આગળ આપણે કે જીંગાભાઈ બંને ટાયર લઈને પંચર કરાવવા ગયા. જીંગો પાછો આવે બાદ અમે પુષ્કરધામ તથા અજમેર જોવા જવા નીકળ્યા હતા.
હવે આગળ.....
અમે લગભગ સવારના સાડા નવ વાગ્યે અજમેરની એક ધર્મશાળામાં પહોંચ્યા.બધા નાહી પરવારીને સાડા દશની આસપાસ બસ પાસે પહોંચ્યા. નાસ્તાનો સમય બચ્યો ન હતો, એટલે ખાલી ચા પીને પહેલા અજમેર શરીફ દરગાહ જોવા નીકળી પડ્યા.
અજમેર દરગાહ એ એક મકબરા છે.જે સુફી સંતની કબર પણ કહેવાય છે.મોઈનુદ્દીન ચિશ્તી તેરમી સદીના સુફી સંત હતા. જે ઇરાનમાં જન્મેલા હતા.તેમણે દક્ષિણ એશિયા સહિત ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો હતો. આખરે તે અજમેરમાં કાયમી રહ્યા.આ સ્થળ પર જ મૃત્યુ થયું હતું.બાદમાં આ સ્થળ પર દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુગલુકે એક દરગાહ બનાવી.ત્યાર બાદ વખતો વખત આ જગ્યાનો વિકાસ વધતો ગયો.હાલ આ દરગાહ પૂરા ભારતમાં પ્રખ્યાત છે.અમે અહીંયા ભાવ પૂર્વક નમન કરી અનાસાગર તળાવ તરફ નીકળ્યા.
અનાસાગર તળાવ એક કૃત્રિમ તળાવ છે. આ તળાવ પૃથ્વીરાજ ચૌહાણના દાદા અરનોરાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આથી આ તળાવનું નામ અનાસાગાર તળાવ નામ રાખવામાં આવ્યું છે.આ તળાવ લગભગ 13 કિલોમીટર લંબાઇ ધરાવે છે.સરોવર પાસે ટેકરી પર એક હાઉસ છે,જે અંગ્રેજોનું રહેઠાણ હતું.આ તળાવની વચ્ચોવચ એક ટાપુ છે.ત્યાં બોટ દ્વારા જઈ શકાય છે.અહીંયા બોટિંગ ની પણ સુવિધા મળી રહે છે.હવે અમે બસ તરફ ચાલવા માંડ્યા.સવારે નાસ્તો ન કર્યો હોવાથી ભૂખ પણ બહુ લાગી હતી.
બપોરના ભોજન બાદ થોડો આરામ કરી અકબર પેલેસ કે જે હાલ સંગ્રહાલય છે ત્યાં પહોંચ્યા.
અકબર પેલેસ અથવા અજમેર સંગ્રહાલય એક ઐતિહાસિક વસ્તુઓ અને પ્રાચીન સમયને ઉજાગર કરતું સ્થળ છે.
અકબર પેલેસ અથવા સંગ્રહાલય એ અજમેરનું ફરવાલાયક અને જોવા લાયક સ્થળ છે.આ કિલ્લાનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરે શરૂ કરાવ્યું હતું.
અહીંયા અમે મુઘલ સામ્રાજ્ય સમયની ઘણી વસ્તુઓ નિહાળી અને અકબરના ઘણા ફોટોસ, પ્રાચીન વસ્તુઓ નિહાળી ચાલી નીકળ્યા ઢાઇ દિનકા ઝોપડા જોવા..
ઢાઇ દિનકા ઝોપડા અજમેરમાં પ્રખ્યાત સ્થળ છે.પર્યટકોની અહીંયા વિશેષ ભીડ જોવા મળે છે.આ એક સંસ્કૃત કોલેજ હતી,પણ હાલ મસ્જિદ છે. આ સ્થાપત્યમાં ઇસ્લામિક વાસ્તુકલાની શૈલી જોવા મળે છે. એવું કહેવાય છે કે આ સ્થાપત્ય બનાવવાનું કામ અઢી દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.આથી આ સ્થળને ઢાઇ દિનકા ઝોપડા તરીકે ઓળખવામાં આવે છે.
