Kalakar - 25 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | કલાકાર - 25

Featured Books
Categories
Share

કલાકાર - 25

કલાકાર ભાગ – 25

લેખક - મેર મેહુલ

પલ્લવી અને પ્રતાપ પ્રશ્નચુચક નજરે અક્ષય સામે જોઈ રહ્યાં. અક્ષય શું કહેવા ઇચ્છતો હતો એ બંને સમજી નહોતાં શકતાં પણ અક્ષય જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો એ હાવભાવે બંનેમાં નવચેતન લાવી આપ્યું હતું.

“શું છે બોલો જલ્દી” પલ્લવીએ આતુરતાથી અક્ષયને ઢંઢોળીને કહ્યું.

“ગઈ રાતે મેહુલસરે મને બોલાવ્યો હતો” અક્ષયે સૂકા બરફની માફક ઠંડ સ્વરે કહ્યું, “તેઓએ મને જે માહિતી આપી છે અને અત્યારે પ્રતાપે જે માહિતી આપી છે, તેને જો પરસ્પર મેળવીએ તો કેસ પાણી જેવો સાફ છે”

“સવિસ્તાર જણાવો સર” પલ્લવીએ કહ્યું.

“ગજેન્દ્રસિંહ ઝાલા અને નરસિંહ વર્મા બંને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ખુરશી માટે આ બધું કરે છે. લોકો સામે તેઓની સારી છાપ ઉપસે એ માટે તે ફર્ઝી કેસ ઉભા કરે છે. જાતે જ ગેરકાયદેસર ધંધાને પ્રોત્સાહન આપે છે અને એ જ ભાષણોમાં આવા ધંધા બંધ થશે એવી બાંહેધરી આપે છે, પ્રતાપે કહ્યું એ મુજબ ગજેન્દ્રસિંહે જ ઓફિસરોની હત્યા કરાવી છે અને હવે એ આ બધો દોષ વિરલ ચુડાસમા પર થોપીને હીરો બનવા ઈચ્છે છે પણ આપણે એવું નહિ થવા દઈએ”

“આમ પણ તમે ઘણાં દિવસથી એક્શનમાં નથી આવ્યાં, તમારાં વિશે જેટલું સાંભળ્યું છે એ હજી દેખાયું નથી તો હવે એક્શનમાં આવવાનો સમય આવી ગયો છે” પલ્લવીએ ઉત્સાહિત થઈને કહ્યું.

“અત્યારે જોશથી નહિ પણ હોશથી કામ લેવાનો સમય છે, આપણને એનાં મનસૂબા વિશે જાણ થઈ ગઈ છે એ વાત તેઓને ખબર પડશે તો કોઈ નવો મુદ્દો દાખલ કરીને એ લોકો છટકી હશે. મારી પાસે એક જબરદસ્ત પ્લાન છે જેમાં એક તીરથી ઘણાં બધાં નિશાના લાગી જશે”

“જલ્દી કહો” પલ્લવીએ પૂર્વવત ઉત્સાહિત સ્વરે કહ્યું.

“કાલે રાત્રે મેહુલસરે આપેલી નરસિંહ વર્મા અને ગજેન્દ્રસિંહ ઝાલાની ફાઇલ મેં સ્ટડી કરી હતી. તેમાં એ લોકોએ જેટલાં કાંડ કર્યા છે તેનો હિસાબ હતો. તેઓએ બધાં જ ગેરકાયદેસર કામોને સિફત પૂર્વક અંજામ આપેલું છે. અમરગઢમાં કેમિકલ ફેકટરી બની એ વાતનો પણ તેમાં ઉલ્લેખ હતો. ઉપરાંત બંનેની એક કમજોરી પણ છે જેનો આપણે લાભ ઉઠાવીશું અને તેનાં જ મોઢે તેનો ગુન્હો કબૂલ કરાવીશું”

“શું છે તેઓની કમજોરી ?”

