પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૨
વિરેનની કાર મુખ્ય માર્ગ પર આવી ત્યારે વરસાદનું જોર વધી ગયું હતું. આજનો વરસાદ એને ભયાનક લાગી રહ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે વરસાદનું આવું રોદ્ર રૂપ જોયું ન હતું. વીજળીના ચમકારા સાથે તેના દિલમાં પણ ડરનો ચમકારો થઇ રહ્યો હતો. કંપની સાથેની વફાદારી તેને આજે જવા માટે મજબૂર કરી ગઇ હતી. તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. વિદેશથી ડિલિગેશનને આજ સમય મળ્યો અને એમની સાથે જેણે જવાનું હતું એ આવા જ સમય પર બીમાર કેમ થયો? એવો અફસોસ વ્યક્ત કરતો વિરેન સંભાળીને કાર ચલાવી રહ્યો હતો. પોતાના લગ્ન હમણાં થયા ના હોત તો આ વિચાર આવ્યો જ ના હોત. તેણે લગ્ન પછી તરત જ રેતાને એકલી મૂકીને જવું પડ્યું હતું. તેને રેતા પ્રત્યે માન થઇ રહ્યું હતું. રેતાએ નારાજગીનો એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો ન હતો. તેના જેવી પત્ની પામીને પોતાને ખુશનસીબ માનતો વિરેન અચાનક વરસાદની એક ઝાપટથી કાર પરનો કાબૂ ગુમાવતા બચી ગયો. તેને વરસાદ, પવન અને અંધારાના માહોલમાં કારની આસપાસ કોઇ આકાર પીછો કરતો હોય એવો ભાસ થઇ રહ્યો. તેણે મનને રેતી તરફ વાળ્યું. રેતાને પોતાની કેટલી ચિંતા છે? તે નીકળતો હતો ત્યારે એક અજાણ્યો ડર તેને કોરી રહ્યો હતો. જો તરત પાછા ફરવાનું ના હોત તો તેને સાથે લઇને જ ગયો હોત.
કંપનીએ વિદેશના ડેલિગેશન માટે સુવિધાવાળી એક ખાસ એસી મીની બસની વ્યવસ્થા કરી હતી. અને તેમની સરભરામાં કંપનીના જુનિયર કર્મચારી રીલોકને મૂક્યો હતો. વિરેનનું કામ તેમને કંપનીના પ્લાન્ટની મુલાકાત કરાવવાનું અને જ્યાંથી ફળ ખરીદવામાં આવે છે એ સ્થળોની મુલાકાત કરાવવાનું હતું. વિદેશી કંપનીઓ કોઇપણ વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા બાબતે બહુ ધ્યાન રાખે છે અને સતર્ક રહે છે એ વાતની વિરેનને ખબર હતી. વિરેનને એમાં કંઇ ખોટું પણ જણાતું ન હતું. વિદેશી ડેલિગેશનને કંપનીની ફેક્ટરીમાં ફળોનો જથ્થો જોઇને સંતોષ માનવો ન હતો. જે જગ્યાએ ફ્રૂટ જેલ અને અન્ય ક્રિમ માટેના ફળોનું ઉત્પાદન થઇ રહ્યું હતું એની મુલાકાત પર ભાર મૂકી રહ્યા હતા. એટલે જવાબદાર વ્યક્તિનું હાજર રહેવું જરૂરી હતું. વિરેન કંપની દ્વારા જ્યાંથી ફળની ખરીદી કરવામાં આવતી હતી એ વિક્રેતાની અને કંપનીએ ભાડે રાખેલા કેટલાક ફળોના બગીચા હતા તેની મુલાકાતે ડેલિગેશનને લઇ જવાનો હતો. વિરેન એકલો જ કારમાં જવાનો હતો. ડેલિગેશન ત્યાંથી બીજી કોઇ જગ્યાએ જવાનું હતું એટલે વિરેને જાતે જ કાર લઇને જવાનું ગોઠવ્યું હતું. તેને લાગ્યું કે પોતાનો આ નિર્ણય બદલાયેલા વરસાદી વાતાવરણમાં યોગ્ય છે કે નહીં એ તો ભગવાન જાણે પણ પહોંચવું તો પડશે. તેણે કારની ઝડપ વધારી. પણ વારંવાર વરસાદના તોફાની ઝાપટાને કારણે તેણે ગતિને ધીમી કરવી પડતી હતી. તારાગઢનો રસ્તો પણ ઘાટીવાળો હતો. રસ્તામાં આવતા ચઢાણ-ઉતરાણ જોખમી હતા. એક-બે વખતે તો સામેથી આવતા મોટા વાહનોને કારણે વિરેનનો જીવ અધ્ધર થઇ ગયો હતો.
