આડત્રીસ
“મને હવે ખાતરી થઇ ગઈ છે કે શ્યામભાઈ મારો પીછો એટલે કરે છે કારણકે એમને મારી સાથે વાત કરવી છે, હું કઈ પરિસ્થિતિમાં છું એ જાણવું છે. મારી પર્સનલ લાઈફ તો હું અહીં કોઈની સાથે ડિસ્કસ નથી કરવા માંગતી પણ હું મારા ભાઈને ઓળખું છું અને એની મારા પ્રત્યેની ચિંતાને પણ ઓળખું છે. એને મારી સાથે ફક્ત એકજ વખત વાત કરવી છે, ભલે એ અત્યારે અંકલની ભાષામાં ગુંડાગીરી કરતા હોય પણ મારી સમક્ષ તો એ માત્ર એક ભાઈ બનીને જ વાત કરશે.
આવતીકાલે જ્યારે એ મારો પીછો કરશે ત્યારે હું જ એક જગ્યાએ રોકાઈ જઈને એમની સાથે વાત કરીશ. જ્યારે હું એમની સાથે વાત કરીશ ત્યારે સોનલ અને અંકલની વાત પણ એમની સાથે કરીશ અને એમને આ ખોટા કામ છોડી દેવાની સલાહ પણ આપીશ. હું મારી રીતે શ્યામભાઈને સમજાવવાની કોશિશ કરીશ કે એ અંકલને અને સોનલને કોઇપણ રીતે હાની પહોંચાડવાની કોશિશ ન કરે. હું કોઈ ગેરંટી તો નથી આપતી પરંતુ આઈ થીંક મને આ એક તક તો મળવી જોઈએ, જ્યારે મને ખબર પડી જ ગઈ છે કે આ મારા શ્યામભાઈ છે.” સુંદરીએ પોતાની વાત પૂરી કરતી વખતે કિશનરાજ સામે ખાસ જોયું.
સુંદરીના અવાજમાં રહેલી મક્કમતા જોઇને બાકીના ત્રણેયને માત્ર આશ્ચર્ય જ ન થયું પરંતુ રાહત પણ થઇ કે હજી થોડા સમય પહેલા પોતાનો ભાઈ ગુનાના માર્ગે જઈને પોતાનું જીવન બગાડી ચૂક્યો છે એ જાણ્યા પછી જે આઘાતમાં એ સરી પડી હતી તેમાંથી એ બહુ જલ્દીથી બહાર પણ આવી ગઈ અને તે હવે તેની સમક્ષ રહેલા સંજોગો સામે લડવા માટે પણ તૈયાર હતી.
વરુણને એ વાતનું વધુ આશ્ચર્ય થયું કે રવિવારે પ્રેક્ટીસ બાદ જે રીતે સુંદરી ડરીને તેને પોતાને ઘેર લઇ ગઈ હતી, એ જ સુંદરી હવે આટલી સ્વસ્થતા ધારણ કરી શકે છે. કદાચ એટલા માટે કારણકે તે દિવસે તેનો પીછો કરનાર કોઈ સામાન્ય ગુંડો ન હતો પરંતુ તેનો સગો ભાઈ હતો એની તેને હવે ખબર પડી ગઈ છે.
“ઠીક છે મને વાંધો નથી. તમે પર્સનલી એની સાથે કોઇપણ પ્રકારની ચર્ચા કરી શકો છો સુંદરી, પણ એણે મારી દીકરીનો પીછો કર્યો છે. ભલે એ મારી દીકરી છે પણ એ કોઈની પણ દીકરી હોત તો એ કાયદાનો તો ભંગ જ હોત એટલે જો એ પોલીસના હાથે ઝડપાયો તો... તમે સમજી શકો છો હું શું કહી રહ્યો છું. મારી સામે દુશ્મની કાઢે, મને કોઈજ વાંધો નથી પણ જો મારી દીકરીનો વાળ પણ વાંકો થયો તો...” કિશનરાજે છેલ્લું વાક્ય અધુરું રાખ્યું.
“સોનલને કે તમને પણ એ કશું ન કરે એ સમજાવવાની જવાબદારી મારી. હા પણ મેં કહ્યું એમ હું કોઈ ગેરંટી ન લઇ શકું. બાકી તમે કહ્યું એમ એમણે કાયદો તોડ્યો જ છે તો પછી એમના પર પગલાં લેવાવાં જ જોઈએ પણ અંકલ એક પ્રોમિસ આપશો?” સુંદરીએ કિશનરાજને પ્રશ્ન કર્યો.
“વેલ, હું પ્રોમિસ આપીશ કે નહીં એ તમારી રીક્વેસ્ટ સાંભળ્યા પછી જ કહી શકું.” કિશનરાજે સ્મિત કરતાં કહ્યું.
“ચોક્કસ. મારી એક જ રીક્વેસ્ટ છે કે જો આવતીકાલે શ્યામભાઈ સાથે મારી વાત થાય એ પહેલાં જ જો પોલીસ એમને સોનલનો પીછો કરવા માટે પકડી લે તો મારી મુલાકાત એમની સાથે પ્લીઝ ગોઠવી આપશો?” સુંદરીએ કિશનરાજને વિનંતી તો કરી જ પણ આમ કહેતાં એના બંને હાથ પણ આપોઆપ જોડાઈ ગયા.
