત્રણ વર્ષ ની થઇ અને આ વખતે એને સ્કૂલ માં મૂકવાની હતી અને બાવીસમી માર્ચ થી દેશમાં લોકડાઉન થયું કારણકે આખાં વિશ્વમાં કોરોના મહામારી નો હુમલો થયો ...
સરકારે જાહેરાત કરી કે નોકરીયાત ને પગાર આપવાનો અને ભાડાની જગ્યા નું ભાડું માલિક નહીં લે...
પણ તું સ્વમાની અને દયાળુ તે કારીગરો ને પગાર આપી દીધો બે મહિના નો...
પણ આપણા મકાન માલિક ભાડા માટે માંગણી કરતાં તે બેંકમાં પડેલાં વીસ હજાર પણ ઉપાડી લીધાં અને ભાડું આપી દીધું... હવે કારખાનાં નાં શેડ નાં માલિક પણ તને ફોન કરી ભાડું માગ્યું તે એમને કહ્યું કે હું બે મહિના નું ભાડું આપી દઈશ પણ હવે મારે એ જગ્યા નથી જોઈતી હું એ જગ્યા ખાલી કરું છું પણ બધું ખૂલશે એટલે હું આવીને મારાં મશીનો લઈ જઈશ...
કારીગરો પણ બે મહિના નો પગાર લઈને ગામડે જતાં રહ્યાં...
રોજબરોજ નો ઘરનો ખર્ચ , ખંજન માટે દૂધ વિગેરે...
આજે માર્ચ થી મે મહિના સુધીમાં તારી પાસે જે હતું એ વપરાઈ ગયું હવે તું શું કરીશ એ ચિંતા માં તું ચિડાઈને ફરે છે...
પણ જાન ...
દરેક સ્ત્રી ને કુદરતી બક્ષિસ હોય છે કે.... પુરુષ કમાઈ જાણે અને સ્ત્રી અવેરી જાણે તો જ ઘર ચાલે...
તું ઘરખર્ચ માટે જે રૂપિયા આપતો હતો એમાંથી હું કરકસર કરી ને બચત કરતી હતી ગલ્લો નહીં પણ એક ડબ્બામાં ભેગા કરતી હતી તને ટેન્શનમાં જોઈ આજે એ મહામૂલી બચત ગણી તો અગિયાર હજાર એકસો ત્રીસ રૂપિયા નીકળ્યા છે એ તમને આપું છું એમાંથી લોકડાઉન ખૂલે એટલે તમે કંઈક નાનું સરખું સાહસ કરજો ઘરની ચિંતા નાં કરશો આપણે હજું એકાદ મહિનો ચાલે એટલું કરિયાણું છે..
અને બીજું આપણે ચા છોડી દઈશું એટલે ખંજન માટે એક થેલી દૂધ થઈ રહેશે અને મારી પાસે તમે ધંધો ચાલુ કર્યો પછી મારી બર્થડે માં આપેલી સોનાની ચેઈન અને બુટ્ટી છે એ પણ તમને આપું છું તમે હિમ્મત રાખી વિચારો અને સાહસ ખેડો હું તમારી સાથે જ છું ... રાબેતા મુજબ બજારો ખુલી જાય પછી હું પણ નાની મોટી નોકરી પા ટાઈમ કરીશ...
આ સાથે રૂપિયા અને ચેઈન બુટ્ટી આ પત્રમાં મૂકી ને આપું છું....
લિ... તમારી સુમન...
આમ પત્ર લખ્યો અને લખીને અવિનાશ નાં ઓશિકા પાસે પડેલા એનાં મોબાઈલ નીચે પત્ર મૂકી ને સુઈ ગઈ અને સવારે વહેલી ઉઠી નિત્યક્રમ પતાવી ને એ રસોઈ ઘર માં ખંજન ને દૂધ નાસ્તો કરાવતી હતી...
અવિનાશ ઉઠ્યો અને અડધી ઉંઘમાં એણે મોબાઈલ લેવાં હાથ લંબાવ્યો અને મોબાઈલ નીચે મૂકેલ પત્ર પણ હાથમાં આવ્યો એ સફાળો બેઠો થઈ ગયો અને એક જ શ્વાસે આખો પત્ર વાંચ્યો અને રૂપિયા અને ચેઈન બુટ્ટી હાથમાં લઈને રસોડામાં ગયો અને સુમનને ભેટીને ખુબ જ રડ્યો.....
અને કહેવા લાગ્યો કે એક સ્ત્રી જ પુરુષ ને સફળ બનાવે છે..
અને પોતાની આખી જિંદગી ની ભેગી કરેલી બચત એકજ ઝાટકે આપી દેવાની હિમ્મત સ્ત્રીઓ માં જ હોય છે...
ધન્ય છે એ દરેક સ્ત્રીને જે પોતાની બચત આમ જરૂર પડે આપે છે...
સુમન આ રૂપિયા એ મને હિમ્મત આપી છે ... હું પણ નોકરી કરીશ અને પા ટાઈમ આ રકમ મા થી જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવીને એનું ડોર ટુ ડોર વેચાણ કરીશ અને આ બચત ને ચાર ગણી કરીશ....
ભાવના ભટ્ટ અમદાવાદ....