વિરેન ચાર કલાકની મુસાફરી પછી કંપનીની તારાગઢ ફેકટરી પર પહોંચ્યો ત્યારે ડેલિગેશન આવી ગયું હતું અને આરામ ફરમાવી રહ્યું હતું. વિરેને રીલોકને મળી તેમની મુલાકાતની બધી જ વ્યવસ્થા જોઇ લીધી. વિદેશથી આવેલા પ્રતિનિધિઓ પહેલાં ફેકટરીમાં ફર્યા. તેમણે ફ્રૂટ જેલ અને અન્ય ક્રિમ બનાવવાની આખી પ્રક્રિયા જોઇ. તેમને કંપની તરફથી ગુણવત્તા જાળવવા લેવાતા પગલાં ગમ્યા. વિરેનને થયું કે એક પરિક્ષામાંથી તો તે પાસ થઇ ગયો છે. હવે ફળોના બગીચા જોઇને તેની કંપનીને કેટલો મોટો ઓર્ડર મળે છે એના પર આધાર હતો. આ ઓર્ડરને કારણે કંપનીમાં એનું સ્થાન પણ મજબૂત થવાનું હતું. વિરેનને થયું કે પોતે પહેલાં એમ માનતો હતો કે આ ડેલિગેશન ખોટા સમય પર ક્યાં ટપકી પડ્યું છે. હવે તેને એમ લાગતું હતું કે આ બધો રેતાના શુભ પગલાંનો જ પ્રતાપ છે. તેના આગમન સાથે પ્રગતિની તક વધી રહી છે. રેતા યાદ આવતાની સાથે જ તે થોડો ઉદાસ થઇ ગયો. અહીંનું વાતાવરણ ખુશનુમા હતું. રેતા આ વાતાવરણમાં ખુશ થઇ ગઇ હોત. આ વિસ્તારમાં વરસાદ ઓછો હતો. અને એ કારણે પ્રકૃતિનું સૌંદર્ય ચોતરફ ખીલી ઉઠયું હતું. વિદેશી પ્રતિનિધિઓની આ મુલાકાત માટે સમય યોગ્ય જ હતો. ફળોનો પાક જોઇને વિદેશીઓ પ્રભાવિત થઇ ગયા. કુદરતી રીતે થતી ફળોની ખેતી જોઇને એમને વિશ્વાસ આવી ગયો હતો કે કંપની ગુણવત્તામાં કોઇ બાંધછોડ કરતી નથી.
વિરેન તેમને એટલી સરસ રીતે સમજાવી રહ્યો હતો કે ચારેય વિદેશી ખુશ હતા. કંપનીની મુખ્ય પ્રતિનિધિ ગ્રેટા બાર્કેએ વિરેનને હસીને પૂછ્યું:"તમને નવાઇ લાગતી હશે કે અમે આટલી તપાસ કેમ કરી રહ્યા છે નહીં?"
વિરેન કહે:"ના-ના, નવાઇ નહીં આનંદ થઇ રહ્યો છે. અને તમારે આ બધું જાણવું જ જોઇએ. તમે પ્રોડક્ટ ખરીદી રહ્યા છો એ તમારા ગ્રાહકો માટે છે. અને ગ્રાહકોને ગુણવત્તાવાળી વસ્તુ વેચી રહ્યા છો એ જાણવાની તમારી ફરજ છે. અમારી પણ ફરજ છે કે અમે સત્ય બતાવીએ. અમારે ત્યાં દરેક દુકાન પર બોર્ડ લગાવવામાં આવે છે કે 'ગ્રાહકનો સંતોષ એ જ અમારી સાચી કમાણી છે." એ દુકાનદાર વિશ્વાસ પર જાણીતી કંપનીની વસ્તુ વેચે છે. એ કોઇ કંપનીની મુલાકાત લેતો નથી. તમે બીજા દેશમાંથી આવો છો. તમારે આંખે જોઇને જ વિશ્વાસ કરવો જોઇએ."