હવે અમે પુષ્કરધામ પહોંચ્યા.હિન્દુઓનું પવિત્ર અને પાવન ધામ છે.પુષ્કરધામ અજમેરથી લગભગ પંદર- સોળ કિલોમીટર દૂર આવેલ છે.અહીંયા જગતપિતા બ્રમ્હાજીનું મંદિર આવેલ છે.ભારતમાં બ્રહ્માજીના થોડા મંદિરો જ ભારતમાં આવેલ છે, જે પૈકીનું પુષ્કરનું આ મંદિર સુપ્રસિદ્ધ છે.
અહીંયા ભગવાન બ્રહ્માજીના મૂળ આકારની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.આખું મંદિર આરસના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ જગ્યા સમુદ્ર સપાટીથી લગભગ બેહજાર ત્રણસો એંસી ફૂટની ઊંચાઈએ આવેલ છે.અહીં બીજા પણ ઘણા પ્રખ્યાત મંદિરો છે.પુષ્કર પાસે પાંડવો દ્વારા ગુપ્તવાસ દરમ્યાન પાંચ કુંડ પણ બાંધવામાં આવ્યા છે.આ સ્થળ અગસ્ત્યઋષિ માટે પવિત્ર સ્થાન રહ્યું હતું. અહીંયા મહર્ષિ અગસ્ત્યઋષિ અને વામદેવની ગુફા પણ છે.બાજુમાં આવેલ નાગ પહાડની ટોચ પરથી એક બાજુ અજમેર છે,તો બીજી તરફ પુષ્કરનું મનમોહક ચિત્ર જોવા મળે છે.
એવું કહેવામાં આવે છે કે ભગવાન બ્રહ્માજીએ અહીં આવીને યજ્ઞ કર્યો હતો.હિન્દુઓના મુખ્ય તીર્થસ્થાનોમાં પુષ્કર એકમાત્ર એવું સ્થાન છે જ્યાં બ્રમાંડ પિતા બ્રહ્માનું મંદિર છે.અહીંયા બ્રહ્માજીના મંદિર ઉપરાંત સાવિત્રી,વરાહ, શિવ અને બદ્રીનારાયણનું મંદિર આવેલ છે,પરંતુ તે આધુનિક છે. અહીંના પ્રાચીન મંદિરો મોગલ બાદશાહ ઔરંગઝેબે તોડી પાડયા હતા.અહીંયા એક તળાવ પણ આવેલ છે.જેને પુષ્કર તળાવ કહેવામાં આવે છે.પુષ્કર તળાવના કાંઠે પાકા ઘાટ બાંધવામાં આવ્યા છે. અમે બધાએ આ તળાવમાં ડૂબકી લગાવી પવિત્રતાનો અહેસાસ કર્યો.અહીંયા દર વર્ષે એક મેળો ભરાય છે.આ મેળો આખા ભારતમાં પ્રખ્યાત છે.
પુષ્કરધામથી થોડે દૂર સુંદર વનરાઈ વચ્ચે સાંજના ભોજનની તૈયારી ચાલુ કરી દેવાઈ હતી. અમે બધા ત્યાં પહોંચ્યા.
"એય ડોબા આ તારા હગલાને (સગાને) ભગાડ ને."
"તે માછલી આ વાંદરા તારી પાહે (પાસે) જ કેમ આવે છે હે?"
"એ વાંદરાને જ પૂછી જોજો."
બસમાંથી ધોકો કાઢી જીંગો વાંદર પાછળ દોડ્યો. આગળ વાંદરાને પાછળ આ અમારો વાંદરો.
જીંગો ગયો એને ઘણો સમય થયો તો પણ પાછો આવ્યો નહીં.અમને ચિંતા થવા લાગી કે જીંગો ક્યાંક ભૂલો તો નહીં પડ્યો હોઈ ને?
બીજા બધા મિત્રોને જમવા બેસાડી હું તથા ભગતબાપા જીંગો જે તરફ ગયો હતો એ બાજુ ચાલવા લાગ્યા.હજુ થોડા આગળ ગયા હશું ત્યાં તો જીંગો ખૂબ ઝડપથી દોડતો આવતો દેખાયો.બહુ દોડ્યો હોઈ એવું એના ચહેરા પરથી દેખાઈ આવતું હતું.બહુ હાફતો હતો.અમને જોઈને જાણે એના 'જીવમાં જીવ' આવ્યો હોય એ રીતે થોડી રાહતનો શ્વાસ લીધો.