“કેમ નહીં. જુઓ તમે મારી દીકરીની આટલી ચિંતા કરો છો તો એના પિતા તરીકે મારી પણ એક ફરજ બને છે કે હું તમારી ઇચ્છાને સન્માન આપું. પણ હા, સોનલ હમણાં તો મારી સાથે અહીં જ રહેશે. એના કોલેજ જવા અને ઘેર પાછા આવવાની વ્યવસ્થા હું કરી લઈશ. બીજું, એ મારા માટે, એઝ અ પોલીસમેન, ક્રિમીનલ હશે પણ જેમ મેં કહ્યું એમ હું એક પિતા પણ છું અને એક પિતાને ખબર હોય જ છે કે ભાઈ અને બહેન વચ્ચેનો સબંધ કેવો હોય છે.” કિશનરાજે સુંદરીને કહ્યું અને એમની આંખના ખૂણા ભીના થયા કારણકે એમને એમના પુત્ર વરુણરાજ અને સોનલબા વચ્ચેનો પ્રેમ યાદ આવી ગયો.
“થેન્ક્સ અંકલ. મને લાગે છે અમારે હવે નીકળવું જોઈએ.” સુંદરીએ કિશનરાજ સામે ફરીથી હાથ જોડ્યા અને કહ્યું.
“અરે! મેડમ, થોડો નાસ્તો તો કરી લો. સાડાત્રણ થયા છે અને તમે લોકોએ કશું નથી ખાધું.” સોનલબાએ સુંદરીને યાદ દેવડાવ્યું કે એમણે કશુંજ નથી ખાધું.
“હવે ભૂખ નથી સોનલ અને મેડમ ફક્ત કોલેજમાં, તમે મને કહ્યું હતુંને કે આપણી ઉંમરમાં વધુ ફરક નથી, તો મને તારી ફ્રેન્ડ જ ગણજે. વરુણ, તમે પણ.” સુંદરીએ સોનલબાને ઉદ્દેશીને કરેલી વાત વરુણ તરફ જોઇને પૂરી કરી.
સુંદરીએ સામેથી વરુણને ફ્રેન્ડ ગણ્યો. વરુણ માટે તો જાણેકે તેના પર અનરાધાર વરસાદ વરસી પડ્યો હોય એવું થયું. એનું રુવાડુંએ રુવાડું ફરકવા લાગ્યું. હ્રદય પર ભાર વધવા લાગ્યો અને ગળું સુકાવા લાગ્યું. સુંદરીના અચાનક આમ કહેવાથી એણે શું રિએક્શન આપવું તે વરુણને ખ્યાલ ન આવ્યો એટલે એ ફક્ત સુંદરી સામે જોતો જ રહ્યો.
“તો નીકળીએ?” સુંદરીએ ફરીથી વરુણ સામે જોઇને કહ્યું અને તે સોફા પરથી ઉભી થઇ.
“હેં? હા કેમ નહીં.” વરુણ હજી સોફા પર જ બેઠો હતો.
“તો ચલો?” સુંદરીને નવાઈ લાગી કે વરુણે જવાની હા તો પાડી પરંતુ તેમ છતાં તે કેમ હજી સુધી સોફા પર બેઠો રહ્યો છે.
“આવજો સુંદરી. જરા પણ ચિંતા ન કરતા, પણ ડુ ટેઈક કેર ઓફ યોરસેલ્ફ! વરુણ, જરા બે મિનીટ આવીશ? મારે તારી સાથે વાત કરવી છે.” કિશનરાજ પોતાના રૂમ તરફ વળ્યા.
સુંદરીએ આંખના ઈશારે વરુણને કિશનરાજને મળી આવવાની મંજૂરી આપી. વરુણ છેવટે સોફા પરથી ઉભો થયો અને યંત્રવત કિશનરાજની પાછળ દોરાયો અને એમની પાછળ જ રૂમમાં દાખલ થયો.
“જો વરુણ, સુંદરી અત્યારે ખૂબ ટેન્શનમાં છે અને ઈમોશનલી ડિસ્ટર્બ પણ છે. આમ જોઈએ તો કોઈની આવી પરિસ્થિતિનો લાભ લેવો એ એથીકલી ખોટું છે પણ એવરીથીંગ ઇઝ ફેયર ઇન લવ એન્ડ વોર! એટલે તું અત્યારે એને છેક ઘરે મૂકી આવ.” કિશનરાજે વરુણને સલાહ આપતાં કહ્યું.
“એ તો હું મુકવા જવાનો જ છું. અમે અમસ્તાંય કેબમાં જ આવ્યા છીએ.” વરુણે તરતજ જવાબ આપ્યો.
“ઉતાવળો ન થા અને મારી વાત ધ્યાનથી સાંભળ.” કિશનરાજે વરુણના ખભે હાથ મૂક્યો.
“જી અંકલ, સોરી!” વરુણે સ્મિત કરતાં કહ્યું.