વિરેનની વાતથી પ્રભાવિત થયેલી ગ્રેટાએ કહ્યું:"આપની વાત સાચી છે. અમને ખાતરી થશે તો જ અમે વિશ્વાસથી વેચી શકીશું. આખી દુનિયાને ખબર છે કે કયા ફળમાંથી કયા વિટામિન મળે છે. પણ એ વિટામિનનું પ્રમાણ અને તેના લાભ સ્ટાન્ડર્ડ સ્થિતિમાં મળે છે. એના ઉત્પાદનમાં જો કાળજી ના લેવાય અને પૂરતા વિટામિન ના હોય તો બધું કાગળ પરનો દેખાડો જ બનીને રહી જાય છે. ફળનું યોગ્ય રીતે ઉત્પાદન ના થાય અને એને કેમિકલથી તૈયાર કરવામાં આવે તો સ્કિન પર જે અસર થવાની હોય તે ના થાય. લાભની વાત તો બાજુ પર રહી પણ નુકસાન થવાની શક્યતા રહે. અમે આ બધું જોઇને સંતોષ પામ્યા છે. પણ એક વાત કહી દઇએ કે તમારી પ્રોડક્ટનું અમે વૈજ્ઞાનિક રીતે પૃથ્થકરણ કરીને જ અંતિમ નિર્ણય લઇશું..."
વિરેનને ગ્રેટા પ્રત્યે માન થઇ આવ્યું. તેણે હસીને કહ્યું:"ચોક્કસ. તમે અમારી પ્રોડકટની ચકાસણી કરી શકો છો..."
વિરેનને ખબર હતી કે ચકાસણી માટે તેમની કંપની તરફથી સેમ્પલ આપવામાં આવશે પણ આ કંપની તેમની જાણ બહાર બજારમાં વેચાતી તેમની પ્રોડકટની ખાનગીમાં ચકાસણી કરવાની છે. અને એ પછી જ નિર્ણય લેશે.
ફળોના બગીચા જોઇને પાછા ફરતી વખતે તારાગઢના સતમા ગામના એક જાણીતા મંદિર વિશે તેમને કોઇએ કહ્યું હશે. કદાચ રીલોકે જ તેમની સાથેની વાતમાં એનો ઉલ્લેખ કર્યો હશે એટલે ગ્રેટાએ તારાગઢના એ વિખ્યાત સતમા મંદિરની મુલાકાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. વિરેન એમને સતમા ગામના એ જ નામથી જાણીતા મંદિર પર લઇ ગયો.
મંદિરની મુલાકાત લઇ ગ્રેટાને ખુશી થઇ કે એમાં એક સામાન્ય સ્ત્રીની મૂર્તિને કોઇ દેવીની જેમ સ્થાપિત કરવામાં આવી હતી.
રીલોક તેની પાસેની જાણકારી આપવા લાગ્યો:"સતમા પરની શ્રધ્ધાને કારણે દૂરદૂરથી સ્ત્રીઓ પોતાની ઇચ્છાપૂર્તિ માટે અહીં આવે છે. કહેવાય છે કે સતમાની શરણમાં આવેલી સ્ત્રી નિરાશ થતી નથી. સતમાએ રાક્ષસો સામે પોતાના પતિની રક્ષા કરી હતી. અને એનો જીવ બચાવ્યો હતો. સદીઓ પહેલાં જંગલની એક આદિવાસી સ્ત્રીએ પોતાના દામ્પત્ય જીવન અને પતિના જીવની રક્ષા માટે રાક્ષસો સામે લડાઇ લડી હતી. અને સ્ત્રીશક્તિનો જ નહીં પોતાની પતિ ભક્તિનો પણ પરિચય આપ્યો હતો. એક રાક્ષસી સ્ત્રીને સતમાનો પતિ બહુ પસંદ આવી ગયો હતો અને એ તેની સાથે લગ્ન કરવા માગતી હતી. તેણે સતમાના પતિને પોતાની સાથે લઇ જવા રાક્ષસોની સેના સાથે હુમલો કર્યો હતો. પણ સતમા પાસેથી તે તેનો પતિ છીનવી શકી ન હતી. ત્યારથી સતમાને દેવીનો અવતાર માનીને પરિણીત સ્ત્રીઓ પૂજે છે. અને તેમની શરણમાં આવી પોતાના પતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. આ જંગલ વિસ્તારમાં સતમાને દેવી માનીને તેમનું વર્ષો પહેલાં આદિવાસીઓએ મંદિર બનાવ્યું હતું. એ કહાની કેટલી સાચી અને કેટલી ખોટી એ તો ઇતિહાસ જાણે પણ આ સતમાના દર્શન માટે સ્ત્રીઓ મોટી સંખ્યામાં આવે છે..."