"કેમ જીંગા શું થયું?"
હાથના ઇશારાથી સમજાવતા કહ્યું કે પહેલા બસે ચાલો પછી કહું.
અમે બધા બસ પાસે આવ્યા.
"કા ડોબા શું થયું?
"એ બળબમ તું દર વખતે મને હેરાન કરી નાખે છે."
"પણ થયું શું? એ તો કહે જીંગા."
"રાજુભાઈ હું અહીંયાથી વાંદરા પાછળ દોડ્યો. હાથમાં આવે એટલા ને ધોકા ભઠેડ્યા (માર્યા).થોડો આગળ ગયો ત્યાં મારી પાછળ વીસથી પચ્ચીસ વાંદરા દોડયા.એ વાંદરાના અવાજ સાંભળી આગળ ભાગી રહેલ વાંદરા પણ મારી સામે આવવા લાગ્યા.પછી તો શું...મારે બંને બાજુથી આવતા વાંદરાની બચવા બીજી તરફ ભાગવું પડ્યું. ગધનાઓએ (કાઠિયાવાડમાં હરામીઓને ગધના કહેવાય) ઘણું દોડાવ્યો. હારું (સારું) કર્યું તમે ભેગા થયા એટલે એ ભાગી ગયા."
"જીંગા આલે થોડું પાણી પીલે પહેલા."પાણીનો ગ્લાસ આપતા ભગત બાપા બોલ્યા.
ભાઈએ પાણી પીધુંને થોડી વાર બસમાં લંબાવ્યું.
જીંગા સાથે અમે બધા એ હસતા હસતા ભોજન આારોગ્યું અને પછી બસમાં ગોઠવાયા.હવે અમારે સીધા સવારે મહેસાણા દૂધસાગર ડેરીના જોવા જવાનું હતું.
રાત્રે એક ચા પાણીનો વોલ્ટ કરી સવારે સાત વાગ્યાની આસપાસ ગુજરાત સરહદે પહોંચ્યા. ગુજરાત પ્રવેશ કરી એક પેટ્રોલ પંપ પાસે સવારનો નાસ્તો કરવાનું નક્કી કર્યુ.બધા બસમાંથી ઉતરતા હતા ત્યાં વિજય ભાઈ જીંગાને કહે કે ";લે તારે બસ શીખવી છે ને? આલે ચાવી."
જીંગો મુંજાઈ ગયો.
"કેમ અત્યારે આવું કીધું.મારે ક્યાં શીખવી છે?"
"તો રાત્રે કેમ શીખવા ગયા હતા."
"તમને કોણે કીધું?"
"કહે કોણ ડોબા... હું દરરોજ સાંજે બસના કિલોમીટર લખીને પછી જ નીચે ઉતરુ છું હો.મને તો સવારે બેઠો ત્યારે જ ખબર પડી ગઈ હતી પણ ત્યારે તું બસ ઉપર હતો એટલે કંઈ બોલ્યો નહીં. તમને કેટલી વખત કહ્યું કે બીજા રાજ્યમાં તમારે શીખવા નીકળવાનું નહીં.પણ તમે કોઈના બાપનું મનો નહીં ને!ગયા વખતે બોમ્બેમાં એક ઊંટ ગાડીમાં ઠોકી હતી.આ વખતે શું પરાક્રમ કર્યું એ તો કહે?"
"વિજયભાઈ આ વખતે તો એને જે સજા મળી એ જોતા હવે ક્યારેય બસની ડ્રાઇવિંગ સીટ પર બેસશે નહીં.."એમ કહી ત્યારે બનેલ આખી ઘટના કહી. વિજય ભાઈએ હસતા હસતા બસ ચલાવી મૂકી મહેસાણા તરફ.
અમે નવ વાગ્યાની આસપાસ દૂધસાગર ડેરીએ પહોંચ્યા.અમારા સર મહેસાણાના જ રહેવાસી, એટલે એમને એમના ભત્રીજા દ્વારા મંજૂરી લેવડાવી લીધેલ. અમે ડેરી જોવા અંદર ગયા.