“એ જ જે બધાં પુરુષોની હોય છે, સુંદર યુવતીઓ. બંને રોજ નવી નવી યુવતીઓને લાવીને પોતાની રાતો રંગીન કરે છે, જો આપણે કોઈ એવી છોકરીને તેઓની પાસે મોકલીએ જે સિફતથી આપણું કામ કઢાવી શકે તો તેઓને એક્સપોઝ થતાં કોઈ નહિ રોકી શકે”

“પણ આપણે કેસને આટલો બધો લાંબો કેમ ખેચીએ છીએ ?, ગુન્હેગાર કોણ છે એ તો માલુમ પડી જ ગયું છે તો તેઓની ધરપકડ કેમ નથી કરતાં ?”

“પલ્લવી, મગજને થોડી તકલીફ આપ. એ નેતાના બચ્ચાએ એક કૉલ કરીને મને કેસમાંથી હટાવી દીધો છે તો તેઓની પહોંચ ક્યાં સુધી હશે એ તું વિચારી શકે છે. મારી પાસે જે ફાઇલ છે એ માત્ર એકઠી કરેલી માહિતી છે, એનાં આધારે આપણે તેઓની ધરપકડ ના કરી શકીએ. તેની ધરપકડ કરવા માટે યોગ્ય પુરાવો જોઈએ” અક્ષયે કહ્યું.

“થઈ જશે સર” પલ્લવી ચમકી, “તમે જેમ કહો છો એમ જ થશે, એ છોકરી ગજેન્દ્રસિંહ ઝાલાનાં પેટમાંથી બધી જ માહિતી ઓકાવી શકવાની કાબેલિયત ધરાવે છે”

“કોણ છે એ ?” અક્ષયે પૂછ્યું.

“મીરાં, આપણી જ ઑફિસર. મેહુલસરે તેનો ઇન્ટ્રો આપ્યો હતો ત્યારે તેઓએ શું કહ્યું હતું એ યાદ છે ને..!!!, મીરા સુંદર છે, શાતીર છે સાથે કરાટે ચેમ્પિયન પણ છે. આપણાં આ કામ માટે તેનાંથી બહેતર છોકરી કોઈ નહિ મળે”

“હા પણ એને ગજેન્દ્ર સુધી કેવી રીતે પહોંચાડીશું એનાં વિશે વિચાર્યું છે કંઈ ?” અક્ષયે પુછ્યું.

“એનો રસ્તો મારી પાસે છે ઑફિસર” આ વખતે પ્રતાપ બોલ્યો, “ હું એક વર્ષથી ગજેન્દ્ર પાછળ છું, એ ક્યાંથી છોકરીઓ લાવે છે તેની મને ખબર છે અને જે છોકરીઓની સપ્લાય કરે છે એને તમે લોકો પણ ઓળખો છો”

“કોણ કાજલ !?” પલ્લવીએ પુછ્યું.

“હા, કાજલ જ તેનાં સુધી છોકરીઓ પહોંચાડે છે. જો કાજલને દબોચી લેવામાં આવે તો આસાનીથી તમારી ઑફિસરને ગજેન્દ્ર સુધી પહોંચાડી શકીશું”

“એને દબોચવી અમારાં માટે ડાબા હાથનો ખેલ છે” પલ્લવીએ અક્ષય તરફ નજર કરી, હસીને કહ્યું.

“હા, એ તો હરપળ અમારી દેખરેખ નીચે જ છે” અક્ષયે પણ સ્માઈલ કરી.

જ્યારે અક્ષય અને પલ્લવી કાજલને મળવા ગયાં હતાં ત્યારે અક્ષયે કાજલનાં ઘરનાં સોફા પર એક માઇક્રોચીપ લગાવી દીધી હતી. આ ચિપ ડોમ કેમેરા જેવું કામ આપતી હતી. કાજલ ઘરમાં કઈ પણ હરકત કરે એ પલ્લવી અને અક્ષય પોતાનાં મોબાઈલમાં જોઈ શકતાં હતા.