રીલોકે જાણેલી-સાંભળેલી સતમાની વાર્તા બને એટલી ટૂંકમાં કહી દીધી. એ સાભળીને ગ્રેટા વિચારમાં પડી ગઇ. વિરેન પણ તેના ચહેરાના વિચિત્ર હાવભાવને આશ્ચર્યથી નિહાળી રહ્યો. જાણે એ વિચારી રહી હતી કે આવું બની શકે છે?
ગ્રેટાના મનમાં ચાલતા અંગ્રેજી વિચારોને કળી ગયો હોય એમ વિરેન અંગ્રેજીમાં બોલ્યો:"ગ્રેટાજી, અમારા દેશમાં આવી ઘણી પૌરાણિક વાર્તાઓ પ્રચલિત છે...."
ગ્રેટા બોલી:"હા, મેં પણ રામાયણ-મહાબારતની...."
વિરેન એને વચ્ચે જ અટકાવતાં બોલ્યો:"માફ કરજો...મહાબારત નહીં મહાભારત...."
"યસ, યસ, મહા....ભારતમાં કેટલીક સ્ત્રીઓની શક્તિ-ભક્તિની આવી વાર્તાઓ મેં પણ સાંભળી છે. પણ અમારે ત્યાં આ બધું માનવામાં આવતું નથી. અમારે ત્યાં ઘણા પતિ-પત્ની વચ્ચે મેરેજ નહીં કોન્ટ્રાકટ થાય છે. પણ ભારતમાં પત્નીઓ પતિવ્રતા હોય છે. લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે.....સરસ." ગ્રેટા ભારત વિશે ઘણું જાણતી હોય એમ બોલી રહી હતી.
"હા, મેમ, સતી સ્ત્રીઓ યમરાજ પાસેથી પણ પોતાના પતિનો જીવ બચાવવાની શક્તિ ધરાવે છે...." વિરેન કંઇક યાદ કરીને બોલ્યો.
"ગ્રેટ..." કહી ગ્રેટાએ પોતાની વાત પૂરી કરી પરત ફરવાનો ઇશારો કર્યો.
સાંજ સુધીમાં વિદેશી પ્રતિનિધિ મંડળ સાથે વિરેન અને કંપનીના માલિકોએ બે બેઠક કરી. વિરેનને થયું કે ગ્રેટા અને તેમની કંપનીના લોકો પ્રભાવિત થયા છે એટલે જો પ્રોડક્ટ તેમને યોગ્ય લાગશે તો એક્સપોર્ટનો મોટો ઓર્ડર મળશે અને મારું અહીં આ સંજોગોમાં આવવાનું સફળ થશે.
સાંજે નીકળતી વખતે રીલોક કહે:"વિરેન તું સવારે આવ્યો ત્યારે પણ અંધારું અને વરસાદનું વિધ્ન હતું. અત્યારે પણ જો વરસાદ ઘેરાયો છે અને અંધારું વધી રહ્યું છે. તું સાચવીને કાર ચલાવજે....અને ઘરે પહોંચીને મને મેસેજ કરી દેજે. રેતાભાભીને યાદ આપજે. શુભયાત્રા!"
"ઓકે..." કહી વિરેન કારમાં બેઠો. રીલોક તેને વિદાય આપી ફેકટરીમાં પાછો પ્રવેશતો હતો ત્યારે તેને ખબર ન હતી કે વિરેન ઘરે જવાને બદલે અત્યારે અન્ય કોઇ જગ્યાએ જવાનો હતો. અને વિરેનને ખબર ન હતી કે નિયતિ તેને કોઇ બીજા જ માર્ગે લઇ જવાની હતી...
વધુ બીજા પ્રકરણમાં...
***
ઓકટોબર -૨૦૨૦ સુધીમાં ૫.૩૮ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. તેમની સૌથી વધુ વંચાયેલી અને ૩.૨૪ લાખ ડાઉનલોડ થઇ ચૂકેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.