“જો, સુંદરી અત્યારે ખૂબ ડિસ્ટર્બ છે પ્લસ અત્યારસુધી એણે કશું ખાધું પણ નથી. રસ્તામાં કોઈ એક જગ્યાએ કેબ ઉભી રાખીને તમારા બંને માટે લંચ પેક કરાવી લેજે. રિમેમ્બર, બંને માટે. એના ઘરે પહોંચીને બંને સાથેજ જમજો, ઓકે?” કિશનરાજે વરુણને આઈડિયા આપ્યો.
“ડન અંકલ! ચોક્કસ. અને થેન્ક્સ ફોર ધ આઈડિયા!” વરુણ કિશનરાજનો આઈડિયા સાંભળીને ખૂબ ખુશ થઇ ગયો.
“બસ, તો હવે જા એન્ડ ઓલ ધ બેસ્ટ!” કિશનરાજે વરુણ સાથે હાથ મેળવ્યા અને વરુણના ચહેરા પર સ્મિત છવાઈ ગયું.
વરુણ ચહેરા પર એ જ સ્મિત સાથે બહાર આવ્યો અને રોકાયો જ્યાં સુંદરી અને સોનલબા વાતો કરતા હતા. વરુણને આવતો જોઇને સુંદરી તરતજ સોનલબા સાથેની પોતાની વાત પૂરી કરીને ઉભી થઇ ગઈ.
“નીકળીએ?” વરુણમાં હવે કિશનરાજે રોપેલો આત્મવિશ્વાસ બોલી રહ્યો હતો.
“ચોક્કસ કેમ નહીં?” સુંદરીએ પણ તેનું ધારદાર સ્મિત આપ્યું.
“ભઈલા કેબ તો બુક કર?” સોનલબાએ ઉતાવળા વરુણને યાદ દેવડાવ્યું.
“મેઈન ગેઇટ સુધી ચાલતાં ચાલતાં કરાવી દઈશ બેનબા!” વરુણે વળતો જવાબ આપ્યો અને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો.
વરુણે ચાલતાં ચાલતાં જ કેબ બુક કરી. સુંદરી, વરુણ અને સોનલબા મેઈન ગેટ પર થોડો સમય વાતો કરતાં રહ્યા અને ત્યાંજ વરુણે બુક કરેલી કેબ આવી ગઈ. આ વખતે વરુણે ધ્યાન રાખ્યું કે પોતે ડ્રાઈવરની બાજુમાં બેસે અને સુંદરી પાછળની સીટ પર.
આ પાછળ બે કારણ હતા, એક તો એ કે વરુણ અને સુંદરી સાથે બેસે એવું કોઈ ખાસ કારણ એની પાસે ન હતું અને બીજું એ કે વરુણ જાણતો હતો કે જે આઘાતમાંથી સુંદરી બહાર આવી છે તે આઘાતનો સામનો કરવા તેને એકાંતની જરૂર હતી.
એક ત્રીજું કારણ પણ હતું વરુણ માટે જેણે તેને સુંદરીની બાજુમાં ન બેસવા માટે મજબૂર કર્યો હતો. વરુણને કિશનરાજે સલાહ આપી હતી કે સુંદરી અને વરુણ હજી સુધી જમ્યા નથી અને સુંદરી પર જે વિજળી અત્યારે ત્રાટકી છે તેને કારણે તેની ભૂખ મરી ગઈ હોય તે સ્વાભાવિક છે એટલે વરુણે સુંદરીના ઘરે પહોંચતા પહેલા બંને માટે લંચ પેક કરાવી લેવું.
પરંતુ વરુણને લાગ્યું કે જો એ વચ્ચે કોઈ રેસ્ટોરન્ટ પાસે કેબ ઉભી રાખશે તો સુંદરી સો સવાલ કરશે અને છેવટે એને ભૂખ નથી એટલે ખોટો ખર્ચ નથી કરવો એમ કહીને તે વરુણને લંચ પેક ન કરાવવા મનાવી લેશે અથવા તો એ લંચનું બિલ પોતે ચુકવવાની જીદ કરશે અને એ ના નહીં પાડી શકે. પરંતુ કિશનરાજે વરુણને સુંદરીની વધુ નજીક આવવા માટે જે અક્સીર આઈડિયા આપ્યો હતો એનો અમલ તો તેણે કરવાનો જ હતો એટલે એ અવઢવમાંથી કોઈ રસ્તો કાઢવો હોય તો તેનું સુંદરીથી અલગ બેસવું જરૂરી હતું.
કેબ હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર ઝડપથી દોડી રહી હતી અને આ રસ્તે સામાન્યતઃ ટ્રાફિક બહુ ઓછો હોવાને કારણે સુંદરીના ઘર સુધી પહોંચવા માટેનો સમય બહુ ઓછો રહ્યો હતો અને વરુણે હવે બહુ ઝડપથી નિર્ણય કરવાનો હતો કે તે લંચ બાબતે શું કરશે.
અચાનક જ એક અનોખો આઈડિયા વરુણના મગજમાં આવ્યો અને વરુણના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું.
==:: પ્રકરણ ૩૮ સમાપ્ત ::==