“તો હવે આપણે છ લોકો છીએ, આપણે જ ગજેન્દ્રસિંહને માત આપવાની છે અને તેને એક્સપોઝ કરવાનો છે” પલ્લવીએ મક્કમ અવાજે કહ્યું.

“કાલે સવારે હું સર્કિટ હાઉસ બહાર સૌની રાહ જોઇશ, પહેલાં કાજલને દબોચી, મીરાને ગજેન્દ્રસિંહ સુધી પહોંચાડવાની યુક્તિ બનાવીશું, મીરાં ગજેન્દ્રસિંહની જબાને કરેલી કબૂલાત કેમેરામાં રેકોર્ડ કરી લેશે અને આપણે એ પુરાવો મીડિયા સુધી પહોંચાડીને ગજેન્દ્રસિંહ અને નરસિંહની લાઈફ બરબાદ કરી દઈશું” અક્ષયે ઊભાં થતાં કહ્યું.

પલ્લવી પણ અક્ષય સાથે ઉભી થઇ.

“અમે નીકળીએ હવે” પલ્લવીએ પ્રતાપ સાથે શેકહેન્ડ કર્યો.

“મારાં બે કોન્સ્ટેબલ સાથે શું કર્યું એ તો જણાવતી જા” પ્રતાપે હસવું હસીને પૂછ્યું.

“ઓહહ..સૉરી…એ લોકો પેલી વેનમાં બેહોશ પડ્યા છે. એક કલાકમાં હોશ આવી જશે”

પલ્લવી અને અક્ષય ફાર્મનાં ફાટક તરફ અગ્રેસર થયાં અને પ્રતાપ વાન તરફ .!!

*

અક્ષય કાચ સામે ઉભો હતો, તેણે ચહેરા પર નજર કરી. વાળ હવે ખભા સુધી પહોંચી ગયા હતા, થોડાં દિવસ પહેલાં ક્લીન શેવ કરેલી દાઢી ફરી આવી ગઈ હતી.

‘થોડાં જ દિવસોમાં તને ન્યાય મળી જશે ડિયર” અક્ષયે ભાવુક શબ્દોમાં કહ્યું. પલ્લવીનો ફોન આવ્યો એટલે કાચ પાસે લટકી રહેલાં લાંબા, ઘૂંટણ સુધીનાં બ્લેક કોટને પહેરીને અક્ષય સર્કિટ હાઉસ બહાર આવ્યો.

અડધી કલાક પછી બધા ‘પાર્થ બંગલો’ ની બહાર ઊભાં હતાં.

“પલ્લવી, તે મીરાંને બોલાવી લીધી છે ને ?” અક્ષયે પુછ્યું.

“બપોર સુધીમાં એ પહોંચી જશે સર” પલ્લવીએ કહ્યું.

“ગુડ… હું અંદર જાઉં છું, હું અવાજ આપું એટલે તમે લોકો અંદર આવી જજો” અક્ષયે કહ્યું. બે કોન્સ્ટેબલ, એક ઇન્સ્પેક્ટર અને પલ્લવીએ એક સાથે માથું ધુણાવ્યું.

અક્ષય દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો. પરસાળમાં વિપુલ બેઠો બેઠો ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો.

“કોનું કામ છે મિસ્ટર ?” વિપુલે ન્યૂઝપેપરમાંથી ડોકું ઊંચું કરીને પુછ્યું.

“કાજલનું” અક્ષયે કહ્યું.

“કાજલ…તને કોઈ મળવા આવ્યું છે” વિપુલે કાજલને સાદ કર્યો, “બેસો એ થોડીવાર આવશે”

અક્ષય જઈને વિપુલની સામેની લાંબી ખુરશીમાં બેસી ગયો.

“ઓહહ, અક્ષય..!!!” કાજલ બહાર આવતાં બોલી, “ તને જોઈને આનંદ થયો”

“આનંદ જ થયો હોય તો એનાં માટે કોફી લઈ આવ” વિપુલે હળવું હાસ્ય રેળ્યું, “મહેમાનને એમને એમ જ બેસારી રાખીશ કે શું ?”