દૂધ સાગર ડેરીના એશિયાની સૌથી મોટી ડેરી છે. જે લગભગ ચારલાખ પચાસહાજર આસપાસ દૂધ ઉત્પાદકોનું દૂધ એકઠું કરે છે.આ ડેરીની સ્થાપના 1963માં કરવામાં આવી હતી. અમે ડેરીના ઓટોમેટિક પ્લાન,દૂધની બનાવટો,મિલ્ક પેકિંગ વગેરે થોડા દૂર રહીને જોયું.આજ બપોરનું ભોજન અમારા સરને ત્યાં લેવાનું હતું એટલે બધા ચાલી નીકળ્યા દવાડા લીલાજીસરને ગામ.
બપોરે ચણાનું શાક,રોટલી,દાળ ભાત, છાશ જમી ગામમાં આવેલ મંદિરના દર્શન કરી ચાલી નિકળ્યા મોઢેરા સૂર્ય મંદિર જોવા.
સૂર્ય મંદિર મોઢેરા સ્થિત સૂર્ય દેવતાને સમર્પિત છે.હાલ આ સ્થળ ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા જાળવવામાં આવે છે.આ મંદિરમાં સૂર્યનું પહેલું કિરણ ગર્ભગૃહમાં પડે છે.અહીંયા સ્થંભમાં સુંદર કોતરણી કરેલ છે.મંદીરની બાજુમાં એક જળાશયમાં તળિયે નાના નાના મંદિર આવેલ છે. આ મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાની વ્યવસ્થા છે.આજુબાજુ સુંદર બગીચો પણ પ્રવાસીઓને આકર્ષે છે.
અહીંયાથી અમે બહુચરા માતાજીના દર્શને જવા નીકળ્યા.
બહુચરાજી માતાજીનું મુખ્ય મંદિર મહેસાણાના બહુચરાજી ખાતે આવેલ છે.આ મંદિર 1839માં બનાવવામાં આવ્યું છે.આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે.આ આખું મંદિર પથ્થરથી બનાવેલ છે. મંદિર પાસે અગ્નિ કુંડ પણ જોવા મળે છે. અહીંયા પ્રથમ પુત્રના પહેલા બાલમોવારાં કરવા પણ ઘણા લોકો આવે છે.શરદપૂનમને દિવસે બહુચરાજીથી નીકળી લગભગ ત્રણેક કિલોમીટર દુર આવેલ શંખલપૂર ગામે જાય છે.જે માતાજીનું પ્રાગટ્ય સ્થળ માનવામાં આવે છે. અમે બહુચર માતાજીના દર્શન કરી નીકળી પાડ્યા ચોટીલા.
ચોટીલા પાસે એક ડુંગર ઉપર ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલ છે.આ ડુંગર લગભગ એકહજાર એકસો પાચસ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે.અહિયાં મંદિરના ટ્રસ્ટ તરફથી અન્ન ક્ષેત્ર પણ ચાલે છે.જેમાં ભોજનનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.અમે ડુંગર ચડી માતાજીના દર્શન કરી ચોટીલા બજારમાં થોડી ખરીદી કરી બસ પાસે ગયા. અહીંયા સાંજનું ભોજન પુરી,ઊંધીયુ શાક,દૂધપાક આરોગ્યું અને પાછા ચાલી નીકળ્યા અમારી કોલેજ તરફ.રાતે બારેક વાગ્યે અમે કોલેજ પહોંચ્યા.આ સાથે અમારો પ્રવાસ પુર્ણ થયો.
મિત્રો આપ સૌના પ્રેમ,પ્રોત્સાહન અને પ્રેરણા ત્મક પ્રતિભાવો થકી આ હાસ્ય સાથે માહીતી પ્રધાન નોવેલ પુરી કરી શક્યો. આપ સૌ વાચક મિત્રોનો હૃદય પૂર્વક આભાર.
કંઈ પણ સલાહ સુચન હોઈ તો હંમેશા આવકાર્ય ..
અસ્તુ...
રાજુસર...
અહીંયા મારી પ્રવાસ ડાયરીના થોડા ફોટોસ પણ મુકું છું.જોકે ક્યાંક ચાલુ બસે અથવા ગાઈડ સમજાવતા હોઈ ત્યારે ખૂબ ઉતાવળથી લખવાનું થતા અક્ષર અવાચ્ય હશે...