“ઓહહ, સૉરી.. હું આવું થોડીવારમાં”

કાજલે જતાં જતાં અક્ષયને અંદર આવવા ઈશારો કર્યો. કાજલનાં ગયાંનાં એક મિનિટ બાદ અક્ષય વોશરૂમનું બહાનું બનાવીને ઘરમાં પ્રવેશ્યો.

“તું અહીં શા માટે આવ્યો છે ?” કાજલ અકળાઈને બોલી, “ જ્યારે કામ કરવાનું હશે ત્યારે હું જ તારો સંપર્ક કરીશ”

“હું તારું કોઈ કામ નથી આવ્યો, તને અરેસ્ટ કરવા આવ્યો છું” અક્ષયે કહ્યું.

“હાહાહા, શું બકવાસ કરે છે ?” કાજલ હસી, “આરાધનાને ભૂલી ગયો કે શું ?”

“હું કોઈને નથી ભુલ્યો, તે જ્યારે તારી હવસ માટે આરાધના સાથે ઝઘડો કર્યો હતો એ વાત પણ નહીં અને એક વ્યક્તિ સાથે મળીને આરાધનાનું ખુન કર્યું એ વાત પણ નહીં, આ તો આરાધનાએ તને કશું ન કરવા માટે પ્રોમિસ આપેલું નહીંતર બે વર્ષ પહેલાં તું પરલોક પહોંચી ગઈ હોત”

“મતલબ..મતલબ” કાજલની જીભ થોઠવાવા લાગી, તેનાં કપાળે પરસેવો વળી ગયો, “તને બધી જ ખબર છે ?”

“હા, મને બધી જ ખબર છે. કેવી રીતે તે તારી સગી બહેનને બ્લેકમેલ કરી, એનો ઉપયોગ કર્યો અને ટ્રક એક્સીડેન્ટમાં હત્યા કરાવી દીધી. જે દિવસે હિમાંશુ અને જીગરને તમે લોકોએ ટ્રક એક્સીડેન્ટમાં મરવી નાંખ્યા, એ જ દિવસે મને ખબર પડી ગઈ હતી કે આ બધાં કારનામાં તારાં જ છે” અક્ષય પૂર્વવત ગુસ્સામાં બોલ્યો. તેની આંખો લાલ થઈ ગઈ હતી. ચહેરો તંગ જણાતો હતો.

“અહીં શા માટે આવ્યો છે તો ?” કાજલ શાંત સ્વરે બોલી, “તને બધી ખબર હતી તો પણ તે મને કશું નહોતું કર્યું મતલબ હું તારાં કામમાં આવી શકું એમ છું, બોલ જલ્દી હવે”

“ગજેન્દ્રસિંહ ઝાલા..!!!” અક્ષયે કહ્યું, “ તું છોકરીઓ સપ્લાય કરે છે ને એને”

“તને કેવી રીતે ખબર પડી ?” કાજલને ઝટકા પર ઝટકા લાગી રહ્યા હતાં.

“એ તારે જાણવાની જરૂર નથી, તારે અમારી એક ઓફિસરને ગજેન્દ્રસિંહ સુધી પહોંચાડવાની છે”

“એનાં બદલામાં મને શું મળશે ?” કાજલે પુછ્યું.

“આઝાદી, બધાં કેસમાંથી તારું નામ હટાવી લેવામાં આવશે.. તે ઘણી બધી હત્યાઓ કરાવી છે એ હું જાણું છું, એ બધી હત્યાઓનાં કેસમાંથી તારું નામ હટાવી લેવામાં આવશે”

“મને મંજુર છે” કાજલે કહ્યું.

“ગુડ, મારાં કોલની રાહ જોજે અને કોઈ પણ ચાલાકી ના કરતી, તારાં પર સતત મારી નજર છે” કહેતાં અક્ષય ઉભો થઇ ચાલવા લાગ્યો.

(ક્રમશઃ)

નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.

- મેર મેહુલ

Contact info.

Whatsapp No. – 9624755226

Instagram - mermehul2898